Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાકીય વિકાસકામોની યોજાયેલી સમીક્ષા બેઠક

રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્ય શ્રી હર્ષદભાઇ વસાવાએ નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજ વિસ્તારના ગામોમાં ખાસ કરીને પીવાના પાણીની સુવિધાઓ ઉપરાંત ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત યોજનાકીય વિવિધ વિકાસ કામોની વિસ્તૃત સમીક્ષા કરતાં જિલ્લામાં કોઇપણ પ્રકારના વિકાસકામોનું લાંબા ગાળાનું સુવ્યવસ્થિત આયોજન કરવાની સાથે આવા કામો બેવડાય નહિ તેની ખાસ તકેદારી રાખવા અને એકથી વધુ વિભાગને સ્પર્શતા વિકાસ કામો ઝડપથી હાથ ધરાય તે માટે જિલ્લા સંકલન સમિતિના ફોરમમાં જરૂરી વિચારણા થકી તેનો યોગ્ય અને સુચારૂ ઉકેલ આવે તે દિશામાં પ્રયાસો કરવા ઉપર ખાસ ભાર મૂક્યો છે.

રાજપીપલા કલેક્ટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.સી. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એમ.એન. જાડેજા, પ્રાયોજના વહિવટદારશ્રી સી.બી. વસાવા સહિત જિલ્લાના વરિષ્ઠ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગઇકાલે આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓ અને વિકાસ કામોની રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા શ્રી વસાવાએ જણાવ્યું હતુ કે, સરકારશ્રી દ્વારા પુરતા પ્રમાણમાં સબંધિત વિભાગોને જરૂરી અનુદાન ફાળવવામાં આવતુ હોય, ત્યારે ગુણવત્તાયુક્ત વિકાસ કામોની સાથે આ વિસ્તારની પ્રજાને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબત “ટીમ નર્મદા” પાસે અપેક્ષિત છે. ત્યારે તકનીકી અધિકારીઓ અને ઇજનેરોનું આ દિશામાં યોગદાન ખુબ જ ઉપયોગી બની રહેશે તેમ જણાવી જિલ્લાને સ્પર્શતી કરજણ સિંચાઇ યોજના હેઠળના નહેર દુરસ્તીના કામો ખેડૂતોને નુકશાન ન થાય એ રીતે ટૂંકા ગાળામાં સુવ્યસ્થિત રીતે હાથ ધરવા ઉપરાંત આસપાસના વિસ્તારને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે હાથ ધરાયેલી ઉદવહન યોજનાઓ ઝડપથી કાર્યાન્વિત થાય તે દિશાના પ્રયાસો પણ ઘનિષ્ઠ બનાવવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

શ્રી હર્ષદભાઇ વસાવાએ વધુમાં ઉમેર્યુ હતું કે, નર્મદા જિલ્લો પ્રવાસન વિકાસની દિશામાં ઉભરી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓને આકર્ષી શકાય તેવા પ્રવાસન સ્પોટ નવા મોડેલમાં વિકાસ પામે તેની સાથોસાથ જુનારાજ-ઝરવાણીમાં ફુલોની સુશોભિત ખેતી કરીને તેના માર્કેટીંગ થકી ફિલ્મ ઉદ્યોગની પણ માંગ વધે અને સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધુ ઉપલબ્ધ બને તેવા પ્રયાસોની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે નર્મદા જિલ્લામાં પર્યાવરણને નુકશાન ન થાય તેવા ઔદ્યોગિક એકમોની સ્થાપના માટે જીઆઇડીસીમાં જમીનોની ફાળવણી અને અંકલેશ્વર ખાતે કાર્યરત જીઆઇડીસીની પેટા કચેરી રાજપીપલામાં કાર્યરત થાય તેવું સુચન કર્યુ હતું.

રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાએ જિલ્લા આયોજન મંડળ, જિલ્લા-તાલુકાના વિકાસ માટે રૂટીંગને બદલે કોઇ નવી વ્યવસ્થા કે આગવી ઓળખ સમુ નવુ મોડેલ વિકસાવવા, ફડચામાં ગયેલી સહકારી મંડળીઓને નિયમાનુસાર પુનઃ જીવીત કરવા, ઝરવાણી-જુનારાજમાં પુરતી વિજ સુવિધા ઉપલબ્ધ કરાવવા, લો-વોલ્ટેજના પ્રશ્ન બાબતે જરૂરી સર્વેક્ષણ કરવા, વન વિભાગ કે અન્ય વિભાગોના કારણોસર શાળાના ઓરડાના બાંધકમમાં પડતી મુશ્કેલીના નિરાકરણ માટે પરસ્પર સંકલન સાધીને તેનું નિરાકરણ લાવવા, શિક્ષકોની ઘટવાળી- શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવા, જરૂરી જણાય તેવા સ્થળે હાયર સેકન્ડરી વિભાગો શરૂ કરવા, પોલીટેકનીક કોલેજ માટે જગ્યા ફાળવવા, આવાસ યોજનાના અમલીકરણની સુવ્યવસ્થિત પધ્ધતિ વિકસાવીને અલાયદા ચોક્કસ મહેકમ થકી તેનું યોગ્ય મોનીટરીંગ કરવા, વન વિસ્તારમાં ઘરેલું ગેસ જોડાણની સુવિધા વિના કોઇપણ પરિવાર બાકી ન રહે તે જોવા, માં-અમૃતમ્ અને માં-વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને સાચા અર્થમાં લાભ મળી રહે તે જોવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હેઠળના કેટલાક પેટા કેન્દ્રો કાર્યાન્વિત કરવા, જિલામાં મંજૂર થયેલી વેટરનરી પોલીકલીનીકને આધુનિક હોસ્પિટલમાં રૂપાંતર કરવા અને તે માટેના મોડેલમાં જરૂરી ફેરફાર કરીને વધુ જગ્યાની ફાળવણી થકી અદ્યતન મોડલ સાથે આધુનિક હોસ્પિટલ ઉભી કરવા ઉપરાંત જિલ્લામાં ગાય-ભેંસોની નવી ખરીદીના પ્રમાણની સાથોસાથ દુધ ઉત્પાદન પણ વધુ મેળવાય તે દિશાના પ્રયાસો હાથ ધરવાનો અનુરોધ કરી, માં – નર્મદા સૌને શક્તિ આપવાની સાથે મા – હરસિધ્ધિ શક્તિપીઠના સૌ પર આશિર્વાદ ઉતરે અને નર્મદા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિની હરણફાળમાં વધુને વધુ આગળ વધે તેવી શ્રી વસાવાએ “ટીમ નર્મદા” ને શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ પ્રારંભમાં આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાનું “ટીમ નર્મદા” વતી ઉષ્માભર્યુ સ્વાગત કર્યા બાદ તેમના શાબ્દિક પ્રવચનમાં શ્રી વસાવાને આવકારી આદિજાતિ આયોગે સેવેલી અપેક્ષાઓની પરિપૂર્તિ માટે “ટીમ નર્મદા” હરહંમેશ તત્પર રહેશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એમ.એન. જાડેજા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, પ્રાયોજના વહિવટદારશ્રી સી.બી. વસાવા, જિલ્લા આયોજન અધિકારીશ્રી આર.જે પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.એન. મિસ્ત્રી, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે. હડીયલ અને શ્રી અંગતકુમાર માંડોત સહિત સબંધિત વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.                     ૦ ૦ ૦ ૦

Related posts

વટવામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ૧૦ વર્ષની કેદ

aapnugujarat

રાજ્યમાં કાળઝાળ ગરમી, ૬ શહેરોમાં પારો ૪૨ ડિગ્રીને પાર

editor

ખેડૂતો હવે તેમની સાથે ક્રૂર મજાકનો બદલો લેવા તૈયાર : જ્યોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1