Aapnu Gujarat
Nationalબ્લોગ

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ.. : મનીષા વાઘેલા

“હું કાંઇ નથી જાણતો એટલું જાણવા માટે ઘણુ બધુ જાણવું જરૂરી છે.”

પ્રથમ દ્રષ્ટિએ જોતા તો એવું જ લાગે કે આ વાત કોઈ તત્વચિંતકે કરી હશે.પણ આ શબ્દો છે ગુજરાતના લોકપ્રિય કલાકાર, હાસ્યના બેતાજ બાદશાહ અને પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર શ્રી શાહબુદ્દીન રાઠોડના. જેમનું નામ સાંભળતા જ ચહેરા પર સ્મિત આવ્યા વિના ન રહે. હોઠો પર સ્મિત અને આંખોમાં આંસુ….. આ બંનેનું એક સાથે આવવું વિરોધાભાસી લાગતી ઘટના છે પરંતુ શ્રી શાહબુદ્દીન રાઠોડને સાંભળતા હોઈએ ત્યારે આ વિરોધાભાસી ઘટના થવી સહજ છે.

સહજ- સરળ થવું ઘણું અઘરું છે. સરળતા જેનો સ્વભાવ છે એવા શ્રી શાહબુદ્દીનભાઇ ગુજરાતનાં પ્રથમ હરોળનાં હાસ્ય કલાકાર હોવાની સાથોસાથ ખૂબ સારા ચિત્રકાર અને લેખક પણ છે.તેમને વાંચનનો પણ ગજબ શોખ છે. જે. કૃષ્ણમૂર્તિ તેમના પસંદગીના લેખક છે. આ ઉપરાંત એરિસ્ટોટલ, પ્લેટો,લાઓત્સે તેમને ગમતા તત્વચિંતકો છે. પોતે પસંદગી કરીને વસાવેલા ૧૦,૦૦૦ થી પણ વધુ પુસ્તકો પોતાની સ્કૂલ લાયબ્રેરીમાં છે. પુસ્તકોને પુંઠા ચઢાવતા ને ગોઠવતા એમાંથી વાંચનની ટેવ પડી છે. આ વાંચન તેમને લેખન સુધી લઇ ગયુ.તેમણે બાર પુસ્તકો લખ્યા છે જેમાં પાંચ નાટકો અને ત્રણ એકાંકીનો સમાવેશ થાય છે. એક એકાંકી એમણે અંગ્રેજી ભાષામાં લખી છે. ‘હાસ્યનો વરઘોડો’ પુસ્તક માટે તેમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક એનાયત થયું છે તેમજ ‘અમે મહેફિલ જમાવી છે’ પુસ્તકને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળ્યો છે.

શ્રી શાહબુદ્દીનભાઇએ જ્યારે તેમનું પુસ્તક’ વાહ દોસ્ત વાહ’ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યું ત્યારે શ્રી નરેન્દ્ર મોદીએ તેમને વાહ દોસ્ત વાહ કહી નવાજ્યા. વડાપ્રધાનશ્રી સાથેની મુલાકાતને વાગોળતા શાહબુદ્દીનભાઇ જણાવે છે કે, ‘વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રી હતા ત્યારે ચાલુ કાર્યક્રમે તેમને મળવા માટેની ચીઠ્ઠી મોકલી તો તેમણે કાર્યક્રમ રોકી અને મને મળવા માટે સમય ફાળવ્યો. મને થોડો સંકોચ પણ થયો કે મારા કારણે કાર્યક્રમમાં ખલેલ પહોંચી.’

એક વ્યક્તિએ શાહબુદ્દીનભાઇને પૂછ્યું કે, ‘સમાજસેવાની શરૂઆત ક્યાંથી કરવી ? એનો જવાબ પોતાની આગવી શૈલીમાં આપતાશાહબુદ્દીનભાઈએ કહ્યું કે,’ જેના ઉછીના લીધા હોય તેને પાછા આપી દેવા.’જોકે શ્રી શાહબુદ્દીનભાઇએ તો સમાજમાંથી જેટલું મેળવ્યું છે એનાથી અનેક ગણું સમાજને પાછું આપ્યું છે. તેમણે અનેક વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપ્યો છે. તેમના જીવનના બે મહત્વના સામાજિક કામમાં પહેલુ કામ તેઓ થાનમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શનના કારણે સ્થપાયેલી વિદ્યાર્થિનીઓ માટેની પહેલી શાળાને ગણાવે છે.આ ઉપરાંત તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ થાનને તાલુકા બનાવવાની માંગણીનો સ્વીકાર કર્યો તેને પોતાના જીવનની ઉપલબ્ધિ માને છે. કારણ કે તાલુકાનો દરજજો મળતાં થાનનાં વિકાસને વેગ મળ્યો છે.

