Aapnu Gujarat
બ્લોગ

કાશ્મીરમાં ત્રણ વર્ષ જૂના ગઠબંધનનો અંત

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. સરહદે સતત ભડકી રહેલા આતંકવાદને ડામવા તેમજ રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં રાજ્ય સરકારને જોઈએ તેટલી સફળતા મળી નથી અને ત્રણ વર્ષના ગઠબંધનનો આજે અંત લેવાનો અમે નિર્ણય લીધો છે. આ અંગેની જાણ રાજ્યપાલને કરવામાં આવશે અને જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની માંગ કરાશે તેમ ભાજપના મહા સચિવ રામ માધવે જણાવ્યું હતું. દરમિયાન ભાજપે પીડીપી સાથે છેડો ફાડી લેતા જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પદેથી મહેબૂબા મુફ્તીએ રાજીનામું રાજ્યપાલ એન એન વોરાને સોંપ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રમઝાન મહિનાને પગલે એક માસ સુધી સીઝફાયરનો નિર્ણય કેન્દ્રે લીધો હતો પરંતુ તેમ છતા તેનો કોઈ હકારાત્મક પ્રતિસાદ નહીં જણાતા અને રાજ્ય સરકારની ઢીલી નીતિને પગલે ભાજપે ત્રણ વર્ષ જૂના ગઠબંધનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. સીઝફાયરના મુદ્દે બને ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદ જણાતો હતો અને રાજકીય ગરમાવો વધી ગયો હતો.ભાજપના મહાસચિવ રામ માધવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પીડીપી સરકારને ટેકો પરત લેવાનું ભાજપે મન બનાવી લીધું છે. તેમણે જણાવ્યું કે, ‘અમે જનાદેશ બાદ પીડીપી સાથે સરકાર ચલાવવાનો નિર્ણય લીધો હતો. હવે આગળ આ ગઠબંધન સરકાર ચલાવવનું મુશ્કેલ બની ગયું છે.’ માધવે જણાવ્યું કે રાજ્યમાં આતંકવાદ વકર્યો છે અને પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની સહમતિ બાદ આ નિર્ણય લેવાયો છે. શ્રીનગરમાં એક નામાંકિત પત્રકારની હત્યા કરવામાં આવી હતી. કેન્દ્રે જમ્મુ-કાશ્મીર સરકારને તમામ પ્રકારે મદદ કરી છે.ત્રણ વર્ષ કાશ્મીરમાં સરકાર ચલાવ્યા બાદ જે સ્થિતિ ઉદ્ભવી છે તેના પર નિયંત્રણ મેળવવા અમે અલગ થઈ રહ્યા છીએ. પીડીપીએ રોડા નાંખવાનું કામ કર્યું છે. પોતાનું દાયિત્વ નિભાવવમાં મહેબૂબા મુફ્તી નિષ્ફળ ગયા છે. મહેબૂબા મુફ્તી અને પીડીપી કાશ્મીરમાં સ્થિતિ અંકુશમાં લેવામાં નિષ્ફળ ગયા છે.એક માસના સીઝફાયર દરમિયાન જમ્મુ કાશ્મીરમાં હિંસા અટકવાનું નામ ન લેતા સેનાના જવાન ઔરંગઝેબ અને નામાંકિત અખબારના તંત્રી સુજાત બુખારીની હત્યા કરવામાં આવી હતી.
ભાજપે પીડીપી ગઠબંધન તોડવાના મુખ્ય ૧૦ કારણો આપ્યા
૧. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી રાજ્યની હાલત સંભાળી શક્યા નહીં.
૨. રમઝાન દરમિયાન કેન્દ્ર સરકારે શાંતિ માટે સીઝફાયર જાહેર કર્યું. પણ આંતકવાદીઓ અને હુર્રિયતને સકારાત્મક જવાબ મળ્યો નહીં.
૩. ભાજપ ચીફ અને પીએમ નરેન્દ્ર મોદીની સહમતી પછી પીડીપીથી ગઠબંધન પરત લેવાયું.
૪. ભાજપે રાજ્યના ત્રણેય ક્ષેત્રોમાં સમાન વિકાસ માટે કોશિશ કરી. જમ્મુ, લડાખ અને કાશ્મીરમાં સમાન વિકાસ માટે કેન્દ્ર એ પૂરો સહયોગ આપ્યો. પણ રાજ્ય સરકારે જમ્મુ ક્ષેત્ર સાથે ભેદભાવ કર્યો.
