Aapnu Gujarat
ગુજરાત

વિશાલા બ્રીજની હાલત કફોડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં દાયકાઓ જૂના રેલવે ઓવરબ્રિજના રિપેરિંગની કામગીરી હાથ ધરાઇ છે, જે અંતર્ગત ચામુંડા રેલવે ઓવરબ્રિજ, સારંગપુર રેલવે ઓવરબ્રિજની કામગીરી આટોપાઇ ગઇ હોઇ હાલમાં ગિરધરનગર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. પરંતુ બીજીબાજુ, સરખેજ હાઇવે પરના વિશાલા સર્કલથી નારોલ હાઇવેને જોડનારા સાબરમતી નદી પરના બ્રિજની બિસ્માર હાલતને લઇ મોટો વિવાદ જાગ્યો છે. વિશાલા બ્રીજની હાલત ગંભીર, જર્જરિત અને જોખમી બની રહી છે તેમ છતાં અમ્યુકો તંત્ર સહિતના સત્તાધીશો આ મામલે ઉદાસીન બની રહ્યા છે. જેના કારણે ગમે ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે કોઇ ગંભીર અકસ્માત સર્જાય તો મોટી દુર્ઘટના કે જાનહાનિ થવાની દહેશત ઉભી થઇ છે. આ રિવરબ્રિજ પર સવાર-સાંજના સમયે તો ટ્રાફિક જામ થાય છે. બીજી તરફ બ્રિજ પર ઠેર ઠેર ગાબડાં પડ્‌યા છે તેમજ બ્રિજની રેલિંગ(પાળી) પણ તૂટી ગઇ છે, જેના કારણે વાહનચાલકો તોબા પોકારી ઊઠ્‌યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના નહેરુબ્રિજ, ગાંધીબ્રિજ, સરદારબ્રિજ જેવા રિવરબ્રિજના રિપેરિંગની જવાબદારી તંત્રના બ્રિજ પ્રોજેકટ પાસે છે. તંત્ર દ્વારા આ તમામ રિવરબ્રિજનું સમયાંતરે રિપેરિંગ કરાય છે. રેલવે ઓવરબ્રિજ તેમજ રોડ ફલાય ઓવરબ્રિજની કામગીરી પણ મ્યુનિસિપલ સત્તાવાળાઓ કરે છે, પરંતુ વાસણાના એપીએમસી માર્કેટથી નારોલ હાઇવેનો રસ્તો નેશનલ હાઇવે ઓથોરિટીના સંચાલન હેઠળ છે. આ રસ્તા પર આવેલો રિવરબ્રિજ પણ આના કારણે દેખીતી રીતે નેશનલ હાઇવે ઓથોરિટીના હવાલેે છે. જાણકાર સૂત્રોના મતે, વાસણાના એપીએમસી માર્કેટથી વિશાલા સર્કલ સુધીનો રસ્તો તો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રિપેર કરાયો હોઇ આ રસ્તો વાહનચાલકો માટે કંઇકઅંશે રાહતરૂપ બન્યો છે, પરંતુ રિવરબ્રિજ નેશનલ હાઇવે ઓથોરિટીની ઉપેક્ષાનો ભોગ બન્યો હોઇ ખખડધજ હાલતમાં મુકાયો છે. આ રિવરબ્રિજ સરખેજ-ગાંધીનગર હાઇવે તેમજ નારોલ-નરોડા હાઇવેને જોડનારો મહત્ત્વનો બ્રિજ હોઇ હંમેશાં ટ્રાફિકથી ધમધમતો રહે છે, જોકે મ્યુનિસિપલતંત્ર રિવરબ્રિજ પોતાના કાર્યક્ષેત્રમાં આવતો ન હોઇ તેનું રિપેેરિંગ કરી શકતું નથી. અલબત્ત, છેલ્લા એક વર્ષથી તેના રિપેરિંગ માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને લેખિત રજૂઆત કરાઇ રહી છે પરંતુ હજુ સુધી નેશનલ હાઇવે ઓથોરીટી તરફથી કોઇ જ પગલાં લેવાયા નથી તો શું કોઇ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તેની તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી રાહ જોઇ રહ્યા છે તેવી ગંભીર ચર્ચા પણ નગરજનોમાં ઉઠવા પામી છે.

 

Related posts

પાટીદાર નેતા નચિકેત મુખી તેમજ પરિવાર ઉપર હુમલો

aapnugujarat

વડનગર પાસે ગમખ્વાર અકસ્માત

editor

સાબરકાંઠા એલ.સી.બી.એ નશીલા પદાર્થનો જથ્થો ઝડપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1