Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ દ્વારા એપ્રિલ ફુલ ડેની ફેંકુ દિન તરીકે ઉજવણી કરી

વડોદરામાં આજે શહેર કોંગ્રેસ દ્વારા એપ્રિલ મહિનાની પહેલી તારીખે એપ્રિલ ફૂલ દિવસની કંઇક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટી મોટી જાહેરાતો અને ઠાલા વચનો આપી પ્રજાને જે પ્રકારે ઉલ્લુ બનાવી છે, તેને લઇ આજે જોરદાર વિરોધ વ્યકત કરાયો હતો અને વડાપ્રધાનની ફેંકવાની આ સ્ટાઇલને લઇ તા.૧લી એપ્રિલની ફેંકુ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ફેંકુ દિવસની ઉજવણી દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો, નેતાઓ અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં વિશાળ બેનરો અને માર્મિક સંદેશો આપતાં પ્લેકાર્ડ લઇ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બેનરોમાં વિજય માલ્યા, નીરવ મોદી સહિતના ડિફોલ્ટરોના ફોટા લગાવી તેની પર લખાણ લખ્યું હતું કે, ભગોડે કે અચ્છે દિન(ભાગેડુઓના સારા દિવસો), કાળા ધન, કિસાનોને પોષણક્ષમ ભાવો સહિતના સંવેદનશીલ મુદ્દાઓને લઇ બેનરોમાં કોંગ્રેસના કાર્યકરોએ ચાબખા મારતાં લખાણ રજૂ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફેંકુ દિવસની ઉજવણી દરમ્યાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વિરૂધ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ આજે ફેંકુ દિવસની ઉજવણી દરમ્યાન કોંગ્રેસ અગ્રણીઓએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે, એપ્રિલ મહિનાની પહેલી તારીખે લોકો મંનોરંજન માટે એપ્રિલ ફૂલની ઉજવણી કરે છે પરંતુ સત્તા મેળવવા માટે હાલના પ્રધાનમંત્રીએ વચનો અને સપનાઓની એવી તો લ્હાણી કરી કે વિશ્વમાં તેમણે પોતાની ખ્યાતી ફેકુ તરીકે મેળવી લીધી. આ કારણે જ આજે અમે એપ્રિલ ફૂલ દિવસને ફેંકુ દિવસ તરીકે ઉજવણી કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ એવા સુત્રોચ્ચારો પણ કર્યા હતા કે, ૧૫ લાખના નામે બનાવ્યા એપ્રિલફૂલ, કાળા ધનના નામે બનાવ્યા એપ્રિલફૂલ. કોંગ્રેસની આજની અનોખી ઉજવણી ચર્ચાનું કેન્દ્ર બની હતી.

Related posts

ગુજરાતનું દેવું વધીને અધધ…૨,૬૭,૬૫૦ કરોડ થયું

editor

વડોદરામાં સેક્સ રેકેટ ઝડપાયું

aapnugujarat

ગુજરાતમાં ભાજપનું પેજ સમિતિનું કાર્ય ૮૪ ટકા પૂર્ણ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1