શાહબુદ્દીન ભાઇ પોતાના ભુતકાળને યાદોને વાગોળતા જણાવે છે કે, “પિતાની જન્મભૂમિ એટલે કચ્છના અબડાસા તાલુકાનું સાંધો ગામ.! જ્યાં પ્લેગ ફેલાયો હતો ત્યારે અમારા પરિવારના અગિયાર માણસોને પ્લેગ ભરખી ગયો. ત્યારે મારા દાદી મારા પિતા સિદ્દીકભાઈને મુંબઈ લઇને આવ્યા. પિતાનો ઉછેર મુંબઈ વસતા કચ્છીઓએ કર્યો. એ સમય વીસમી સદીના શરૂના દોઢ બે દસકનો. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં સિરામિકના કોર્સ સૌ પહેલા શરુ થયેલા તેમાં પહેલા વિદ્યાર્થી મારા પિતા શ્રી સિદ્દીકભાઈ અબ્બાસભાઈ હતા.” સિદ્દીકભાઈના પત્નીનું નામ હસીનાબેન. આ દંપતીના પરિવારમાં ચાર સંતાનો. અમીનાબહેન, છોટુભાઈ, કરીમભાઈ અને શાહબુદ્દીન. આખું કુટુંબ પછી તો મુંબઈ છોડી થાન આવ્યું.

થાનગઢમાં બહાર બનેલું પહેલું મકાન “સિદ્દીક મંઝિલ” ત્યાં જીવન શરુ થયું. 

૦૧-૦૨-૧૯૫૮ના રોજ જ્યાંથી ભણ્યા હતા એ જ શાળામાં શિક્ષક થયા. નિમણૂકપત્ર આપતા બી.ટી.રાણા સાહેબે કહેલું કે, “તારા પિતાએ મને નોકરી આપી હતી, ને હું તને નોકરી આપું છું.” પછી તો ઈતિહાસ અને પોલિટિક્સમાં બી.એ. કર્યું. તે સમયમાં લીમડીમાં બે શિક્ષકો સ્પેશિયલ કેસમાં આચાર્ય થયા. એક મહિપતસિંહ ઝાલા, અને બીજા શાહબુદ્દીન રાઠોડ! તેર વર્ષ શિક્ષક અને પચ્ચીસ વર્ષ આચાર્ય તરીકે એમ ૩૮ વર્ષ શિક્ષક તરીકે પસાર કર્યા. હાસ્યથી શિક્ષણને હળવું કરવું અને શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવવુ જોઇએ તેવું શ્રી શાહબુદ્દીનભાઈ માને છે.

શ્રી શાહબુદ્દીનભાઇને ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે તમારું નામ શાહબુદ્દીન અને અટક રાઠોડ તો તમારી જાતી ગઈ ?તેનો જવાબ વિનોદી વૃત્તિમાં આપતા તેઓ જણાવે કે, ‘નર જાતિ’.સાથે સાથે વિનય મહાજનની કવિતા પણ યાદ કરાવે છે.

मंदिर-मस्जिद-गिरजाघर ने बाँट लिया भगवान को,
धरती बांटी, सागर बांटा, मत बांटो इंसान को….

