Aapnu Gujarat
બ્લોગ

‘ઈસરો’ની અવિરત આગેકૂચ

શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટર ખાતેથી જીએસએલવી માર્ક-૩લોન્ચ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ઈસરો અત્યાર સુધીમાં અવકાશ ક્ષેત્રે અનેક સફળતા મેળવી ચૂક્યું છે.આ લોન્ચિંગ એટલા માટે પણ મહત્વનું છે કે, આ રોકેટ દ્વારા ભારત અંતરિક્ષમાં ૪ ટન વજવ ધરાવતા ઉપગ્રહને પણ સફળતાપૂર્વક સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવતા દેશમાં સામેલ થઈ ગયું આ સાથે જ આ ટેક્નોલોજીના વ્યાવસાયિક ઉપયોગના પણ દરવાજા ખુલી જશે.ઈસરોના ચેરમેન એ.એસ. કિરણ કુમારે જણાવ્યું કે, જીએસએલવી માર્ક-૩ને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ વજન ધરાવતા કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૧૯ અંતરિક્ષમાં દૂરની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરાવવાનો છે. આ માટે જીએસએલવી માર્ક-૩માં ખાસ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ઈસરોના પૂર્વ પ્રમુખ રાધાકૃષ્ણને કહ્યું કે, આ પ્રક્ષેપણ એક માઇલસ્ટોન સાબિત થશે. ઇસરો પોતાની ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષમતા ૨ ટનથી વધારીને ૪ ટન સુધી કરશે જેના કારણે હવે ભારતે વધુ વજન ધરાવતા ઉપગ્રહ બાબતે વિદેશ પર આધાર રાખવો નહીં પડે અને તેમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા આવશે. તેમજ આ કારણે આપણે અન્ય દેશોના ઉપગ્રહોને પણ અવકાશમાં લોન્ચ કરવાનો વ્યાપારિક લાભ મેળવી શકીશું.જીએસએલવી મિશનના ડાયેરક્ટર જે.પી. અય્યપ્પને કહ્યું કે, જીએસએલવી માર્ક-૩ લોન્ચ મેક ઇન ઇન્ડિયા સ્પેસ પ્રોજેક્ટની સફળતાની સાથે સાથે સંપૂર્ણપણે સ્વદેશી લોન્ચીંગ હશે જેમાં સામગ્રી, ડિઝાઇન અને ટેક્નોલોજી દરેક વસ્તુ ભારતમાં જ વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજીની ખાસયિત એ છે કે, તે ડબલ થ્રસ્ટ સાથે કોઈ ખામી રહી ગઈ હોય તો પોતાની જાતે જ તેને શોધીને તેનું નિરાકરણ કરે છે.અંતરિક્ષ અધ્યયન ક્ષેત્રે ‘ઈસરો’ વિશ્વના ટોચના સંસ્થાનોમાં કંઇ અમસ્તું જ સ્થાન નથી ધરાવતું. તે દિન-પ્રતિદિન સિદ્ધિના નવા શીખરો સર કરી રહ્યું છે. ‘ઈસરો’ હવે સૂર્યની તરફ ઉડાન ભરવાની તૈયારીમાં છે. ‘ઈસરો’ના સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર એમ. અન્નાદુરેઇના જણાવ્યા પ્રમાણે સૂર્યના અધ્યયન માટે ૨૦૨૦ સુધીમાં ‘આદિત્ય’ મિશન લોન્ચ કરવાની યોજના છે. જ્યારે આવતા વર્ષના અંત કે ૨૦૧૮ના પ્રારંભે ચંદ્રયાન પ્રોજેક્ટના બીજા ચરણમાં સંપૂર્ણપણે સ્વદેશી યંત્ર ચંદ્ર પર ઉતારાય તેવી સંભાવના છે. અગાઉ આ માટે રશિયા પાસેથી ટેકનિકલ સહાય લેવાનું નક્કી થયું હતું, જોકે હવે ‘ઈસરો’ ખુદ આ યંત્ર વિકસાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ‘ઈસરો’એ રેકોર્ડ સંખ્યામાં સેટેલાઇટ અંતરિક્ષમાં પહોચાડ્યા છે. ઇસરો જે રીતે અને જેટલી સંખ્યામાં સેટેલાઇટ અવકાશમાં મોકલે છે તે જોઇને વિશ્વની મહાસત્તાઓમાં આશ્ચર્ય છે.