Aapnu Gujarat
બ્લોગ

પરિણામ પહેલા ગઠબંધનનાં પ્રયાસ અને નવી સરકાર સામેના પડકાર

ચૂંટણીના પરિણામનો દિવસ ૨૩ મે નજીક આવી રહ્યો છે, તે સાથે જ રાજકીય પક્ષોએ અત્યારથી જ સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.આ વખતે કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવો મોટા ભાગના લોકોનો અંદાજ છે અને એટલે જ આ સોગઠાબાજી શરૂ કરાઈ છે.આવી અસ્પષ્ટ સ્થિતિમાં નાના રાજકીય પક્ષો પરિણામ પછીની પોતાની ભૂમિકાની શોધ અત્યારથી કરવા લાગ્યા છે.પરિણામો પછી પોતાનું મહત્ત્વ સ્થાપવા માટે અત્યારથી જ સક્રિય થયેલામાં એક છે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના વડા અને તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર). લોકસભાની ૫૪૩ બેઠકોમાં તેલંગાણાની માત્ર ૧૯ જ છે, તેમ છતાં ચંદ્રશેખર રાવ દક્ષિણ ભારતના રાજકીય પક્ષોનો ફેડરલ ફ્રન્ટ ઊભો કરવા કોશિશ કરી રહ્યા છે.આવું સંગઠન ઊભું થઈ શકે તો આગામી પાંચ વર્ષો દરમિયાન દક્ષિણ ભારતનાં રાજ્યો સંયુક્ત રીતે વધારે માગણીઓ મૂકી શકે.કેસીઆર માને છે કે દિલ્હીમાં આવેલી એક પછી એક સરકારે દક્ષિણનાં રાજ્યો સાથે હંમેશાં અન્યાય જ કર્યો છે.નવી દિલ્હીમાં બેસતી સરકાર પર ઉત્તર ભારતનું જ, ખાસ કરીને ઉત્તર પ્રદેશનું જ વધારે દબાણ રહેતું હોય છે. તે સ્થિતિ બદલવા માટે દક્ષિણ ભારતનું જોડાણ હોવું જોઈએ. ટીઆરએસ તેલંગાણાની મોટા ભાગની બેઠકો જીતી જાય તેવું મનાઈ રહ્યું છે. આ પ્રકારના વિચાર સાથે જ કેસીઆરે દક્ષિણ ભારતનાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે મુલાકાતો શરૂ કરી છે.તેઓ સૌ પ્રથમ કેરળના મુખ્ય પ્રધાન પિનરાયી વિજયનને મળ્યા હતા.વિજયન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માર્ક્સવાદી)ના હોવા છતાં તેમની સાથે સારી ચર્ચા થઈ શકી હતી.
જોકે, તે પછી તરત જ તેમના પ્રયાસોમાં અવરોધ આવ્યો, કેમ કે તામિલનાડુના ડીએમકેના વડા એમ. કે. સ્ટાલીને તેમને મળવાની આનાકાની કરી હતી.
વારંવાર વિનવણી પછી આખરે સ્ટાલીન મળવા તો તૈયાર થયા પણ મુલાકાતમાં કંઈ ભલીવાર નહોતી.કેસીઆરના વિચાર સાથે તેઓ સહમત હોય તેવું લાગતું નહોતું. દેખીતી રીતે જ સ્ટાલીને કેસીઆરને ઊલટાનું સૂચન કર્યું કે તમે કૉંગ્રેસ સાથે જોડાણ કરવાનું વિચારો. આવો ફ્રન્ટ ઊભો કરીને કેન્દ્રમાં ભાજપની સરકારને બેસાડવા માટેની કેસીઆરની દાનત છે એવી છાપ ઊભી થઈ હોવાનો ખ્યાલ કેસીઆરને આવી ગયો.જોકે, ભાજપ અને એનડીએને પોતાની રીતે બહુમતી ના મળે તેવા સંજોગોમાં જ આવો ટેકો આપવાની વાત લાગતી હતી.
