Aapnu Gujarat
બ્લોગ

દક્ષિણ ભારત કોંગ્રેસ માટે મોકળું મેદાન

રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત કેરળની લોકસભાની બેઠલ વાયનાડમાંથી પણ ચૂંટણી લડશે એવી જાહેરાત કોંગ્રેસે કરી છે. કેરળના નેતા એ. કે. એન્ટનીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે દક્ષિણના ત્રણ રાજ્યોમાંથી કોઈ એકમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પ્રમુખને કહેવાયું હતું. કર્ણાટક, કેરળ અથવા તામિલનાડુમાંથી તેમણે ચૂંટણી લડવી જોઈએ, જેથી કોંગ્રેસને દક્ષિણ ભારતના રાજ્યોમાં ફાયદો થાય તેમ કોંગ્રેસી નેતાઓનું કહેવું હતું. અગાઉ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે તેમણે આમંત્રણ આપેલું જ છે.કર્ણાટકમાં જનતા દળ (એસ) સાથે કોંગ્રેસની સરકાર પણ છે તેના કારણે ત્યાંથી ચૂંટણી લડવાની શક્યતા વધી ગઈ હતી, પરંતુ આખરે વાયનાડની પસંદગી કરવામાં આવી છે.
વાયનાડ પૂર્વ કેરળમાં આવેલું છે અને તેને કર્ણાટક અને તામિલનાડુ બંને રાજ્યોની સરહદો અડે છે. તેના કારણે એક સાથે ત્રણ રાજ્યોની સરહદ જ્યાં ભેગી થતી હોય તેવા વિસ્તારને પસંદ કરાયો છે એમ કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ જણાવ્યું હતું.ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી, પણ દક્ષિણમાંથી લડશે કે કેમ અને લડશે તો ક્યાંથી તે સ્પષ્ટ થતું નહોતું. દરમિયાન કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના લોકતાંત્રિક મોરચના સાથી પક્ષ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગના વડા સૈયદ હૈદરઅલી શિહાબ થંગલ અકળાવા લાગ્યા હતા. તેમણે શનિવારે કોંગ્રેસના મોવડીઓને સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે તમે ચોખવટ કરો, જેથી બીજો કોઈ ઉમેદવાર પસંદ કરવાનો હોય તો ખબર પડે. આખરે રવિવારે કોંગ્રેસે જાહેરાત કરી પણ દીધી.વાયનાડ ૨૦૦૯માં બનેલી નવી બેઠક છે. મલ્લાપુરમની પડોશમાં જ આવેલી છે અને છેલ્લી બે વારથી કોંગ્રેસ અહીં જીતતો આવ્યો છે. પડોશી મલ્લાપુરમના સાંસદ પી. કે. કુન્હાલીકુટ્ટીએ પણ કહ્યું કે અમે પણ રાહ જોઈ રહ્યા હતા કે જલદી જાહેરાત થાય. અમે આ નિર્ણયને આવકારીએ છીએ, કેમ કે અમારા કાર્યકરોમાં તેના કારણે ઉત્સાહ વધશે.જોકે માત્ર કેરળના નહીં, પણ સમગ્ર દક્ષિણના કોંગ્રેસના કાર્યકરોને ઉત્સાહથી ચૂંટણી લડવા પ્રેરવાનો અમારો હેતુ છે એવું કોંગ્રેસી નેતા કહી રહ્યાં છે. ઇન્દિરા ગાંધી ભૂતકાળમાંથી ચિકમંગલુરમાંથી અને સોનિયા ગાંધી બેલ્લારીથી લડી ચૂક્યા છે, પણ કોંગ્રેસને મુખ્યત્વે ઉત્તર ભારતની જ પાર્ટી માનવામાં આવે છે.
હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન એવો નારો દક્ષિણમાં રોષ જગાવનારો બન્યો હતો અને તમિલનાડુમાં દ્રવિડ પાર્ટીઓ ઊભી થઈ હતી. કેરળમાં ડાબેરીઓનું વર્ચસ પ્રથમથી જ રહ્યું છે અને કોંગ્રેસનો વિરોધ પણ પ્રથમથી જ રહ્યો છે. આંધ્રમાં પણ એન.ટી. રામરાવે કોંગ્રેસના નેતા રાજીવ ગાંધીના ગુમાનને કારણે તેલુગુ પ્રાઇડના મુદ્દાને આગળ કરીને કોંગ્રેસ વિરોધ જગાવ્યો હતો. આ રીતે દક્ષિણ ભારતમાં હિન્દુ, હિન્દી, હિન્દુસ્તાન ભલે મુખ્યત્વે ભાજપ સાથે જોડાયેલું સૂત્ર લાગે, પણ પ્રારંભમાં મુખ્યત્વે તે કોંગ્રેસ વિરોધી હતું.