Aapnu Gujarat
ગુજરાત

યુવાનોએ આધુનિક ખેતપધ્ધતિ અપનાવી ખેતીકામમાં રૂચી લેવાનો અનુરોધ કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

નર્મદા જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે ગઇકાલે કિસાન કલ્યાણ મહોત્સવ ૨૦૧૮ ના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો અંતર્ગત દેડીયાપાડા કૃષિ ઇજનેરી કોલેજ ખાતે જિલ્લાકક્ષાનો કિસાન કલ્યાણ મહોત્સવ યોજાયો હતો.

દેડીયાપાડા ખાતેના જિલ્લાકક્ષાના કૃષિ ઇજનેરી કોલેજ ખાતે ભરૂચ વિસ્તારના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ દિપ પ્રાગટ્ય દ્વારા સમારંભને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને પૂર્વ સંસદીય સચિવશ્રી પૂર્ણેશભાઇ મોદી,  જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી જનતાબેન વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

સમારોહનાં અધ્યક્ષપદેથી સંબોધન કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૨૨ માં ખેત ઉત્પાદન બમણું કરવાના સંકલ્પના ભાગરૂપે આજે દેશભરમાં કિસાન કલ્યાણ મહોત્સવ ઉજવાઇ રહ્યોં છે, ત્યારે આત્મા પ્રોજેક્ટ દ્વારા મળતા માર્ગદર્શનના અમલથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતોએ વ્યસનથી દૂર રહી આધુનિક પધ્ધતિથી ખેતીકામમાં લાગી જવા શ્રી વસાવાએ આહવાન કર્યું હતું. આજના ભણેલા યુવાનોએ ખેતીમાં રૂચી કેળવીને ખેતી કામમાં આધુનિકતા લાવવી પડશે. ખેતીની સાથોસાથ પશુપાલનમાં પણ જોડાઇને પુરક આવક મેળવવા પણ તેમણે હિમાયત કરી હતી. મુખ્ય મંત્રીશ્રીની સુજલામ-સુફલામ જળસંચય અભિયાનમાં સહભાગી થઇ જળસંચયના કામોમાં સહભાગી બનવા તથા મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ યોજનામાં જોડાઇને કૌશલ્યવર્ધન કેન્દ્રોના માધ્યમથી યુવાનોને કૌશલ્યનું જ્ઞાન હાંસલ કરવા  શ્રી વસાવાએ યુવાનોને અનુરોધ કર્યો હતો.

પૂર્વ ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવાએ ખેતરનું પાણી ખેતરમાં, એક પણ પાણીનું ટીપું વ્યર્થ ન જાય તેવું આયોજન કરવા તથા ખેતરમાં વૃક્ષો વાવીને જમીનનું ધોવાણ અટકાવવાની હિમાયત કરી હતી. બહેનો લીમડાની ખેતી દ્વારા લીમોડીમાંથી પુરક આવક મેળવતી થઇ છે. આધુનિક પધ્ધતિથી ખેતી કરી જંગલી વેલાનો નાશ કરીને યોગ્ય વાવેતર કરવાની ૨૦૨૨ સુધીમાં ખેતી આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, નદીના પટ્ટની જમીનના ૭/૧૨ માટે માંગણીના દિવસથી ૧૫ દિવસમાં વહિવટી મંજૂરી અપાશે. વિજ કનેક્શન માટે પણ જરૂરી કાર્યવાહી સાથોસાથ હાથ ધરવા, ખેતી કરવા માટે સમતલ જમીન ન હોય ત્યાં કયારી કરી ચણા-બાજરીનું વાવેતર કરી શકાય છે તેમ જણાવી શ્રી નિનામાએ ઉમેર્યું હતું કે, જે જગ્યાએ તળાવો બનવાની શક્યતાઓ હોય તેવી બાબત વહિવટીતંત્રનું ધ્યાન દોર્યેથી એક માસમાં જે તે જગ્યાએ તળાવ બનાવવા માટે વહિવટીતંત્ર સજ્જ છે.

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને ધારાસભ્યશ્રી અને પૂર્વ સંસદીય સચિવશ્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા વગેરે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા એવોર્ડ વિતરણ ઉપરાંત યોજનાકીય લાભોના ચેકો એનાયત કરાયાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કૃષિલક્ષી પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

 આ પ્રસંગે દેડીયાપાડા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોએ વિશાળ સંખ્યામાં હાજર રહીને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અપાયેલા કૃષિ માર્ગદર્શન તથા વિવિધ સ્ટોલ પરથી કૃષિલક્ષી વિવિધ ખાતર-બિયારણ, દવા, યંત્ર-સામગ્રી વગરે અંગેની સમજ કેળવી હતી. પ્રારંભમાં આત્મા યોજનાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી શ્રી ઢીમરે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આભારવિધિ સંપન્ન કરી હતી.

Related posts

अंबाजी में १०८ कुंड श्री दश महाविद्या महादेवी महायज्ञ

aapnugujarat

ગાંધીનગર સેક્ટર – ૨૧માં ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા માતાજીની આરતી કરાઈ

editor

सुप्रीमकोर्ट के जस्टिस दिपक मिश्रा द्वारा लीगल आसी. एल्टाब्लिशमेन्ट का किया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1