મોટા ભાગના લોકોની ધારણા એવી જ છે કે એનડીએની બેઠકો બહુમતી કરતાં થોડી ઓછી રહી શકે છે.પોતે ભાજપ તરફી છે એવી છાપ દૂર કરવા માટે જ કેસીઆરે હવે એ પ્રકારના અણસાર આપવાનું શરૂ કર્યું છે કે જરૂર પડ્યે તેઓ કૉંગ્રેસ સાથે મળીને પણ કામ કરી શકે છે.પરિણામો પછીની સ્થિતિમાં કેસીઆર ટેકો આપે તે પ્રકારની વાત કૉંગ્રેસ તરફથી પણ થઈ છે.વિશ્લેષકો માને છે કે કેસીઆર દિલ્હીમાં પોતાના માટે કોઈ ભૂમિકા શોધી રહ્યા છે.તેમની મહત્ત્વાકાંક્ષા કદાચ નાયબ વડા પ્રધાન અને મહત્ત્વનાં મંત્રાલયો મેળવવાની હોઈ શકે.પોતે દિલ્હી જાય અને પાછળ તેલંગાણામાં પોતાના પુત્ર કે. ટી. રામરાવને મુખ્ય પ્રધાન બનાવવાના. પુત્રને ટીઆરએસના પ્રમુખનો હોદ્દો તો આપી જ દેવાયો છે.
કેસીઆર ઉપરાંત દક્ષિણના બીજા નેતાઓ પણ આ દિશામાં સક્રિય થયા છે.આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પક્ષ (ટીડીપી)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ મહિનાઓ અગાઉથી જ આ પ્રકારનો મોરચો ઊભો કરવા માટે કોશિશ કરી રહ્યા છે.
આંધ્ર પ્રદેશમાં ભાજપનું ખાસ કોઈ સ્થાન નથી અને તેથી જ નાયડુએ અચાનક એનડીએ છોડી દેવાનું નક્કી કર્યું હતું અને નરેન્દ્ર મોદીને વિચારમાં નાખી દીધા હતા. જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર નાયડુને ચીત કરવા માટે નરેન્દ્ર મોદીએ ત્યાર બાદ કેસીઆર અને વાયએસઆર કૉંગ્રેસના વડા જગનમોહન રેડ્ડીને સાધ્યા હતા.જગનમોહનનું સમર્થન મળવું સહજ હતું કેમ કે આંધ્ર પ્રદેશમાં સત્તા માટે તેઓ નાયડુની સામે જ સ્પર્ધામાં છે. નાયડુની જગ્યાએ જગનમોહન એનડીએમાં સહેલાઈથી ગોઠવાઈ શકે તેમ છે.બીજું તેમની સામે સીબીઆઈના ઘણા કેસ પણ થયેલા છે એટલે જગનમોહનને દિલ્હીમાં બેઠેલા સત્તાધીશોની વધારે જરૂર છે.વળી, કેસીઆરને પણ મનાવી લેવાનું મોદી માટે અઘરું નહોતું કેમ કે તેમની પણ જૂની દુશ્મનાવટ ચંદ્રબાબુ નાયડુ સાથે છે. અહીં એ યાદ અપાવી દઈએ કે ભૂતકાળમાં કેસીઆર ટીડીપીમાં જ હતા. ૧૯૯૯માં તેમને મંત્રી બનવાની ઈચ્છા હતી પણ તેમને ડેપ્યુટી સ્પીકર બનાવી કોરાણે કરી દેવાયા હતા.તેથી નારાજ થયેલા કેસીઆરે ટીડીપી છોડીને તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સ્થાપના કરી હતી. નવા પક્ષની રચના સાથે તેમણે અલગ તેલંગાણા રાજ્યની રચના માટેની ઝુંબેશને જોરશોરથી ઉપાડી હતી.ચંદ્રબાબુ નાયડુએ એનડીએ છોડી દીધું, તે પછી તેમને કૉંગ્રેસ સાથે જોડાવામાં વાંધો નહી હોય તેમ માની લેવાયું હતું.
