Aapnu Gujarat
બ્લોગ

કુંભ મેળામાં સફાઈના દાવાની પોલ ખૂલી ગઈ

આ વર્ષની શરૂઆતના ત્રણ મહિના દરમિયાન, ૧૫ જાન્યુઆરીથી ચોથી માર્ચ સુધી અર્ધ કુંભ પ્રયાગરાજ ખાતે યોજાયો હતો. પ્રયાગરાજ અલાહાબાદનું બદલી દેવાયેલું નામ છે. બીજું આ અર્ધ કુંભ હતો, પણ યોગી સરકારે કુંભના નામે જ પ્રચારનો મારો ચલાવ્યો હતો. માથે ચૂંટણી હતી ત્યારે ધર્મના નામે ફરી એકવાર ધતિંક કરીને મતો મેળવી લેવાની ચાલ યોગી આદિત્યનાથે ચાલી હતી. યોગીની રાજ્ય સરકારે તથા કેન્દ્રની મોદી સરકારે પણ પ્રયાગરાજ અર્ધ કુંભમાં સ્વચ્છતા અને સફાઈના પણ બહુ ઢોલ પીટ્યા હતાં.સફાઈ માટે ભારે કાળજી લેવામાં આવી હતી તેનો પ્રચાર પણ બહુ કરવામાં આવ્યો હતો. ઉપર ઉપરથી સફાઈ દેખાઈ પણ હતી. ચારે બાજુ કચરો પડ્યો હોય કે ગંદકી ફેલાઈ હોય તેના બદલે સ્વચ્છતા દેખાઈ હતી. મોટી સંખ્યામાં જાજરૂ બાથરૂમ પણ કામચલાઉ ઊભા કરવામાં આવ્યા હતા. તેના કારણે ભારતમાં ભીડને કારણે સામાન્ય રીતે જાહેરમાં જ જોવા મળતી બદબૂ ઓછી દેખાઈ હતી. પરંતુ હવે ખ્યાલ આવ્યો છે કે ગંદકીને જાહેરમાંથી એક જગ્યાએ હટાવીને અન્યત્ર તેને એકઠી કરીને ઢાંકી જ દેવાઈ હતી. ગંદકી અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાની અસલી વ્યવસ્થા થઈ જ નહોતી. ગટરોના અને ગંદું પાણી વહેતું હોય તેવા નાળાના પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કરીને જ છોડવાની વાત હતી. તેના બદલે અડધોઅડધ ગંદુ પાણી છલકાઈને ગંગા નદીમાં ભળી ગયું હતું. હજી પણ મોટા પ્રમાણમાં કચરો એકઠો થયેલો છે, જેનો નિકાલ કરવાની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ કે વ્યવસ્થા યોગી સરકાર કરી શકી નથી.આ બધું હવે બહાર આવ્યું છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ના અહેવાલમાં. ૪૯ દિવસ કુંભ મેળો ચાલ્યો અને તે દરમિયાન ભારે પ્રમાણમાં કરચો પેદા થયો હતો. તેને જેમ તેમ કરીને મુખ્ય માર્ગ પરથી ઉપાડીને એક જગ્યાએ એકઠો કરી દેવાયો પણ બીજા ૪૯ દિવસ ગયા પછીય તેનો નિકાલ થયો નથી. એમ જ એકઠા થયેલા જંગી ઉકરડાને કારણે રોગચાળો ફેલાવાની ચિંતા એનજીટીએ વ્યક્ત કરી છે. એનજીટીએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને કડક ભાષામાં કાગળ લખીને એકઠા કરી રખાયેલા કચરાનો કેવી રીતે નિકાલ થશે અને તેના માટે કયા અધિકારીઓ જવાબદાર ગણાશે તેના જવાબ સાથે હાજર થવાનું જણાવ્યું હતું. ૨૬ એપ્રિલે મુખ્ય સચિવને હાજર થવા જણાવાયું હતું. તેઓ હવે શું કાર્યક્રમ આપે છે તે જોવાનું રહેશે.