Aapnu Gujarat
બ્લોગ

બોફોર્સનાં ડાઘ રાફેલથી ધોશે કોંગ્રેસ

દેશને આઝાદી મળ્યા બાદ આઝાદીની લડતમાં મોખરે રહેનાર કોંગ્રેસને સત્તા ભોગવવાનું સુખ સૌથી વધારે પ્રાપ્ત થયું છે જ્યારે સત્તા વધારે ભોગવવા મળે ત્યારે ભ્રષ્ટ્રાચારનાં આરોપોનો સામનો પણ એટલો જ વધારે કરવો પડતો હોય છે અને તેના પર ભ્રષ્ટ્રાચારનાં આરોપ લાગતા જ રહ્યાં છે જેમાં બોફોર્સકાંડ સૌથી વધારે ચર્ચાસ્પદ છે ત્યારે હાલમાં કોંગ્રેસે ભાજપને સાણસામાં લેવા માટે રાફેલ સોદાને માધ્યમ બનાવ્યો છે.કોંગ્રેસને લાગે છે કે આ મુદ્દો જ તેમના માટે વૈતરણી પાર કરાવનાર બની રહેશે.હાલમાં ૧૦૦ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે આ મુદ્દો ચગાવ્યો હતો.આ માટે જયરામ રમેશની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવી છે.પક્ષે સરકાર પાસે આ મામલે તપાસ કરવા માટે જેપીસીની રચનાની માંગ કરી છે.
૨૦૧૪ની ચુંટણીમાં કોંગ્રેસ પર ભ્રષ્ટ્રાચારનાં આરોપ લાગ્યા હતા અને ભાજપે જનતાને સ્વચ્છ શાસનનો વાયદો આપ્યો હતો જેણે જનતાએ માની લીધો અને કોંગ્રેસને સત્તાથી દુર થવું પડ્યું હતું.આ ચુંટણીમાં તેની એટલી કફોડી પરિસ્થિતિ થઇ હતી કે ૬૦ વર્ષ સુધી રાજકરનાર આ પાર્ટીને માત્ર ૪૪ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.તેવામાં આગામી વર્ષે ચુંટણીમાં તેમને લાગે છે કે રાફેલ મુદ્દો અસરકારક બની રહેશે.
બોફોર્સ તોપ સોદામાં દલાલીનાં મામલે કેન્દ્રીય મંત્રી વી.પી.સિંહે તત્કાળ રાજીવ ગાંધી મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધું હતું.ત્યારબાદ રાજીનામાનું પુર આવ્યું હતું.ત્યારબાદ વી.પી. સિંહે આખા દેશનું ભ્રમણ કર્યુ હતું અને સોદામાં દલાલીનો પ્રચાર કર્યો હતો.આ મામલે ત્યારે વી.પી.ને ભાજપ અને ડાબેરીઓનો સાથ મળ્યો હતો ત્યારે થયેલ ચુંટણીમાં રાજીવ ગાંધી સરકારને કારમો પરાજય વેઠવો પડ્યો હતો.જેની પાછળ બોફોર્સ મામલો મહત્વનો બની ગયો હતો.હવે કોંગ્રેસ રાફેલને એ જ રીતે ઉપયોગમાં લેવા માંગે છે પણ હાલમાં સ્થિતિ એ છે કે બોફોર્સનો મામલો ત્યારે સામાન્ય જનતામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો જ્યારે રાફેલનો મુદ્દો માત્ર રાજકારણનો મુદ્દો બની રહ્યો છે સામાન્ય જનતામાં તેની ચર્ચા હોવાનું જણાતું નથી કે ના કોંગ્રેસ તેને જનલાગણીનો મુદ્દો બનાવી શકી છે.
રાહુલ ગાંધી રાફેલ મામલે સતત મોદી સરકાર પર આક્રમણ કરી રહ્યાં છે તેમનો આરોપ છે કે હાલની સરકાર યુપીએ સરકારે નક્કી કરેલી રકમ કરતા વધારે રકમ આપી રહી છે અને આ સોદો માત્ર એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે થઇ રહ્યો છે.તેમનો દાવો છે કે ચુંટણી પહેલા તેઓ સાબિત કરશે કે રાફેલ મામલે કૌભાંડ થયું છે.
