Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્‍લા કલેકટર પી.ભારથીએ  ભાયલીમાં યોજાયેલ જન સુનાવણી કાર્યક્રમમાં લોકપ્રશ્‍નોની રજુઆતોની ઉકેલનું આપ્‍યું માર્ગદર્શન

જિલ્‍લા કલેકટર પી.ભારથીએ સમગ્ર રાજયમાં એક નવતર પહેલના ભાગરૂપે લોકસમસ્‍યાઓ જાણવા અને તેના સંતોષકારક નિરાકરણ માટે જનસુનાવણી કાર્યક્રમ હાથ ધર્યો છે. લોકપ્રશ્‍નોના હકારાત્‍મક ઉકેલ માટેનો જિલ્‍લામાં સૌ પ્રથમ જનસુનાવણી કાર્યક્રમ આજે વડોદરા તાલુકાના ભાયલી ખાતે પટેલવાડીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્‍લા સમાહર્તા પી.ભારથીએ તાલુકા/જિલ્‍લા કક્ષાના તેમજ વુડાના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ભાયલી ગામને સ્‍પર્શતા વિવિધ ૪૫ જેટલા પ્રશ્‍નોની ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેના સકારાત્‍મક ઉકેલનું માર્ગદર્શન આપ્‍યું હતું. કલેકટરશ્રીએ ગ્રામજનોની રજૂઆતોને પગલે સબંધિત વિભાગોએ જરૂરી પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા જણાવ્‍યું હતું. જનસુનાવણી કાર્યક્રમમાં જિલ્‍લાના વિવિધ વિભાગોના અધિકારીઓએ સરકારની વિકાસલક્ષી યોજનાઓની સમજ આપવા સહિત ભાયલીમાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.

ભાયલી ગામના ગ્રામજનો દ્વારા જમીન ફેરફાર નોધોંની સમયસર એન્‍ટ્રી કરવી, રેવન્‍યુ તલાટીની ભાયલી ગ્રામ પંચાયત કચેરીમાં નિયમિત હાજરી, રસ્‍તા, ગંદા પાણીનો નિકાલ, રસ્‍તાઓ, નહેર, કાંસો તેમજ સરકારી જમીન પરના દબાણો દુર કરવા, જમીન સંપાદનનું ખેડૂતોને વળતર ચૂકવવું, એકત્રિકરણ, વડીલોર્પાજિત મિલકતમાં વારસદારોના નામ દાખલ કરવા, ટીપી રસ્‍તાઓ પરના નડતરરૂપ વીજ થાંભલા દૂર કરવા, ગામ તળાવનું બ્‍યુટીફીકેશન કરવા જેવા પ્રશ્‍નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેકટર પી.ભારથીએ ગ્રામજનો દ્વારા મળેલ પ્રશ્‍નોનો સત્‍વરે ઉકેલ કરવા સબંધિત અધિકારીઓને સ્‍થળ પર જ સૂચનાઓ આપી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે ભાયલી ગામમાં વુડા દ્વારા ચાર ટી.પી. સ્‍કીમ મંજુર કરવામાં આવી છે જયારે પાંચમી ટી.પી. સ્‍કીમનો મુસદો મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્‍યો છે. ગ્રામજનો દ્વારા વુડા દ્વારા મંજૂર થયેલ ટી.પી. સ્‍કીમોમાં નિર્માણ થયેલ સોસાયટીમાં પીવાનું પાણી, ગંદાપાણીનો નિકાલ કરવા, રસ્‍તાઓની મરામત, રમતગમતના મેદાન માટે જરૂરી જમીન આપવા જેવા પ્રશ્‍નો રજૂ કરવામાં આવ્‍યા હતાં. વુડાના અધિકારીઓને તેના ઉકેલની હૈયાધારણ આપી હતી.

આ જનસુનાવણીમાં પ્રાંત અધિકારીશ્રી એલ. એમ. ડીડોર, મામલતદારશ્રી એ.જે.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શિનોરા, સરપંચ તેમજ જિલ્‍લાના અમલીકરણ અધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં  હાજર રહયા હતા.

Related posts

લીંબડી – અમદાવાદ હાઈ-વે પર અકસ્માત : ચારનાં મોત

aapnugujarat

તલાટીઓની હડતાળના પગલે પંચાયતોની કામગીરી ઠપ્પ

aapnugujarat

લોકડાઉનમા થતી કામગીરી અંગેની જાણકારી મેળવતા જીલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશ

editor

Leave a Comment

UA-96247877-1