‘ઈસરો’ની યોજના ત્રણ વર્ષમાં ૭૦ સેટેલાઇટસ અંતરિક્ષમાં મોકલવાની છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ‘ઈસરો’એ એક સાથે ૮૦ સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરીને વિશ્વમાં તેની ક્ષમતાના ડંકા વગાડ્યા હતા.
આ આંકડા દર્શાવે છે કે ‘ઈસરો’ની ટીમ ખૂબ જ વધારે વ્યસ્તતા છતાં પોતાના વ્યવસાયી કૌશલ્ય અને સંચાલન થકી શ્રેષ્ઠતમ પરિણામ આપી રહી છે. ગુજરાતના પનોતા પુત્ર વિક્રમ સારાભાઇએ સ્થાપેલી આ સંસ્થાએ ૪૭ વર્ષની પોતાની વિકાસ યાત્રામાં દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવાની કોશિશ તો કરી જ છે, સાથોસાથ અન્ય કેટલાય દેશોને અંતરિક્ષના અભ્યાસ અને સંશોધનમાં પણ સહાય કરી છે.આજે ‘ઈસરો’ની ગણના વિશ્વની છ સૌથી મોટા અંતરિક્ષ સંસ્થાનોમાં થાય છે. સૌપ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’થી સૂરજને નજીકથી નિહાળવા જઇ રહેલા ‘આદિત્ય’ સુધીનો આ સિલસિલો તેની આગેકૂચની ઝાંખી રજૂ કરે છે. ૨૦૦૬માં અંતરિક્ષ વિજ્ઞાનીઓએ એકસૂરે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભારતે માનવસહિત ઉપગ્રહ મોકલવાનો પ્રોજેક્ટ હાથ ધરવો જોઇએ. અલબત્ત, ભારત સરકારે આ પ્રોજેક્ટ પર હજુ સુધી મંજૂરીની મહોર તો મારી નથી, પરંતુ ‘ઈસરો’ ભાવિ શકયતાઓ ધ્યાનમાં રાખી નીતનવી આધુનિક ટેક્નોલોજી જરૂર વિકસાવી રહ્યું છે.અમેરિકી સેનેટે એક સમયે એક પ્રસ્તાવ પસાર કર્યે હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકા કયારેય પણ ભારતીય ભૂમિથીપોતાના ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશેનહીં. પરંતુ સમયના પરિવર્તનને જોઈએ તો તે જ અમેરિકાએ ઈસરો સમક્ષ મસ્તક ઝૂકાવ્યું છે. આ પહેલાં પણ અમેરિકાના અભિમાનને તોડીને તેને આપણેબોધપાઠ શીખવી ચૂકયા છીએ જ્યારે તેણે ૨૦૧૫માં ચાર સમરૂપ ‘લીમર’ નૈનો ઉપગ્રહોનું ઈસરો દ્વારા પ્રક્ષેપણ કર્યું હતું. અમેરિકી ઈતિહાસની આ પહેલી ઘટના હતી.
ધ્રુવીય રોકેટ (મિશન પીએસએલવી- સી ૩૦)એ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૫ને ભારતીય ઉપગ્ર્રહ એસ્ટ્રોસેટની સાથે જ કેનેડાનો એક ઉપગ્રહૈ ઈન્ડોનેટિાના એક ઉપગ્રહની સાથે જ ચાર અમેરિકી નૈનો ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. રહી વાત કાર્ટોસેટ-૨સી ની તો તેનું પ્રક્ષેપણ જરૂરી હતું, કારણકે, છેલ્લાં ત્રણ વર્ષોમાં આપણે કોઈ ભૂ-પ્રેક્ષણ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું નહોતું, તે ઉપગ્રહ હવે ‘અવસાન’ તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે, તેમની કાર્યકારી અવધિ માત્ર પાંચ વર્ષની હોય છે. કાર્ટોસેટ શ્રૃંખલાનો પહેલો ઉપગ્રહ ‘કાર્ટોસેટ-૧’ ધ્રુવીય રોકેટ (મિશન પી.