Aapnu Gujarat
Uncategorized

જસદણ તાલુકાનાં જીવાપર ગામની શાળામાં ભુલકાઓનું નામાંકન થયું

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ઉપસ્થિત રહ્યા હતા, અને ગામના ૧૬ બાળકોને ધો.૧માં શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો તથા વાલીઓને સંબોધતા મુખ્યમંત્રીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે શિક્ષણના માધ્યમ થકી જ સમગ્ર સમાજનો ઉધ્ધાર થઈ શકશે. શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકના વાલીઓને હ્ય્દયસ્પર્શી અનુરોધ કરતા મુખ્યમંત્રીએ તેમના બાળકોના અભ્યાસમાં સક્રિય રસ લેવા જણાવ્યું હતું. દિકરીઓને ધરકામના બોજાવિહીન અભ્યાસલક્ષી વાતાવરણ પુરુ પાડવા ટકોર કરી હતી. પોતાના ભુતકાળના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રી ભાવુક બન્યા હતા, અને અત્યારના સમયમાં બાળકોને મળતી શિક્ષણ તરફી પ્રોત્સાહક સુવિધાઓનો લાભ લઈ ઉચ્ચ વિકાસ હાંસલ કરવા બાળકોને શીખ આપી હતી. ચાલુ વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પાછળ ૨૫ હજાર કરોડની ફાળવણી થયાની જાહેરાત કરતાં આ રકમની ભવિષ્યની પેઢી સામર્થ્યવાન બનશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણ, સાંદીપની અને કૃષ્ણ, સ્વામી રામદાસ અને શિવાજી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વગેરેની પ્રખ્યાત ગુરુ-શિષ્યની જોડીને ટાંકીને રૂપાણીએ આ જોડીમાંથી પ્રેરણા લઈ શિક્ષણક્ષેત્રે વધુ મુલ્યવાન તથા ગુણવત્તાયુક્ત બનાવવા પર ભાર મુક્યો હતો. વિજય રૂપાણીએ રાજયના ખેડુતો માટે રાજય સરકારે લીધેલા તમામ પગલાઓની નવી ટેકનોલોજીની વિસ્તૃત માહિતી તેમના વક્તવ્યમાં વણી લીધી હતી તથા ખેડુતોને લાભ લેવા સમજાવ્યા હતા. લોકબોલીમાં પાણીનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ધોરિયો નહી, માત્ર ટીપા એટલે કે સિંચાઈના પાળાને બદલે ટપક સીંચાઈ પદ્ધતિ અપનાવો જેનાથી પાણી બચે, નિંદામણ ન થાય, દવા-ખાતર ઓછા વપરાય તથા વધારાની ઊપજ થાય. જસદણ તાલુકાની જનતાની લાગણીનો પ્રતિધોષ પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્ણુકી ડેમને પણ નર્મદાના પાણીથી ભરવાની હૈયાધારણા જસદણ તાલુકાના નાગરિકોને પાઠવી હતી. મુખ્યમંત્રીએ જસદણ તાલુકાના નાગરિકોની યાતાયાત સુવિધાને વૃધ્ધિ આપવા આટકોટ વાસાવડ સાણથલી જીવાપર માર્ગને સ્ટેટ હાઈવે રાજય ધોરીમાર્ગ તરીકે મંજુરી આપતી જાહેરાત કરી હતી.
પૂર્વ ધારાસભ્ય ડા. ભરત બોધરાએ પ્રસાંગિક પ્રવચનમાં જીવાપર ગામને જસદણ તાલુકાનું આદર્શ ગામ ગણાવ્યું હતું, અને ગ્રામજનોને દેશનું નામ રોશન કરવાની શુભેચ્છા પાઠવી હતી. શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર શાળા પરિસરનું નિરીક્ષણ અને મુલ્યાંકન કર્યા હતા. તેઓ શાળા સંચાલક સમિતિના સભ્યોને મળ્યા હતા અને જરૂરી સુચનો કર્યા હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા નિર્મિત પ્રેક્ષા મેગેઝિનનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યું હતું. ૧૮.૩ કરોડના ખર્ચે બનેલ સર્વ શિક્ષા અભિયાનના નવા બાંધકામનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકો તથા ધોરણ-૯માં પ્રવેશ મેળવતા ૧૭ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

Related posts

किराए पर ऑफिस लेने के मामले में बेंगलुरू का CBD सबसे महंगा

aapnugujarat

રાજકોટના ઈશ્વરીયા પાસેથી લૂંટ પ્રકરણમાં ફરાર આરોપી ઝબ્બે

editor

દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતા લોકો પરેશાન

editor

Leave a Comment

UA-96247877-1