Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપે છેડો ફાડ્યો : મહેબુબા મુફ્તીનું રાજીનામું

જમ્મુ કાશ્મીરમાં વધતા જતાં ત્રાસવાદી હુમલા, પથ્થરબાજીની ઘટનાઓ અને સરહદ ઉપર અવિરત ગોળીબારના દોર વચ્ચે ભાજપે આજે પીડીપી સરકારને પોતાનું સમર્થન પરત લઇ લીધું હતું. આની સાથે જ રાજ્યના છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ભાજપ અને પીડીપી વચ્ચેના ગઠબંધનનો અંત આવી ગયો હતો. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપી અને ભાજપ સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી પરંતુ આજે ગઠબંધનનો અંત આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજ્યપાલ એનએન વોરાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. પીડીપી સાથે ગઠબંધનનો અંત લાવવાની ભાજપે જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદ યોજીને ભાજપના જનરલ સેક્રેટરી રામમાધવે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં તેની ગઠબંધન સરકાર સાથે ચાલવાની બાબત ભાજપ માટે ખુબ જ મુશ્કેલરુપ બની ગઈ હતી જેથી અમે ટેકો પાછો ખેંચી લીધો છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે, આતંકવાદ, હિંસા અને કટ્ટરવાદમાં વધારો થઇ રહ્યો છે. નાગરિકોના મૂળભૂત અધિકારો ખીણમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુજાત બુખારીની હત્યા પણ એક દાખલા તરીકે છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર સરકારમાં ભાજપના તમામ મંત્રીઓ રાજીનામુ આપી રહ્યા છે. રાજ્યમાં ગવર્નર રુલની માંગણી ભાજપ તરફથી કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતની સુરક્ષા અને અખંડતાના વ્યાપક હિતને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવર્તી રહેલી સ્થિતિને કાબૂમાં લેવાના હેતુસર અમે રાજ્યમાં સત્તાની ડોર ગવર્નરને સોંપી દેવા ઇચ્છુક હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પીડીપી અને ભાજપ છેલ્લા ઘણા દિવસથી મતભેદ ધરાવતા હતા. આતંકવાદીઓ સાથે રમઝાનમાં યુદ્ધવિરામનો અંત લાવવા કેન્દ્રના નિર્ણયને લઇને પીડીપીને વાંધો હતો. ખીણમાં મહિના સુધી યુદ્ધવિરામની સ્થિતિ હોવા છતાં આતંકવાદી હુમલા વધ્યા હતા. જાણિતા પત્રકાર સુજાત બુખારી અને આર્મી જવાન ઔરંગઝેબની ઇદની પૂર્વ સંધ્યાએ હત્યા કરવામાં આવી હતી. માધવે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખીણ માટે તમામ પગલા લીધા હતા પરંતુ મહેબુબા મુફ્તી સરકારે તેનું વચન પાળવા માટે કોઇ પગલા લીધા ન હતા. અમારા નેતાઓ જમ્મુ અને લડાખમાં વિકાસના કામોમાં પીડીપીથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. અગાઉના પહેલા મહિનામાં પણ બંને પાર્ટીઓ વચ્ચે મતભેદો સપાટી ઉપર આવ્યા હતા. માધવે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી જુદી જુદી વિચારધારા હોવા છતાં એક સાથે ચાલવાના પ્રયાસ કર્યા હતા. ગવર્નરનું શાસન અથવા તો રાષ્ટ્રપતિનું શાસન હવે લાદવામાં આવે તેવી અમારી ઇચ્છા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા હાલમાં વધ્યા હતા. રામ માધવે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં જો રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં આવશે તો પણ ત્રાસવાદ સામે લડાઈ જારી રહેશે. કાશ્મીરમાં વણસી ગયેલી સ્થિતિને કાબૂમાં લેવા માટે હવે રાજ્યપાલનું શાસન જરૂરી બન્યું છે. રાજ્ય સરકાર સ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહે પોતે વારંવાર જઇને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આજે તમામની સહમતિ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સત્તા માટે સરકાર બનાવી ન હતી :મહેબુબા મુફ્તી
મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપી દીધા બાદ પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ પત્રકાર પરિષદ યોજીને પોતાની રજૂઆત કરી હતી. મહેબુબાએ કહ્યું હતું કે, મુફ્તી સાહેબે મોટા વિઝન સાથે ભાજપ સાથે ગઠબંધનની રચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ ભાજપના આ નિર્ણયથી ખુબ જ આશ્ચર્યચકિત છે. અમે સત્તામાં રહેવા માટે ગઠબંધન કર્યું ન હતું. આ ગઠબંધનના અનેક મોટા ઉદ્દેશ્યો હતા. યુદ્ધવિરામ, વડાપ્રધાનની પાકિસ્તાન યાત્રા, ૧૧ હજાર યુવાનોની સામે કેસ પરત ખેંચવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન મુફ્તીએ કહ્યું હતું કે, તેઓ રાજ્યપાલને રાજીનામું સોંપી ચુક્યા છે. અમે અન્ય કોઇ ગઠબંધન તરફ વધી રહ્યા નથી. મુફ્તીએ કહ્યું હતું કે, બંને પાર્ટીઓને એક સાથે કામ કરવા માટે માહોલ બનાવવામાં ખુબ સમય લાગ્યો હતો. આ ગઠબંધનને મોટા ઇરાદા સાથે રચવાનો નિર્ણય થયો હતો. વડાપ્રધાનને દેશભરમાં જંગી સમર્થન મળ્યું હતું. આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરના લોકો માટે ફાયદાકારક રહી શક્યો હોત. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કઠોર નીતિ ચાલી શકશે નહીં તે વાત દેખાઈ આવે છે. જમ્મુ કાશ્મીર દુશ્મનોના ક્ષેત્ર તરીકે નથી. જમ્મુ કાશ્મીર અને લડાખને સાથે રાખવાના પ્રયાસ થયા છે. તેમણે એણ પણ કહ્યું હતું કે, જે ઇરાદાથી ગઠબંધનની રચના થઇ હતી તે ઇરાદા પૂર્ણ થયા છે. અમારી સરકારે યુદ્ધવિરામને રોકવાનો નિર્ણય કર્યો હતો. સત્તા માટે સરકાર અમે બનાવી ન હતી. અમે એજન્ડા ઉપર ચાલી રહ્યા હતા. ભાજપ સરકારમાં આવ્યા બાદ જમ્મુ વિસ્તારમાં રહેતા મુસ્લિમો થોડીક મુશ્કેલી પણ અનુભવી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કુલ સીટોની સંખ્યા ૮૭ રહેલી છે. બહુમતિ માટેનો આંકડો ૪૪ રહેલો છે. હાલમાં પીડીપી પાસે ૨૮ અને ભાજપ પાસે ૨૫ સીટો છે. એનસી પાસે ૧૫ અને કોંગ્રેસ પાસે ૧૨ સીટો રહેલી છે. જુદા જુદા સમીકરણો હજુ પણ રહેલા છે.

Related posts

મ્યાંમારમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતમાં ઘૂસ્યા ૬,૦૦૦ શરણાર્થી

editor

પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ઘૂસણખોરી કરી

aapnugujarat

पूर्व पीएम नेहरू और इंदिरा गांधी छिपकर करते थे योग, पीढ़ी ने भुलाया : रामदेव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1