Aapnu Gujarat
ગુજરાત

સરકાર સાથે સમાધાન થતાં શિક્ષકોની હડતાળ સમેટાઇ : અમારા પ્રમુખ ફુટી ગયા છે : શિક્ષકોનો આરોપ

સળંગ નોકરી સહિતની માંગણીઓને લઇ રાજ્યના સવા બે લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો આજે સામુહિક રજા પર ઉતરી ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા, એક તરફ પોલીસ ગાંધીનગરમાં નિર્દોષ શિક્ષકો પર લાઠીઓ વીંઝી રહી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે બીજીબાજુ, રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે રાજયના શિક્ષણમંત્રી સહિતના સરકારના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં સરકાર તરફથી આ સમગ્ર મામલે ત્રણ સભ્યોની કમીટી બનાવી શિક્ષકોના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણ અપાતાં શિક્ષક સંઘના હોદ્દેદારોએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી. જો કે, બીજીબાજુ, પોલીસ અત્યાચાર અને લાઠીચાર્જનો ભોગ બનેલા શિક્ષકોએ સંઘના હોદ્દેદારોની હડતાળ સમેટવાની અપીલને ફગાવી હતી અને જણાવ્યું હતું કે, તેઓ આંદોલન ચાલુ રાખશે. પોલીસ અત્યાચારનો ભોગ બનેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે, અમારા સંઘના પ્રમુખ અને હોદ્દેદારો ફુટી ગયા છે અને અમારી જાણ બહાર કે અમને વિશ્વાસમાં લીધા વિના સરકાર સાથે કેવી રીતે સમાધાન કરી શકાય. અમને આ સમાધાન મંજૂર નથી. અમે રાજયના દૂર-દૂરના અને આંતરિયાળ વિસ્તારમાંથી એલાનના કારણે અહીં ગાંધીનગરમાં આવ્યા હતા અને હવે છેલ્લી ઘડીયે અમારી સાથે વિશ્વાસઘાત થયાની લાગણીથી અમે આઘાતા પામ્યા છીએ. પોતાની માંગણીઓને લઇ રાજ્યભરમાંથી આવેલા હજારો શિક્ષકોએ આજે ગાંધીનગરને જાણે બાનમાં લીધું હતું. ખાસ કરીને વિધાનસભા ગેટ પર શિક્ષકોએ હાય રે રૂપાણી હાય-હાયના નારા લગાવ્યા હતા. બપોર સુધી ચાલેલા આંદોલનનો બપોરે અંત આવ્યો હતો. એટલું જ નહી, વિધાનસભા સત્ર પૂર્ણ થાય પછી ફરીથી શિક્ષકોના મુદ્દે મળવાની સરકાર તરફથી હૈયાધારણ પણ ચુડાસમાએ આપી હતી. દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં એસ.ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા અને નિરાકરણ માટે ૩ મંત્રીઓની કમિટીની રચના કરી છે.

સરકાર દ્વારા ૩ મંત્રીઓની કમિટિની રચના કરાઈ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં એસ.ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા અને નિરાકરણ માટે ત્રણ મંત્રીઓની કમિટીની રચના કરી છે. આગામી દિવસોમાં આ કમીટી જે તે હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સાથે બેઠક અને વાટાઘાટો યોજી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી કમીટીમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરાયો છે. આ કમિટિ આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે અને પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે. મુખ્યમંત્રીએ કર્મચારી મંડળોને પણ અનુરોધ કર્યો છે કે, સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીત વાટાઘાટોથી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે. ત્યારે આંદોલનકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવે. આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલનથી પડી રહેલી મુશ્કેલી દૂર થાય અને સમાજનું વ્યાપક હિત જળવાય તે હેતુસર આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ વિજયભાઈ રૂપાણીએ કરી હતી.

Related posts

સરકારે ગુજરાત યુનિવર્સિટીને એક રૂપિયો પણ ફાળવ્યો નથી

aapnugujarat

મોજીદડ ખાતે પ્રા.શાળાના આચાર્યની ઘોર બેદરકારી

editor

કાંકરેજ તાલુકામાં ભારે વરસાદ : ખેડૂતો ચિંતિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1