પ્રયાગરાજમાં અર્ધ કુંભને કારણે ગંગા નદી વધારે પ્રદૂષિત ના થાય તેના પર દેખરેખ રાખવા માટે એનજીટીએ એક સમિતિ બેસાડી હતી. તે સમિતિના ચિંતાજનક અહેવાલ પછી એનજીટીએ મુખ્ય સચિવને હાજર કરીને કચરાના નિકાલ માટેની જવાબદારી ચોક્કસ અમલદારો પર નાખવાનો હુકમ આપ્યો છે.જસ્ટિસ અરુણ ટંડનની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પ્રમાણે પ્રયાગરાજમાં ગંભીર સ્થિતિ ઊભ થઈ છે અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાકિદના પગલાં લેવા જરૂરી બન્યા છે. અહેવાલને ગંભીરતાથી લઈને એનજીટીના વડા જસ્ટિસ આદર્શ કુમાર ગોયલે કહ્યું છે કે અધિકારીઓની જવાબદારી નક્કી કરીને જ કામ કરવું પડે તેમ છે.સમિતિના અહેવાલ પ્રમાણે બસવર સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૬૦,૦૦૦ મેટ્રિક ટન કચરો ભેગો થઈ ગયો છે. તેમાંથી ૧૮,૦૦૦ ટન માત્ર કુંભ મેળાને કારણે ભેગો થયો હતો. આ પ્લાન્ટ સપ્ટેમ્બર ૨૦૧૮થી બંધ હતો, છતાં ત્યાં કરચો જમા થતો રહ્યો તે જ બતાવે છે કે યોગીની સરકારને માત્ર પ્રચારમાં રસ હતો, કચરાના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે અને પ્લાન્ટ કામ કરે છે કે કેમ તેની ચિંતા કરવાનો સમય નહોતો. આ આંકડા ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે જ આપ્યા છે, એટલે સરકારી તંત્ર તો જાણતું હતું કે સ્વચ્છતાના દાવા કેટલા ખોખલા છે. બસવર પ્લાન્ટમાં ટ્રીટમેન્ટનું કામ કરવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રેક્ટ અપાયો હતો. તેને નોટીસ આપીને સરકારી તંત્રે સંતોષ માની લીધો છે. પ્રયાગરાજના એડિશનલ મ્યુનિસિપલ કમિશનરે એવું કહીને હાથ ઊંચા કરી લીધા કે ટ્રીટમેન્ટની જવાબદારી ખાનગી કોન્ટ્રેક્ટરની હતી.અહેવાલમાં જણાવ્યા અનુસાર કાચા શોષ ખાડા બનાવીને સંડાસ તૈયાર કરી દેવાયા હતા, તેના કારણે ગંદું પાણી ભૂગર્ભમાં ઉતરી જવાનું જોખમ ઊભું થયું હતું. અરાયલ કાંઠે નદી કિનારાની નજીક જ છાવણીઓ બની હતી ત્યાં મોટી સંખ્યામાં સંડાસ બનાવી દેવાયા હતા. તેના કારણે નદીનું પાણી દૂષિત થવાનું જોખમ ઊભું થયું હતું. રાજાપુર સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તેની ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ગંદું પાણી આવતું હતું એટલે તેમાંથી ૫૦ ટકા પાણીનું જ ટ્રીટમેન્ટ થઈ શકતું હતું. રાજાપુરના નાળામાં જીઓ ટ્યુબ લગાવાઈ હતી, જેથી ગંદુ પાણી આવે તેમાં કચરો અટકે અને માત્ર પાણી જ નાળામાં જાય. પણ લાખોની સંખ્યામાં લોકો એકઠા થાય ત્યારે એટલું બધું ગંદું પાણી આવતું હતું કે ૫૦ ટકા પાણી એમ જ ગંદકી સાથે ગંગામાં વહી જવા દેવાતું હતું.કુંભ મેળાની જવાબદારી જેમને સોંપાઈ હતી તે પ્રયાગરાજના ડિવિઝનલ કમિશનર એનજીટીના અહેવાલ પછી ભીંસમાં આવ્યા છે. તેઓ હવે ડાહી ડાહી વાતો કરે છે કે ઉપેક્ષા દાખવનાર અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. અગાઉના મેળા કરતાં આ વખતે ખૂબ સારી વ્યવસ્થા હતી તેવો દાવો પણ સાથે કરી નાખે છે.
