Aapnu Gujarat
શિક્ષણ

રાજ્યભરમાં આઠમાં ગુણોત્સવ અભિયાનની વિધિવત શરૂઆત

ગુજરાતમાં ૮માં ગુણોત્સવ અભિયાનની આજે વિધિવતરીતે શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુણોત્સવના રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત પંચમહાલના ગોવિંદી ગામની પ્રાથમિક સ્કુલથી કરાવી હતી. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારણા સફળ પરિણામકારી અભિયાન ગુણોત્સવની ૮મી કડી હેઠળ ૬થી ૭ એપ્રિલ એટલે કે બે દિવસ દરમિયાન રાજ્યની ૩૨૭૮૦ સરકારી સ્કૂલો, ૮૬૩ અનુદાનિત સ્કૂલો અને ૮૦૪ આશ્રમ શાળાના ૫૪ લાખથી વધારે બાળકોની પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાની મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ જિલ્લા પંચમહાલના ગોવિંદી ગામની પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી ગુણોત્સવનો પ્રારંભ કરાવતાં આગામી પાંચ વર્ષમાં રાજ્યની બધી જ પ્રાથમિક શાળાઓમાં વર્ચ્ચુઅલ કલાસરૂમ શરૂ કરવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હવેના યુગમાં પરંપરાગત અને બીબાઢાળ શિક્ષણ પ્રણાલિના સ્થાને સમયાનુકુલ પરિવર્તન મુજબ બાળકોને વર્ચ્ચુઅલ સ્માર્ટ કલાસ દ્વારા બ્લેક બોર્ડના સ્થાને પ્રોજેક્શન અને પાટી-પેનના સ્થાને પામ ટોપ આધારિત શિક્ષણ દ્વારા આનંદમય શિક્ષણ આપવું એ સમયની માંગ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જ્ઞાનકૂંજ પ્રોજેક્ટ અન્વયે ગત વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૪ હજાર વર્ગખંડો રુમાટ ક્લાસ બન્યા છે. આ વર્ષે વધુ ૪ હજાર વર્ગખંડો સ્માર્ટ કલાસ બનાવવા છે. વિજય રૂપાણીએ ગુણોત્સવ અભિયાન તહેત ગોવિંદી પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની ગણન, લેખન અને વાંચન સજ્જતા ચકાસી હતી. તેમણે ઓએમઆર કસોટીના આધારે બીજા ધોરણથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા પર્યાવરણનું નિરીક્ષણ કર્યું હતું અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે શિક્ષણની ગુણવત્તાનો વિમર્શ કર્યો હતો. સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા મળે અને એ રીતે સો ટકા સાક્ષરતા સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે, એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ છેલ્લા ૧૫ વર્ષથી ચાલતા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના સકારાત્મક પરિણામોની જાણકારી આપતાં જણાવ્યું કે તેના પરિણામે નામાંકન ૯૯ ટકાના દરે પહોંચ્યુ છે. ડ્રોપ આઉટ રેટ ૩૦ ટકાથી ઘટીને ૧.૬૦ ટકા જેટલા નિમ્નતમ સ્તરે પહોંચાડી શકાયો છે. સાક્ષરતાનો દર ૫૦ ટકાથી વધીને ૭૪ ટકા થયો છે. રાજ્ય સરકાર કેજી થી પેજી સુધીના શિક્ષણની કાળજી લઈને વિશ્વસ્તરના વિદ્યાર્થીઓનું ઘડતર કરવા વાર્ષિક ૨૫ હજાર કરોડનો ખર્ચ કરે છે. ૨૦૦૯માં શરૂ કરાયેલા ગુણોત્સવથી શાળાની શૈક્ષણિક શ્રેણીનું સતત સંવર્ધન થયું છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુણોત્સવ શરૂ કરાયો ત્યારે રાજ્યમાં એ પ્લસ શ્રેણીની માત્ર ૦૫ શાળાઓ હતી જે આજે વધીને ૨૧૧૭ થઈ છે. એ શ્રેણીની શાળાઓ ૨૬૫થી વધીને ૧૭૬૫૩ અને બી શ્રેણીની શાળાઓ ૩૮૨૩થી વધીને ૧૨૫૫૬ થઈ છે. અગાઉ ૧૨૮૮૩ શાળાઓ સી ગ્રેડમાં હતી જેની સંખ્યા ઘટીને માત્ર ૧૬૧૩ અને ડી શ્રેણીની શાળાઓ ૧૪૫૮૨થી ઘટીને માત્ર ૩૦૦ થઈ ગઈ છે. આ આંકડા ગુજરાતના ગુણોત્સવની શિક્ષણ ગુણવત્તા સુધારણા અભિયાનની સફળતાના માપદંડ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના હેઠળ સારવારને લાભ મેળવીને તંદુરસ્તી અને આરોગ્યને પામેલા બાળકોની સાફલ્ય ગાથાનું વિમોચન કર્યું હતું. સ્વચ્છતાગ્રહી વિદ્યાર્થીઓને આજનું ગુલાભ સન્માન આપ્યું હતું અને રાષ્ટ્રીય શિષ્યવૃતિ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પ્રદાન કર્યા હતા. પંચમહાલ જિલ્લાના આ વિસ્તારના વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાનના કૌશલ્યોમાં રાજ્યમાં ટોચનું સ્થાન મેળવ્યું એ સિધ્ધિનો ગૌરવભેર ઉલ્લેખ કરવાની સાથે, જિલ્લા કલેક્ટર એસ કે લાંગાએ સહુને આવકાર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ આભાર દર્શન કર્યું હતું.

Related posts

શિક્ષકો માટે ડીપીએસ-બોપલે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અંગે સીબીએસઈએ ઈન્ટેલ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

नैतिक जिम्मेदारी के साथ हो कानून का उपयोग : मीरा चोपड़ा

aapnugujarat

स्कूलों में वेकेशन नहीं बढ़ाया जाएगा : शिक्षा मंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1