Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ : આશાવર્કર બહેનોએ દેખાવો કર્યા

રાજયભરમાં હાલ વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતપોતાની માંગણીઓ અને પ્રશ્નોને લઇ હડતાળ અને આંદોલનનો સહારો લઇ રહ્યા છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં આશાવર્કર બહેનોએ કલેકટર કચેરી જાણે બાનમાં લીધી અને પોતાની લઘુત્તમ વેતન સહિતની માંગણીઓને લઇ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવોના કાર્યક્રમો યોજયા હતા. જન અધિકાર મંચના પ્રમુખ અને યુવા નેતા પ્રવીણ રામની આગેવાની હેઠળ આજનો સમગ્ર આંદોલન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે પ્રવીણ રામે ગંભીર ચીમકી ઉચ્ચારી હતી કે, જો શાંતિથી આશાવર્કર બહેનોની માંગણીનું નિરાકરણ નહી આવે તો, આગામી દિવસોમાં રેલ રોકો સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. આ અંગે જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા એક હાથેથી આશાબહેનોને પગારવધારો આપવામાં આવ્યો અને બીજા હાથેથી વાઉચરના પૈસા ખેંચી લઇ આશાબહેનોની આશા પર પાણી ફેરવી નાંખ્યું છે. વાઉચરના પૈસા ખેંચાઇ જતાં આશાબહેનોના પહેલા જે પગાર મળતો હતો, એ જ તેમને મળવાપાત્ર થશે ત્યારે સરકારની આવી કોટી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતોના કારણે આશાવર્કર બહેનોમાં આક્રોશ ફેલાયેલો છે. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લાની આશાબહેનો ગઇકાલથી હડતાળ પર છે અને આજે તમામ આશાબહેનો પોતાની લઘુત્તમ વેતનની માંગ સાથે કલેકટર કચેરી પહોંચી ગઇ હતી. નારી શકિત જીંદાબાદ, સરકાર હાય..હાય..ના નારા સાથે આશાવર્કર બહેનોએ કલેકટર કચેરી આખી જાણે માથે લીધી હતી અને કચેરી પ્રાંગણમાં જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવોનો કાર્યક્રમ યોજયો હતો. એ પછી પોતાની લઘુત્તમ વેતનની માંગણી સાથેનું આવેદનપત્ર આંદોલનકારી પ્રવીણ રામની આગેવાની હેઠળ આશાવર્કર બહેનોના પ્રતિનિધિમંડળ તરફથી સ્થાનિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવીણ રામે ચીમકી ઉચ્ચારી હતી કે, જો સરકાર દ્વારા આગામી દિવસોમાં આશાબહેનોના મામલે નિરાકરણ નહી લવાય તો તેઓ આશાવર્કર બહેનો સાથે ઠેર-ઠેર રેલ રોકો સહિતના વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો આપશે.

Related posts

વેરાવળ રેલ્વે સ્ટેશન રોડની ખુલ્લી ગટરો જીવલેણ સાબિત થશે!

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા કલેકટરને રાફેલ મુદ્દે આવેદનપત્ર

aapnugujarat

પીએમ મોદીએ અમદાવાદમાં જાપાની ઝેન ગાર્ડનનું વચ્ર્યુઅલ ઉદઘાટન કર્યું

editor

Leave a Comment

UA-96247877-1