Aapnu Gujarat
Uncategorized

ભાવનગર જિલ્લા પંચાયતને સોગંદનામા પર ખોટું નિવેદન કરવા બદલ દંડ કરાયો

ભાવનગર જિલ્લા પંચાયતના તાબા હેઠળની વિવિધ સરકારી કચેરીઓમાં સફાઇ તેમ જ સુવિધા વ્યવસ્થાપન સેવા અંગેના કોન્ટ્રાક્ટમાં સ્પાયર એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાકટરને ખોટી રીતે બ્લેકલીસ્ટેડ કરવાના પ્રકરણમાં અરજદાર સ્પાયર એન્ટરપ્રાઇઝ દ્વારા કરાયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન ભાવનગર જિલ્લા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા હાઇકોર્ટ સમક્ષ સોંગદનામા પર એવું ખોટું નિવેદન કરાયું હતુ કે, પ્રસ્તુત કેસમાં અરજદારપક્ષને રજૂઆતની તક આપીને તેમ જ કુદરતી ન્યાયનો સિધ્ધાંતનું પાલન કર્યા બાદ બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે, હાઇકોર્ટના ધ્યાન પર એ હકીકત આવી હતી કે, આ કેસમાં અરજદાર કોન્ટ્રાકટરને રજૂઆતની કોઇ તક આપવામાં આવી ન હતી અને પ્રસ્તુત કેસમાં કુદરતી ન્યાયના સિધ્ધાંતનું પાલન પણ કરાયું ન હતુ, જેથી હાઇકોર્ટે ભાવનગર જિલ્લા પંચાયત(સરકારપક્ષ)નો જોરદાર ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે સોંગદનામાં પર હાઇકોર્ટમાં ખોટું નિવેદન કરવા બદલ ભાવનગર જિલ્લા પંચાયતને સબક સમાન રૂ.૭૫૦૦નો આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે અરજદાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવાનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો અને દંડની રૂ.૭૫૦૦ની રકમ દસ દિવસમાં ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ સમક્ષ જમા કરાવવા પણ ભાવનગર જિલ્લા પંચાયતને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ગંભીર ટકોર પણ કરી હતી કે, અદાલત આ કેસમાં કસૂરવાર અધિકારી કે જેણે આ સોગંદનામું સહી કર્યું છે, તેની વિરૂધ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરી શકે તેમ છે પરંતુ ભાવનગર જિલ્લા પંચાયતના વકીલની વિનંતીને ધ્યાનમાં રાખીને અદાલત આ કાર્યવાહી કરવાનું મુનાસીબ માનતી નથી. આ પ્રકારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામા પર ખોટા નિવેદન ના થાય તેનું ધ્યાન રાખવા સરકારપક્ષને ખંડપીઠે કડક ચીમકી આપી હતી. અરજદાર સ્પાયર એન્ટરપ્રાઇઝ દ્વારા કરાયેલી રિટમાં સિનિયર કાઉન્સેલ આર.જે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લા પંચાયતની તાબા હેઠળની વિવિધ સરકારી કચેરીઓમાં સફાઇ તેમ જ સુવિધા વ્યવસ્થાપન સેવા અંગેના કોન્ટ્રાક્ટ માટે તા.૯-૧-૧૫ના રોજ અપાયેલી જાહેરાત અનુસંધાનમાં અરજદારે પણ ટેન્ડર ભર્યું હતું. અરજદારની સીકયોરીટી ડિપોઝીટ, ટેન્ડર ફી-અર્નેસ્ટ ફી ભરેલા હતા. પરંતુ રેટમાં ડિફરન્સ પડતાં અરજદારે વર્ક કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો ન હતો. જેથી ભાવનગર જિલ્લા પંચાયત સત્તાવાળાઓએ શરતભંગના ઓઠા હેઠળ અરજદારની જમા પડેલ અર્નેસ્ટ ફી જમા લઇ લીધી હતી. જેથી અરજદારે આ મામલે અપીલ કરી હતી, જેમાં ઉચ્ચ સત્તાવાળાઓએ અરજદારને ૧૦ ટકા રકમ દંડ કરી બાકીની રકમ પાછી આપી દેવા ઠરાવ્યું હતું. ત્યારબાદ સત્તાવાળા દ્વારા તા.૨૦-૧-૧૮ના રોજ અરજદારને બ્લેકલીસ્ટ કરતો હુકમ કરાયો હતો. અરજદારપક્ષ તરફથી સિનિયર કાઉન્સેલ આર.જે. ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, અરજદારને બ્લેકલીસ્ટ કરતાં પહેલા કોઇ નોટિસ આપી નથી કે રજૂઆત તેમ જ સુનાવણીની કોઇ તક પૂરી પાડવામાં આવી નથી, તેથી સત્તાવાળાઓનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂદ્ધનો છે. સુપ્રીમકોર્ટે રશિયન ઇકવીપમેન્ટ વિરધ્ધ પશ્ચિ બંગાળના કેસમાં આપેલી માર્ગદર્શિકાઓનો પણ પ્રસ્તુત કેસમાં સત્તાવાળાઓએ ભંગ કર્યો છે. વળી, બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય પણ ત્રણ વર્ષ બાદ એટલે કે, ઘણો વિલંબિત કરાયો છે. સુપ્રીમકોર્ટના નિર્દેશોની વિરૂધ્ધ જઇને સત્તાવાળાઓએ આ પ્રકારે અરજદારને બ્લેકલીસ્ટ કરી શકે નહી. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટની પૃચ્છા દરમ્યાન ફલિત થયું હતું કે, અરજદારને સુનાવણીની કોઇ તક અપાઇ ન હતી કે, તેને બ્લેકલીસ્ટ કરતાં પહેલા કોઇ નોટિસ પણ અપાઇ ન હતી તેમછતાં ભાવનગર જિલ્લા પંચાયત સત્તાધીશો તરફથી નિવેદન કરાયું હતું કે, અરજદારને પૂરતી સુનાવણીની તક અપાઇ છે. આમ, સોંગદનામા પર ખોટું નિવેદન કરવા બદલ હાઇકોર્ટે સત્તાધીશોનો ઉધડો લઇ સબકસમાન દંડ ફટકાર્યો હતો.

Related posts

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના ફાળવવામાં આવ્યા પાંચ બેડ

editor

રેફરલ હોસ્પિટલમાં ગંદકી અને ઉભરાતી ડ્રેનેજના દ્રશ્યો આવ્યા સામે

editor

કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકને પોતાની સાથે રાખીને સરકારશ્રીની ફોસ્ટર કેર યોજનાનો લાભ લેવા અનુરોધ

editor

Leave a Comment

UA-96247877-1