Aapnu Gujarat
બ્લોગ

ઇંગ્લેન્ડમાં કોહલીનાં નરબંકાઓની અગ્નિપરિક્ષા

ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ વિશ્વકપની શરૂઆત થઈ ચુકી છે. ભારત સહિત તમામ ટીમો તેને પોતાના નામે કરવા માટે ઈંગ્લેન્ડમાં છે. ક્રિકેટના પોતાના અત્યાર સુધીના સફરમાં ભારત બે વખત (૧૯૮૩ અને ૨૦૧૧) વિશ્વ કપ જીતી ચુક્યું છે. આ વખતે પણ ભારતીય દર્શકોને આશા છે. આમ તો અત્યાર સુધી લગભગ બાર જેટલા વર્લ્ડકપનું આયોજન થયું છે પણ પહેલાનાં ત્રણ આયોજનો સમયે ટીમ ઇન્ડિયા એટલી દમદાર મનાતી ન હતી ત્યારે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝ ધાકડ ટીમો હતી તેમાંય તેની પેસ બેટરી અને ગ્રીનીઝ, લોઇડ તથા રિચાર્ડસ જેવા બેટસમેનોનાં બળે વેસ્ટઇન્ડિઝે તરખાટ મચાવી દીધો હતો.ત્યારે તેમનાં બોલરોનો સામનો કરવો કોઇનાં માટે સહેલો ન હતો એ કારણે જ પહેલી બે ટુર્નામેન્ટ તેમણે આસાનીથી જીતી લીધી હતી પણઇ ૧૯૮૩માં કપિલની અંડરડોગ ગણાતી ટીમ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે કોઇને આશા ન હતી કે આ ટીમ કમાલ કરવાની છે અને તેમણે એ કમાલ કરી બતાવ્યો હતો.પહેલી બે ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ વેસ્ટઇન્ડિઝને તેમણે ધુળ ચટાડી અને ખિતાબ પોતાનાં નામે કર્યો આ વિજય બાદ દેશમાં જે ક્રિકેટનો ક્રેઝ પેદા થયો તે આજ સુધી બરકરાર છે જો કે ત્યાર બાદ ભલે એટલી સફળતા ન મળી પણ ધોનીની આગેવાનીમાં ફરી એકવાર ટીમે ખિતાબ અંકે કર્યો હતો આ વખતે ટુર્નામેન્ટ ફરીથી ઇંગ્લેન્ડમાં યોજાઇ રહી છે જો કે હવે વેસ્ટઇન્ડિઝ નહી પણ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો ખતરનાક મનાય છે અને ઘર આંગણે ઇંગ્લેન્ડને કોઇ કમજોર આંકવાની ભૂલ કરી શકે તેમ નથી તેવામાં કોહલીની ટીમે ચમત્કારો સર્જવા પડશે કારણકે પરદેશની ધરતી પર ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ એટલો ઇમ્પ્રેસિવ નથી જો કે છેલ્લા કેટલાક સમયથી તેમણે વિદેશની ધરતી પર પણ વિજયનો સ્વાદ ચાખ્યો છે ત્યારે આ વિશ્વકપમાં કોહલી એન્ડ કંપની કેવો દેખાવ કરશે તેના પર તમામની નજર મંડાયેલી છે કારણકે આ વખતે ટીમ અંડરડોગ તરીકે નહી પણ ખિતાબની એક દાવેદાર તરીકે મેદાનમાં ઉતરી છે.આ ટૂર્નામેન્ટની ૧૨મી એડિશન હશે. જેમાં કુલ ૧૦ ટીમો વિજેતા બનવા માટે ટકરાશે. વર્ષ ૧૯૭૫માં ઈંગ્લેન્ડને પ્રથમ વિશ્વ કપની યજમાની કરવાની તક મળી જ્યાં વેસ્ટ ઈન્ડિઝે વિશ્વ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. અત્યાર સુધી ૧૧ વિશ્વ કપ રમાઈ ચુક્યા છે જેમાં માત્ર ૫ ટીમો વિજેતા બની છે. ૧૯૭૫માં પ્રથમવાર વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ક્લાઇવ લોયડની આગેવાનીમાં લોડ્‌ર્સના મેદાન પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ૧૭ રનથી પરાજય આપીને પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પ્રથમ વિશ્વ કપમાં ધાક જમાવનાર વેસ્ટ ઈન્ડિઝે સતત બીજું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ક્લાઇવ લોયડની શાનદાર આગેવાનીમાં વિન્ડીઝ ટીમે ફાઇનલમાં ઈંગ્લેન્ડને ૯૨ રનથી પરાજય આપ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઈન્ડિઝને ફાઇનલમાં હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. લોડ્‌ર્સમાં રમાયેલી ફાઇનલમાં કપિલ દેવની આગેવાનીમાં ટીમે ૧૮૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝને માત્ર ૧૪૦ રનમાં ઓલઆઉટ કરીને ૪૩ રનથી મુકાબલો જીતી ઈતિહાસ રચી દીધો હતો.