આ દાવો ખોખલો સાબિત થઈ રહ્યો છે, કેમ કે અહેવાલમાં બીજા પણ કેટલાક નાળાંમાંથી કેવી રીતે ગંદું પાણી ગંગામાં એમ જ છોડી દેવાતું રહ્યું હતું તેની વિગતો આપી છે. સલોરીનો પ્લાન્ટ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યો નહોતો. તેની ક્ષમતા કરતાં વધુ ગંદું પાણી આવી રહ્યું હતું. જીઓ ટ્યુબ બરાબર કામ કરી રહી નહોતી. ૫૦ ટકા ગંદું પાણી ચોખ્ખું કર્યા વિના જ નદીમાં વહી જવા દેવાતું હતું. જીઓ ટ્યુબ માવૈયા નાળામાં પણ લગાવવામાં આવી હતી. ત્યાં પણ બાજુમાં બાજુ બાયપાસ ટનલ બનાવી દેવાઈ હતી, જેથી મોટા ભાગનું ગંદું પાણી નદીમાં ભળી જતું હતું. પરમાર્થ નિકેતન અરાઇલ ખાતે ગંદા પાણીનું મોટું તળાવ બની ગયું હતું. તેમાં માનવ મળ તરતા દેખાઈ આવતા હતા તેવું એનજીટીના અહેવાલમાં જણાવાયું છે.માનસુથિયાના નાળાની પણ આવી જ હાલત હતી. ગંગામાં પ્રદૂષણ અંગે ચાલતા એક કેસમાં એમિકસ ક્યુરી બનેલા એ. કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર તેમણે અલાહાબાદ હાઈ કોર્ટમાં પ્રયાગરાજના ૮૩ નાળાંની યાદી આપી છે. તેમાંના ૪૬ નાળાંમાંથી કુંભ મેળા દરમિયાન પણ ગંદું પાણી એમ જ યમુના અને ગંગા નદીમાં ભળતું રહ્યું હતું. ગુપ્તાના જણાવ્યા અનુસાર તેમણે ડિવિઝનલ કમિશનરે વારંવાર આ ખુલ્લા નાળાંઓ વિશે જણાવ્યું હતું. કશું કરવાના બદલે ડિવિઝનલ કમિશનરે કંટાળને તેમને મિટિંગોમાં બોલાવવાનું જ બંધ કરી દીધું.જીઓ ટ્યુબ બેસાડવાનું કામ પણ એક ખાનગી કંપની અપાયું હતું. એનજીટીના અહેવાલના કારણે ઇન્જીઓ કોન્ટ્રેક્ટર્સ પ્રા. લિ.ની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. તે કંપનીના અધિકારીઓ હવે એનજીટીને ખોટી પાડવા માગે છે. તેમનું કહેવું છે કે જીઓ ટ્યુબ બરાબર જ કામ કરે છે અને તેઓ એનજીટીના દાવાને પડકારશે. હકીકતમાં કુંભ મેળામાં સફાઈ તથા છાવણીઓ બનાવવી વગેરે સહિતના અનેક કામોમાં ખાનગી કોન્ટ્રેક્ટરોને બખ્ખાં થઈ ગયા હતા. યોગી સરકારે કરોડો રૂપિયા આ રીતે મળતિયા કોન્ટ્રેક્ટરોને આપી દીધા હતા. તે બધા પાણીમાં ગયા છે, તે પણ ગંદાં પાણીમાં.

Related posts

ભારતમાં બાળ મૃત્યુદર સૌથી ઊંચો

aapnugujarat

પરિણામ પહેલા ગઠબંધનનાં પ્રયાસ અને નવી સરકાર સામેના પડકાર

aapnugujarat

નવરાત્રિની શોભા : નવરંગી ચુંદડી અને પંચરંગી ચણિયાચોળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1