Aapnu Gujarat
ગુજરાત

જમીનો હક્ક અને અધિકાર માટે ૧૯મીએ સંમેલન થશે : દલિત સમાજ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકાયુ

ગુજરાતમાં દલિતો, આદિવાસીઓ અને ગરીબોને પોતાના હક્ક અને અધિકારની જમીનો ભાજપ સરકારના શાસનમાં ખોવાનો વારો આવ્યો છે અને આજે દલિતો, આદિવાસીઓ અને ગરીબો પોતાની જમીનો મેળવવા આત્મહત્યા કરી જીવ ગુમાવવા મજબૂર બન્યા છે ત્યારે રાજયભરના દલિતો, આદિવાસીઓ અને ગરીબો માટે ગુજરાત સરકાર જમીન મામલે સ્પષ્ટ અને અસરકારક નીતિની અમલવારી કરે તેવી જોરદાર માંગણી સાથે તા.૧૯મી એપ્રિલે સાણંદ-બાવળા રોડ નાની દેવતી ગામે દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિત સમાજ તરફથી વિશાળ જમીન અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એકટમાં કરાયેલા સુધારા અને દલિત અત્યાચાર ધારો નબળો પાડી દેતો જે ચુકાદો અપાયો છે તેની પણ વિશેષ ચર્ચા વિચારણા હાથ ધરાશે. આ અંગે દલિત સમાજના આગેવોનો માર્ટીન મેકવાન, કિરીટ રાઠોડ, કાંતિ પરમાર, ચંદુ મેહરિયા, સિધ્ધાર્થ પરમાર સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, અગાઉ ભારતમાં કાયદો આવ્યો હતો કે, ખેડે તેની જમીન. હવે ગુજરાતમાં નવો કાયદો આવ્યો છે કે, દબાણ કરે તેની જમીન. રાજયમાં આજે સરકારી અને પડતર જમીનો પર મોટાપાયે ગેરકાયદે દબાણો થઇ ગયા છે. ભૂમિહીન લોકોને જમીન આપવાના વાયદા સરકાર કરે છે પણ એવું બહાનું કાઢે છે કે જમીન દબાણમાં છે માટે આપી શકાતી નથી. ગુજરાતના ઈતિહાસમાં ગોલાણા, ઉના કે દુદખા જેવા અસંખ્ય કેસોમાં દલિતો પર અત્યાચાર થાય કે તે પોતાનો જીવ ગુમાવે પછી જ તેમને હકની જમીન મળે. લોકોને જમીન મેળવવા પોતાના જીવ ખોવાની પ્રેરણા જાણે સરકાર પોતે આપી રહી છે. રાજયમાં જમીનની ખોટ નથી, ખોટ છે સરકારની દાનતમાં, જેના કારણે આજે દલિતો, ગરીબો અને આદિવાસીઓ તેમની જમીનોમાંથી વંચિત થઇ રહ્યા છે. સરકારની દલિત-આદિવાસી વિરોધી નીતિને કારણે દલિતો અને આદિવાસી પર અત્યાચારો વધ્યા છે. ત્રીજા ભાગના અત્યાચારનાં મૂળમાં જમીનનું કારણ છે. આઝાદીને ૭૦ વર્ષના વહાણાં વહી ગયા. હવે દલિતો, આદિવાસીઓ કે જમીનવિહોણા ગરીબોએ કેટલાં વર્ષ વધુ રાહ જોવાની? તેમણે ઉમેર્યું કે, સરકારે કાગળ ઉપર જમીન જરૂર આપી છે પણ સ્થળ ઉપર કબજો સોપ્યો નથી. સ્થળ ઉપર દલિતોની જમીન ઉપર અન્ય લોકોનું દબાણ છે,દલિતો-આદિવાસી પાસે કબજો નથી તો પણ શરતભંગ કરી જમીન ખાલસા કરી દીધી છે,લાંબા સમયથી ગામેગામ જમીનવિહોણા દલિતોએ જમીન માંગી છે પણ લેન્ડ કચેરી ભરાતી જ નથી,આવાસનો પ્રશ્ન વિકટ છે છતાંય લેન્ડ કચેરી ન ભરાતાં ગામતળ માટે જમીન નીમ થતી જ નથી,સરકારી પડતર જમીન દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતો પર નાખી રાજ્ય સરકાર માને છે કે એનું કામ થઇ ગયું, સ્થાનિક ગામનું રાજકારણ ગમે તે ભોગે દલિતોની જમીન ખાલસા કરાવવામાં રસ લે છે, જમીનને લગતા કાનૂની કેસો ત્રણ કે ચાર દાયકા થયા હોવા છતાં નિકાલ પામતા નથી,ટૂંકમાં, દલિત-આદિવાસીના જમીનના જે પણ પ્રશ્નો છે તે સરકારની નીતિનો અમલ ન થવાને કારણે ઉભા થયા છે, તેથી આ જમીન અધિકાર સંમેલન બોલાવાયું છે.

દલિત સમાજની માંગ…
૧ જ્યાં સુધી દલિતોના જમીનના સંપૂર્ણ પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી સરકાર દલિત-આદિવાસીની જમીનમાં શરતભંગ ન કરે
૨ દલિત-આદિવાસીની જમીનના કાનૂની પ્રશ્નો ઉકેલવા વિશેષ અદાલતોની રચના
૩ લેન્ડ કચેરી ભરવાનો કાર્યક્રમ જાહેર કરે
૪ ગંભીર અત્યાચારના કેસોમાં પીડિતોને જમીન આપવાની જોગવાઈનો અમલ
૫ વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને મળવાપાત્ર જમીન તાત્કાલિક આપવામાં આવે
૬ સરકાર દ્વારા રિસર્વે થયું તે દરમિયાન લોકોની ઘટેલી જમીન, બદલાયેલ સર્વે નંબર જેવી વિસંગતતાઓ સરકાર પોતાના ખર્ચે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરે

 

Related posts

જો અમદાવાદમાં ૧ ઇંચ વરસાદ પડે તોય જળબંબાકાર : પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય

aapnugujarat

એટ્રોસીટી એક્ટ અંગે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુધ્ધ અપીલ કરવા વડોદરા ધારાસભ્યને રજુઆત

editor

મહેસાણાના સીએનઆઈ ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1