Aapnu Gujarat
બ્લોગ

એનઆરસી વિવાદ : મમતાનું ઘૂસણખોરો પ્રત્યે બેવડું વલણ કેમ…!!?

બંગલાદેશી ઘૂસણખોરોના મામલે રાબેતા મુજબ જ ગંદું રાજકારણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે ને મમતા બેનરજીની આગેવાનીમાં વિપક્ષો મચી પડ્યા છે. મમતા રાજકારણનાં અઠંગ ખેલાડી છે ને કોઈ પણ મુદ્દાને તોડીમરોડીને કઈ રીતે તેનો રાજકીય ફાયદો ઉઠાવવો તેમાં એ ચૅમ્પિયન છે. વધારામાં મમતા બેનરજી ડ્રામા ક્વિન છે ને કોઈ પણ મુદ્દે આપણે કલ્પના પણ ના કરી શકીએ એવાં નાટક એ કરી જાણે છે. બંગલાદેશી ઘૂસણખોરોના મામલે અત્યારે તેમણે એવાં જ નાટક માંડ્યાં છે. તેના ભાગરૂપે ગુરૂવારે તેમણે પોતાના છ સાંસદો અને બે ધારાસભ્યોને આસામ મોકલી દીધેલા.
આસામમાં નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન્સ (એનઆરસી)ના કારણે તંગદિલી છે ને ગમે ત્યારે ભડકો થઈ જાય એવી હાલત છે. એવું થાય ત્યારે ઊંઘતા ના ઝડપાઈએ એટલે ભાજપની સરકારે ત્યાં કલમ ૧૪૪ લગાવી દીધી છે કે જેથી લોકોનાં ટોળાં ભેળાં ના થાય. બહારથી આવનારા લોકોને પણ મંજૂરી વિના આવવા નથી દેવાતા. જો કે, એ છતાં ઉધામા ચાલુ જ છે ને વિરોધ કરનારા જાત જાતના તાયફા કરે જ છે.
આ માહોલમાં મમતાના છ સાંસદો ને બે ધારાસભ્યો આસામના સિલચર પહોંચ્યા એટલે પોલીસે તેમને રોક્યા ને લીલા તોરણો પાછા કાઢ્યા તેમાં તો મમતાએ દેકારો મચાવી દીધો. ભાજપની સરકાર લોકોના અવાજને દબાવી રહી છે ને લોકશાહીની હત્યા કરી રહી છે તેવો આક્ષેપ તેમણે કરી નાખ્યો. મમતાની પાર્ટીએ તો અત્યારે દેશમાં કટોકટી જેવી સ્થિતિ છે તેવું જાહેર કર્યું છે. મમતાના માણસો માટે મમતા માઈ-બાપ છે એટલે નાટકબાજીમાં એ લોકો પણ મમતાને ટક્કર આપે એવા જ છે. તેમણે પણ જાહેર કર્યું કે, પોલીસે અમને ઍરપોર્ટમાં ગોંધી રાખેલા ને વિરોધ કર્યો તો ઝૂડી નાખેલા. સાલુ, એકેય નેતાને માર પડ્યો હોય એવું લાગતું નથી, પણ જૂઠું બોલનારાને કોણ પહોંચે ?
આ હોબાળા દ્વારા મમતાએ પોતાને બંગલાદેશી ઘૂસણખોરોનાં મસિહા તરીકે સ્થાપિત કરી દીધાં છે. જો કે, મમતાને બંગલાદેશીઓ પર અકારણ હેત નથી ઊભરાયું. આ બધો ખેલ મતબૅંકનો જ છે ને મમતા મતબૅંકને વાસ્તે બંગલાદેશીઓના પગોમાં આળોટી ગયાં છે. બાકી આ જ મમતા બેનરજી પહેલાં પશ્રિ્‌ચમ બંગાળ ને આસામમાં ઘૂસેલા બંગલાદેશીઓને ગાળો દેતાં ને તેમને લાત મારીને તગેડી મૂકવા જોઈએ એવું કહેતાં. તેનું કારણ એ કે એ વખતે બંગાળમાં ડાબેરીઓનું રાજ હતું ને સેક્યુલારિઝમના નામે ડાબેરીઓ બંગલાદેશીઓને પંપાળતા એટલે એ લોકો ડાબેરીઓને મત આપતા. તેના કારણે બંગલાદેશીઓ મમતા દીદીને અળખામણા લાગતા. મમતાએ ૨૦૦૫માં તો બંગલાદેશી ઘૂસણખોરોના મામલે સંસદમાં જે ભવાડો કરેલો તેવો ભવાડો લોકસભાના ઈતિહાસમાં પહેલાં થયો નથી.
