Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

પાકિસાતનમાં બે સ્થળોએ બ્લાસ્ટ : ૪૦નાં મોત

પાકિસ્તાનના ખૂબજ હિંસાગ્રસ્ત એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક ધાર્મિક કાર્યક્રમ નજીક ભરચક માર્કેટમાં શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા હતા અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમની બહાર ભરચક માર્કેટમાં બ્લાસ્ટ બાદ ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ઓરાકઝાઈ આદિવાસી જિલ્લાના કલાયા વિસ્તારમાં શિયા ધાર્મિક સ્થળ ઈમામ બર્ગ નજીક શુક્રવારના માર્કેટ એટલે કે જુના બજારમાં એક બાઈકમાં વિસ્ફોટક સામગ્રી પ્લાન્ટ કરવામાં આવી હતી. પ્રચંડ બ્લાસ્ટ થતા ૩૦થી વધુ લોકોના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટ થયો ત્યારે લોકો ઉત્સુકતાપૂર્વક ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા હતા. ઘાયલ થયેલા ૪૦ લોકો પૈકી મોટાભાગના લોકોને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સમાચાર સંસ્થાઓના કહેવા મુજબ મોટાભાગના ભોગ બનેલા લોકો શિયા મુસ્લિમ સમુદાયના લોકો હોવાની માહિતી મળી છે. ભૂતકાળમાં પણ લઘુમતી શિયા મુસ્લિમ સમુદાયના લોકોને આ વિસ્તારમાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો હતો. આ બોમ્બને મોટરસાયકલ સાથે પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.
બ્લાસ્ટ બાદ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તરત જ તૈનાત કરવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈમરજન્સીની જાહેરાત પરિસ્થિતિને હાથ ધરવા માટે પ્રદેશની હોસ્પિટલોમાં કરવામાં આવી હતી. માનવ અધિકાર મંત્રી સિરીન દ્વારા આ હુમલા માટે અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતાને જવાબદારી ઠેરવી હતી અને આ પ્રકારના બનાવો માટે તૈયાર રહેવા પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી. ઓરાકઝાઈ આદિવાસી વિસ્તારમાં થયેલા આ હુમલાને વખોડી કાઢીને તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાનને તેના પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ. અમારા આદિવાસી લોકોની સુરક્ષા માટે વધુ સાવચેતી જરૂરી બની છે. આ હુમલા માટેની જવાબદારી કોઈપણ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી પરંતુ તાલિબાની ત્રાસવાદીઓ દ્વારા મોટાભાગે આ પ્રકારના હુમલાઓ કરાય છે. બ્લાસ્ટ કરાયા બાદ ખૈબર પખ્તૂનખ્વા પોલીસ ને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવી છે. દુશ્મનો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ પ્રાંતના મુખ્યમંત્રી મહેમુદખાને કર્યો છે. આજે એક દિવસમાં બે આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આજે કરાંચીમાં ચાઈનિઝ કોન્સ્યુલેટમાં પ્રવેશ કરવા ત્રાસવાદીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સુરક્ષા દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. આમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા હતા. આ ઉપરાંત બે પોલીસ કર્મી અને સાત લોકોના મોત પણ થયા હતા. આની સાથે જ આ હુમલામાં કુલ ૧૦ લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બંદર શહેર કરાંચીમાં ચીનના વાણિજ્ય દુતાવાસ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ચીની લોકોમાં દહેશત ફેલાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. ચીની રોકાણકારોમાં ભય ફેલાય અને રોકાણ ન થાય તે માટે આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈમરાને કહ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં જ બંને દેશો વચ્ચે થયેલા કારોબારી કરારના કારણે કરાંચીમાં ચીની મિશનને ટાર્ગેટ બનાવાના પ્રયાસ કરાયા છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું હતું કે આ હુમલો ચીની રોકાણકારોને ભયભિત કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે. સીપીઈસીને નબળી કરવાના ઉદ્દેશ્યથી હુમલો કરાયો છે. ઈમરાન ખાને ટ્‌વીટ કરીને કહ્યું હતું કે ચીની વાણિજ્ય દૂતાવાસ ખાતે કરાયેલા હુમલાને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન અને ચીનના આર્થિક સંબંધો મજબૂત થઈ રહ્યા છે ત્યારે કાવતરાના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધોને કમજોર કરી શકશે નહીં. પાકિસ્તાનમાં ચીની વાણિજ્ય દૂતાવાસ પાસે ભીષણ હુમલો કરાયો હતો. આમાં બે પોલીસ કર્મી સહિત સાત લોકોના મોત થયા હતા.
આ વર્ષે ચીની અધિકારીઓને ટાર્ગેટ બનાવીને બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ત્રાસવાદીઓએ ચીનમાં એક શિપીંગ અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ચીની અધિકારીઓ સામે વધી રહેલી હિંસા બેજિંગ માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે તે પાકિસ્તાનમાં ૬૦ અબજ ડોલરથી વધુની યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે.
આશરે ત્રણથી ચાર ત્રાસવાદીઓ એકાએક પહોંચી ગયા હતા અને પોલીસ કર્મચારીઓ ઉપર ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોળીબાર કરાયો હતો. માર્યા ગયેલાઓમાં બે પોલીસ કર્મી સામેલ છે. માર્યા ગયેલા ત્રણ ત્રાસવાદીઓ પૈકી બેની પાસેથી આત્મઘાતી વિસ્ફોટવાળા જેકેટ મળી આવ્યા છે.

Related posts

ટ્રિપલ તલાક બિલ રજૂ ન થઈ શક્યું , રાજ્યસભા ૨ જાન્યુઆરી સુધી સ્થગિત

aapnugujarat

મંદીનો દોર જારી : સેંસેક્સમાં ૧૫૦ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

પેટ્રોલની કિંમતમાં વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1