Aapnu Gujarat
ગુજરાત

વિમલ ગોલ્ડનો પ્રકાશ મોદી કરોડોનું ફુલેકું ફેરવીને ફરાર

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વિમલ ગોલ્ડના માલિક દ્વારા કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી ઉઠમણું કરી દેવાતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. વિમલ ગોલ્ડના માલિક પ્રકાશ મોદી દ્વારા છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી સરળ હપ્તે સોનાના દાગીના આપવાની પોન્ઝી સ્કીમ ચલાવાતી હતી, જેમાં આજે તે કરોડોનું ઉઠમણું ફેરવી રફુચક્કર થઇ ગયો હોવાના સમાચાર મળતાં જ સેંકડો લોકો વિમલ ગોલ્ડની ઓફિસ પર ઉમટયા અને ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક રોકાણકારો ખાસ કરીને મહિલાઓ તો રાતાપાણીએ રડતી નજરે પડતી હતી. બીજીબાજુ, કૃષ્ણનગર પોલીસે પ્રાથમિક તબક્કે રૂ.૪૨ લાખથી વધુની છેતરપીંડી અંગે વિમલ ગોલ્ડના માલિક પ્રકાશ મોદી વિરૂધ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. તો બીજીબાજુ, વિમલ ગોલ્ડનો માલિક આઠ કરોડ જેટલી માતબર રકમનું ફુલેકું ફેરવી ફરાર થઇ ગયો હોવાની પણ ચર્ચાએ જોર પકડતાં પોલીસે તે દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વિમલ ગોલ્ડના માલિક પ્રકાશ મોદીએ છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી સ્થાનિક અને આસપાસના વિસ્તારના લોકોને ખાસ કરીને મહિલાઓ-યુવતીઓને સરળ અને સસ્તાભાવે સોનુ અને સોનાના દાગીના ઉપલબ્ધ બનાવવાની એક પોન્ઝી સ્કીમ અમલમાં મૂકી હતી. ગ્રાહકોને આકર્ષવા તેણે મહિને રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ ભરવાની અને તેમને સરળ હપ્તે સોનાના દાગીના-આભૂષણો આપવાની લોભામણી સ્કીમ પ્રકાશ મોદીએ ચલાવી હતી, જેમાં સેંકડો લોકો ભોળવાયા હતા અને સોનાના દાગીના મેળવવાની લ્હાય અને લાલચમાં તેની સ્કીમમાં હોંશે હોંશે પૈસા ભરતા ગયા હતા. વિમલ ગોલ્ડની સ્કીમની ચર્ચા એટલી ચાલી હતી કે, સ્થાનિક અને આસપાસના વિસ્તારના લોકો પણ તેની સ્કીમમાં પૈસા ભરતા થઇ ગયા હતા. આ બંને સ્કીમમાં ૩૦૦-૩૦૦થી વધુ ગ્રાહકોએ પૈસા રોકયા હતા. આ સિવાય પણ અન્ય લોભામણી સ્કીમો પણ પ્રકાશ મોદીએ લાગુ કરી હતી, જેમાં સેંકડો રોકાણકારોએ પોતાની મહેનત-પરસેવાની કમાણી વિમલ ગોલ્ડની જુદી જુદી લોભામણી સ્કીમોમાં મૂકી હતી. વિમલ ગોલ્ડનો માલિક પ્રકાશ મોદી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી રફુચક્કર થઇ ગયો હોવાના સમાચારને પગલે આજે મહિલાઓ, વૃધ્ધો, યુવાનો સહિતના સેંકડો રોકાણકારો વિમલ ગોલ્ડની ઓફિસ પર ઉમટયા હતા, તેઓના હાથમાં પ્રકાશ મોદીની પોન્ઝી સ્કીમના બ્રોશર્સ અને કાર્ડ હતા તે હાથમાં ઉંચા બતાવી રાતાપાણીએ રડતા નજરે પડતા હતા. ગરીબ અને મધ્યમવર્ગના માણસોએ પોતાની મહેનત પરસેવાની કમાણી વિમલ ગોલ્ડની લોભામણી સ્કીમોમાં રોકી સંતાનોના લગ્નપ્રસંગમાં દાગીના કરી આપવા સહિતના હેતુસર રોકયા હતા પરંતુ તેમની જીવનભરની મૂડી ડૂબી જતાં તેઓ આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. સેંકડો રોકાણકાર ગ્રાહકોએ આજે વિમલ ગોલ્ડની ઓફિસ ખાતે જોરદાર હોબાળો મચાવ્યો હતો અને આરોપી પ્રકાશ મોદીની ધરપકડ કરી સખત નશ્યત કરવા માંગણી કરી હતી. બીજીબાજુ, કૃષ્ણનગર પોલીસ પણ હરકતમાં આવી હતી અને પ્રાથમિક તબક્કામાં ૨૫ રોકાણકારો સાથે રૂ.૪૨ લાખની છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

 

Related posts

ડો.તોગડિયાને વિહિ૫ના પ્રમુખ ૫દેથી દૂર કરવાનો તખ્તો તૈયાર

aapnugujarat

પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે

aapnugujarat

વેપારીઓને ચૂનો લગાવતી મહિલા ગેંગ ઝડપાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1