ઉત્તર ભારતમાં યુપી અને બિહાર ગુમાવ્યા પછી કોંગ્રેસ પાસે હવે કોઈ પોતાનો કહેવાય તેવો પ્રદેશ રહ્યો નથી. પશ્ચિમમાં ગુજરાત લાંબા સમયથી જતું રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વારાફરતી સત્તા મળે છે. પૂર્વમાં બંગાળ જતું રહ્યું અને ઈશાન ભારતમાં નાના નાના રાજ્યો વધ્યા હતા તે પણ જતા રહ્યાં. વર્તમાન સમયે માત્ર મધ્યભારતમાં કમબેક કર્યા પછી કોંગ્રેસ માટે દક્ષિણાયન કરવું જરૂરી બન્યું છે. દક્ષિણની બે દ્વવિડ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ જયલલિતા અને કરુણાનિધિ રહ્યા નથી ત્યારે બંને પ્રાદેશિક પક્ષોએ રાષ્ટ્રીય પક્ષોનો સાથ લેવો જરૂરી બન્યો છે. જયલલિતાનો પક્ષ ભાજપ સાથે, જ્યારે કરુણાનિધિનો પક્ષ કોંગ્રેસ સાથે જોડાયો છે. બીજું ૨૦૧૪માં મોદીનું વાવાઝોડું ફરી વળ્યું ત્યારે દક્ષિણ ભારત બાકી રહી ગયું હતું. આ વખતે મોદીની લહેર પૂર્વ તરફ આગળ વધી છે ત્યારે માત્ર દક્ષિણ ભારત કોંગ્રેસ માટે મોકળું મેદાન રહ્યું છે.તેથી જ કદાચ રાહુલ ગાંધીના નામની વાયનાડ માટે જાહેરાત કરતી વખતે સુરજેવાલાએ કહ્યું તે ધ્યાન ખેંચે તેવું હતું.
સુરજેવાલાએ એવું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરી કે ભાજપ દક્ષિણ ભારતીય વિરોધી પાર્ટી છે. કોંગ્રેસ દક્ષિણ ભારતના લોકોનું સન્માન કરે છે, તેમના વાણી-વર્તન, ખાણી-પીણી વગેરેને જાળવી રાખવા માટે કોંગ્રેસ મથશે એવું કહીને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસને અહીં તેમણે ખડો કર્યો છે. તેની પાછળના કેટલાક કારણો સમજી શકાય તેવા છે. કર્ણાટકમાં હાથમાં રહેલી સત્તા જતી રહી છે. જનતા દળ (એસ)ને સાથ આપી ભાજપને સત્તામાં આવતો અટકાવ્યો, પણ લોકસભામાં ભાજપ પ્રમાણમાં સારો દેખાવ કર્ણાટકમાં કરશે તે સ્પષ્ટ છે. આંધ્ર અને તેલંગાણામાં ભાજપ સાથે દોસ્તી કરવા તૈયાર બંને પક્ષો મજબૂત છે, કોંગ્રેસનો દોસ્ત બનવા તૈયાર નાયડુનો પક્ષ મુશ્કેલીમાં છે. માત્ર તામિલનાડુમાં ડીએમકે મજબૂત છે અને યુપીએ માટે મહત્તમ બેઠકો અહીંથી મેળવવાની છે. કેરળમાં ડાબેરી મોરચાની સામે કોંગ્રેસી મોરચાએ જોર કરવાનું છે.પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકનો મુદ્દો સૌથી ઓછો અસરકારક દક્ષિણ ભારતમાં જ છે. નરેન્દ્ર મોદીના હિન્દી ભાષણોની અસર પણ અહીં સૌથી ઓછી થાય છે. અહીનું કલ્ચર પણ મહદ અંશે ભાજપ વિરોધી રહ્યો છે. તેના કારણે રાહુલ ગાંધીએ અમેઠી ઉપરાંત એક સેફ બેઠક શોધવી જરૂરી બની ત્યારે દક્ષિણ ભારતની અને વાયનાડની પસંદગી કરવામાં આવી છે.વાયનાડ બેઠકમાં હિન્દુ ૪૯ ટકા અને મુસ્લિમ-ખ્રિસ્તી પણ ૪૯ ટકા એમ લગભગ સરખા પ્રમાણમાં મતદારો છે. વાયનાડ અને મલ્લાપુરમ જિલ્લાની ત્રણ ત્રણ વિધાનસભા બેઠકો તેની નીચે આવે છે. કોંગ્રેસ અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગનું વર્ચસ અહીં છે. બેવાર જીતનારા કોંગ્રેસના સાંસદ શાનાવાસનું અવસાન થોડા મહિના પહેલાં નવેમ્બર ૨૦૧૮માં થયું હતું. કોંગ્રેસ માટે આ બેઠક સેફ ગણાય છે. જોકે ભાજપના ઘણા નેતાઓએ પ્રતિસાદ આપ્યો કે અમેઠીમાંથી રાહુલ ગાંધીએ નાઠવું પડ્યું છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાન ફરી એકવાર ચૂંટણી લડવાના છે. ગયા વખતે રાહુલ ગાંધી એકાદ લાખના માર્જિનથી જીત્યા હતા, પણ ભાજપના મતો બહુ વધી ગયા હતા તે યાદ રાખવું જરૂરી છે. વાયનાડમાં પણ કોંગ્રેસનું માર્જિન ઘટ્યું હતું અને માંડ ૨૦,૦૦૦ જેટલા મતોથી જીત મળી હતી. તેથી જીતના માર્જિનના કારણે જ રાહુલ ગાંધીએ બીજી પણ બેઠક પસંદ કરી છે તેની દલીલનો સામનો કોંગ્રેસ કરી શકે છે. વાયનાડમાં ભાજપનો ઉમેદવાર ત્રીજા સ્થાને હતો, પણ ૨૦૦૯ના ૩.