Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે યોજાયો મેગા  જોબફેર : ૧૫૦૨ જગ્યાઓની ભરતી માટે ૧૯ નોકરીદાતાઓની હાજરી

ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, સુરત રોજગાર વિભાગના પ્રાદેશિક નાયબ નિયામકશ્રી મુકેશભાઇ વસાવા, આઇટીઆઇના આચાર્યશ્રી એ.એન. ચૌધરી, વિવિધ ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓના નોકરીદાતાઓ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોની હાજરીમાં આજે રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી સંકુલ ખાતે યોજાયેલા મેગા જોબ ફેર- ૨૦૧૭ ને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક પ્રકારના ઉદ્યોગોને લીધે સમગ્ર દેશમાં ગુજરાતમાં રોજગારીની સૌથી વધુ તકો ઉપલબ્ધ છે. ખેતીમાં હવે પાકનું મૂલ્ય વર્ધન, પ્રોસેસીંગમાં ટેકનોલોજીના ઉપયોગથી – ગ્રીન હાઉસથી રોજગારીની નવી તકોને લીધે પરિવર્તનનો પવન ફુંકાયો છે અને ખે આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પોતાની લાયકાત મુજબ વધુ ટેલેન્ટેડ બનીને ઉદ્યોગોને જે રીતના મેનપાવરની જરૂરિયાત છે, તે મુજબ પોતાનું કૌશલ્ય વિકસાવીને શ્રેષ્ઠ રોજગારીની સાથે કારકિર્દીનું ઘડતર કરવા રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાસ અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર રોજગાર વિભાગ, પોલીસ વિભાગના સુરક્ષા સેતૂ અંતર્ગત તેમજ આદિજાતિ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગો દ્વારા આદિવાસી વિસ્તારના ઉમેદવારોને દેશની સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટેની પૂર્વ તૈયારીના તાલીમ વર્ગો દ્વારા માર્ગદર્શન-પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવી રહ્યું છે. ત્યારે બેરોજગાર ઉમેદવારોએ પણ જીવનમાં શ્રમ, જ્ઞાન, આવડત અને કુનેહ શક્તિનું મહત્વ સમજી તેના સુભગ સમન્વય થકી ઇશ્વરે આપણને જે શક્તિ આપી છે, તેને તપશ્વર્યા-મહેનતથી વધુ જાગૃત-ઉજાગર કરીને રોજગારી મેળવવાની દિશામાં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી સરકારશ્રીના આ દિશાના પ્રયાસોમાં પૂરક બનવા અને તેને સફળ બનાવવા રાજ્યમંત્રી શ્રી તડવીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નોકરીદાતાઓ આપણા ઘરઆંગણે રોજગારી ઉપલબ્ધ કરાવવા આવ્યા હોય ત્યારે તેઓ પણ ઉપલબ્ધ ઉમેદવારોમાં સૌથી વધુ કૌશલ્ય અને કાર્યકુશળતાવાળા ઉમેદવારો ઉપર પસંદગી ઉતારતા હોય છે, તેમણે કહ્યું હતું કે, શિક્ષણમાં ભલે થોડા ઉણા ઉતરતા હોય તો પણ શિસ્ત, સંયમ અને સુસંસ્કારથી પંકાયેલા આ આદિવાસી વિસ્તારના યુવાનો ખૂબ જ પરિશ્રમી અને મહેનતુ છે તેને પણ લક્ષમાં લેવા નોકરીદાતાઓને તેમણે ખાસ હિમાયત કરી હતી.

સુરત પ્રાદેશિક રોજગાર કચેરીના નાયબ નિયામકશ્રી મુકેશભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજના આ મેગા જોબફેરમાં ૧૯ જેટલા નોકરીદાતાઓએ ૧૫૦૨ જેટલી જગ્યાઓ ઉપર રોજગારી આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ૪૭૪૩ ઉમેદવારોને આ ભરતી મેળામાં હાજર રહેવા કોલલેટર ઇસ્યુ કરેલ છે. ૧૯૪૬ ઉમેદવારોને બસમાં આવવા-જવાની એસ.ટી કુપન આપવામાં આવી છે. એટલે રોજગાર વિભાગ તરફથી રોજગાર વાંચ્છુ ઉમેદવારોને આ બાબતે જરૂરી સહાય અને તક ઉપલબ્ધ કરાઇ છે. પરંતુ આજના સ્પર્ધાના યુગમાં કેટલીક પુરતી માહિતીના અભાવે આવી ભરતીની તકથી વંચિત રહેતા ઉમેદવારોને આ બાબતે પુરતી જાણકારી માટે જાગૃત રહેવા અને મલ્ટીનેશનલ કંપનીઓમાં પસંદગી બાદ અન્ય જિલ્લા-રાજ્ય કે દુરના પ્રદેશમાં નોકરી દાતાઓ તરફથી ઓફર કરાતી શ્રેષ્ઠ સેલેરી-પેકેજને આવકારી હિમ્મતપૂર્વક આ પ્રકારની ઓફરને સ્વીકારવા ભારપૂર્વક અપીલ કરી હતી.

આ પ્રસંગે છોટુભાઇ પુરાણી સંકુલ ખાતે નોકરી દાતાઓના વિવિધ સ્ટોલ ઉભા કરાયા હતા જેમાં કોઇ પણ જાતની મર્યાદા વિના રોજગાર વાંચ્છુ ઉમેદવાર નોકરીદાતાઓને પોતાના ઇન્ટરવ્યુ અને રીઝયુમ સાથેની વિગતો આપવાની વ્યવસ્થા કરાઇ હતી. વર્ષ ૨૦૧૬-૧૭ માં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૩ ભરતી મેળા યોજીને ૬૪૪૪ ઉમેદવારોને રોજગારી મેળવવા નોકરીની તક પુરી પાડવામાં આવેલ છે.

પ્રારંભમાં નર્મદાના જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આજના આ મેગા-જોબફેરની રૂપરેખા આપી હતી અને અંતમાં આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી એ.એન. ચૌધરીએ આભારદર્શન કર્યું હતું.

Related posts

નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

editor

સ્વાઈન ફ્લુથી ગુજરાતમાં ૨૦૧૮માં છ દર્દીનાં મોત થયા

aapnugujarat

બોટાદના અડતાળા ખાતે મિયાંવાકી વનીકરણ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1