જો કે ૨૦૧૪માં જ્યારે યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારનાં આરોપ લાગ્યા ત્યારે લોકોને એ વાત પ્રતિતીજનક લાગી હતી કારણકે એક કરતા વધારે નેતાઓનાં કૌભાંડો જાહેર થયા હતા પણ હાલમાં મોદી સરકારનાં ચાર વર્ષનાં ગાળામાં તેમના કોઇ મંત્રીને ભ્રષ્ટાચારનાં આરોપનો સામનો કરવો પડ્યો નથી ખુદ મોદીએ જાહેર મંચો પરથી કહ્યું છે કે ભ્રષ્ટાચારને કોઇપણ રીતે સહન કરવામાં આવશે નહી.જો કે રાફેલ મામલે તેમનાં માટે એક બાબત નુકસાનકારક બની શકે છે પહેલા ખુદ રક્ષામંત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ આ મામલે તમામ વિગતો જાહેર કરશે પણ ત્યારબાદ તેમણે ગુપ્તતાનો હવાલો આપીને વાત જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. જોકે કોંગ્રેસ ભલે તેને ચુંટણીનો મુદ્દો બનાવવા માટે તૈયાર હોય પણ હજી સુધી મોદી સરકાર આ મામલે બેકફુટ પર ગઇ નથી તેમનો દાવો છે કે તેમની સરકારે રાફેલ સોદો બહુ યોગ્ય રીતે પાર પાડ્યો છે.તેમની દલીલ છે કે રાફેલ મામલે તમામ વિગતો જાહેર કરવાથી તેની સિક્રેટ વિશેષતાઓ જાહેર થઇ જાય તેમ છે જે દેશ માટે નુકસાનકારક સાબિત થાય તેમ છે.
કોંગ્રેસે અત્યારસુધી માત્ર આરોપો જ લગાવ્યા છે આ સોદામાં કોઇ ગરબડ થઇ હોવાનો કોઇ પુરાવો તે રજુ કરી શકી નથી.જો કે તેને એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે આ સોદાની સમીક્ષા કેગ દ્વારા થવાની છે જો કેગને આ સોદો દુરસ્ત લાગશે તો કોંગ્રેસ માટે આ મુદ્દો એટલો અસરકારક રહેવાનો નથી જેટલો તે ધારી રહી છે.
હવે જે મામલે કોંગ્રેસ આટલો હોબાળો મચાવી રહી છે તે રાફેલ સોદો શું છે તે અંગે જાણીએ.વાયુસેનાને પોતાની ક્ષમતા વધારવા માટે ઓછામાં ઓછી ૪૨ સ્કવોર્ડન હતી જો કે ત્યારબાદ તેની સંખ્યા ઘટાડીને ૩૪ કરાઇ હતી.૧૨૬ યુદ્ધ વિમાનો ખરીદવાનો પહેલો પ્રસ્તાવ અટલ બિહારી વાજપેયી સરકારે મુક્યો હતો પણ આ મામલાને આગળ ધપાવવાનું કામ કોંગ્રેસે કર્યુ હતું. એ.કે એન્ટોનીએ ૧૨૬ વિમાનો ખરીદવાની યોજનાને ઓગસ્ટ ૨૦૦૭માં મંજુરી આપી હતી.અહદીથી જ બોલીનું કામ શરૂ થયું હતું.ત્યારે મુકાબલો અમેરિકાનાં બોઇંગ એફ-એ-૧૮ ઇ-એફ સુપર હોર્નેટ, ફ્રાંસનાં ડસોલ્ટ રાફેલ, બ્રિટનનાં યુરોફાઇટર, અમેરિકાનાં લોકહીડ માર્ટિન એફ-૧૬ ફાલ્કન, રશિયાનાં મિખોયાન મિગ-૩૫ અને સ્વીડનનાં ૩૯ ગ્રિપેન જેવા એરક્રાફ્ટ વચ્ચે હતો.ત્યારે રાફેલની પસંદગી કરાઇ કારણકે તેની કિંમત અન્યોની તુલનાએ ઓછી હતી અને તેની દેખરેખ પણ ઓછી કિંમતે થઇ શકે તેમ હતી.
