Aapnu Gujarat
ગુજરાત

કેવડીયામાં વીર સુખદેવ પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવ કાર્યક્રમ ખુલ્લો મુકાયો

ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી શ્રી બચુભાઇ ખાબડે આજે જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતેની વીર સુખદેવ પ્રાથમિક શાખા ખાતે યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષણની પાયારૂપ ભૂમિકા ખુબ જ મહત્વની છે.

ધો- ૧ થી ૮ ની ઉક્ત પ્રાથમિક શાળામાં યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ સહિત ગુજરાતનું સમગ્ર વહિવટીતંત્ર  છેલ્લા બે દિવસથી ગુણોત્સવના આ કાર્યક્રમમાં રાજ્યના શહેરી વિસ્તારો ઉપરાંત જિલ્લાના ગામડાંઓ ખૂંદી રહ્યાં છે. કોઇપણ સમાજના વિકાસમાં શિક્ષણની ભૂમિકા મહત્વની છે, તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારની અપેક્ષા મુજબ શાળા પ્રવેશોત્સવ-ગુણોત્સવ કાર્યક્રમના માધ્યમથી શિક્ષણમાં ખૂટતી કડીઓ પૂરીને બાળક ભણી-ગણીને તેના જીવનમાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને કટિબધ્ધ છે, ત્યારે શિક્ષકો પણ તેમના યોગદાન થકી આ કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તેવા સરકારના પ્રયાસોમાં સહભાગી બન્યાં છે.

આજે યોજાયેલા આ ગુણોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે ધો- ૨  થી ૮ ના વિદ્યાર્થીઓનું પ્રત્યેક વર્ગ ખંડમાં જઇને વિદ્યાર્થીઓ સાધે સીધો સંવાદ કરીને વાંચન, ગણન અને લેખનની પ્રવૃત્તિ કરાવવાની સાથે આ બાળકોના શિક્ષણનું મુલ્યાંકન કર્યું હતું. મંત્રીશ્રી ખાબડે શાળાના પ્રજ્ઞા વર્ગમાં ચાલતા શિક્ષણ કાર્યની પણ જાણકારી મેળવી હતી અને હિન્દી-ગુજરાતીમાં વાંચન, વર્ગખંડના બ્લેક બોર્ડ ઉપર બાળકો પાસે સરવાળા અને બાદબાકીના દાખલાની રકમ લખાવીને તેની ગણત્રી દ્વારા ગણનની તેમજ અંગ્રેજી-ગુજરાતીમાં ભાષામાં શબ્દોના લેખનની પ્રવૃત્તિઓ કરાવીને તેમજ મૌખિક રીતે બાળકોને અંગ્રેજીમાં શબ્દો બોલાવીને તેના સ્પેલીંગ મોઢે બોલાવવા ઉપરાંત બ્લેકબોર્ડ ઉપર લખાવીને બાળકોએ હાંસલ કરેલ જ્ઞાનનું મૂલ્યાંકન કર્યું હતું.

રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે શાળાના વર્ગખંડમાં જઇને બાળકોએ મેળવેલા શિક્ષણ-જ્ઞાનના મૂલ્યાંકન દરમિયાન શિક્ષણકાર્ય ઉપરાંત બાળકોમાં બાહ્યજ્ઞાનની વૃધ્ધિ થાય તે માટે વિદ્યાર્થીઓને હોળીના તહેવારમાં આપણે શું ખાઇએ છીએ ? હોળીના બીજે દિવસે કયો તહેવાર આવે છે ? વગેરે જેવી બાબતો અંગે પ્રશ્નોત્તરી કરીને મંત્રીશ્રીએ બાળકો પાસેથી તેના ઉત્તરો મેળવી સામાન્ય જ્ઞાનની પણ ચકાસણી કરી હતી.

રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે ત્યારબાદ શાળામાં ધો-૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે લેવાઇ રહેલી કસોટીનું નિરીક્ષણ કર્યું હતું અને OMR શીટના આધારે તેનું મૂલ્યાંકન કરાયું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ શાળામાં ઉપલબ્ધ વિવિધ ભૌતિક સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.

ગુણોત્સવ કાર્યક્રમના પ્રારંભે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગતગીત અને યોગ નિદર્શન કરાયું હતું. ત્યારબાદ બાળકો દ્વારા આજનું પંચાગ, સુવિચાર, સમાચાર, અભ્યાસવર્તુળમાં પ્રશ્નોત્તરી, આજના જન્મદિન વાળા બાળક માટે આજનું દિપક અને સ્વચ્છતા-સુઘડતા માટે આજનું ગુલાબ વગેરે જેવી બાબતો પણ રજૂ થઇ હતી. મંત્રીશ્રી ખાબડે આજનું ગુલાબના વિદ્યાર્થી અનેઆજના દિપકવિદ્યાર્થીને પુષ્પગુચ્છ એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં અને જન્મદિનના વધામણા સાથે શ્રેષ્ઠ જીવન-ઉચ્ચ કારકિર્દી માટે મંત્રશ્રીએ આશિષ આપ્યાં હતા. ગુણોત્સવનાં અંતમાં મંત્રીશ્રી ખાબડે SMC ના અધ્યક્ષશ્રીમતી નીતાબેન વસાવા, સમિતિનાં સભ્યશ્રીઓ, શાળાનાં આચાર્યશ્રી-શાળા પરિવાર સાથે બેઠક યોજીને શાળાનાં શૈક્ષણિક વિકાસ માટેની ચર્ચા-વિચારણાં કરીને મંત્રીશ્રીએ જરૂરી સૂચનો પણ મેળવ્યાં હતાં.

        પ્રારંભમાં શાળાના આચાર્યશ્રી યોગેશભાઇ પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યાં હતાં. શાળા પરિવાર તરફથી મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ-શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયા આજના આ ગુણોત્સવ કાર્યક્રમમાં મંત્રીશ્રીની સાથે રહ્યાં હતાં.

Related posts

રામ સ્વામી ગુરુકુળ ગાંધીનગરના હસ્તે ૧૦૪ કવિઓનું સન્માન કરાયું

editor

વિજાપુરમાં 75 માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી

editor

स्वाइन फ्लू के शहर में ६७ और ग्रामीण क्षेत्र में ३३ फीसदी केस : राज्य सरकार ने एफिडेविट पेश किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1