Aapnu Gujarat
ગુજરાત

જો અમદાવાદમાં ૧ ઇંચ વરસાદ પડે તોય જળબંબાકાર : પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે ચોમાસામાં નાગરિકો વરસાદી પાણીથી હેરાન ન થાય તેનાં આગોતરા આયોજન તરીકે પ્રી-મોન્સૂન એકશન પ્લાન અમલમાં મુકાય છે, પરંતુ આટલા વર્ષોથી તે દર વર્ષે માત્ર કાગળ પર જ રહી હોય તેમ જણાય છે. શહેરમાં ગઇકાલે વરસેલા માત્ર પોણા ઇંચ વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા તો, પૂર્વ વિસ્તારમાં તો સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. આ સ્થિતિ પ્રમાણે જોઇએ તો, શહેરના બોડકદેવ, જોધપુર, થલતેજ, વેજલપુર, સરખેજ જેવા વોર્ડનો સમાવેશ ધરાવતા નવા પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આ ઝોનના ઓછામાં ઓછા ૬૩ સ્થળો એવાં છે કે જ્યાં એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડશે તો જળબંબાકાર થશે તેમ ખુદ કોર્પોરેશન સત્તાવાળાઓ સ્વીકારકી રહ્યા છે. ગઇકાલે શહેરમાં વરસેલા માત્ર પોણા ઇંચ વરસાદમાં પણ પૂર્વમાં આવેલા સીટીએમ, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, હાથીજણ, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં તો વરસાદી પાણી ફરી વળવાના કારણે સ્થાનિક લોકોની હાલત કફોડી બની હતી. શહેરમાં એક અંદાજ પ્રમાણે એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડે તો શહેરના ૨૦૦થી વધુ વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થાય તેમ છે. જેમાં નવા પશ્ચિમ ઝોનના ૬૩ સ્થળો એવા છે કે, જયાં એક ઇંચ વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય તેમ છે, આ વિસ્તારોમાં સરખેજ, મુકતમપુરા, વેજલપુર, ઘાટલોડિયા, બોડકદેવ, ચાંદલોડિયા અને થલતેજના મોટાભાગના સ્થળોનો સમાવેશ થાય છે. ગઈકાલના સામાન્ય વરસાદથી તંત્રના પ્રી-મોન્સૂન એકશન પ્લાનના લીરેલીરા તો ઊડ્‌યા જ હતા પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે પ્રી-મોન્સૂન એકશન પ્લાનની મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ટોચના હોદ્દેદારોએ ત્રણ ત્રણ વખત સમીક્ષા કરી હોવા છતા તેનું પરિણામ શૂન્ય આવ્યું છે. ગયા ગુરુવારે નવ નિયુક્ત ચેરમેન અમૂલ ભટ્ટની અધ્યક્ષતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની પહેલી બેઠકમાં તમામ બારેબાર સભ્યોએ પોતપોતાના વોર્ડમાં રાબેતા મુજબ ભરાતા વરસાદી પાણીની સમસ્યા અંગે તંત્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે આ બેઠકમાં પણ જવાબદાર અધિકારીઓએ ‘સબ સલામત’નાં ગાણાં ગાઈને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને ખોટું આશ્વાસન આપ્યું હતું. શહેરના નવા શાસકોએ મીડિયા સમક્ષ તંત્રના અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની ક્ષમતાનાં મ્હોંફાટ વખાણ કર્યાં હતાં, પરંતુ ગઈકાલના પહેલા વરસાદમાં આ કન્ટ્રોલ રૂમમાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ બાબતની મેયર બીજલબહેન પટેલે પણ ગંભીરતાથી નોંધ લઈને તત્કાળ કમિશનર મુકેશકુમારને ફોન કરીને કન્ટ્રોલ રૂમમાં કોઈ પણ સમયે લોકોને મદદરૂપ થવા એક ઉચ્ચ અધિકારીની હાજરી આવશ્યક છે તે મુજબની સૂચના આપી હતી. જોકે શહેરમાં ભારે વરસાદ દરમ્યાન ગટરનાં પાણી બેક મારવાનું મુખ્ય કારણ તંત્રનો ભ્રષ્ટાચાર છે. દર વર્ષે ઓછામાં ઓછા રૂ. ૨૫ કરોડ ગટર લાઈનનું સીસીટીવી કેમેરાથી ડિસિલ્ટિંગ કરવા પાછળ ખર્ચાઈ રહ્યા છે, પરંતુ ઈજનેર વિભાગ સાથેની મિલિભગતથી લાગતા વળગતા કોન્ટ્રાક્ટરને આર્થિક લાભ અપાવવા સીસીટીવી કેમેરા સહિતનાં સાધનો ન હોવા છતાં ભ્રષ્ટ અધિકારી દ્વારા કામ આપી દેવાય છે અને શાસકો દ્વારા પણ વહેલા વોટર સપ્લાય કમિટી અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આવા કામનું ‘ક્રોસ વેરિફિકેશન’ કરવાની તસદી લેવાતી નથી અને તંત્રની દરખાસ્તને લીલી ઝંડી આપી દેવાતી હોઈ સરવાળે ચોમાસામાં નાગરિકોને સહન કરવું પડે છે. તેનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ શહેરના મેઘાણીનગર સહિતના પૂર્વ વિસ્તારમાં આશરે રૂ. ૧૭ કરોડના ખર્ચ ધરાવતા નવા કામનું છે. અમ્યુકો તંત્રના આયોજનના અભાવે દર વર્ષે ચોમાસામાં નિર્દોષ નાગરિકો ગંભીર હાલાકીનો ભોગ બને છે ત્યારે હવે આ વર્ષે નવા શાસકો કેવી કામગીરી કરી શકે છે તે જોવાનું નોંધનીય બની રહેશે.

Related posts

કોરોનાએ ફરીવાર દહેશત ફેલાવતાં હવે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે દોડાદોડ

aapnugujarat

अहमदाबाद में ९० हजार लोगों ने ईमेमो का ४५ करोड़ अदा ही नहीं किया

aapnugujarat

ચામુંડા આશ્રમ મંદિર ઓઢવના મહંત શ્રી દિલીપ બાપુ દ્વારા કીટ નું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1