Aapnu Gujarat
બ્લોગ

આધારની માહિતી સુરક્ષિત કરવા સરકારનાં પ્રયાસ

આધાર કાર્ડની સિસ્ટમ પૂરેપૂરી સુરક્ષિત હોવાના દાવા ખોટા ઠર્યા છે. બેંગ્લોરની સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્ડ સોસાયટી (સીઆઈએસ) ના એક રિપોર્ટથી આધાર કાર્ડ યોજનાની માહિતી સુરક્ષા પર વધુ એક વખત સવાલ ઊભો થઈ ગયો છે. રિપોર્ટમાં અનેક વાતોનો ખુલાસો કરવામાં આવ્યો છે જે મુજબ અંદાજે ૧૩.પ કરોડ આધાર કાર્ડની માહિતી લીક થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.રિપોર્ટ અનુસાર અનેક સરકારી વિભાગોએ કરોડો લોકોની આધાર ડિટેઈલ સાર્વજનિક કરી દીધી છે જેના કોઈપણ જોઈ શકે છે. આ રિપોર્ટ ચાર ડેટા બેસ સ્ટડી પછી તૈયાર કરવામાં આવ્યો છે, જો કે રિપોર્ટમાં ડેટા લીક પાછળના કારણ અને તેને જાણી જોઈને લીક કરવામાં આવ્યો કે તે ભૂલથી લીક થઈ ગયો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
પહેલા જ્યાંથી આધાર કાર્ડ ડેટા લીક થયો એમાં બે ડેટા બેસ રૃરલ ડેવલપમેન્ટ મંત્રાલય સાથે જોડાયેલા છે. જેમાં નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામનું ડેશબોર્ડ અને નેશનલ રૃરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એક્ટનું પોર્ટલ સામેલ છે. આ માહિતીઓ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી છે. આમાંથી એક રાજ્યની નરેગા પોર્ટલ અને ચંદ્રાના વીમા નામની સરકારી સ્કીમનું ડેશબોર્ડ છે. આ પોર્ટલ પર લાખો લોકોની આધાર માહિતી આપવામાં આવી છે જેને કોઈપણ જોઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ચાર પોર્ટલ્સ લીક થયા છે તે આધાર નંબરની સંખ્યા ૧૩ થી ૧૩.પ૦ કરોડ વચ્ચેની હોઈ શકે છે. આમાંથી એકાઉન્ટ નંબર્સ ૧૦ કરોડ આસપાસ હોઈ શકે છે.નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામના પોર્ટલ પર આધાર કાર્ડ સાથે જોડાયેલા ૯૪.૩ર લાખથી વધુ બેંક એકાઉન્ટ અને ૧૪.૯૮ લાખ પોસ્ટ ખાતાઓની જાણકારી છે.
થોડા દિવસો પહેલા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની આધાર માહિતી એક કોમન સર્વિસ સેન્ટરે લીક કરી દીધી હતી જેથી ધોનીની પત્ની સાક્ષીએ ટિ્‌વટ મારફતે સરકારને ફરિયાદ કરી હતી. આ પછી સરકારે ડેટા લીક કરનારી કંપની સીએસસીને ૧૦ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી હતી.જો કે, સીઆઈએસ પહેલા જ કહી ચૂકી છે કે આધાર એટલા માટે અનસેફ છે કેમ કે તે બાયોમેટ્રિક ડેટા પર આધારીત છે. ટેકનિકલ સ્તરે તેમાં અનેક ખામીઓ છે જેના કારણે આધારની માહિતી સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવી ઘણી મુશ્કેલ છે. દેશમાં અત્યાર સુધી ૧૧પ કરોડથી વધુ લોકોના આધાર કાર્ડ બની ચૂક્યા છે, જેની સિસ્ટમની સુરક્ષા પર સવાલો ઊઠી રહ્યા છે.
