Aapnu Gujarat
ગુજરાત

સ્વાર્થમાં નર્મદા પાણી વેડફાયુ છે : ભાજપ પર ગંભીર આક્ષેપ : ખેડામાં કોંગ્રેસનો ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર પૂર્ણ

ગુજરાત વિધાનસભાની કામગીરી અને સંસદીય પ્રણાલિની સમજ અને તાલીમ આપવાના આશયથી ખેડા ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આજે સમાપન થયું હતું. પ્રશિક્ષણ શિબિરના આજના છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ એહમદ પટેલ, અશોક ગેહલોત સહિત સ્થાનિક નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, શાસક પક્ષ ભાજપ દ્વારા તેના અંગત સ્વાર્થ અને વ્યવકિગત પ્રસિધ્ધિ માટે ખેડૂતોના હક્કનું નર્મદાનું કિંમતી પાણી વેડફવામાં આવ્યું છે, જેના કારણે આજે ખેડૂતોને નર્મદાનું પાણી નહી મળતાં રડવાના દિવસો આવ્યા છે. એહમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સીધા પ્રહારો કર્યા હતા કે, તમારે સાબરમતી નદીમાં સી-પ્લેન ઉડાડવું હોય એટલે તમે નર્મદાનું પાણી છોડી સાબરમતી નદી બંને કાઠે થાય તે પ્રકારે ભરી દો, મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને તેમની વાહવાહી કરાવવી હોય અને તેમના માનીતા ઉદ્યોગોને પાણી પહોંચાડવુ હોય એટલે વિગર વિચાર્યે નર્મદાનું પાણી છોડી દેવાય અને તેનો ભોગ આખરે જગતનો તાત એટલે કે, ખેડૂત બને તે બહુ આઘાતજનક છે. દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા કે, ભાજપે ગુજરાતની પ્રજાને કરેલા વચનો પાળ્યા નથી અને પ્રજાના લોકકલ્યાણના કાર્યો થયા નથી, તેથી પ્રજાનો અવાજ વિધાનસભામાં સરકારના કાન સુધી પહોંચાડવામાં અમારા ધારાસભ્યો અસરકારક ભૂમિકા અદા કરશે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાં કઇ રીતે કામગીરી કરવી, સંસદીય પ્રણાલિ અને લોકશાહીના મૂલ્યો સહિતની મહત્વની જાણકારી, માર્ગદર્શન અને તાલીમ પૂરા પાડવામાં આવ્યા છે. વિધાનસભામાં કેવી રીતે પ્રશ્નો પૂછવા, જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોને કેવી રીતે વાચા આપવી તે સહિતના મુદ્દે તેમને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ત્રણ દિવસના આ પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત વિધાનસભામાં શાસક પક્ષ ભાજપને કેવી રીતે ઘેરવું અને કયા પ્રકારે પ્રજાનો અવાજ વિધાનસભામાં બુલંદ કરી તેમને ન્યાય અપાવવો તે અંગેની મહત્વની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

Related posts

વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકોને પોલિયોનાં ટીંપા પીવડાવીને રક્ષિત કરાયાં

aapnugujarat

સરકારે ટેસ્ટિંગ ૩૦ ટકા ઘટાડી દેતાં કોરોનાના કેસમાં ‘કૃત્રિમ’ ઘટાડો..!?

editor

ભાવનગરમાં એકસેલન્ટ યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ

editor

Leave a Comment

UA-96247877-1