નાયડુ માટે પણ તેમ કરવામાં ખાસ મુશ્કેલી નહોતી કેમ કે આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસનું પણ ખાસ અસ્તિત્વ બચ્યું નથી.તેના કારણે રાજ્યમાં કૉંગ્રેસ સાથે તેમને કોઈ જાતની ટક્કર નથી.નાયડુ એવું પણ માને છે કે કદાચ રાહુલ ગાંધી પોતે વડા પ્રધાન બનવા તૈયાર નહી થાય.તેઓ યુપીએના ચૅરમૅન બનવાનું પસંદ કરશે અને વડા પ્રધાન પદ માટે પોતાના જેવા કોઈ નેતાને પસંદ કરે એવી પણ નાયડુની માન્યતા છે. નાયડુ કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીને મળ્યા હતા. તેઓ તમિલનાડુમાં એમ. કે. સ્ટાલીનને પણ મળ્યા હતા અને તેમની સાથે દક્ષિણ ભારતના મોરચાની ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓએ આ વિચાર પર સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો. નાયડુની સ્થિતિ નબળી પાડવા માટે નરેન્દ્ર મોદીએ (ટીઆરએસ અને વાયઆરએસ કૉંગ્રેસ મારફત) કરેલા પ્રયાસોને કારણે તેઓ મુશ્કેલીમાં પણ મુકાયા છે.
આંધ્ર પ્રદેશમાં તેમના માટે સ્થિતિ કફોડી બની હોવાનું ધારવામાં આવે છે.આંધ્ર પ્રદેશની સ્થિતિ વિશે આવી રહેલા સર્વેને સ્વીકારવા શરૂઆતમાં નાયડુ તૈયાર નહોતા પરંતુ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ-તેમ નાયડુને ખ્યાલ આવતો ગયો કે સ્થિતિ ગંભીર છે.આથી તેમણે નવેસરથી પ્રયાસો શરૂ કર્યા અને પોતાને બંને હરીફો સામે ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કર્યા હોવાનું જાણકારોનું કહેવું છે. જોકે, વિશ્લેષકો કહે છે કે હજી પણ ટીડીપી અને વાયઆરએસ કૉંગ્રેસ વચ્ચે નાનકડો ગેપ રહેલો છે અને જગનમોહન ફાયદામાં જ રહ્યા છે.પરિણામ જે પણ આવે તે નાયડુ પણ હવે દરેક સ્થિતિને પહોંચી વળવાની તૈયારીમાં લાગ્યા છે. તેઓ હાલમાં જ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને પણ મળ્યા છે. નાયડુ તેમને કદાચ વડાં પ્રધાન તરીકે તેમને આગળ કરવાની કોશિશ કરશે.નાયડુ મમતા બેનરજીને વડાં પ્રધાન તરીકે પસંદ કરે છે તેનું એક કારણ તેમની મોદીવિરોધી મક્કમ નીતિઓ છે. ચંદ્રબાબુ નાયડુને ખ્યાલ આવી ગયો છે કે પોતાના જ રાજ્યમાં નુકસાન થવાનું હોવાથી તેમની દાવેદારી નબળી પડી રહી છે.તેથી તેમણે પોતાના સસરા એન. ટી. રામરાવ જેવી ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું છે. ૧૯૮૯માં એનટીઆરે નેશનલ ફ્રન્ટ ઊભો કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.તેમણે માત્ર ફ્રન્ટને ચૅરમૅન તરીકેની ભૂમિકા જ સ્વીકારી હતી, કેમ કે ૧૯૮૯માં તે વખતના સંયુક્ત આંધ્ર પ્રદેશમાં તેમના પક્ષ ટીડીપીએ સત્તા ગુમાવી દીધી હતી. લોકસભાની ચૂંટણી જેમજેમ અંતિમ તબક્કા તરફ ગતિ કરી છે અને નરેન્દ્ર મોદીનો પક્ષ ફરી એક વાર બહુમત માગી રહ્યો છે. એની સાથે જ કેટલાક ચિંતાજનક સમાચારો પણ આવી રહ્યા છે.દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા મંદી તરફ ગતિ કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને એના સંકેત ચારેતરફ છે.ડિસેમ્બર પછીના ત્રણ મહિનામાં આર્થિક વિકાસદર ૬.૬ ટકા પર આવી ગયો છે, જે છેલ્લા ૧૮ મહિનામાં સૌથી ઓછો છે.