સરકારે એક હાથ ઊંચો કરનારું ડિસ્ક્લેમર તૈયાર કરવું જોઈએ જેમાં દેશના નાગરિકોને જણાવી દેવામાં આવે કે સરકારને આપવામાં આવેલી માહિતીની ગોપનીયતા જાળવવાની જવાબદારી જે-તે વિભાગની કે અધિકારીની નથી. અર્થાત તમારે તમારા જોખમે માહિતી આપવી જેવી રીતે કેટલાંક મકાનોની લિફ્ટમાં લખેલું જોવા મળે છે કે લિફ્ટનો ઉપયોગ તમારા હિસાબે અને જોખમે કરવો.ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે આધારની વિગતો ચણામમરાની માફક વેચાઈ રહી છે અને સરકાર નાગરિકના અંગત જીવનની સુરક્ષાની જે વાતો કરે છે એ પોકળ છે. નાગરિકે નક્કી કરવાનું છે કે કહેવાતા રાષ્ટ્રયજ્ઞમાં પોતાની આહુતિ આપવી કે નહીં, કારણ કે વહીવટી તંત્ર ફૂહડ છે અને શાસકો બોલબચન છે.
જે કહેવામાં આવતું હતું એ હવે સિદ્ધ થઈ ગયું છે. ચંડીગઢના ‘ધ ટ્રિબ્યુન’ નામના અખબારનાં રિપોર્ટર રચના ખૈરાએ આધારનું રૅકેટ ઉઘાડું પાડ્યું છે. માત્ર ૫૦૦ રૂપિયા આપો, તમને વૉટ્‌સઍપ પર એક પાસવર્ડ મોકલવામાં આવશે જેના દ્વારા તમે આધારના પોર્ટલને ખોલી શકશો અને ઇચ્છો એટલા નાગરિકોના ડેટા મેળવી શકશો. માત્ર ૫૦૦ રૂપિયામાં દેશના એક અબજ નાગરિકોના ડેટા ઉપલબ્ધ થતા હોય અને એ પણ વૉટ્‌સઍપ દ્વારા તો કલ્પના કરો આપણું જીવન કેટલું સસ્તું છે.
સરકારની પહેલી પ્રતિક્રિયા દેશના નાગરિકોને અભય વચન આપવાની હતી. ચિંતા નહીં કરો તમારી વિગતો સલામત છે. સરકારને જ્યારે ખાતરી થઈ ગઈ કે બચાવ થઈ શકે એમ જ નથી અને અભય વચનની કિંમત કોડીની છે ત્યારે ‘ધ ટ્રિબ્યુન’ અને એનાં પત્રકાર સામે જ્ત્ય્‌ દાખલ કરવામાં આવ્યો. ગોપનીય ડેટા ચોરવા માટેનો ગુનો. બૅન્કના સ્ટ્રૉન્ગરૂમમાંથી પૈસા ચોરાય તો ચોર ગુનેગાર કે બૅન્કના અધિકારી ગુનેગાર? અધિકારીઓની ભાગીદારી વિના કોઈ ચોરી કરી શકે ખરું?
આધારના કેસમાં ચોરી દલાલોએ સરકારી અધિકારીઓ સાથે મળીને કરી હતી અને રિપોર્ટરને એ વેચવામાં આવી હતી. પત્રકાર ખરીદનાર છે, ચોરનાર નથી. આ દેશમાં ખરીદ-વેચાણનો ધંધો એટલો વ્યાપક અને રાબેતાનો છે કે આખેઆખા પાસવર્ડની બજારકિંમત માત્ર ૫૦૦ રૂપિયા છે.એક તો આધાર જેવી પવિત્ર ગાય, એમાં સરકારનાં અભય વચનો, દરેક ચીજને આધાર સાથે લિન્ક કરવાની ઘાઈ, એવા દરેક પ્રસંગે નવાં અભય વચનો, સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલાં સોગંદનામાંઓ દ્વારા ગોપનીયતાના કરવામાં આવેલા દાવાઓ માત્ર ૫૦૦ રૂપિયામાં ઉઘાડાં પડી ગયાં. સત્તાવાળાઓને જ્યારે સમજાઈ ગયું કે ભરબજારે નાક કપાઈ ગયું છે અને ‘ધ ટ્રિબ્યુન’ના એડિટર અને એનાં રિપોર્ટર રચના ખૈરાને દેશદ્રોહી ઠેરવવામાં અર્નબ ગોસ્વામીઓની સેવા લેવામાં આવે તો પણ આબરૂ બચી શકે એમ નથી ત્યારે સરકારે સૂર બદલ્યો હતો અને આધારનો હવાલો સંભાળનારા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કૌભાંડની તપાસ કરવામાં ‘ધ ટ્રિબ્યુન’ની મદદ માગી હતી અને ફરી એક વાર ફ્રીડમ ઑફ પ્રેસની દુહાઈ આપી હતી.