મમતાએ એ વખતે લોકસભામાં બંગલાદેશી ઘૂસણખોરોને ભરપેટ ગાળો આપેલી ને કહેલું કે બંગાળમાં બંગલાદેશીઓની ઘૂસણખોરી હોનારત બની ગઈ છે. બંગલાદેશી ઘૂસણખોરો બંગાળમાં મતદાર બની ગયા છે ને બંગાળમાં રાજ કરનારા લોકો તેમને થાબડે છે. કેમ કે આ બંગલાદેશીઓ ડાબેરીઓની મતબૅંક છે. મમતાએ આ મુદ્દાને એકદમ ગંભીર ગણાવીને આ મુદ્દે ચર્ચાની માગણી કરેલી. આ મુદ્દે તેમણે પહેલાં સભામોકૂફીની દરખાસ્ત પણ રજૂ કરેલી. એ વખતે લોકસભાના સ્પીકર તરીકે ડાબેરી સોમનાથ ચેટરજી હતા ને પોતાની માને કોણ ડાકણ કહેવા દે ? પરિણામે ચેટરજી આ દરખાસ્ત સ્વીકારે એ વાતમા માલ જ નહોતો. કૉંગ્રેસના સરદારજી મનમોહનસિંહની સરકાર ડાબેરીઓના ટેકે ટકેલી ને કૉંગ્રેસીઓ ડાબેરીઓના ઓશિયાળા હતા એટલે તેમને પણ ચર્ચામાં રસ નહોતો.
મમતાએ એ પછી પેંતરો બદલ્યો ને લોકસભામાં તાકીદની ચર્ચા હાથ ધરવા માગ કરી. એ વખતે ચેટરજી હાજર નહોતા ને તેમના બદલે ડેપ્યુટી સ્પીકર ચરણજીતસિંહ ચટવાલ લોકસભાની કામગીરીનું સંચાલન કરતા હતા. મમતાએ કોઈ પણ પ્રકારની નોટિસ વિના સીધી ચર્ચાની માગણી કરી. બધાં કામ પડતાં મૂકીને પહેલાં આ મુદ્દો લેવો જોઈએ એવી તેમની વાત હતી. મમતા ઘરેથી બંગલાદેશી ઘૂસણખોરોના મુદ્દે કાગળિયાં તૈયાર કરીને લાવેલાં.
આ કાગળિયાંના બે સેટ એ લઈને આવેલાં ને એક સેટ ચટવાલને મોકલાવ્યો. ચટવાલે એ જોયા વિના પાછો મોકલ્યો ને મમતાની ચર્ચાની માગણી ના સ્વીકારી તેમાં તો મમતા દીદી ભડકી ગયાં. એ સીધાં લોકસભાની વેલમાં પહોંચી ગયાં. પહેલા તેમણે બૂમબરાડા પાડ્યા ને પછી રડવા માંડ્યાં. ચટવાલ પર આ નાટકની અસર ના થઈ એટલે તેમણે હાથમાંના કાગળો ફાડી નાંખ્યા ને આ કાગળના ટુકડા ચટવાલ પર ફેંક્યા. લોકસભામાં સભ્યો બાખડ્યા હોય ને વરવા સીન થયા હોય એ નવી વાત નહોતી પણ આ રીતે સ્પીકરની ખુરશીમાં બેઠેલી વ્યક્તિને કોઈએ નિશાન બનાવી હોય એવું પહેલી વાર બનેલું. આખી લોકસભા સ્તબ્ધ થઈ ગયેલી.
મમતા એ પછી પગ પછાડતાં ને બેફામ લવારા કરતાં નિકળી ગયેલાં. આ નાટક ઓછું હોય તેમ તેમણે તાબડતોબ લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દેતો કાગળ પણ મોકલી દીધેલો. મમતાએ ડહાપણ ડહોળેલું કે, લોકસભામાં હવે લોકોના પ્રશ્ર્‌નોની વાતો જ થતી નથી ત્યારે તેના સભ્યપદે રહેવાનો અર્થ નથી. સોમનાથ ચેટરજીએ આ રાજીનામું ફગાવી દીધેલું કેમ કે મમતાએ યોગ્ય રીતે રાજીનામું નહોતું આપ્યું. ચેટરજીના કારણે મમતાનું સભ્યપદ બચી ગયું પણ મમતાએ કરેલો ભવાડો બધાંને યાદ રહી ગયો. આ ભવાડો લોકસભાના ઈતિહાસનાં સૌથી કલંકિત પ્રકરણોમાં એક છે.
