Aapnu Gujarat
ગુજરાત

શ્રીરામનવમીની ભકિતભાવ સાથે કરાયેલી ભવ્ય ઉજવણી

આજે ભગવાન શ્રીરામચંદ્ર ભગવાનજીના જન્મદિવસની એટલે કે, રામનવમીના પવિત્ર પર્વની અમદાવાદ શહેર સહિત રાજયભરના રામજીમંદિરોમાં ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રી રામનવમીની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિ, ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ-નોમ અને સાંઇબાબાના જન્મદિનનો પણ અનોખો સંયોગ બન્યો હતો, જેને લઇ શહેર સહિત રાજયભરમાં તેને આનુષંગિક વિવિધ પ્રકારના ભકિતસભર અને ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા. શ્રી રામનવમીને લઇ આજે શહેર રાજયભરના રામજી મંદિરોમાં, તેમના પરમભકત હનુમાનજી મંદિરોમાં વિશેષ પ્રભુ શ્રીરામના જન્મોત્સવ, હિંડોળા, સાજ-શણગાર, પૂજા-પાઠ, રામધૂન, રામાયણ પાઠ, સુંદરકાંડના પાઠ સહિતના અનેકવિધ ભકિતસભર કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રિલીફરોડ પર આવેલ હાજા પટેલની પોળમાં આવેલા ૬૦૦ વર્ષ પ્રાચીન શ્રી કાળા રામજી મંદિરમાં આજે શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન થયુ હતું. તો, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરમાં આજે રામનવમી નિમિતે પં.વિજયશંકર મહેતા દ્વારા ખાસ હનુમાનચાલીસા અને સુંદરકાંડના મહાપાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના જગન્નાથજી મંદિર ખાતે પણ આજે શ્રી રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને અખંડ રામાયણની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીજીબાજુ, આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ અને માતાજીની નોમ હોવાથી સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, બહુચરાજી, ચોટીલા, પાવગઢ સહિતના માતાજીના સ્થાનકોમાં લાખો શ્રધ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટયા હતા. અમદાવાદ શહેરના ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળ ખાતેના પ્રાચીન અંબાજી મંદિર, ભુલાભાઇ પાર્ક પાસેના બહુચરાજી મંદિર સહિતના માતાજીના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી હતી. દરમ્યાન આજે ભગવાન સ્વામિનારાયણની પણ જન્મજયંતિ હોઇ શહેરના શાહીબાગ, ગુરૂકુળ, છારોડી સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની ઉજવણીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના રામજી મંદિરો, કૃષ્ણ મંદિરો અને હનુમાનજી મંદિરોમાં રામનવમીને લઇ રામધૂન, રામાયણના પાઠ, સુંદરકાંડ, હનુમાનચાલીસા, મહાઆરતી સહિતના ધાર્મિક અને ભકિતસભર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. રામનવમીના પવિત્ર પર્વને લઇ રામજી મંદિરોમાં ખાસ કરીને શહેરના જગન્નાથજી મંદિર, હાજા પટેલની પોળના શ્રી કાળા રામજી મંદિર, પ્રેમદરવાજાના સુપ્રસિધ્ધ સરયુમંદિર(રામજી મંદિર), મેમનગર ગામમાં શ્રીરામજી મંદિર, દર્પણ છ રસ્તા પાસે આવેલ રામજી મંદિર, ઇસ્કોન મંદિર, કેમ્પ હનુમાનજી મંદિર સહિતના મંદિરોમાં આજે ભગવાનના વિશેષ અને બહુ સુંદર, આકર્ષક અને મનોરમ્ય સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે શ્રીરામચંદ્રજીના બાળસ્વરૂપને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. શ્રધ્ધાળુ ભકતો માટે રામજી મંદિરોમાં શ્રીરામજીના બાળસ્વરૂપને પારણાંમાં ઝુલાવવાની અને પ્રસાદીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાજા પટેલની પોળના શ્રી કાળા રામજી મંદિર ખાતે આવતીકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યે ભગવાન શ્રીરામનો જન્મ, ૧૨-૧૫થી હિંડોળા દર્શન, પ્રસાદ, સાંજે ૪.૦૦ વાગ્યે જન્મપત્રિકા વાંચન, સાંજે ૪.૩૦થી ૭.૩૦ દરમ્યાન જાણીતા ગુજરાતી ટીવી કલાકાર ભાલચંદ્ર શુકલના ભકિતસંગીતનો કાર્યક્રમ અને સાંજે ૮થી ૯ દરમ્યાન નોમ ઉત્સવ સંકિર્તન સાથે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોડી રાત સુધી રામજી મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોએ દર્શન માટે પડાપડી કરી હતી.

Related posts

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા

aapnugujarat

દિયોદરના નવા ખાતે વીર જવાનોને શ્રધ્ધાંજલિ અપાઈ

editor

અનામત મુદ્દે કોંગ્રેસ સાથે વધુ મંત્રણા કરાશે : હાર્દિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1