તમને કદાચ મેસેજ આવવા લાગ્યા હશે કે જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ માત્ર પ્રાથમિક સ્વરૂપની છે બાકી આંખના ડોળાની અને હાથના અંગૂઠાની પ્રિન્ટ સુરક્ષિત છે. આપણે તેમને ત્રણ સવાલ પૂછવા જોઈએ. એક, જે વિગતો ઉપલબ્ધ થઈ રહી છે એની સુરક્ષાની જવાબદારી સરકારની નથી એવો ખુલાસો સરકારે કર્યો હતો? ઊલટું સરકારે તો કહેવાતી પ્રાથમિક માહિતીની પણ સુરક્ષાની ગૅરન્ટી આપી હતી. બે, જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ ઓછી મહત્વની નથી. તમારી આર્થિક હેસિયત જોઈને કોઈ પણ તમારી પાછળ પડી શકે છે. ત્રણ, જો સુરક્ષામાં જ ફાંકું હોય અને સુરક્ષિત કસ્ટડીમાં પ્રવેશી શકાતું હોય તો બાયોમેટ્રિક ડેટા કઈ વિસાતમાં? અંદર ઘૂસેલો ચોર ડિમાન્ડના આધારે નક્કી કરશે કે કઈ ચીજની ચોરી કરવી. આવતી કાલે કોઈ ત્રાસવાદી સંગઠનને, ફાર્મા કંપનીઓને કે બાયોટેક કંપનીઓને જો ચોક્કસ બાયોમેટ્રિક ડેટાની જરૂર પડશે તો એ પણ ઉપલબ્ધ થઈ જશે. કદાચ થતા પણ હશે, કોને ખબર છે. એનો ભાવ વધારે હશે અને એની લેવડદેવડ સરેઆમ નહીં થતી હોય એટલું જ.
આ પ્રકારની ચર્ચાઓને કારણે સરકાર સફાળી જાગી હતી તેમાંય સુપ્રીમે આ મામલે કડક વલણ દાખવ્યું હતું.આધાર કાર્ડ ભારતના નાગરિક માટે રાષ્ટ્રીય ઓળખપત્ર બનવા જઈ રહ્યું છે. પણ, આધાર કાર્ડની વિગતોની ગોપનિયતા ન જળવાય તો નાગરિકને નુકસાન ભોગવવું પડે તેવું બની શકે છે. આ સંજોગોમાં આધાર કાર્ડની વિગતો ખાનગી રહે તે માટે સરકારે આધાર એક્ટ ઘડ્યો છે. આધાર એક્ટની જોગવાઈઓ અંગે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને ગાઈડલાઈન આપવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ પ્રજાના આધાર કાર્ડની વિગતો લીક એટલે કે જાણ્યે-અજાણ્યે જાહેર કરનારને જેલસજા અને ધરખમ દંડ પણ થઈ શકે છે. ખાસ કરીને ઓનલાઈન એફઆઇઆર કે આરટીઆઇની માહિતીમાં આધાર કાર્ડની વિગતો જાહેર ન થાય તેની સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્યમાં અમલમાં મુકાયેલી કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓને આધાર નંબર મારફતે ચોક્કસ, સલામત અને અસરકારક રીતે વિવિધ યોજનાકીય લાભ અને સેવા આપી શકાય તે માટે જુદા જુદા નિયમો સાથે આધાર એક્ટ ૨૦૧૬ અમલમાં આવ્યો છે. આ એક્ટ અનુસાર રહીશની ઓળખ અંગેની માહિતી જેવી કે, આધાર નંબર, ડેમોગ્રાફિક, બાયોમેટ્રીક કે બેન્ક એકાઉન્ટ અંગેની માહિતી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કોઈપણ માધ્યમથી પ્રદર્શિક કે જાહેર કરી શકાશે નહીં. આધાર ડેટાની સલામતી અને ગોપનિયતા માટે મુખ્યમંત્રીના અગ્રસચિવ (આયોજન)ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આધાર એક્ટની જોગવાઈઓનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
