Aapnu Gujarat
બ્લોગ

સુવિધા શહેરોની આત્મા ગામડાંનો : ગુજરાતમાં ગ્રામવિકાસે સર કરી નવી ઊંચાઇઓ

રાજ્યના મિલનસાર અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અચાનક જ પોતાના પૂર્વનિર્ધારીત કાર્યક્રમોની અગ્રતાની સામે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપૂરા અને વડાસણ તથા વિહાર ગામના ગ્રામજનો સાથે બેસવાનું તેમને રૂબરુ મળીને તેમની કોઇ સમસ્યા, દુવિધા હોય તો જાણી તેનું નિરાકરણ લાવવાને પ્રાધાન્યતા આપી. મુખ્યમંત્રીશ્રીએ ગામના વડીલો, વરિષ્ઠ નાગરિકો, યુવાઓ, શિક્ષકો, ગ્રામીણ માતાઓ વગેરે સાથે સહજતાથી વાતચીતનો દૌર આરંભી લોકપ્રશ્નો અને લોકલાગણી જાણી હતી. આ વાતથી મુખ્યમંત્રીશ્રી માટે ગામડાંની સુવિધા અને વિકાસ કેટલું મહત્વ છે એ સુપેરે સ્પષ્ટ થયું.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વછતા, જેવી અનેક આંતરમાળખાકીય સવલતો ગુજરાતના અંતરિયાળ ગામો સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે.ભૌતિક અને સામાજિક આંતરમાળખાકિય ક્ષેત્રે આમૂલ પરિવર્તન ગુજરાતના કચ્છના ‘ધોરડો’ તથા બનાસકાંઠાના ‘પુંસરી’ જેવા અનેક ગામે-ગામ જોવા મળી રહ્યાં છે. ગુજરાતના ગામોમાં વિસ્તૃત રોડ નેટવર્ક રાજ્યના વિકાસને વિશેષ ગતિ પ્રદાન કરે છે. રાજ્યમાં ૧૩૩ ગ્રામ પંચાયત-ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામસડક અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વડે અંદાજે ૬૩ હજાર કિ.મી.ના રોડ ગ્રામજનોની સવલતો માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિકાસને સીધી અસર કરતી ૫૫ જેટલી સેવાઓમાં ૩૨૧ વધુ સેવાઓને જોડી ગ્રામીણ વ્યક્તિને ગુણવત્તાયુકત સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થતી થઈ છે. ગામના રસ્તાઓ સાથે રાજ્યના રસ્તાઓ અને હાઇવે નેટવર્કના વિકાસના કાર્ય પણ આયોજન હેઠળ છે. ગામના છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો લાભ મળી રહે અને તે રાજ્ય સરકારની નેમ છે. ત્રિસ્તરીય પંચાયતી માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવિનીકરણ, રેકર્ડનું મોર્ડનાઇઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટેના વિવિધ પગલાંઓ સરકાર લઇ રહી છે. ગ્રામ્યકક્ષાએ સફાઇ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. પાણીની તંગીથી ઝઝુમતા રાજ્યની જૂની ઓળખમાંથી ગુજરાતે સતત અને અથાક પ્રયાસો થકી સૌની યોજના અને નર્મદા યોજના થકી જળક્રાંતિ લાવી ગ્રામજનોને પાણીની સુરક્ષા પૂરી પાડી છે. નર્મદા યોજના અંતર્ગત કચ્છના છેવાડે આવેલા મોડકુબા ગામે કચ્છ કેનાલ દ્વારા નર્મદાના નીર પહોંચાડવામાં ગુજરાત સરકાર સફળ રહી છે. ‘હર ઘર નલ સે જલ’ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ઘરે-ઘરે પાણી પહોંચાડવાની કામગીરીમાં રાજ્ય સરકારે ૧૦૦ ટકા નળજોડાણની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં જળસંચયને પ્રોત્સહન મળે અને પાણીની સમસ્યાનું સમાધાન થાય તે માટે ૩૭૫ જેટલા અમૃત સરોવરો તૈયાર કરવામાં આવ્યા છે.