એસ.એલ.વી-સી ૬)થી છોડવામાં આવ્યો હતો. આગળ જતાં ૧૦ જાન્યુઆરી ૨૦૦૭ના રાજે પીએસએલવી-સી૯ એ ‘કાર્ટોસેટ-૨’નો સફળ પ્રક્ષેપણ કર્યું જે સાચા અર્થમાં ભારતનો બીજો લશ્કરી ઉપગ્રહ હતો. ભારતનો પહેલો લશ્કરી જાસૂસી ઉપગ્રહ ‘ટેસ’ (ટેકનોલોજી એકસપ્રેરિમેન્ટલ સેટેલાઈટ) હતો. જેને ધ્રુવી રોકેટે ૨૨, ઓકટોબ, ૨૦૦૧ (પીએસએલવીસી-૩)ના રોજ પ્રક્ષેપ કર્યો હતો. ‘કાર્ટોસેટ-૨’ના પેન કેમેરા ૭૦ ચો.મી. ક્ષેત્રની તસ્વીર લેવામાં સક્ષમ હતું. તે દ્વારા માત્ર સરહદ પાર જ નહી, પરંતુ પડોશી ક્ષેત્રોના સંપૂર્ણ ભૂ-ભાગ અને સમુદ્રી ઈલાકોમાં ચાલતી લશ્કરી ગતિવિધિઓની વિગતપૂર્ણ જાણકારી આપણને મળતી રહી હતી.તેની કાર્યકારી પાંચ વર્ષીય અવધિ સમાપ્ત થઈ ચૂકી છે. આ ક્રમમાં ‘કાર્ટોસેટ-૨એ’નું પ્રક્ષેપણ ૨૮ એપ્રિલ, ૨૦૦૮ના રોજ, ‘કાર્ટોસેટ-૨ બી’નું પ્રક્ષેપણ ૧૨ જુલાઈ, ૨૦૧૦ના રોજ અકુશળ સંપન્ન થયું હતું. કાર્ટોસેટ ૨સી નીવિશિષ્ટતા એ છે કે, તેમાં જે પેન (પેનક્રોમેટિક કેમેરા) છે તેની ક્ષમતા ૭૦ ચો.સેન્ટી મીટરમાંથી વધારીને ૬૦ ચો.સેન્ટી મીટર કરવામાં આવી છે તેનો અર્થ એ જ ઉપગ્રહ ૬૦ ચો. સેન્ટી મીટરના ક્ષેત્રમાં ભારત ભૂમિના આટલાનાના ભાગ પર પોતાની સૂક્ષ્મ નજર રાખી શકે છે. આ એક મહાન ઉપલબ્ધિ છે, જેનાથી સશસ્ત્ર દળોની લશ્કરી ક્ષમતામાં વધારો થશે. આપણે કાર્ટોસેટ (નકશાના અંકન) કહીએ છીએ, પરંતુ તે ભારતનો લશ્કરી જાસૂસી ઉપગ્રહ છે.
હવે આપણી ધ્રુવીય રોકેટની પ્રૌદ્યોગિકી વિકાસ પામીચૂકી છે. અને તેની વિશ્વસનીયતા જ એ આધાર છે કે બીજા રાષ્ટ્ર પણ આપણા દ્વારા પ્રક્ષેપણ કરાવે છે. આટલા સસ્તા પ્રક્ષેપ ખર્ચમાં કોઈપણ સ્પેસ એજન્સી આવું સાહસ કરી શકે જ નહીં. ઈસરોએ વાસ્તવમાં આ ઈસરોની અદ્ભૂત સિધ્ધિ છે. હવે ઈસરો એક મહાશકિત દેશવાળી સંસ્થા બની ગયેલ છે. તેની રોકેટ પ્રણાલી વિશ્વમાં અદ્વિતીય બની ગયેલ છે.અલબત્ત, એ આપણી જીએસએલવી રોકેટ પ્રણાલી પૂરી રીતે વિકાસ પામી હનીં હોવા છતાં ઈસરો વિજ્ઞાનીઓની એ અદ્ભૂત સિધ્ધિ છેકે, આપણા ધ્રુવીય રોકેટ જેમાત્ર ૯૦૦ કિ.મી. સુધી જઈ શકતા હતાં, તેની મદદથી આપણે પોતાના ચંદ્રયાન પણ મોકલ્યું અને મંગળયાન પણ મોકલ્યું. મંગલયાન અભિયાન જેટલી પોતાની ચોકસાઈ માટે ચર્ચામાં છે, તેટલું જ ઓછામાં ઓછા ખર્ચ માટે છે. ઈસરો હાલમાં પોતાનું રિકવરી કેપ્સુલ પણ માકલી ચૂકયું છે. તેને ૧૨ દિવસ સુધી અંતરિક્ષમાં રાખ્યા પછી સકુશળ બંગાળની ખાડીમાં ઉતારી લીધું હતું. સ્પેસશટલ બનાવવાની દિશામાં આ પહેલો પ્રયાસ હતો. રોકેટ વિજ્ઞાાનના પિતા તો ડો. વિક્રમ સારાભાઇ હતા અને માત્ર ૨૮ વર્ષની વયેજ છેક ૧૯૪૭માં તેમણે અમદાવાદમાં ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. ડો. હોમી જહાંગીર ભાભા ભારતના અણુવિજ્ઞાાન કાર્યક્રમોના પિતા હતા તો ડો. વિક્રમ સારાભાઇ રોકેટ વિજ્ઞાાનના પિતા ગણાય છે. પીએસએલવી સી-૨૩ના પ્રક્ષેપણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરોહર જેવા વૈજ્ઞાાનિક ડો. વિક્રમ સારાભાઇને પણ યાદ કર્યા હતા. ડો. વિક્રમ સારાભાઇએ રશિયાએ પહેલી જ વાર ‘સ્પુટનિક’ ને અંતરિક્ષમાં તરતો મૂક્યો તે પછી તરત જ ડો. સારાભાઇએ ભારતમાં પણ અવકાશ વિજ્ઞાાન પર સંશોધન માટે “ઇસરો” ની સ્થાપના કરવા કેન્દ્ર સરકારને સમજાવી લીધી હતી. આવા ડો. વિક્રમ સારાભાઇ કોણ હતા? સ્કૂલના દરેક બાળકોએ અહીં આ કથા પર નજર નાખવા જેવી છે.તા.૧૨મી ઓગસ્ટ ૧૯૧૯. રક્ષાબંધનનો દિવસ હતો. કેલીકો મિલના માલિક અંબાલાલ સારાભાઇ પરિવારના બાળકો શાહીબાગ કેમ્પના મેદાનમાં ઘોડેસવારી કરતાં હતાં. સાંજનો સમય હતો. તેમના ઘોડારના એક સવારે દોડતા આવી શુભ સમાચાર આપ્યા કે તેમના કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો છે. બાળકોએ ઘોડા ઘર તરફ વાળ્યાં, બાળકોએ નવા ભાઇને જોવો હતો.એનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. એક વાર રવીન્દ્રનાથ ટાગોર ‘રિટ્રીટ’ બંગલામાં રહેવા આવ્યા હતા. વિક્રમનું કપાળ જોઇ તેઓ બોલ્યા : ‘કેવું ભવ્ય કપાળ છે એનું. આ બાળક તેજસ્વી બનશે.’અને એ જ બાળક એક દિવસ દેશનો મહાન વૈજ્ઞાાનિક બન્યો : ‘ડો. વિક્રમ સારાભાઇ.’ નોંધનીય વાત એ છે કે વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઇના બાળકો માટે ‘રિટ્રીટ’ બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરવામાં આવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. તે વખતે ઇંગ્લેન્ડમાં ડો. મારિયા મોન્ટેસરીએ આધુનિક શિક્ષણ પર પુસ્તકો લખ્યાં હતાં. અંબાલાલ સારાભાઇને ત્યાં ‘લંડન ટાઇમ્સ’ અખબાર આવતું. તેમણે તેમાં ડો. મોન્ટેસરી વિશે વાંચ્યું હતું. અંબાલાલ સારાભાઇ અને સરલા દેવી પોતે જ ડો. મોન્ટેસરીને મળવા ઇંગ્લેન્ડ ગયાં. પાછળથી એમણે ડો.મોન્ટેસરીને અમદાવાદ બોલાવ્યાં. તેમની મદદથી જ ‘રિટ્રીટ’માં ખાનગી શાળા શરૂ થઇ.નાનકડા વિક્રમને યંત્રોમાં રસ હતો. બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાાન હતું. ૧૯૩૭માં આર.સી.ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. ત્યાર બાદ સી.વી.રામને વિક્રમને પોતાના વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૭માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમભાઇનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્‌સ’ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી. હવે તેઓ ડો.વિક્રમ સારાભાઇ બન્યા.ડો. વિક્રમ સારાભાઇએ માત્ર ૨૩ વર્ષની વયે હિમાલય પર પરમેનન્ટ હાઇ ઓલ્ટીટયૂડ લેબોરેટરી સ્થાપવાની ભલામણ કરી. ૧૯૪૭માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા બાદ બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવા પોતાના વિચારો અમલમાં મૂક્યા. તેમાંથી અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનો જન્મ થયો. ૧૯૪૭માં એમ.