૫. જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને કારણે ગઠબંધન તૂટ્યું છે.
૬. શ્રીનગરમાં એક મોટા પત્રકારની હત્યા થઈ છતાં પીડીપી સરકાર છુપ રહી.
૭. રાજ્યમાં રાજ્યપાલ શાસનની દશા સુધારી શકે છે. ભાજપ એની માંગ કરે છે.
૮. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ખૂબ વધ્યો છે. સ્થાનિક પરિસ્થિતિ ખરાબ છે.
૯. પીડીપીએ ભાજપ અને કેન્દ્ર સરકારના કામમાં અડચણ પેદા કરવાની કોશિશ કરી.
૧૦. જમ્મુ-કાશ્મીર ભાજપનું સ્થાનિક નેતૃત્વ પણ પીડીપીથી નારાજ હતું.
અગાઉ મંગળવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના ભાજપના મંત્રીઓ અને ટોચના નેતાઓ સાથે દિલ્હીમાં ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.ભાજપનું મોવડીમંડળ આગામી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને લઈને પોતાના એજન્ડા માટે મક્કમ છે અને એટલા માટે જ રાજ્યની રાજકીય સ્થિતિની સમીક્ષા મેળવવા માટે બેઠક બોલાવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના ભાજપના તમામ મંત્રીઓને નવી દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ભાજપના જેએન્ડકેના પ્રમુખ રવિન્દ્ર રૈના અને સંગઠનના મહા મંત્રી અશોક કૌલને પણ દિલ્હી બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે આજે નવી દિલ્હી સ્થિત અમિત શાહના નિવાસ સ્થાને મુલાકાત થઈ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ખીણ વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને આ મુલાકાત થઈ હોવાની ચર્ચા છે.કાશ્મીર દેશનું સૌથી સંવેદનશીલ રાજ્ય છે. સરહદ સુરક્ષાની વ્યૂહાત્મક રચનાના કેન્દ્રબિંદમાં કાશ્મીર છે. કાશ્મીર ખૂબસૂરત છે. ‘કશ્મીર કી કલી’ ફિલ્મમાં કાશ્મીર ખૂબસૂરત અને રોમેન્ટિક દેખાય છે. વાસ્તવમાં કાશ્મીર સળગી રહ્યું છે. હવે ફરી કાશ્મીરની રાજકીય હવા બદલાઈ રહી છે. પ્રકૃતિમાં અનૈતિક સંબંધોને સ્થાન નથી, એ સિદ્ધાંત અનુસાર આજે કાશ્મીરમાં પીડીપીને આપેલો ટેકો વાપસ લેવાનું ભાજપે નક્કી કરી દીધું છે.જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે મહેબુબા મુફ્તીના પીપલ્સ ડેમોક્રેટીક ફ્રન્ટ(પીડીપી)ને ૨૮ બેઠક મળી હતી. જ્યારે બીજા ક્રમે ભાજપને ૨૫ બેઠક સાંપડી હતી. ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ ૧૫ અને કોંગ્રેસે ૧૨ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. બાકીની બેઠકમાં સીપીએમ(એમ) ૦૧, અપક્ષ ૦૩ અને બે પક્ષોને એક-એક સીટ પ્રાપ્ત થઈ હતી.વિધાનસભા ચૂંટણીના પરિણામોની રસપ્રદ બાબત એ હતી કે, પીડીપીને વેલીપ્રદેશના કટ્ટર અલગાવવાદી જૂથોનું સમર્થન હતું. એટલે જ પીડીપીને કાશ્મીર વેલી ક્ષેત્રમાંથી જ મોટા ભાગની બેઠકો મળી હતી, જે ભાજપ વિરોધ જનાધારનું પ્રતિબિંબ હતી. બીજી તરફ ભાજપને જમ્મુ અને લડાખ રિજિયોનમાંથી ભારે સમર્થન પ્રાપ્ત થયું હતું, જે અલગાવવાદી વિચારધારના વિરોધમાં મત સાંપડ્યા હતાં. આમ, પીડીપી અને ભાજપની વિચારધારામાં ૧૦૦ટકા વિરાધાભાસ છે, તેમ છતાં શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન કૌંસમાં મૂકીને ભાજપે પીડીપીને ટેકો આપવાનું નક્કી કર્યું અને જમ્મુ-કાશ્મીરમાં એક અનૈતિક ગઠબંધનની સરકાર ૨૦૧૪માં રચાઈ હતી.
કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવી એ જનસંઘ-ભાજપ-આર.એસ.એસ.નો એજન્ડા રહ્યો છે. બીજી તરફ કાશ્મીરની કલમ-૩૭૦ અંગે પીડીપી ભારતના બંધારણે જે જોગવાઈ કરી છે, તેને વળગી રહેવા મક્કમ છે. આમ, ભાજપ અને પીડીપીની વિચારધારામાં રાત-દિવસનો ફર્ક જોવા મળી રહ્યો છે.પીડીપીના મહેબુબા મુફ્તિના કાશ્મીરવાદ સામે ભાજપે રાષ્ટ્રવાદનું શસ્ત્ર ૨૦૧૯ની ચૂંટણી પહેલાં ઉગામ્યું છે. હવે, કાશ્મીરમાં પીડીપી સાથેના અનૈતિક સંબંધો તોડવાની પહેલ ભાજપે કરી છે, ત્યારે ભાજપ તેને કયા રંગ આપે છે, એ જોવું રહ્યું.૧૯ જાન્યુઆરી ૨૦૧૫માં જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપે ગઠબંધનની સરકાર બનાવી હતી જેનો આજે અંત આવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવએ મંગળવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ મદદ આપવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકાર પરિસ્થિતિમાં સુધારો કરવા માટે નિષ્ફળ રહી છે. કાશ્મીર ઘાટીમાં વાતાવરણ બદલાઇ રહ્યું છે, તેથી હવે રાષ્ટ્રીય સલામતી અને એકતાને ધ્યાનમાં રાખીને સંગઠન સરકારે અલગ થવાનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત ભાજપએ રાજ્યમાં ગવર્નર શાસનની માગણી કરી છે. તેથી જમ્મુ અને કશ્મીરમાં સરકારને લઇને ખતરો ઊભો થયો છે. ગત વિધાનસભા ચૂંટણી પર નજર નાંખીએ તો રાજ્યની કુલ ૮૭ બેઠકોમાંથી પીડીપીને ૨૮, ભાજપને ૨૫, નેશનલ કોન્ફ્રેન્સને ૧૫ અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી. આ સિવાય અન્ય દળોને માત્ર સાત બેઠકો મળી છે.ચૂંટણીમાં હવે લગભગ ત્રણ વર્ષનો સમય બાકી છે. એવામાં જો આ ગઠબંધન સરકાર બનાવવાનો ફરીથી પ્રયાસ કરવામાં આવે તો પીડીપીને કોંગ્રેસ સિવાય અન્યના મદદની પણ જરૂર પડશે. જેથી બહુમતી (૪૬)નો આંકડાઓ મેળવી શકાય. તેવામાં સ્પષ્ટ છે કે ગવર્નર શાસન ઉપરાંત સરકાર ચલાવવા માટે માત્ર એક જ વિકલ્પ છે. તેના સિવાય ચૂંટણીમાં જવાનું વિકલ્પ જોવા મળે છે.રાજ્યના ઉપમુખ્ય મંત્રી કવિંદર ગુપ્તાએ એલાન કર્યું છે કે, અમે અને અમારા મંત્રીઓએ પોતાનું રાજીનામું રાજ્યપાલને મોકલી દીધું છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને પણ આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે.

Related posts

શેરોમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

aapnugujarat

દબંગ દીદી : ભણતા- ભણતા જ શીખ્યા રાજકારણનો “ર”

aapnugujarat

NICE LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1