Aapnu Gujarat
બ્લોગ

નવરાત્રિની શોભા : નવરંગી ચુંદડી અને પંચરંગી ચણિયાચોળી

નવરાત્રિ રૂમઝૂમ કરતી આવી અને યુવતીઓનો હરખ સમાતો નથી. રોજ રાત પડેને નવા શણગાર સજી, ચણિયા ચોળી કે બીજા ગાંવઠી પોશાક પહેરીને ગરબે ઘૂમવાની મજા કોને ન પડે! આપણાં હિંદુઓમાં વ્રતો, તહેવારો, વિશેષ પ્રસંગોની ઊજવણીની એક આગવી જ છટા છે. વિશેષ કરીને કન્યાઓના માનીતા પ્રસંગો નવરાત્રિ, ગૌરીવ્રત છે.આવી વેળાએ પોશાક મેકઅપની પસંદગી વિશેષ રીતે થતી હોય છે. કન્યાઓના પોશાકના ક્ષેત્રે ચણીયાચોળી જેવા પોશાકનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે. નાનકડી બેબીથી માંડીને મોટી ઊંમરની મહિલાઓને પણ ચણિયાચોળીનું આકર્ષણ રહે જ છે. રોજીંદા પોશાકો કરતા આગવીજ ભાત પડતા આ પોશાકમાં વ્યક્તિત્વ સુંદર નીખરે છે.ચણિયાચોળી ગામઠી તથા રાજવી પ્રકારના પણ જોવા મળે છે. મોટાભાગની કન્યાઓના ચણિયાચોળી ચમકદાર ભભકાદાર જ ગમે છે. જરીની વિવિધ પ્રકારની ડિઝાઈનનું આકર્ષણ પણ રહે છે. ચણિયાચોળી પર લાઈટ કે સૂર્યપ્રકાશના પ્રતિબિંબના કારણે એ સુંદર દર્શનીય પોશાક પણ બની જાય છે. આ પોશાક દ્વારા તાલબદ્ધતા, લય તથા ચાલમાં માદકતાનો ઉમેરો થાય છે. સુંદર કલાત્મક ચણિયા સાથે ગરબો કે નૃત્ય કરતાં એક ગતિશીલ કલાકારીગીરી નજર સમક્ષ ઊભી થાય છે.
ચણિયાચોળીમાં મુખ્યત્વે બેઝીક રંગોનું સંયોજન પણ જોવા મળે છે. ટોળામાંથી અલગ પડવાની વૃત્તિને અહીં જાળવવામાં આવી છે. આજકાલ શહેરી વર્ગમાં ગામઠી પ્રકારના ચણિયાચોળી પહેરવાનો શોખ મોટા પ્રમાણમાં ચાલ્યો છે.રોજ પંજાબી ડ્રેસ કે જીન્સમાં ફરતી કન્યાઓ આવા ટાણે ગામઠી પ્રકારની ડિઝાઈનવાળી ચણિયાચોળી પહેરીને થોડા સમય પુરતા ગામઠી વાતાવરણમાં પ્રવેશ કરીને એક નવો જ આનંદ પ્રાપ્ત કરે છે. આજના ટેન્શનમય જીવનમાં લોકો કોઈપણ રીતે કોઈક નવું પહેરી, ઓઢીને આનંદ મેળવે છે. સૌ કોઈને ટેન્શનમુક્ત થવું છે. અવનવા પોશાકો પણ એમાં મદદકર્તા થઈ શકે છે.ચણિયાચોળીની ખરીદી કરવી એ પણ સમજપૂર્વકની પ્રક્રિયા છે. પોતાના નાણાંકીય બજેટ તથા તેની ઉપયોગીતાને ખાસ ધ્યાનમાં રાખીને ખરીદી કરવી જોઈએ. દુકાનદારની મોટી મોટી વાતોમાં આવી જઈને ખરીદી કરતા કોકવાર પસ્તાવાનો વારો આવશે. જરી ભરતકામવાળી ચણિયાચોળીના આયુષ્ય અંગે પણ જાગૃત રહેજો.