આધાર એક્ટની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પોલીસ કમિશનર તરફથી શહેરના તમામ પોલીસ સ્ટેશનોને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, તાજેતરમાં આધાર કાર્ડની વિગતોની ગોપનીયતા રાખવાના બદલે તેને જાણે-અજાણે પ્રજામાં જાહેર કરી દેવાતા સુપ્રિમ કોર્ટે અત્યંત કડક વલણ દાખવી સંબંધિત અધિકારી, કર્મચારીની જવાબદારી નક્કી કરવા આદેશ કર્યા છે. નવા નિયમો અનુસાર આધાર કાર્ડની વિગતો જાહેર કરી દેનારને રૂા.૧૦ લાખ સુધીનો દંડ, ત્રણ વર્ષ સુધીની જેલ અથવા બન્ને સજાની જોગવાઈ છે. સરકારી કામકાજ અર્થે આધારની માહિતી શેર કરી શકાશે પણ ખાનગી પત્રવ્યવહાર દ્વારા જ તે કરી શકાશે. ઓનલાઈન એફઆઇઆર, ઓનલાઈન જનરેટ થતાં રિપોર્ટ, આરટીઆઇ ઈન્ફર્મેશન કે અન્ય કોઈ ડોક્યુમેન્ટમાં આધાર નંબર કે આધારને લગતી અન્ય કોઈ વિગતો પ્રદર્શિત ન થાય તેની કાળજી રાખવાની રહેશે.
વિભાગની તમામ વેબસાઈટ, વેબ એપ્લિકેશન, પોર્ટલ, સિટીઝન સર્વિસ પર આધારને લગતી કોઈપણ વિગતો મુકવામાં આવી છે કે કેમ તે તાત્કાલિક વિભાગની ૪૩ વેબસાઈટ ઓનર અને વેબસાઈટ એડમિનિસ્ટ્રેટરે જાતે ચેક કરી જો હોય તો તાત્કાલિક દૂર કરવાની રહેશે. આ ચેકીંગ દર અઠવાડીયે કરવાનું રહેશે. જો ડેટાબેઝમાં આધારની વિગતો મળે તો તેનું માસ્કીંગ કરવાનું રહેશે. ખાસ કરીને સરકારી વેબસાઈટ, વેબ એપ્લીકેશન, પોર્ટલ ઉપર મુકવામાં આવેલ આધારને લગતી વિગતોની લિન્ક જ દુર ન કરતાં સર્વર ઉપર રહેલી ફાઈલ પણ દુર કરવાની રહેશે. શક્ય હોય ત્યાં સુધી આધારને લગતી વિગતો ઓનલાઈન જ રાખવી. જે કમ્પ્યુટરમાં ઈન્ટરનેટ જોડાણ ન હોય તેવા કમ્પ્યુટર ઉપર જ આધારની વિગતો રાખવી અને આ કમ્પ્યુટરને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવું. સરકારી કામ માટે આધાર ડેટાની વહેંચણી કરવાની થાય તો સરકારની કે ઈ-મેઈલ આઈ.ડી.ના ઉપયોગથી જ કરવી. ગુગલ, યાહુ કે અન્ય કોઈ પ્રાઈવેટ ઈ-મેઈલ આઈ.ડી.નો ઉપયોગ કરવો નહીં. પ્રાઈવેટ સર્વરનો ઉપયોગ કરાયો હશે અને માહિતી લીક થશે તો જવાબદારી જે-તે અધિકારીની રહેશે. આ ઉપરાંત પ્રજાજનોની કોઈપણ આધારની વિગતો હાર્ડ કોપીમાં રાખેલી હોય તો સુરક્ષિત જગ્યાએ, ચોક્કસ અધિકારીની કસ્ટડીમાં રાખવાની રહેશે. કોઈપણ સંજોગોમાં હાર્ડ કોપી કે સોફ્ટ કોપી ગુમ કે ચોરી ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. આધાર હોલ્ડરની લેખિત સંમતિ વગર તેની વિગતોનો ઉપયોગ કરી શકાશે નહીં. આધારને લગતી કોઈપણ વિગતો શેર કરવી હોય તો માત્ર ડીસ્ટ્રીક્ટ જજના હુકમથી જ માત્ર આઈડેન્ટીટી ઈન્ફર્મેશન જ શેર કરી શકાશે. બાયોમેટ્રિક ઈન્ફર્મેશન કોઈપણ સંજોગોમાં શેર કરી શકાશે નહીં. આ સુચનાઓનો અમલ કરવાની ખાતરી સાથેનો પત્ર ગૃહવિભાગમાં જમા કરાવવાના આદેશ સાથેની નકલો તમામ પોલીસ સ્ટેશનોને પહોંચતી કરવામાં આવી છે.

Related posts

વિશ્વમાં ઘટી રહી છે હિન્દુઓની વસતી

aapnugujarat

કરોડો ખર્ચાયા છતાં ગંગા મૈલી

aapnugujarat

नई शिक्षा नीति : कुछ प्रश्न

editor

Leave a Comment

UA-96247877-1