Aapnu Gujarat
ગુજરાત

હાર્દિકના ઉપવાસમાં મેવાણી, અલ્પેશ હાજરી નહીં આપે

હાર્દિક પટેલે અનામતની માંગણીને લઇ ફરી એકવાર તા.૨૫ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે, જેમાં જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પણ જોડાવાની આશા વ્યકત કરી હતી પરંતુ તાજેતરમાં આરટીઇ અને દારૂના મુદ્દે જનતા રેડમાં તેને સાથ આપનાર અલ્પેશ ઠાકોર અને દલિત જીજ્ઞેશ મેવાણીએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી કે, અમે હાર્દિકના ઉપવાસ આંદોલનમાં જોડાવાના નથી. પરંતુ અમારી શુભેચ્છા તેની સાથે રહેશે. બીજીબાજુ, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને અટકાવવા રાજય સરકારે હવે કાયદાકીય સલાહ સહિતના વિકલ્પો પર કવાયત શરૂ કરી છે અને એ દિશામાં અસરકારક ચક્રો ગતિમાન કર્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પાટીદારોને અનામત આપવાના મુદ્દે તા.૨૫ ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ઘોષણા કરી હતી તેમજ પાટીદાર અનામત આંદોલનને ઓબીસી આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને દલિત નેતા તથા અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ ટેકો આપીને આંદોલનમાં જોડાશે એવી આશા પણ વ્યકત કરી હતી. જો કે, આ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બંધારણ મુજબ તમામને અધિકાર મળે એવી વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ. પરંતુ હાર્દિક પટેલના આંદોલનમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, હાર્દિકના આંદોલનમાં જોડાવાનો સવાલ નથી. આમ છતાં અમારી શુભેચ્છાઓ તેની સાથે હશે. આ જ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, મગરની ચામડી વાળી આ સરકાર સામે ઉપવાસ આંદોલનની જરૂર નથી. પરંતુ લડાઈની જરૂર છે. હાર્દિકના આંદોલનને અમારી પણ શુભકામના છે. હાર્દિક સાથે આંદોલનમાં સાથે બેસવા મુદ્દે મેવાણીએ નનૈયો ભણી વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું. બીજીબાજુ, બંને યુવા નેતાઓ આંદોલનમાં જોડાવાના નથી તે મુદ્દે હાર્દિક પટેલને પૂછાતાં તેણે ફરી આશા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, તા.૨૫ ઓગસ્ટથી શરૂ થતા પાટીદાર અનામત આંદોલન પાર્ટ ૨ અંગેના આમરણાંત ઉપવાસમાં અલ્પેશ ઠાકોર અને મેવાણીનો સહયોગ મળશે. આ અંગે બે દિવસ પહેલા પણ અલ્પેશ ઠાકોરના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે અને જીજ્ઞેશ મેવાણીએ ક્યારેય પાટીદાર અનામત મુદ્દાનો વિરોધ કર્યો નથી. ગઈકાલે હાર્દિક પટેલે તેના ઓફિશિયલ ફેસબુક-પેજ પર જણાવ્યું હતું કે ૨૫ ઓગસ્ટે પાટીદાર ક્રાંતિ દિવસ છે અને તે દિવસથી હું પાટીદાર સમાજને અનામત આપવાની માગણી સાથે અન્ન ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ પર ઊતરીશ. હાર્દિકે કહ્યું હતું કે હવે આ આરપારની છેલ્લી લડાઈ છે, કાં તો મારો જીવ જશે, કાં તો અનામત મળશે. હાર્દિક પટેલે આ જાહેરાતની સાથોસાથ એમ પણ કહ્યું કે અનામત, બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલીઓ મારી પ્રાથમિક લડાઈ છે, પરંતુ ગુજરાતમાં જનતાને લગતો કોઈ મુદ્દો હશે તો હું એ મુદ્દાની લડાઈમાં પહેલો ઊભો રહીશ.’ બીજીબાજુ, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને અટકાવવા રાજય સરકારે હવે કાયદાકીય સલાહ સહિતના વિકલ્પો પર કવાયત શરૂ કરી છે. તો, સાથે સાથે સરકાર આ સમગ્ર મામલે કોઇ ચોક્કસ એકશન પ્લાન ઘડે તેવી પણ શકયતા છે.

Related posts

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફેઝ-૨ તૈયાર કરવાની જાહેરાત

aapnugujarat

PM Modi offers prayers at the Ashapura Mata

aapnugujarat

छोटा उदेपुर क्षेत्र में भारी बारिश से जलभराव की स्थिति पैदा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1