વર્ષ ૧૯૮૭ના વિશ્વકપની યજમાનીની જવાબદારી પાકિસ્તાન અને ભારતની હતી. મુકાબલો ૬૦ની જગ્યાએ ૫૦ ઓવરના ફેરફાર સાથે સામે આવ્યો. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ઈંગ્લેન્ડને ૭ રનથી હરાવી પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવાની સિદ્ધિ મેળવી હતી. વર્ષ ૧૯૯૨નો વિશ્વ કપ એક યાદગાર ટૂર્નામેન્ટ રહી જેમાં ભાગ લઈ રહેલી ટીમો પ્રથમ વખત રંગીન ડ્રેસમાં ઉતરી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો પ્રતિબંધ હટ્યો અને ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરી. ઇમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાને ફાઇનલમાં ઈંગ્લેન્ડને ૨૨ રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. વર્ષ ૧૯૯૬નો વિશ્વ કપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં રમાયો હતો. શ્રીલંકા પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું અને અર્જુન રણતુંગાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. એલન બોર્ડર બાદ સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ બીજી વખત વિશ્વ કપ કબજે કર્યો હતો. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સેમીફાઇનલમાં મુકાબલો ટાઇ થયા બાદ સારી નેટ રનરેટથી ફાઇનલમાં પહોંચેલી કાંગારૂ ટીમે પાકિસ્તાન પર એકતરફી જીત મેળવી હતી. ભારતીય ટીમ ૨૦૦૩માં વિશ્વ કપ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને સતત બીજુ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાન જેવા દિગ્ગજોથી ભરેલી ભારતીય ટીમને ૧૨૫ રનથી હાર મળી અને બીજીવખત વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. સતત બે વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમે રિકી પોન્ટિંગની આગેવાનીમાં ૨૦૦૭ના ફાઇનલમાં શ્રીલંકાને ૫૩ રનથી હરાવીને ટાઇટલની હેટ્રિક પૂરી કરી હતી. સતત ત્રણ વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયા વિશ્વની પ્રથમ ટીમ બની હતી. એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ૨૦૦૭ના વિશ્વકપની કડવી યાદોને ભૂલીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા વિરુદ્ધ એમએસ ધોનીએ વિજયી છગ્ગો ફટકારીને ભારતને ૬ વિકેટથી જીત અપાવી હતી. આ સાથે ૨૮ વર્ષ પછી ભારતે વિશ્વ કપ કબજે કર્યો હતો. વર્ષ ૨૦૧૫નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં યોજાયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપીને પાંચમું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ઑલિમ્પિક્સ, ફૂટબૉલ અને ક્રિકેટ વર્લ્ડ કપ. દર ચાર વર્ષે આવતા આ મહાકુંભોમાં ભારતમાં સૌથી મોટું આકર્ષણ હોય તો તે ક્રિકેટ છે.આ એવી રમત છે જેમાં ભારત પાસેથી આશા રાખી શકાય છે અને ભારત તેમાં બે વાર તો વર્લ્ડ ચૅમ્પિયન પણ બનેલું છે.ઇંગ્લૅન્ડમાં ગુરુવારથી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ક્રિકેટના જન્મદાતાની ધરતી પર આ વર્લ્ડ કપ યોજાતો હોવાથી રમતપ્રેમીઓમાં પણ તે વધુ આકર્ષક બની રહેશે.ગુરુવારે યજમાન ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુકાબલો થશે તે સાથે આ મેગા ઇવેન્ટનો પ્રારંભ થશે.દરેક ટીમ માટે આ વખતનો વર્લ્ડ કપ અગાઉ કરતાં વધારે કપરો રહેવાનો છે કેમ કે કોઈ ટીમને ઓછી આંકવાની ભૂલ થઈ શકે તેમ નથી.
