Aapnu Gujarat
બ્લોગ

મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ રામનાથ કોવિંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણનું જમા પાસું એ છે કે, તેઓ એવી જગ્યાએથી લિસ્ટ બનાવવાનું શરુ કરે છે જ્યાં વિરોધીઓ તેમની યાદી પૂર્ણ કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને છેલ્લાં કેટલાક સમયથી જે નામો પર અટકળો ચાલી રહી હતી તે બધાં પર પૂર્ણવિરામ મૂકવાની સાથે પીએમ મોદીએ નવું નામ આગળ કરી ફરી એકવાર રાજકીય પંડિતોને વિચારતા કર્યાં છે. આ નામ છે બિહારના વર્તમાન રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા રામનાથ કોવિંદનું. એનડીએના કેટલાક સાથી પક્ષો કદાચ અન્ય કોઈ વ્યક્તિના નામ ઉપર વાંધો ઉઠાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી. પરંતુ રામનાથ કોવિંદના નામ ઉપર બધાએ સહમતિ વ્યક્ત કરી છે. જોકે હવે કોવિંદનું નામ જાહેર કરાયા બાદ સોથી મોટી સમસ્યા વિપક્ષ માટે સર્જાઈ છે. નીતિશ સહિત અન્ય વિરોધ પક્ષો માટે પણ કોવિંદના નામનો વિરોધ કરવા કરવા માટે કોઈ નક્કર કારણ નહીં હોય. કારણકે રામનાથ કોવિંદનો વિરોધ કરવો એટલે દલિતના નામનો વિરોધ કરવો.વિપક્ષોએ સરકાર સમક્ષ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ત્રણ ‘સ’ના સૂત્રની શર્ત રાખી હતી. જેમાં ઉમેદવારનું સેક્યુલર હોવું, સંવિધાનમાં આસ્થા ધરાવવી અને સંસદીય પ્રણાલીમાં વિશ્વાસ વ્યક્ત કરવો મુખ્ય શરત હતી. વર્તમાન સમયમાં કોવિંદ એક સંવૈધાનિક પદ ઉપર છે અને કોઈ પણ વિવાદ સાથે તેમનો સીધો કે આડકતરો સંબંધ નથી. ઉપરાંત સંસદીય પ્રણાલીમાં પણ તેમનું યોગદાન સરાહનીય રહ્યું છે.દલિત રાજનીતિને પ્રાધાન્ય આપતી રાજકીય પાર્ટીઓ અને ખાસ કરીને માયાવતી માટે પણ કોવિંદના નામનો વિરોધ કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી.કાનપુર જિલ્લાના ડેરાપુર તાલુકાના પરૌખ ગામમાં જન્મેલા રામનાથ કોવિંદ સાદગી માટે સુખ્યાત છે. સાધારણ સ્થિતિના પરિવારના રામનાથ કોવિંદે પાંચમા ધોરણ સુધીનું ભણતર ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યાર પછી એલએલબી સુધીનો અભ્યાસ કાનપુર શહેરમાં કર્યો હતો. રામનાથ કોવિંદને નજીકથી ઓળખતા લોકો તેમના વખાણ કરતાં થાકતા નથી. તેમના ભાઈ પ્યારેલાલ ઝિંઝક પરૌખ ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે.ફૅમિલીમાં સૌથી નાના ભાઈ રામનાથ કોવિંદ બે વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમણે ૨૦૧૦-’૧૧માં સંસદસભ્ય તરીકે તેમને ફાળવાતા ભંડોળમાંથી પરૌખ ગામના પરંપરાગત ઘરને સાર્વજનિક પ્રવૃત્તિઓ માટેનું કમ્યુનિટી સેન્ટર બનાવ્યું હતું. રામનાથ કોવિંદ દલિતોમાં લઘુમતી મનાતા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. રામનાથ કોવિંદ વકીલ તરીકે દલિતોને કાનૂની સહાય પણ કરતા હતા.રામનાથ કોવિંદ વિશે તેમના મિત્ર પી. એન. દીક્ષિતે જણાવ્યું હતું કે ‘રામનાથ કોવિંદ ૧૯૯૪માં સંસદસભ્ય બન્યા પછી કલ્યાણપુરમાં ભાડાનું ઘર શોધતાં મને મળ્યા હતા. તેઓ સાવ સામાન્ય વ્યક્તિની માફક આવ્યા અને પૂર્ણ નમ્રતાપૂર્વક ઘર ભાડે લીધું હતું. અમારું કુટુંબ રામનાથ કોવિંદને બંગલો ભાડે આપવા ખુશીથી સંમત થયું હતું. તેઓ દસ-બાર વર્ષ એ ઘરમાં રહ્યા. તેમની સાદગી એવી હતી કે સરકાર તરફથી તેમને ખટારાછાપ કાર ફાળવવામાં આવી હતી છતાં તેઓ કોઈ ફરિયાદ કર્યા વગર એમાં પ્રવાસ કરતા હતા. આજે પણ રામનાથ કોવિંદ અમારા પરિવારના સભ્ય જેવા છે.’