મમતા બંગાળમાં સત્તામાં આવ્યાં પછી તેમનો મત બદલાઈ ગયો ને હવે એ બંગલાદેશી ઘૂસણખોરોની દલાલી કરે છે. હદ તો એ છે કે, મમતા તેમને ઘૂસણખોર પણ ગણાવતાં નથી પણ ભારતના નાગરિકો ગણાવે છે. બીજી મજાની વાત એ છે કે, એ વખતે મમતા બંગાળમાં બંગલાદેશીઓ ધામા નાંખીને પડ્યા છે ને તેમણે આતંક મચાવી દીધો છે તેવો કકળાટ કરતાં હતાં. અત્યારે બંગાળની તો વાત નથી ને જે રાજ્ય ખરેખર બંગલાદેશીઓથી ત્રસ્ત છે એવા આસામની વાત છે છતાં મમતા તેમાં કૂદી પડ્યાં છે. આસામમાં બંગલાદેશી ઘૂસણખોરો જામી પડ્યા છે એ સર્વસ્વીકૃત હકીકત છે. આ વાત બધાંએ માનેલી છે ને તેમાં કૉંગ્રેસ પણ આવી ગઈ. આ ઘૂસણખોરોનું શું કરવું એ મામલે બધાંના અલગ અલગ મત છે પણ બંગલાદેશી ઘૂસ્યા છે એ બધા સ્વીકારે છે.
કૉંગ્રેસની સરકારના વખતમાં ૧૯૮૫માં આસામના વરસોના આંદોલનનો અંત લાવવા વિદ્યાર્થી નેતાઓ સાથે કરાર થયેલા. રાજીવ ગાંધી એ વખતે વડા પ્રધાન હતા ને આ કરારમાં બંગલાદેશી ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલવાની વાત સૈદ્ધાંતિક રીતે સ્વીકારાયેલી. કૉંગ્રેસે એ પછી મતબૅંકના લોભમાં કશું ના કર્યું એ અલગ વાત છે પણ ટૂંકમાં બંગલાદેશી ઘૂસણખોરો આસામમાં માથે આવીને પડ્યા છે એ તેણે કબૂલેલું. મમતા તો એક કદમ આગળ વધ્યાં છે ને એ તો આ માથે પડેલા મૂરતિયાઓને ઘૂસણખોરો તરીકે સ્વીકારવા જ તૈયાર નથી. મતોની લ્હાય રાજકારણીઓને કઈ હદે હલકટાઈ કરાવે છે તેનો આ વરવો નમૂનો છે.
મમતા કે કૉંગ્રેસ સહિતની દંભી સેક્યુલર જમાત માટે આ બધું નવું નથી. એ લોકો વરસોથી આ ધંધા કરે છે ને આ રીતે જ પોતાની દુકાન ચલાવે છે પણ સવાલ ભાજપનો છે. ભાજપ વરસોથી બંગલાદેશી ઘૂસણખોરોનો મામલો ચગાવે છે ને તેમને દેશમાંથી લાત મારીને તગેડી મૂકવાના હાકલા પડકારા કરે છે પણ કશું કરતો નથી. આ પહેલાં છ વરસ લગી અટલ બિહારી વાજપેયી કેન્દ્રમાં વડા પ્રધાન હતા ને એ વખતે ભાજપે કશું કર્યું નહોતું. છ વર્ષ નાનો સમયગાળો ના કહેવાય ને કરવું હોય તે ઘણું કરી શકાય પણ ભાજપે કશું ના કર્યું. હવે સવા ચાર વરસથી નરેન્દ્ર મોદીની સરકાર છે ને તેમણે પણ કશું નથી કર્યું. આ તો સુપ્રીમ કોર્ટના આદેશના કારણે નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી) અપગ્રેડ કરાયું તેમાં આ ડખો ઊભો થયો, બાકી ભાજપના નેતા તો હાથ પર હાથ મૂકીને બેઠા જ હતા ને ? ને અત્યારે પણ ભાજપની સરકાર તેમને તગેડી મૂકવાની વાત તો કરતી જ નથી ને ?
બંગલાદેશી ઘૂસણખોરો માત્ર બંગાળ કે આસામ પૂરતા મર્યાદિત રહ્યા નથી. ધીરે ધીરે એ આખા દેશમાં ફેલાયા છે. ગુજરાતના અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે બંગલાદેશીઓની આખી વસાહત ઊભી થઈ છે ને બીજે ઘણે ઠેકાણે આ જ હાલત છે. આ લોકોનો સર્વે કરવાનું કે કશું આ સવા ચાર વરસમાં થયું ? બિલકુલ નહીં. આ સંજોગોમાં ભાજપ પણ રાજકારણ રમશે, પણ કશું કરે તેવી આશા રાખવા જેવી નથી.(જી.એન.એસ)

Related posts

પ્રિયંકાને પ્રચારનો જૂનો અનુભવ

aapnugujarat

નરેન્દ્ર મોદીને બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડનારા અમિત શાહની કહાણી

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1