Aapnu Gujarat
બ્લોગ

ચૂંટણીનાં ચમકારા : ભાજપ-કોંગ્રેસનાં વિજયનાં ભણકારા

વરસાદની મોસમમાં જેમ કાળા ડીબાંગ વાદળો આકાશમાં છવાઈ જાય, પવનનાં સૂસવાટા વાગે અને વીજળીના ચમકારા થાય તેવી સ્થિતિ આજે કોંગ્રેસ અને ભાજપની થઈ છે. કોંગ્રેસનાં સહયોગી ત્રણ મુરતીયાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીનું ડાયરેક્ટ ડિલિંગ રાહુલ ગાંધી સાથે થઈ રહ્યું છે ત્યારે વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતાં કાર્યકર્તાઓ અને નેતાઓનાં નામ હજુ સુધી રાહુલ ગાંધીના જીભના ટેરવે બોલાયા નથી ત્યારે રાહુલ ગાંધીની એકપણ સભા ગુજરાતમાં એવી નથી ગઈ જ્યાં આ ત્રણેયનાં નામ ‘ભાઈ હાર્દિક પટેલ, ભાઈ અલ્પેશ ઠાકોર અને ભાઈ જિજ્ઞેશ મેવાણી’ બોલાય છે ત્યારે તો ચોક્કસ કોંગ્રેસનાં વર્ષો જૂનાં કાર્યકર્તાઓનાં પેટમાં તેલ રેડાતું હશે અને તેઓને લાગતું હશે કે અમો વર્ષો સુધી તૂટીને મરી ગયાં છતાં પણ હજુ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીની નજરમાં અમે આવ્યાં નથી અને કાલ બપોરે ચોમાસામાં જેમ સાપોલિયા ઉભા થઈ જાય તેમ નાનાં-મોટાં આંદોલનનાં નામે આ ત્રણેય નેતાઓ છેક સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના છાંયા નીચે બેઠક કરવાનો મોકો મળ્યો છે, એટલું જ નહીં પણ તેઓ કદાચ તેમની મનમાનતી વિધાનસભાની ટિકીટો પણ લેવામાં સફળ થાય તો તેમાં કંઈ અજુગતું નથી અને જો આવું થશે તો કોંગ્રેસનાં કાર્યકર્તાઓને કોઠીમાં મોંઢુ નાંખીને રોવાનો વારો આવશે અને તેઓ કદાચ પસ્તાશે પણ ખરાં ખોટાં અમે આ લોકોને માથે ઉપાડીને ફર્યાં એટલે આજે તો તે માથાં ઉપર જ પલાઠી વાળીન બેસી ગયાં. આ પણ ચિંતન કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં થઈ રહ્યું છે ત્યારે બીજીબાજુ ભારતીય જનતા પાર્ટીનાં વર્ષોજૂનાં કાર્યકર્તાઓ કે જેને પાર્ટી ઉભી કરવામાં પોતાનું તન-મન અને ધન પાર્ટી માટે વાપર્યું. અરે, એટલું જ નહીં કાર્યકર્તાઓએ ભાજપને ઉભો કરવા તેમની જવાની હોમી દીધી, તેમનાં કામ-ધંધાનું બલિદાન આપ્યું, પોતાનાં બાળકોનાં ભવિષ્યની ચિંતા ન કરી અને રાત-દિવસ એક જ વાત ‘ભાજપ, ભાજપ અને ભાજપ’ પરંતુ અત્યારે ચૂંટણીઓમાં ટિકિટી હજુ તો ૫૦ ટકા ફાળવવામાં આવી છે પણ તેમાંય કાલ બપોરે કોંગ્રેસમાંથી કૂદકો મારીને સીધાં જ ભાજપની છાવણીમાં ‘હૂપ’ કરીને પડ્યાં એટલું જ નહીં પણ ભાજપનો આખોને આખો રોટલો લઈને આજે ઉમેદવાર બની ગયાં છે ત્યારે વર્ષો જૂનાં કાર્યકર્તાઓએ હજુ ભાજપનો ટુકડો પણ માણ્યો નથી. એક આશાએ બેસી રહેતાં કાલે કંઈક આપણને મળશે, કંઈક આપણને મળશે પણ તેમની આશા ઠગારી નિવડી છે. ભાજપનાં કાર્યકર્તાઓમાં પણ નિરાશા ધીરેધીરે જોવાઈ રહી છે ત્યારે હાલમાં જ ટિકીટ જાહેર થતાં ભાજપની અંદર સંગઠનનું કામ કરતાં અને પ્રવક્તા જેવી જ ફરજ બજાવતા આઈ.કે.