એક તરફ વિરાટ કોહલીની ભારતીય ટીમ છે જેમાં ચાણક્ય જેવો ધોની છે તો ખતરનાક જસપ્રિત બુમરાહ છે. આક્રમક રોહિત શર્મા છે તો ભારત કરતાં અન્ય દેશોમાં વધારે ખીલે તેવો શિખર ધવન છે.કુલદીપ યાદવ અને ચહલ જેવા વેધક સ્પિનર છે તો હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર પણ છે જેની આક્રમકતા ક્રિસ ગેઇલ કે આન્દ્રે રસેલ કરતાં જરાય ઓછી નથી.રવીન્દ્ર જાડેજાની ચુસ્ત બૉલિંગ ગમે તેવા બૅટ્‌સમૅનને ભૂલ કરવા માટે પ્રેરે તેવી છે. આમ કિંગ કોહલી પાસે આ વખતે ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપ જીતીને જાણે કોહિનૂર જીતવાનો હોય તેવો રોમાંચ રહેશે.
ઇંગ્લૅન્ડની ટીમ તેના હોમગ્રાઉન્ડ પર રમવાની છે તેના કરતાં પણ હાલમાં તે જે રીતે ફૉર્મ દાખવી રહી છે તે હરીફો માટે ચિંતાજનક છે.ઓઇન મોર્ગન ઇંગ્લૅન્ડના બહોળા ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવા માટે થનગને છે કેમ કે સવા સો કરતાં વધુ વર્ષથી ક્રિકેટ રમતો દેશ ૪૪ વર્ષના વર્લ્ડ કપના ઇતિહાસમાં ક્યારેય ચૅમ્પિયન બની શક્યો નથી.તેઓ આ વખતે ’હવે નહીં તો ક્યારેય નહીં’ની માફક રમશે કેમ કે તેમની પાસે આ વખતે ટાઇટલ જીતવાની ઉત્તમ તક રહેલી છે.તાજેતરમાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં ઇંગ્લૅન્ડે ત્રણ વાર ૩૫૦થી વધુનો સ્કોર નોંધાવીને મૅચો જીતી હતી.આગામી સાડા છ સપ્તાહમાં દસ ટીમો એક બીજા સામે ટકરાશે. આ વખતે રાઉન્ડ રોબિન ધોરણે મૅચો રમાવાની છે એટલે દરેક ટીમ પોતાના તમામ હરીફ સામે રમવાનું છે.જેમાં જાયન્ટ ઑસ્ટ્રેલિયા પણ આવી જાય અને અફઘાનિસ્તાન પણ આવી જાય.ફૉર્મવિહોણું પણ લડાયક મિજાજ ધરાવતું શ્રીલંકા પણ આવી જાય અને એક સમયે ક્રિકેટની શાન ગણાતું પરંતુ પોતાનું કૌવત ગુમાવી ચૂકેલું વેસ્ટ ઇન્ડિઝ પણ આવી જાય.સાઉથ આફ્રિકા પાસેથી દર વખતે અપેક્ષા રખાય છે પરંતુ અણીના સમયે આ ટીમ પડી ભાંગે છે.અગાઉ તેઓ સેમિફાઇનલમાં આવ્યા બાદ હારી ગયા હતા. તેમની પાસેથી જ્યારે ચૅમ્પિયનશિપની આશા રખાતી હોય ત્યારે આપણે ગુજરાતીમાં કહીએ છીએ તેમ છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જાય છે.જોકે, ફાફ ડુ પ્લેસિસની ટીમ વધારે પ્રતિભાશાળી છે અને છેલ્લાં ચાર વર્ષમાં તે કમસે કમ ઘરઆંગણે તો શાનદાર દેખાવ કરતી આવી છે.ઑસ્ટ્રેલિયન ટીમ પાસેથી વધુ અપેક્ષા રખાય તે સ્વાભાવિક છે કેમ કે તે સૌથી વધુ ટાઇટલ જીતેલી છે અને ૨૦૧૫ની તે ચૅમ્પિયન છે.
આમ તે ટાઇટલના રક્ષણ માટે રમવાની છે. એરોન ફિંચની ટીમ બૉલિંગમાં તો મજબૂત છે જ પરંતુ બૅટિંગમાં સ્મિથ અને વોર્નરના આગમન બાદ તે વધુ મજબૂત બની છે.ડેવિડ વોર્નરે તાજેતરમાં આઇપીએલમાં પોતાના ફૉર્મનો પરચો આપી દીધો હતો. તે આ સિઝનમાં આઇપીએલમાં સૌથી વધુ રન નોંધાવનારો બૅટ્‌સમૅન બન્યો હતો.તાજેતરમાં વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં સ્મિથે સદી ફટકારીને સંકેત આપી દીધા છે કે તેના બૅટની ધાર હજુ પણ એવી જ તેજ છે.અન્ય ટીમોમાં અફઘાનિસ્તાન કે વેસ્ટ ઇન્ડિઝને હળવાશથી લઈ શકાય તેમ નથી. અફઘાનિસ્તાન પાસે રશીદ ખાન જેવો ઉમદા બૉલર છે.આ સ્પિનર અત્યારે વિશ્વનો સૌથી ખતરનાક સ્પિનર છે. તે ક્રમાંકમાં પણ આગળ પડતો છે. આ ઉપરાંત મોહમ્મદ નબી જેવો બૉલર છે જે તાજેતરમાં આઇપીએલમાં સારો દેખાવ કરી ચૂક્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ પાસે ક્રિસ ગેઇલ અને આન્દ્રે રસેલ જેવા સૌથી આક્રમક બૅટ્‌સમૅન છે.