ચણિયાચોળીના કપડાંનો રંગ કાચો ન હોય તે પણ જાણી લેજો. નહીંતર રંગ, નીકળતા ઘરમાં અન્ય વસ્ત્રો સાથે રંગ હોળી રમાઈ જશે ને વસ્ત્રમાંના ડાઘા તમને બાઘા પુરવાર કરશે. જરી ભરતના રેડીમેડ ચણિયાચોળી કોકવાર નબળા સિલાઈ કામને કારણે તકલાદી સાબિત થાય છે.હવે તો મશહૂર ફેશન ડિઝાઈનરો, ફિલ્મી અભિનેત્રીઓ અને મોડેલોના ચણિયાચોળી ઘાઘરા, લહંગા વગેરે તૈયાર કરે છે. હમ દિલ દે ચૂકે સનમમાં ઐશ્વર્યા અને દેવદાસમાં માધુરીની ચણિયાચોળી યુવતીઓના મનમોહી લે છે.કરિના હોય કે કાજોલ, ઐશ્વર્યા હોય કે માધુરી, કે પછી ગામડાની ગોરી હોય, ભારતની નારી વર્ષોથી ઘાઘરા અને ચણિયાચોળી પહેરતી આવી છે અને તેના આ ઘેરવાળા ચણિયાના ઘેર પાછળ વિશ્વભરનાં લોકો પાગલ બની ગયા છે.ફિલ્મ ’ખલનાયક’માં ’’લહંગા હૈ મહંગા મેરા’’ કહેતી માધુરીના ઘાઘરા પાછળ ખલનાયક તો ઠીક પરંતુ લાખો દિલ કુરબાન થઈ ગયા હતા. આ ઉપરાંત ’’દિલ્હી શહરમાં મારો ઘાઘરો જો ઘૂમ્યો.’’ ગાઈને ઈલા અરૃણે તો ઘાઘરાને રાજકારણ સાથે નાતો જોડીને તો હદ જ કરી દીધી હતી.એક સમયે કૃષ્ણ સાથે રાસલીલા રચાવતી ગોપીઓ ઘેરવાળા ઘાઘરામાં ઘુમરીઓ ખાતી એ દ્રશ્ય હવે મોટા પેઈન્ટીંગોમાં જ જોવા મળે છે.આજના ફેશનેબલ સ્વરૃપ સુધી પહોંચતા પહોંચતા ઘાઘરાને અનેક રંગમાં રંગાવું પડયું છે. શરૂઆતમાં ચણિયો સિવ્યા વગરનું એક વસ્ત્ર હતું. જેમાં ચુન્નીઓ બનાવી તેને કમર પર બાંધી દેવામાં આવતું હતું. અને તેના કિનારા ખુલ્લા છોડી દેવામાં આવતા હતા. કમ્મર પર કપડાને જકડી રાખવા ધાતુનો પટ્ટો બાંધવામાં આવતો હતો. પરંતુ લોકપ્રિયતા વધતાની સાથે સાથે ઘાઘરાની સ્ટાઈલમાં નોંધપાત્ર સુધારો થતો ગયો. વધુ આરામદાયક બને અને ઉપરથી પહેરવાથી આકર્ષક લાગે એ દ્રષ્ટિએ ઘાઘરો નવા નવા આધુનિક રંગમાં રંગાતો ગયો.કમ્મર પર બાંધવામાં આવતા કપડાના છેડા સિવવાની શરૃઆત થઈ અને ચાલવામાં સરળતા રહે એ કારણસર કમ્મર પરની ચુન્નીઓની સંખ્યા વધતી ચાલી. કમ્મર પટ્ટાનું સ્થાન કપડાના એક ટુકડાએ લઈ લીધું જે નેફા નામે ઓળખાવા લાગ્યો. નેફામાં નાડું બાંધવામાં આવતું આજે પણ એ પ્રથા અસ્તિત્વમાં છે.મોગલ સમય દરમિયાન ઘાઘરાનો વિકાસ તેની ચરમસીમાએ પહોંચ્યો એમ કહી શકાય. સમૃદ્ધ મોગલ બેગમો પોતાની જાતને આકર્ષક ઘાઘરામાં સજાવતી. આપણે જેને ઓઢણી કહીએ છીએ તેને મુસ્લિમ મહિલાઓ દુપટ્ટો કહે છે.