જી.સાયન્સ કોલેજના બે ઓરડામાં જ આ લેબોરેટરી શરૂ થઇ. ડો. કે.આર. રામનાથન જેવા વૈજ્ઞાાનિક તેના પ્રથમ ડાયરેક્ટર બન્યા. વિક્રમભાઇ તેના સહ ડાયરેક્ટર હતા. પીઆરએલ ઊભી થઇ ત્યારે તેના સ્થાપક ડો. વિક્રમ સારાભાઇની વય માત્ર ૨૮ વર્ષની હતી. તેનો સતત વિકાસ થતો રહ્યો. ૧૯૫૪માં પીઆરએલના નવા મકાનનું ઉદ્ઘાટન તે વખતેના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું.
૧૯૪૭થી ૧૯૭૪ સુધીના ગાળામાં વિક્રમભાઇએ વૈજ્ઞાાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્રઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે ૩૫થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઇ લાલભાઇનો સાથ સહકાર મળ્યો. વિક્રમભાઇ રત્ન હતા તો ક્સ્તૂરભાઇ હીરાપારખુ હતા. તે વખતે અમદાવાદ મિલોથી ધમધમતું શહેર હતું. કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે કસ્તૂરભાઇના સાથ સહકારથી ‘અટીરા’ ની સ્થાપના કરી. ‘અટીરા’ની કામચલાઉ લેબોરેટરી પણ પહેલાં તો એમ.જી.સાયન્સ કોલેજના ‘પીઆરએલ’ ના ઓરડાની બાજુના ઓરડામાં જ શરૂ થઇ હતી. ડો. વિક્રમ જ ‘અટીરા’ ના પહેલા નિયામક બન્યા.
ડો.સારાભાઇ આટલેથી અટક્યા નહીં. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના કરી. આઇઆઇએમના મકાનના ઉદ્ઘાટન માટે તેમણે વિશ્વવિખ્યાત સ્થપતિ લુઇ કહાનને નિમંત્ર્યા. આજે પણ અમદાવાદમાં આઇઆઇએમનું મકાન સ્થાપત્યનો અજોડ નમૂનો છે, જે ડો. સારાભાઇની ભેટ છે. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેહરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડો. વિક્રમ સારાભાઇએ સ્થાપી, તેઓ ઇસરોના અધ્યક્ષ તરીકે રહ્યા. ઇન્દિરાજીએ હોમીભાભાના અવસાન પછી ડો. સારાભાઇને ભારતીય અણુપંચના અધ્યક્ષ બનાવ્યા. ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ડો. વિક્રમ સારાભાઇના માર્ગદર્શન હેઠળ પીએચ.ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. ૮૫ જેટલા વૈજ્ઞાાનિક સંશોધન લેખો લખ્યા. ભારતના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ‘મિસાઇલ મેન’ ગણાય છે પરંતુ ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડો. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ડો. કલામ પણ ડો. સારાભાઇને ભારતીય અવકાશ કાર્યક્રમ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા ગણાવે છે.

Related posts

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી : ૨૦૨૬ સુધી મોદી જ રહેશે દેશના શહેનશાહ

aapnugujarat

‘વાઘ’નું અસ્તિત્વ જ આજે જોખમમાં

aapnugujarat

મન બિમારીનું પ્રવેશદ્વાર

editor

Leave a Comment

UA-96247877-1