આ બંને બૅટ્‌સમૅન કેરેબિયન ટીમનો સ્કોર ૩૫૦થી ૪૦૦ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે અને આ સ્કોર ઇંગ્લૅન્ડના વિવિધ મેદાનની પ્રવર્તમાન વિકેટો પર શક્ય પણ છે.વર્લ્ડ કપમાં આ વખતે ફૉર્મેટ બદલાયું છે. રાઉન્ડ રોબિન ધોરણે રમવાનું હોવાથી તમામ પ્રકારના હરીફો સામે રમવાની તક મળશે.કોઈ ગ્રૂપમાં એકાદ બે ટીમ નબળી આવી જાય અને આસાનીથી ક્વૉલિફાઈ થઈ જવાય તેવું આ વખતે બનવાનું નથી. સેમિફાઇનલમાં પ્રવેશવા માટે ટીમે ઓછામાં ઓછી પાંચ મૅચ તો જીતવી જ પડશે.ભારત, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા મોખરાની ટીમો મનાય છે તો ન્યૂઝીલૅન્ડની ટીમ શિસ્તબદ્ધ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ પણ ક્ષમતા ધરાવે છે.બૉલિંગમાં જસપ્રિત બુમરાહ તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઑસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક કે નાથાન લાયન પણ તેમની ટીમને મજબૂત બનાવી શકે છે.ઇંગ્લૅન્ડને આ વખતે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. ૧૯૭૫માં વર્લ્ડ કપનો પ્રારંભ થયો ત્યારે પ્રથમ ત્રણ વર્લ્ડ કપ ૬૦-૬૦ની ઓવર ધરાવતી મૅચોના હતા.ત્યારથી ઇંગ્લૅન્ડ ક્યારેય જીતી શક્યું નથી. આ વખતે ઇંગ્લૅન્ડ પાસે મૂળ આઇરિશ એવા ઓઇન મોર્ગન જેવો સુકાની છે તો તેની સાથે જોઝ બટલર, જોની બેરસ્ટો અને જો રૂટ જેવા ખ્યાતનામ બૅટ્‌સમૅન છે. જોફરા આર્ચર, માર્ક વૂડ અને આદિલ રશીદ જેવા બૉલરની સાથે બેન સ્ટોક્સ અને મોઇન અલી જેવા ઓલરાઉન્ડર પણ છે.પાકિસ્તાની ટીમ સતત પરાજય બાદ આ વર્લ્ડ કપમાં રમી રહી છે. ટીમમાં મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝને છેલ્લે છેલ્લે સમાવવામાં આવ્યા છે. બંને પાસે સારો અનુભવ છે.ફખર ઝમાને બે વર્ષ અગાઉ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે સદી ફટકારીને ટીમને ટ્રોફી અપાવી હતી.ઇમામ ઉલ હક, મોહમ્મદ હફીઝ, બાબર આઝમ અને હેરિસ સોહૈલ ટીમની બૅટિંગને મજબૂત કરે છે.કેન વિલિયમ્સની ન્યૂઝીલૅન્ડની ટીમ પાસે પણ પ્રતિભાની કમી નથી. ટીમમાં માર્ટિન ગપટિલ, કોલીન મુનરો અને રોઝ ટેલર જેવા અનુભવી બૅટ્‌સમૅન છે તો સૌથી જોખમી એવો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ ઇનિંગ્સના પ્રારંભે જ ટીમને સફળતા અપવવા માટે પંકાયેલો છે.કોલીન ગ્રેન્ડહોમ અને જીમી નિશમ જેવા ઓલરાઉન્ડરની હાજરીથી કિવિ ટીમ વધારે મજબૂત બની જાય છે.

Related posts

એનઆરસી વિવાદ : મમતાનું ઘૂસણખોરો પ્રત્યે બેવડું વલણ કેમ…!!?

aapnugujarat

मंत्री बनाये वो मेरा अन्नदाता, भाड में जाए मतदाता- मै तो चला जिधर चले सत्ता..!

aapnugujarat

૨૦૧૮નાં પ્રથમ ત્રણ મહિના બોલિવુડ માટે ધમાકેદાર રહ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1