૮૫% મતો સામે ૨૦૧૪માં ૬.૪૬% ટકા મતો મળ્યા હતા. બંગાળની જેમ કેરળમાં પણ ભાજપ જોર કરવા લાગ્યો છે તેની આ નિશાની છે.અમેઠીમાં કોંગ્રેસને ૨૦૦૪માં ૬૬% અને ૨૦૦૯માં ૭૧% મતો મળ્યા, પણ ૨૦૧૪માં સ્થિતિ પલટાઇ ગઈ. કોંગ્રેસને માત્ર ૪૬% મતો જ મળ્યા હતા. ભાજપ બે આંકડાંમાં નહોતો પહોંચતો, તેની જગ્યાએ ૩૭% મતો લઈ ગયો હતો. તે પછી વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની ચિંતા વધી, કેમ કે અમેઠી હેઠળ આવતી પાંચમાંથી એક જ બેઠક કોંગ્રેસને મળી. ચાર વિધાનસભા બેઠકો ભાજપ લઈ ગયું. સ્મૃતિ ઇરાનીએ હાર પછીય અમેઠીની મુલાકાતો ચાલુ રાખી હતી અને આ વખતે રાહુલ ગાંધીને ભીંસમાં મૂકવાની ગણતરી રાખે છે. જોકે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ વખતે એસપી અને બીએસપીએ બંને બેઠકોમાં ઉમેદવારો ઊભા ના રાખવાનું નક્કી કર્યું છે. અગાઉ એસપી-બીએસપી અહીંથી લડતું હતું ત્યારે પણ કોંગ્રેસને જંગી મતો મળતા હતા, પણ થોડા મતો આ બંને પક્ષો કાપતા હતા. આ વખતે તે મતો કપાશે નહિ, તેથી સ્થિતિ ૨૦૧૪ જેવી યથાવત થઈ શકે છે. તેથી માત્ર અમેઠીમાં હારના કારણે કે માર્જિન બહુ ઓછું થઈ જવાના ભય સાથોસાથ દક્ષિણ ભારતમાં કોંગ્રેસને વધુ મતો મળે તે માટેનો પ્રયાસ પણ એટલો જ લાગે છે.ડાબેરી પરિબળો પૂર્વ ભારતમાં નબળા પડી ગયા છે ત્યારે કેરળમાં કોંગ્રેસને વધુ મજબૂત થવાની તક છે. સાથે એ વાત પણ યાદ રાખવાની કે પૂર્વમાં ડાબેરીના મતોનું ધોવાણ થયું, ત્યાં ભાજપનું જોર વધ્યું છે. કેરળમાં પણ ડાબેરી નબળા પડશે, તેની સામે ભાજપી મજબૂત થવાના છે. સબરીમાલાનો મુદ્દો એટલે જ જોરશોરથી ચગાવાયો હતો અને હિન્દુ લાગણીને જગાવવાની કોશિશ થઈ હતી. મુસ્લિમ અને ખ્રિસ્તી વધુ હોવાથી હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવાની તક અહીં છે. તેથી જ કોંગ્રેસે અહીં ધર્મ કરતાંય સંસ્કૃત્તિ, ખાણીપીણી, રહેણીકરણી, પ્રાદેશિક પરંપરાઓની વાત કરી. કોંગ્રેસ તેનું રક્ષણ કરશે તેવી વાત કરીને ડાબેરીના ઘટતા પ્રભાવનો ફાયદો ભાજપ ના લઈ જાય અને કોંગ્રેસ તે સ્થાન મેળવે તેવી કોશિશ પણ અહીં છે. તામિલનાડુમાં પણ દ્વવિડ રાજકારણમાં ધર્મ ઉપરાંત સાંસ્કૃતિક અને સામાજિક બાબતો સંકળાયેલી છે, તેથી કોંગ્રેસે દક્ષિણ ભારતીય પરંપરાનો કોંગ્રેસ આદર કરે છે અને તેનું રક્ષણ કરશે તેવી વાત કરીને નવા પ્રકારનો ધ્રુવીકરણનો પ્રયત્ન કર્યો છે. પરિણામ માટે રાબેતા મુજબ ૨૩મી મેની રાહ જોવી પડશે.

Related posts

રફ એન્ડ ટફ જીવન જીવતા લોકોની રોગપ્રતિકાર શક્તિ વધુ સારી

editor

ચૂંટણીનાં ચમકારા : ભાજપ-કોંગ્રેસનાં વિજયનાં ભણકારા

aapnugujarat

બેડ લોન્સના કારણે બેંકો માટે નવું ધીરાણ આપવું મુશ્કેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1