હાલમાં એ બંગલો કૅરટેકર કુસુમા રાઠૌર હસ્તક છે. કુસુમાએ જણાવ્યું હતું કે સાહેબ કેટલાક મહિના પહેલાં બે કલાક માટે એ બંગલાની મુલાકાતે આવ્યા હતા.આરએસએસની શાખામાં રામનાથ કોવિંદના નિકટના સાથી રહેલા શિક્ષક રમાકાંત શુક્લાએ રામનાથના સ્વભાવની સરળતા વિશે જણાવ્યું હતું કે ‘તેઓ સંસદસભ્ય બન્યા પછી સુધ્ધાં કોઈ પણ વ્યક્તિ તેમને સરળતાથી મળી શકતી હતી. સામાન્ય નાગરિકોની ગૅસ-કનેક્શન અને અન્ય સમસ્યાઓ તેઓ તાત્કાલિક ઉકેલતા હતા. વાંચન-લેખનના શોખીન રામનાથ કોવિંદ ૨૦૧૬ના ઑક્ટોબર મહિનામાં ચૌબેપુર ગામમાં એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. એ કાર્યક્રમમાં મહિલાઓને ધાબળા વહેંચવાના હતા, પરંતુ કાર્યક્રમ લાંબો ચાલતાં ઘણું મોડું થઈ ગયું હતું. આયોજકો કાર્યક્રમ આટોપી લેવાની તૈયારી કરતા હતા ત્યારે રામનાથ કોવિંદે સામેથી રમાકાંત શુક્લાને પૂછ્યું હતું કે મહિલાઓને ધાબળા વહેંચવા નથી? રામનાથ કોવિંદ છેવટે ધાબળા વહેંચીને ત્યાંથી રવાના થયા હતા.બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદની પસંદગી ૧૭ જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના એનડીએના ઉમેદવાર તરીકે કરીને બીજેપીએ આશ્ચર્ય સરજ્યું હતું. વકીલમાંથી રાજકારણી બનેલા ૭૧ વર્ષના રામનાથ કોવિંદની પસંદગીને બીજેપીનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે.દલિત અને બિનવિવાદાસ્પદ હોવાને કારણે રામનાથ કોવિંદ વિરોધ પક્ષનો ટેકો મેળવવા માટે બીજેપીની ઉત્તમ પસંદગી છે. તેઓ દલિત કોળી જ્ઞાતિના છે અને બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી એ પહેલાં તેમણે ઉત્તર પ્રદેશ તથા બિહારમાં વ્યાપક કામ કર્યું હતું.દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર કોઈ દલિત ચૂંટાઈ આવે એનો વિરોધ મોટા ભાગના રાજકીય પક્ષો નહીં કરે. આ ઉપરાંત રામનાથ કોવિંદ વિદ્યાર્થી હતા ત્યારથી જ અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ અને મહિલાઓના અધિકાર માટે લડત ચલાવતા રહ્યા છે.રામનાથ કોવિંદની પસંદગીનું બીજું મહત્વનું કારણ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથેનો તેમનો ગાઢ સંબંધ હોઈ શકે છે.રામનાથ કોવિંદ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજશે એ હવે લગભગ નક્કી છે ત્યારે બિહારના રાજ્યપાલ તરીકેનો અનુભવ તેમને રાષ્ટ્રપતિપદ સંભાળવામાં મદદરૂપ થશે.૧૯૪૫માં ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં જન્મેલા કોવિંદને એક દીકરો પ્રશાન્ત કુમાર અને દીકરી સ્વાતિ છે. કોવિદ કાનપુર યુનિવર્સિટીમાંથી બીકોમ એલએલબી ભણ્યા છે.
કોવિંદે દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે સોળ વર્ષ સેવા આપી છે. કોવિંદ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઇના અંગત સચિવ રહી ચૂક્યા છે.તેઓ ૧૯૯૪ એપ્રિલથી બાર વર્ષ સુધી બે ટર્મ માટે રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.તેઓ લખનૌની આંબેડકર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય રહી ચૂક્યા છે. આઇઆઇએમ કોલકતાના બોર્ડ ઓફ ગવર્નર્સના પણ સભ્ય રહ્યા છે. તેમણે ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા ભારત વતી સંબોધી છે. તેઓ અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ દબાયેલા વર્ગોને કાનૂની સહાય કરતા બ્યુરોના મહામંત્રી રહી ચૂક્યા છે.કોવિંદે થાઇલેન્ડ, નેપાળ, પાકિસ્તાન, સિંગાપુર, જર્મની, સ્વીટઝરલેન્ડ, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાનો પ્રવાસ ખેડયો છે. અમિત શાહના જણાવ્યા અનુસાર કોવિંદ ૨૩ જૂને પોતાનું નામાંકન પત્ર ભરી શકે છે. રામનાથ કોવિંદ (જન્મઃ ૧ ઓક્ટોબર ૧૯૪૫) ભારતીય જનતા પાર્ટીના રાજનેતા છે. તેઓ રાજ્યસભાના સદસ્ય રહી ચૂક્યા છે અને સમ્પ્રતિ બિહારના રાજ્યપાલ છે. સત્તાધાર એનડીએ દ્વારા ૧૯ જૂન ૨૦૧૭ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Related posts

ઈરાન તેલ આયાત પ્રતિબંધઃ શું ખરેખર ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચશે..!?

aapnugujarat

સુવિધા શહેરોની આત્મા ગામડાંનો : ગુજરાતમાં ગ્રામવિકાસે સર કરી નવી ઊંચાઇઓ

aapnugujarat

भाजपा पीछे नहीं हटेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1