ત્યારબાદ વાયુસેનાએ ઘણાં વિમાનોનું પરિક્ષણ કર્યુ હતું જેમાં રાફેલ અને યુરોફાઇટર ટાઇફુન તેમનાં માપદંડે ખરા ઉતર્યા હતા.૨૦૧૨માં રાફેલને પસંદ કરાયું હતું.ત્યારબાદ તેની નિર્માતા દ સાલ્ટ એવિએશન સાથે કોન્ટ્રાક્ટ મામલે વાતચીત શરૂ થઇ હતી જો કે અનેક મુદ્દે અડચણોને કારણે ૨૦૧૪ સુધી વાતચીત આગળ વધી શકી ન હતી.યુપીએ સરકાર દરમિયાન ટેકનોલોજી હસ્તાંતરણનો મુદ્દો અવરોધનું કારણ બન્યો હતો.દસાલ્ટ ભારતમાં બનનાર ૧૦૮ વિમાનોની ગુણવત્તા મામલે જવાબદારી લેવા તૈયાર ન હતી.દસાલ્ટ માનતું હતું કે આ વિમાનોનાં નિર્માણમાં ત્રણ કરોડ માનવ કલાકોની જરૂરત હતી જ્યારે એચએએલે તેના કરતા ત્રણ ઘણાં વધારે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું જેના કારણે ખર્ચ અનેકગણો વધી જતો હતો.૨૦૧૪માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે ફરીથી રાફેલ સોદાની વાતચીત આગળ વધી હતી.પીએમની ફ્રાંસની મુલાકાત દરમિયાન ૨૦૧૫માં આ સોદા અંગે સમજુતી થઇ હતી.ત્યારે ટુંક સમયમાં ૩૬ વિમાનો તૈયાર હાલતમાં પુરા પાડવાની વાત થઇ હતી.સમજુતિ અનુસાર વિમાનોની આપુર્તી વાયુસેનાની જરૂરિયાત અનુસાર તેમનાં દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં થવાની હતી અને વિમાન સાથે સંકળાયેલ ટેકનોલોજી અને શસ્ત્રો પણ વાયુસેનાએ જે માપદંડો નક્કી કર્યા તે અનુસાર હોવાની વાત થઇ હતી.તેમાં નક્કી થયું હતું કે લાંબા સમય સુધી વિમાનોની દેખભાળ ફ્રાંસે કરવાની હતી.૨૦૧૬માં આ અંગે આઇજીએ થયો હતો.સમજુતિ પર હસ્તાક્ષર થયા બાદ લગભગ અઢાર મહિનામાં વિમાનો પુરા પાડવાની વાત થઇ હતી.
એનડીએ સરકારે દાવો કર્યો હતો કે આ સોદો યુપીએ કરતા વધારે સારી કિંમતે થયો હતો અને તેમણે લગભગ ૧૨૬૦૦ કરોડ બચાવ્યા છે.સરકારનો દાવો છે કે પહેલા પણ ટેકનોલોજી હસ્તાંતરણની કોઇ વાત ન હતી પણ માત્ર મેન્યુફેકચરિંગ ટેકનોલોજીનું લાયસન્સ આપવાની વાત હતી પણ હાલમાં સમજુતિમાં મેક ઇન ઇન્ડિયાની પહેલ કરાઇ છે.ફ્રાંસની કંપની ભારતમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે.જો કે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે સરકારને આંકડાઓ રજુ કરવામાં શું મુશ્કેલી છે.કોંગ્રેસનાં નેતાઓનું કહેવું છે કે યુપીએ સરકાર ૧૨૬ વિમાનોનાં ૫૪૦૦૦ કરોડ આપવાની હતી જ્યારે મોદી સરકાર માત્ર ૩૬ વિમાનો માટે ૫૮૦૦૦ કરોડ આપી રહી છે.કોંગ્રેસનો આરોપ છે કે એક પ્લેનની કિંમત ૧૫૫૫ કરોડ રૂપિયા છે જ્યારે કોંગ્રેસે ૪૨૮ કરોડમાં ખરીદવાની હતી.સોદાનાં આલોચકો અનુસાર યુપીએ સોદામાં વિમાનોને ભારતમાં એસેમ્બલ કરવા માટે હિન્દુસ્તાન એરક્રાફટ લિ.ને સામેલ કરવાની વાત હતી જે ભારતમાં વિમાનોનું નિર્માણ કરે છે પણ એનડીએ સોદામાં ભારતની કંપનીને બહાર કરી ખાનગી કંપનીને પ્રાધાન્ય અપાયું છે.જો કે મોદી સરકારે આરોપ નકાર્યો છે.તેમના જણાવ્યાનુસાર દૈસો એવિએશને ઓફસેટ કે નિકાસ માટે રિલાયન્સને પસંદ કરી છે સરકારની ભૂમિકા નથી.

Related posts

હવે બિનપરિણિત મહિલાઓમાં કોન્ડોમનો ઉપયોગ વધ્યો : સર્વે

aapnugujarat

કોંગ્રેસનો બાવળીયાનો કાંટો નીકળી ગયો, ભાજપમાં ઉછીના દિવેલે અખંડ દીવો

aapnugujarat

रेलवे का विद्यार्थियों हेतु तोहफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1