ગ્રામ્ય સ્તરે પાણી વિતરણ કરતાં ૮,૦૩૩ જેટલા પંચાયત ઓપરેટરોને ટૂલકીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથોસાથ સૌરાષ્ટ્રમાં પાણીની સગવડ આપવા નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો સ્તુતય નિર્ણય કરાયો છે.સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતું પાણી આપવાનું કાર્ય સંપન્ન થયું છે. ‘સુજલામ સુફલામ’ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને રાજ્ય સરકારે જળસંચય અભિયાનનો ફેબ્રુઆરી – ૨૦૨૩થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાના નવીન પ્રયાસ હાથ ધર્યા છે. રાજ્યભરમાં’અટલ ભૂજલ યોજના’ હેઠળના ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓના ૩૬ તાલુકાઓના ૧,૮૭૩ ગ્રામ પંચાયતો કે જેમના ભૂગર્ભ જળ નીચા ગયા છે તેમના જળ સ્તર ઊંચા લાવવાના અસરકારક પગલાઓ આ યોજના હેઠળ લેવામાં આવી રહ્યાં છે.
‘ડિજિટલ ભારત માટે ડિજિટલ ગુજરાત’ અને ‘ડિજિટલ ગુજરાત માટે ડિજિટલ ગામો’ના સર્વોત્તમ ઉદ્દેશ્યને સાર્થક કરવા કેન્દ્ર સરકારના ‘ભારતનેટ’ કાર્યક્રમ અંતર્ગત ગામોને જોડવાની સાથે સાથે ગ્રામ્ય સ્તરે વિવિધ સંસ્થાઓને પણ હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવીટીથી જોડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ઘરો સુધી ડિમાન્ડ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવીટી માટે ફાયબર નેટવર્કની વ્યવસ્થા ઊભી કરવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે.
આજના‘ટ્રાવેલ ફ્રેન્ડલી’ વૈશ્વિક વાતાવરણમાં વિશ્વમાં ઊભી થતી ૧૦ રોજગારીની તકો પ્રતિ એક તક પ્રવાસન ક્ષેત્રે ઊભી થતી હોય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સફેદ રણ જેવા વિશિષ્ટ પ્રવાસન સ્થળોએ ગાઈડ, દુભાષિયા, કમ્યુનિકેશન તજજ્ઞ તરીકે સ્થાનિક યુવક-યુવતીઓ રોજગાર મેળવી રહ્યાં છે.મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ રાજ્યની ૧૩,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં ૧,૦૯,૬૭,૩૬૩ માનવદિન રોજગારીનું નિર્માણ થયું છે જે રોજગારીના કારણે શહેરો તરફ થતા સ્થળાંતરને રોકવામાં સફળ થયું છે.
ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાત માટે આત્મનિર્ભર ગામના મંત્રને અપનાવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ઊર્જાક્ષેત્રમાં લોકો આત્મનિર્ભર બને તે માટે ગોબરધન યોજના હેઠળ ૪,૧૦૦થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા. પંચાયત ઘરોની ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે જેથી પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રે ગુજરાતના ગામડાઓ દેશના ગામોને સ્વચ્છ અને હરિયાળા બનાવવાની દિશામાં માર્ગદર્શન પૂરું પાડતા રહે છે. દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે કે, ગુજરાતના ગામો આજે વિકાસમાં શહેરોને ટક્કર આપતાં થયાં છે.
(આલેખન :- બેલા મહેતા)

Related posts

૨૧મી સદીમાં પણ ભારતમાં પુત્રને જ મહત્વ : સર્વે

aapnugujarat

ફોરેન્સિક સાયન્સની કમાલ

aapnugujarat

ટામેટા, પાલક અને રીંગણ ખાવાથી પથરી થવાનો ભય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1