કાર અને એસયુવીનું વેચાણ સાત વર્ષના તળિયે પહોંચી ગયું છે. ટ્રેક્ટર અને બે પૈડાંવાળાં વાહનોનું વેચાણ પણ ઓછું થયું છે.ફાઇનાન્સિયલ એક્સપ્રેસના સમાચાર મુજબ બૅન્ક અને નાણાકીય સંસ્થાઓ સિવાયની ૩૩૪ કંપનીઓનો નફો ૧૮ ટકા નીચે આવી ગયો છે.એટલું જ નહીં દુનિયાના સૌથી ઝડપથી વિકસી રહેલા ભારતના હવાઈ મુસાફરીના બજારમાં મુસાફરોની વૃદ્ધિ છ વર્ષમાં સૌથી ઓછી રહી છે અને બૅન્ક ધિરાણની માગ અસ્થિર છે.ઉપભોગની વસ્તુઓ બનાવતી દેશની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલીવરે માર્ચ મહિનામાં ત્રિમાસિક હિસાબમાં ફક્ત ૭ ટકાનો વિકાસ રજૂ કર્યો છે, જે છેલ્લા ૧૮ મહિનામાં સૌથી ઓછો છે.
એક અખબારે તો ત્યાં સુધી પણ લખ્યું કે ’ભારત ક્યાંક ઉત્પાદન આધારિત બજારની વાર્તામાં’ ફેંકાઈ તો નથી ગયું ને?આ ચિત્ર દર્શાવે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવક ઓછી થઈ રહી છે અને માગ ઘટી રહી છે.
કૃષિ ક્ષેત્રમાં સારો પાક છતાં માલના ભરાવાથી આવક ઘટી છે. બૅન્ક સિવાયની મોટી નાણાકીય સંસ્થાઓએ દેવાળું ફૂંકતા ધિરાણમાં સ્થિરતા આવી ગઈ છે અને તેને લીધે લોન આપવાનું ઘટ્યું છે.કાર્નૅલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અને વિશ્વ બૅન્કના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કૌસિક બસુનું માનવું છે કે તેઓ શરૂઆતમાં સમજતા હતા એના કરતાં આ મંદી ઘણી વધારે ગંભીર છે.એમણે કહ્યું કે હવે આપણે મંદી અવગણી ન શકીએ અને તેના પૂરતા પુરાવાઓ છે.એમનું માનવું છે કે આનું મોટું કારણ ૨૦૧૬માં થયેલી વિવાદિત નોટબંધી પણ છે, જેણે ખેડૂતો પર અવળી અસર કરી છે.રોકડ આધારિત ભારતીય અર્થવ્યવસ્થામાં ૮૦ ટકા ચલણી નોટોને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક સલાહકારના શબ્દોમાં કહીએ તો નોટબંધી એ એક મનઘડંત, ક્રૂર અને ખૂબ મોટો ઝટકો હતી.આ બધું ૨૦૧૭ની શરૂઆતથી જ બધાને દેખાવા લાગ્યું હતું. એ સમયે નિષ્ણાતોને એ ન દેખાયું કે આ ઝટકાએ ખેડૂતોનાં કરજ પર મોટી અસર કરી છે અને એના કારણે એમને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને એ હજી પણ ચાલુ છે. ખેતીવાડીના ક્ષેત્રમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.પ્રોફેસર બસુના કહેવા મુજબ નિકાસ પણ નિરાશાજનક રહી છે.તેઓ કહે છે, છેલ્લાં પાંચ વર્ષમાં નિકાસનો દર લગભગ શૂન્ય નજીક રહ્યો છે.ભારતની ઓછા વેતનવાળી અર્થવ્યવસ્થા માટે નાણાકીય નીતિ અને સૂક્ષ્મ પ્રોત્સાહનનું સંતુલન આ ક્ષેત્રના વિકાસ માટે જરૂરી છે, પરંતુ અફસોસ કે નિવેદનબાજી નીતિઓમાં નથી જોવા મળી.આની સામે વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય એવા રથિન રૉય માને છે કે ભારતની ઉત્પાદન આધારિત અર્થવ્યવસ્થાની ઝડપ હવે સંતુલિત થઈ રહી છે.ડૉ. રૉયનું કહેવું છે કે ભારતના ઝડપી આર્થિક વિકાસદરમાં દેશની ઉપરના સ્તરની ૧૦ કરોડ વસતિની મુખ્ય ભૂમિકા છે.તેઓ કહે છે કે કાર, બે પૈડાંવાળાં વાહનો, એસી વગેરેની ખરીદી એ આર્થિક રીતે સધ્ધર હોવાના સંકેતો છે. ઘરની જરૂરિયાતના સામાનની ખરીદી પછી હવે અમીર ભારતીયોનો ઝોક વિદેશી લકઝરીને ખરીદવા તરફ વળ્યો છે. જેમ કે, વિદેશની ટૂર, ઇટાલિયન કિચન વગેરે.