વખત જતા આ ઓઢણી અથવા દુપટ્ટો સન્માનનું પ્રતીક બની ગયા. ઘાઘરા પર તેને મેચ થતી ઓઢણી કે બ્લાઉઝ પહેરવામાં આવે તો તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. ઓઢણી મોટે ભાગે ઝીણા વસ્ત્રોમાંથી બને છે. અને તેને વધુ ઓપ આપવા માટે તેના પર સોનેરી વેલ બુટ્ટા અથવા આકર્ષક આભલાનું ભરત ભરવામાં આવે છે. ચોળી દ્વારા હાથ ઢંકાઈ જતા હતા પરંતુ તેની લંબાઈ મહિલાઓના પાતળી કમ્મરને શોભાવતી હતી.જોવા જઈએ તો આજે પણ ઘાઘરામાં ખાસ પરિવર્તન આવ્યું નથી. આધુનિક ઘાઘરાની કલ્પના પણ મોગલ જમાનાના ઘાઘરા પરથી જ લેવામાં આવે છે. નવા વિકાસ તરીકે દુપટ્ટા બનાવવા આજે રેશમ લીનન કે શિફોન વાપરવામાં આવે છે. આજે તો લગ્નપ્રસંગે નવવધુ ઘાઘરા પહેરવાનો આગ્રહ રાખે છે. નવવધુઓનો પોશાક મોટે ભાગે લાલ રંગમાં બનાવવામાં આવે છે. લાલ રંગને શાસ્ત્રમાં અનુરાગ અને ઉત્તેજનાનો પ્રતીક ગણવામાં આવે છે.મોગલ જમાનાથી ચાલી આવેલા આ રાજસી પોશાકની સુંદરતાનો આધાર તેના પર કરવામાં આવેલા ઝીણવટભર્યા જરી કામ પર આધાર રાખે છે.આ માટે ઉત્તર પ્રદેશના લખનૌ નિકટ આવેલા ફર્સુખાબાદનાં ૧૦૦ ગામોમાં રહેતા મુસ્લિમ નિવાસીઓ પારંગત છે આ હુન્નર વારસાગાત છે. બાપદાદાઓથી ચાલી આવતી આ કળા પિતા પોતાના પુત્રને વારસામાં આપી જાય છે.ઘાઘરાના વસ્ત્રને સૌપ્રથમ એક ચારપાઈ જેવી લાકડીની ફ્રેમમાં ચઢાવવામાં આવે છે. ત્યાર પછી ગળી અથવા ચોકના ભૂકાથી કપડા પર ડિઝાઈન છાપવામાં આવે છે. આટલું કાર્ય પતે એટલે ભરતકામ શરૂ થાય છે. જરીનું કામ ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે. દપકા, નકશી, આરી અને ગોટા.દપકાનું કામ ખૂબ જ ઝીણવટભર્યું હોય છે. આ કામ કપડાને ફ્રેમ પર ચઢાવ્યા પછી અને છાપ્યા પછી કરવામાં આવે છે ભારે અને ઝીણવટભર્યું જરી ભરતકામ કરવાનું હોય ત્યારે એક ઘાઘરા પર ત્રણથી ચાર કારીગરો મંડી પડે છે. સૌપ્રથમ એક મોટા સુતરાઉ દોરાથી નમૂના પર સિવવામાં આવે છે. ત્યાર પછી જરીના દોરાને સાધારણ સોય પર લપેટવામાં આવે છે. નમૂના મોટે ભાગે ફૂલો, વેલ, પાન અને મોરના હોય છે.નકશીકામ દપકાથી સસ્તુ હોય છે. પરંતુ તેના વગર નવવધુઓના ઘાઘરામાં ઉઠાવ આવતો નથી. કારણ કે તેમાં ચમક વધારે છે. આ પ્રકારનું ભરત સોનેરી દોરા બાંધીને પણ કરવામાં આવે છે.