Aapnu Gujarat
ગુજરાત

ભદ્ર કોર્ટ ગુજરાત કલબ ખાતે આવતીકાલે બાર કાઉન્સીલનું મતદાન

ગુજરાત બાર કાઉન્સીલની તા.૨૮મી માર્ચે અમદાવાદ સહિત રાજયભરમાં ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી અને અત્યંત રસાકસીભરી ચૂંટણી દરમ્યાન એકમાત્ર અમદાવાદના ભદ્ર કોર્ટ ગુજરાત કલબ ખાતેના મતદાન મથક પર સર્જાયેલી અંધાધૂંધી અને ગેરવ્યવસ્થાના કારણે આ સેન્ટરની ચૂંટણી રદ કરવામાં આવી હતી, જેથી આવતીકાલે અમદાવાદના ગુજરાત કલબ ખાતેના મતદાન મથકની ખૂબ જ મહત્વની ચૂંટણી યોજાનાર છે. બાર કાઉન્સીલના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ પ્રકારે ચૂંટણી રદ થઇ હતી. જેથી આવતીકાલની ચૂંટણી દરમ્યાન કોઇ અવ્યવસ્થા ના સર્જાય કે અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગુજરાત બાર કાઉન્સીલના ઇતિહાસમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા સૌપ્રથમવાર બાઉન્સરોની સુરક્ષા સેવા તૈનાત કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાત કલબ ખાતેના મતદાન મથક ખાતે ૧૨થી ૧૫ બાઉન્સરો સુરક્ષામાં તૈનાત રહેશે. આવતીકાલના મતદાનને લઇ અમદાવાદના ઉમેદવારનો હૃદયના ધબકારા વધી ગયા છે. આવતીકાલની બાર કાઉન્સીલની ચૂંટણીમાં અમદાવાદમાં ભદ્ર કોર્ટના ગુજરાત કલબ ખાતેના મતદાન મથક ખાતે અમદાવાદના આઠ હજારથી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ અગાઉ તા.૨૮મી માર્ચે બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. રાજયભરમાં આશરે ૧૩૮થી વધુ મતદાનમથકો પર વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ અને ભદ્ર કોર્ટના ગુજરાત કલબ ખાતેના મતદાન મથકે મતદાન યોજાયું હતું પરંતુ એ દિવસે ગુજરાત કલબના મતદાન મથક પર વકીલોની ભારે ભીડ, અંધાધૂંધી અને અવ્યવસ્થાને લઇ એક તબક્કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ઓર્બ્ઝર્વર એવા નિવૃત્ત હાઇકોર્ટ જજ ડી.કે.ત્રિવેદી દ્વારા વ્યથિત હૃદયે ગુજરાત બાર કાઉન્સીલના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ મતદાનમથકનું મતદાન આખરે રદ જાહેર કરાયું હતું. જેનું મતદાન હવે આવતીકાલે યોજાનાર છે. આ વખતની ચૂંટણીમાં એકબાજુ, ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય વિજયભાઇ એચ.પટેલ, જામનગરના મનોજ અનડકટ, મહેસાણાના કિશોર ત્રિવેદી, આઁણંદના સી.કે.પટેલ જેવા ઉમદવારોની જીત નિશ્ચિત મનાઇ રહી છે. તો બીજીબાજુ, બાર કાઉન્સીલની બહુ મોટા ગજાની ચૂંટણીમાં નવા ઉમેદવારો એટલે કે, નવા નિશાળીયાઓ માટે તો કપરા ચઢાણ છે. આ ચૂંટણીમાં એકબાજુ, માત્ર પ્રતિષ્ઠા અને હોદ્દાના શોખ ખાતર મેદાનમાં ઝંપલાવનારા ઉમેદવારો પણ છે તો બીજીબાજુ, વકીલોના હિત અને કલ્યાણકારી કાર્યો માટે હરહંમેશ સમર્પિત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિજય એચ.પટેલ જેવા સેવાભાવી અને દૂરંદેશી ઉમેદવારો પણ છે. આવતીકાલના મતદાનને લઇ વકીલ ઉમેદવારોએ છેલ્લી ઘડીની ખાસ સ્ટ્રેટેજીઓ પણ ગોઠવી છે. આવતીકાલના મતદાન પહેલા કેટલાક ઉમેદવારો વિરૂધ્ધ બાર કાઉન્સીલના ભ્રષ્ટાચાર સહિતના પ્રકરણોની માહિતી અને વિગતો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી અને તેને લઇ વકીલઆલમમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તો, બીજીબાજુ, અમદાવાદ સિવાયના રાજયભરમાંથી આ ચૂંટણીમાં ઝંપલાવનારા ૯૯ ઉમેદવારો પણ અમદાવાદમાં આવી ગયા છે અને આવતીકાલના મતદાનમાં તેઓ અમદાવાદના ઉમેદવારોના મતો તોડી તેઓને નુકસાન પહોંચાડે તેવી પણ કૂટનીતિ શરૂ થઇ ગઇ છે. ગુજરાતના વકીલઆલમ અને ન્યાયતંત્રમાં ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી બહુ પ્રતિષ્ઠાભરી અને અતિમહત્વની ગણાય છે કારણ કે, તે વકીલોની માતૃસંસ્થા છે, તેથી તેની મહત્વતા સ્વાભાવિક રીતે જ વધી જાય છે, આવતીકાલનું ગુજરાત કલબ ખાતેનું મતદાન બહુ જ મહત્વનું મનાઇ રહ્યું છે.

Related posts

આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત આવશે

aapnugujarat

ગોજારીયા NRI ગૃપએ 5 ઓટો ઓક્સિજન મશીન ભેટ કર્યા

editor

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખેરાલુ અને ડાકોર નગરપાલિકા વોર્ડની રચના, સીમાંકન અને બેઠકની ફાળવણીના પ્રાથમિક આદેશ કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1