મોટા ભાગના ભારતીયો ઇચ્છે છે કે એમને પોષણયુક્ત ખોરાક, સસ્તાં કપડાં અને ઘર મળે.એમને આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ મળે. આર્થિક વિકાસદરના માપદંડ ખરેખર તો આ હોવા જોઈએ.ડૉ. રૉય કહે છે કે મોટા પાયા પર ઉપભોગ માટે ફક્ત સબસિડી અને આર્થિક સહયોગ પર આધારિત ન રહી શકાય. ઓછામાં ઓછી અડધી વસતિની આવક એટલી હોવી જોઈએ જેનાથી તેઓ ઉપભોગની વસ્તુઓ ઓછા દરે ખરીદી શકે. જેથી કલ્યાણની કામગીરી માટેની સબસિડી વધારાના ૫૦ કરોડ લોકોને આપી શકાય.જ્યાં સુધી ભારત આવનારા દશકાઓમાં આમ નહીં કરી શકે ત્યાં સુધી દેશનો વિકાસદર સ્થિરતાનો શિકાર બની રહેશે. ડૉ. રૉય કહે છે, ભારતની અર્થવ્યવસ્થા મધ્યમ આવકની જાળમાં ફસાઈ રહેલી દેખાય છે. મતલબ જ્યારે દેશની ઝડપ અટકી ગયેલા વિકાસદરનો શિકાર થઈ જાય અને તે વિકસિત અર્થવ્યવસ્થાઓની બરોબરી કરવાનું બંધ કરી દે એવી સ્થિતિ.એમના કહેવામાં મુજબ અર્થશાસ્ત્રી આર્ડો હૈનસન આ સ્થિતિને એક એવી જાળ કહે છે જેમાં તમારો ખર્ચ વધતો જાય છે અને તમે એ રીતે હરીફાઈમાંથી બહાર નીકળી જાવ છો.સમસ્યા એ છે કે તમે એક વાર મધ્યમ આવકની જાળમાં ફસાઈ જાવ છો તો એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.વિશ્વ બૅન્કના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૯૬૦માં મધ્યમ આવકવાળા ૧૦૧ દેશોમાંથી ફક્ત ૧૩ દેશો જ ૨૦૦૮ સુધી ઉચ્ચઆવકવાળા દેશોની શ્રેણી (અમેરિકાની સરખામણીમાં પ્રતિ વ્યકિત આવક)માં સામેલ થઈ શક્યા.આ ૧૩ દેશોમાં ફક્ત ત્રણ દેશોની વસતિ અઢી કરોડથી વધારે છે. ભારત ઓછી મધ્યમ આવકની અર્થવ્યવસ્થા છે અને આવા સમયે આ જાળમાં સપડાવું મુશ્કેલી સર્જનારું છે.રૉય કહે છે કે ધનિકો પરનો કર વધારીને ગરીબોને બુનિયાદી સુવિધાઓ આપવી એ મધ્યમ આવકની જાળનો અર્થ છે.

Related posts

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ.. : મનીષા વાઘેલા

editor

ગીત ગુજરાત ના,

aapnugujarat

ગુજરાતીઓમાં હવે અમેરિકાને બદલે કેનેડાની વધી રહેલી પસંદગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1