શ્રી શાહબુદ્દીનભાઈ હાસ્ય વૃત્તિને ઈશ્વરદત્ત માને છે. તેમના હાસ્ય રસનોપ્રેરણા સ્ત્રોત મહાત્મા ગાંધીજી છે.  ગાંધીજી કહેતા કે, મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી લીધી હતી. ગંભીરમાં ગંભીર ઘટનાઓમાં પણ શ્રી શાહબુદ્દીનભાઈ વિનોદ કરી શકે છે ને ગંભીર ઘટનાને પણ હળવાશથી લઈ શકે છે તે બાબતની પ્રતીતિ તેમની વિદેશ યાત્રા સમયનાં બે પ્રસંગો પરથી આવે છે. અમેરિકાની યાત્રાનો પ્રસંગ વર્ણવતા તેઓ જણાવે છે કે,“મને જીવનનાં એક શોખ એ હતો કે વગર પૈસે જોવાય એટલા દેશો જોઇ લેવા. ૨૫ દેશોમાં મેં પ્રવાસ કર્યો,જેમાં ૨૨ દેશોમાં તો કાર્યક્ર્મ આપ્યા.અમેરિકાની વિદેશ યાત્રા દરમિયાન એરોપ્લેનમાં આગ લાગી. પ્લેનની લાઈટો બંધ થઈ ગઈ. બૂમાબૂમ અને ચીસાચીસ થઈ ગઈ. પ્લેનને પરત લોસ એન્જેલસ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સાત મિનિટમાં લોસ એન્જેલસ વિમાન ઉતારવાનું હતું પણ જો આગ લાગે તો સમગ્ર પ્લેનને બળતા બે મિનિટનો પણ સમય ના લાગે. ત્યારે સમજાયું કે, ખબર નહી હે પલ ઓર બાત કરત હૈ કલ કી. ભારતમાં મરવાની તકો ઓછી હતી તો અહી સુધી પહોંચ્યા. અહીંયા શું કામ આવે એનો અફસોસ થયો.”  આવો જ બીજો પ્રસંગ દક્ષિણ ભારતનાં પ્રવાસ સમયનો છે. દક્ષિણ ભારતમાં ૬ કાર્યક્રમો હતા.આ પ્રવાસ સમયે એરોપ્લેન વરસાદ,વાવાઝોડા અને વીજળીની ગાજવીજમાં ઘેરાઇ ગયુ હતું એ સમયે વીજળીનો એવો કડાકો થયો કે શ્રી શાહબુદ્દીનભાઇનાં કાનમાંથી લોહી નીકળવા લાગ્યુ. આવી ગંભીર પરિસ્થિતીમાં પણ તેઓ તેમની પાસે બેઠેલા પેસેન્જરનું મેઘઘનુષ તરફ ધ્યાન દોરતા હતા. હેમખેમ ઘરે પરત ફર્યા પછે તો તેમને રમૂજ કરતા કહ્યુ, ‘હવે ભલે ઊંટગાડીમાં બેસવુ પડે તો બેસીશ,પણ એરોપ્લેનમાં નહી બેસુ’.

જો કે તેઓ એમ પણ મને છે આવા પ્રસંગોથી અહંકાર ઓગાળી જાય છે.  શાહબુદ્દિન રાઠોડનો હાસ્ય વરઘોડો ફીલ્મનું પણ નિર્માણ પણ થયુ છે.તેમજ ‘મિશન મમ્મી’ ફીલ્મમાં બાળકોને વાર્તા કહેતા દાદાજીની ભૂમિકા ભજવી છે. આ ફીલ્મનું શુટીંગ તેમને એક પણ વાર રીટેકની જરૂર ન પડી.તેમણે કચ્છમિત્ર ,જન્મભૂમી પ્રવાસીમાં પાંચ વર્ષ સુધી લેખો લખ્યા.રેડિયોમાં પણ કાર્યક્રમો આપ્યા.ટૂંકમાં સમયની સાથે ચાલીને બધા જ માધ્યમો સ્વીકાર્યા.

ભરપૂર જીવી જાણનાર શાહબુદ્દીન રાઠોડ જીવનનું પરમ સત્ય કહે છે:

“જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત, તેની ખબર હોતી નથી.” 

ચિંતન-મર્મ-અધ્યાત્મથી ભરપૂર હાસ્યનાં સર્જંહાર શ્રી શાહબુદ્દીનભાઇ પોતાની વાતને વિરામ આપતા કહે છે કે,  “મારા માટે હાસ્ય જીવનનું સાધ્ય છે અને તેથી સ્વમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું — એ સિદ્ધાંત મેં પાળ્યો છે.” આપણી સાંસ્કૃતિક વિરાસતનાં ઉપાસક અને નૌતિકમૂલ્યોનાં સંવાહક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડને અભિનંદન સાથે વંદન.

 

Related posts

देश की अर्थव्यवस्था और फिल्म RRR में क्या है कनेक्शन? केंद्रीय मंत्री पीयूष गोयल ने कही बड़ी बात

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર – પ્રથમ ગોળમેજી પરિષદમાં – ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત

aapnugujarat

દખ્ખણ પછીની લડાઈ પૂરબમાં થવાની છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1