આરી ખૂબ જ બારીક પ્રકારનું ભરત છે. આમાં રંગીન અને સોનેરી દોરાઓ વાપરવામાં આવે છે. સોઈ જેવી કલમની ધાર પર દોરાને નાખી કપડામાં પોરવવામાં આવે છે જેનાથી સ્ટિચ જેવાં ટાંકા ઊભરી આવે છે.ગોટાનું કામ વિભિન્ન પહોળાઈના ગોટાને સિવીને કરવામાં આવે છે. જેનાથી અલગ અલગ નમૂના બને છે. ગોટાનું કામ મોટે ભાગે જયપૂરમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ઘાઘરાને મોતીઓથી પણ સજાવવામાં આવે છે.પરિધાનની ઉત્તમ કલાકૃતિ તરીકે ચણિયાચોળી અને ઘાઘરાનું સ્થાન આજે પણ યથાવત્‌ છે. ભવિષ્યના અનેક સુખદ સોણલાં સાથે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરતી નવવધુઓના ઘાઘરા-લહંગા અને રાસ રમતી રમણીઓના ચણિયાચોળીની ચમકદમક વર્ષો સુધી એવીને એવી જ રહેશે.એક ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની કે મોંઘાભાવના જથ્થાબંધ તૈયાર ચણિયાચોળીમાં કોકવાર ફસાઈ જવાની શક્યતાઓ રહે છે. માટે ગ્રાહકે જાગૃત રહેવું જરૂરી છે. ચણિયાચોળી જો બનાવડાવતા હોય તો કન્યાની હાઈટ મુજબ ચણિયાનું માપ તો રાખવું જ પણ કન્યાની શારીરિક વૃધ્ધિની ઊંમર હોય તો ચણિયાના નેફા બે બનાવી શકાય. જેથી ચણિયાની ઊંચાઈ શારીરિક ઊંચાઈ મુજબ નેફામાં નાડુ નાખીને ગોઠવી શકાય. કોકવાર કુટુંબમાં કન્યા વધુ હોય તો એકબીજાની ચણિયાચોળી વ્યવસ્થિત જાળવ્યા હોય તો વાપરી શકાય. એક વાત ખાસ ધ્યાન રાખવી કે જરૃર ન હોય ત્યારે ચણિયાચોળી વિશેષ બેગમાં સાચવી રાખવા. જેથી ફરીવાર કામમાં આવે. મોંઘી ચણિયાચોળીની જાળવણી પણ થાય ને વારંવાર ખરીદી કરવાની જરૂર ન પડે.કુદરતી તત્વો વિવિધ પેચવર્ક, સૂર્ય ફૂલ, પતંગિયા કેરી, તારા જેવા આકારો તથા ભૌમિતિક આકારોનું સંયોજન ચણિયાચોળીમાં વિશેષ જોવા મળે છે.ચણિયાચોળીને શણગારવા, કોડી, મોતી, રૂદ્રાક્ષ, છીપલા, શંખ, રેશમી દોરા, જરી પટ્ટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા ખરા શોખીન લોકો હેન્ડ પેઈન્ટીંગ કરીને નવીન ડિઝાઈનો પણ કરે છે.ફેબ્રીક પેઈન્ટીંગની કમાલ આમાં વિશેષ કરીને જોવા મળે છે. આમા તમારી કલ્પના શક્તિ તથા ચિત્રકળાની આવડતની વિશેષ જરૂર છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

જશવંત બીડીના માલિકના આપઘાતથી ચકચાર

aapnugujarat

ઇંગ્લેન્ડમાં કોહલીનાં નરબંકાઓની અગ્નિપરિક્ષા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1