જાડેજાનું નામ ડીકલેર ન થતાં એવું કહેવાય છે કે તેઓ તુરંત જ કમલમ છોડીને નીકળી ગયા હતાં તો બીજીબાજુ તેમનાં વફાદારો અને તેમનાં સમર્થકો મોટી સંખ્યામાં કમલમ પર દોડી ગયા હતાં. આવા તો અનેક નેતાઓનાં ટેકેદારો કમલમ પર આવશે પરંતુ કમલમમાં બેઠેલાં રાજકીય પદાધિકારીઓ પાસે એવો ‘મલમ’ છે કે જે આવશે તેને પીઠ ઉપર હાથ ફેરવીને લગાવી દેશે એટલે બધાં જ દુઃખ-દર્દ મટી જશે અને પાછાં ભાજપનાં કાર્યકર્તાઓ થનગનતા, નાચતા-કૂદતા, ભારત માતા કી જય બોલીને પછી આયાતી ઉમેદવાર હોય કે પછી મનને ના ગમતાં હોય તો પણ તેનાં સરઘસમાં ઢોલ-નગારાનાં તાલે નાચશે અને કૂદશે અને ભાજપની સરકાર પુનઃ બનાવવા માટે મરણિયો પ્રયાસ કરશે. આ ભાજપની તાસીર છે કારણ કે તેનાં કાર્યકરોમાં પ્રથમ રાષ્ટ્રપ્રેમ છે, ભારત માતા ને પરમ વૈભવ પર પહોંચાડવાની તેઓએ ટેક લીધી છે એટલે ગમે તેટલો વિરોધ હોય છતાં પણ ‘ઘીના ઠામમાં ઘી પડી જશે’ એટલે પાછો બધો હુંફાળો શાંત થઈ જશે પરંતુ કોંગ્રેસમાં આ શક્ય નથી. કોંગ્રેસમાં જ્યારે ટિકીટીની વહેંચણી પૂરી થઈ જશે ત્યારે ‘સાપના ઘરે સાપ મહેમાનગતિએ જાય’ એકબીજાની સામે ‘ફુંફાળા’ માર્યા જ કરે અને છેવટે થાકીને બંન્ને પોતપોતાનાં દરમાં જતાં રહે તેમ એવું લાગે છે કે કોંગ્રેસમાં ઉપર જણાવેલાં ત્રણેય સહયોગીઓ પોતાની મનમાનતી ટિકીટો લઈને આવશે ત્યારે કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં પણ નારાજગી છવાઈ જશે અને પાછું રાહુલ ગાંધીએ એમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું ‘અબ ગુજરાત મેં કોઈ જુથવાદ નહીં હૈ, ઔર સબ સાથ મિલકર ભાજપા કો હટાયેંગે ઔર કોંગ્રેસ આયેગી’. રાહુલ ગાંધીના આ વાક્ય સફળ થાય તો તો સારું પરંતુ કોંગ્રેસનાં નેતાઓ તેમનો જુથવાદ બાજુ પર મૂકે એ વાત જુદી, હજુ તો ટિકીટો તો જાહેર થવા દો, કોનાં કેટલાં સાથીઓને ટિકીટ મળી તે જોશે અને જો તેમને મૂકેલાં નામો કપાઈ જશે તો પાછો જુથવાદ એની એ જ ચરમસીમાએ ઉભો થઈ જશે અને રાહુલ ગાંધીનાં આંટા-ફેરા આશીર્વાદ સાબિત ન થાય તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

આપણે આશા રાખીએ કે આ ચૂંટણીનું ચોમાસું સારી રીતે પાર પડે, વાદળાનાં ધડાકા-ભડાકા જેમ સંભળાય છે તેવા આ લોકોનાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ ન થાય અને વિજળીનાં ચમકારા જ્યારે આકાશમાં લિસોટા મૂકી દે છે ત્યારે બે ઘડી આખું નગર ચમકી જાય છે તેમ આ નેતાઓનાં ચમકારા ટૂંક સમય માટે ગુજરાતની માંગણીઓને સંતોષવા માટેનાં બધી જ જાતનાં પ્રલોભનો બંને પક્ષો તરફથી આપવામાં જે હર ચૂંટણીમાં અપાય છે તેમ અપાશે. હવે જનતાએ જ જોવાનું રહ્યું કે કોનાં વચન ઉપર વિશ્વાસ મૂકવો કે ન મૂકવો.

 

 

Related posts

मोदी को अपना विकास छुपाना पडा केजरीवाल का विकास सारी दुनिया देखेंगी

aapnugujarat

ભારતીય સિનેમા એક ઈતિહાસ

aapnugujarat

નવું વર્ષ એટલે નવો રસ્તો કંડારવાનો અવસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1