Aapnu Gujarat
ગુજરાત

ઈડરમાં ૪ ઈંચથી વધુ વરસાદ

ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે ભારે વરસાદ થયો હતો. ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ગુજરાતના બાકીના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન ઝડપથી એન્ટ્રી કરી ગયું છે. રાજસ્થાનના બાકીના ભાગોમાં પણ મોનસુને એન્ટ્રી કરી લીધી છે. ૨૯મી જૂનના દિવસે દક્ષિણ પશ્ચિમ મોનસુને સમગ્ર દેશને આવરી લીધું છે.
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઘણી જગ્યાઓએ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ આજે ભારે વરસાદ રહ્યો હતો. બીજી બાજુ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. આજે સાબરકાંઠાના ઇડરમાં કલાકોના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. અંબાજીમાં પણ વરસાદ ખાબક્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે ગુજરાતમાં સૌરાષ્ટ્રના પંથક વિસ્તારો અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક ક્ષેત્રોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા-સાબરકાંઠામાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા, જયાં ઇડરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા છલકાઇ ગયા હતા. તો, મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા શામળાજી સહિતના પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજકોટના ગોંડલમાં ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી જ પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, ગોમટા, લીલાખા સહિતના પંથકોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. રાજકોટના કેટલાક પંથકોમાં તો, વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ગઇકાલે પણ સૌરાષ્ટ્રમાં અમરેલીના રાજુલા, ડુંગર, મોરંગી, માંડલ સહિતના પંથકોમાં બેથી ત્રણ ઇંચ જેટલો ભારે અને તોફાની વરસાદ નોંધાયો હતો. જેના કારણે રાજુલાની મોરંગી નદીમાં તો ઘોડાપૂર આવ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના પંથકોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં હાલ અપર એર સાયકલોનિક સર્કયુલેશન સીસ્ટમ સર્જાઇ હોવાથી તેની નજીક આવેલા રાજસ્થાનના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. તો, કચ્છમાં પણ હાલ સાયકલોનિક સર્કયુલેશન સીસ્ટમ સક્રિય થઇ હોવાથી કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા એવા વરસાદની શકયતા છે. આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર સહિતના જિલ્લા અને પંથકોમાં ભારે મહેર વરસાવી હતી. ભારે ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ઠંડકમય અને વરસાદી માહોલ છવાયો હતો. જિલ્લાના પંથકોના તમામ નદી-નાળાઓમાં વરસાદી નીરની સારી આવક થઇ હતી. તો, કેટલાક નદી-નાળા છલકાયા હતા. બનાસકાંઠાના અમીરગઢ સહિતના પંથકોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ઇડરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જયાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહીસાગર જિલ્લામાં પણ ભારે અને ધોધમાર વરસાદ નોંધાતાં લોકોએ વરસાદની મોજ માણી હતી.

Related posts

મહીસાગર જીલ્લામાં મહિલા ખેડૂતોને કૃષિ કિટનું વિતરણ

editor

નેશનલ હાઈવે નં.૫૬ ઉપર માંડવી ખાતે નવા બ્રિજનું ભૂમિપૂજન કરતા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સી.જે. પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1