Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મોદી-નેતાન્યાહૂની મિત્રતાનો યોજાયેલો ભવ્ય રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ આજે એક દિવસ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે આજે સવારે બંને દેશોના મહાનુભાવોએ એરપોર્ટથી લઇ ગાંધી આશ્રમ સુધી બંધ એસયુવીમાં ભવ્ય રોડ-શો યોજવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર મોદી અને નેતન્યાહુનો રોડ-શો બંધ એસયુવીમાં યોજાયો હતો. આઠ કિ.મી લાંબા રોડ-શો બાદ બંને મહાનુભાવો ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. રોડ-શો દરમ્યાન સમગ્ર રૂટમાં બંને દેશોના વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તો, રૂટના માર્ગોમાં વિવિધ સ્ટેજ પર લોકનૃત્યો અને પરંપરાગત સાંસ્કૃતિક ઝાંખીઓએ જોરદાર જમાવટ કરી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને તેમના પત્ની સારા ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની આગતા સ્વાગતા જોઇ ભારે પ્રભાવિત અને ગદ્‌ગદિત થયા હતા. નરેન્દ્ર મોદી અને નેતન્યાહુ બંને હાઇ રિસ્ક કેટેગરીમાં આવતા વડાપ્રધાન છે અને આ બંને નેતાઓ ઇન્ટરનેશનલ થ્રેડ કેડટરમાં સમાવિષ્ટ છે અને તેથી જ તેઓ તેમના દેશમાં હોય કે બીજા કોઇ દેશમાં પરંતુ બીજા મહાનુભાવોની સરખામણીએ તેમની સુરક્ષા અને સલામતી વધુ ચુસ્ત અને અભેદ્ય હોય છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના સમગ્ર રૂટમાં બંને દેશોના મહાનુભાવો અને તેમની સાથેના પ્રતિનિધિઓની સુરક્ષાને લઇ લોખંડી સલામતી વ્યવસ્થા અને અભેદ્ય સુરક્ષા કવચ તૈનાત કરાયા હતા. સુરક્ષાના કારણોસર રૂટની બંને બાજુના બિલ્ડીંગોમાં ઇઝરાઇયલના મોસાદના સ્નાઇપર્સ ગોઠવાયા હતા. ગાંધીઆશ્રમની આસપાસના બિલ્ડીંગોમાં પણ એક કિ.મીના પટ્ટામાં સ્નાઇપર્સ તૈનાત કરાયા હતા. એટલું જ નહી, મોદી અને નેતન્યાહુના રોડ-શોેના કાફલાની સુરક્ષા માટે સાત લેયરનું સુરક્ષા ચક્ર ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં આઠ કિ.મીના સમગ્ર રૂટમાં એક કિ.મીના રૂટની સલામતીની જવાબદારી એક ડીસીપી કક્ષાના અધિકારીને સોંપાઇ હતી, સાત લેયરના સુરક્ષા ચક્ર માટે બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા. એરપોર્ટથી બંધ એસયુવીમાં મોદીની સાથે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને તેમના પત્ની સારા બેઠા હતા અને બંધ કારમાં જ આખરે ગાંધી આશ્રમ સુધીનો રોડ-શો યોજાયો હતો. રૂટના માર્ગમાં બંને બાજુ વિવિધ સ્ટેજ અને કટઆઉટ મારફતે ગુજરાતની અને ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય થતો હતો. ખાસ કરીને સ્ટેજ પર નાના બાળકો અને યંગસ્ટર્સના ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ અને ઇતિહાસને રજૂ કરતાં લોકનૃત્યો અને કલાત્મક સાંસ્કૃતિક ઝાંખીઓ જોઇ ઇઝરાયલના વડાપ્રધાન અને તેમના પત્ની ભારે પ્રભાવિત અને આશ્ચર્યચકિત થયા હતા. મોદી માર્ગમાં તેમને ગુજરાતની સંસ્કૃતિ સહિતના વિષયો પર બહુ ઉંડાણપૂર્વક સમજ આપતા હતા, જેના કારણે આ વિદેશી મહેમાનોનો રસ અને ઉત્સુકતા વધ્યા હતા. મોદી અને નેતન્યાહુ તથા તેમના પત્નીનું ભારે હર્ષોલ્લાસ સાથે અભિવાદન કરી ભવ્ય સ્વાગત કરી ઉમળકાભેર આવકાર અપાયો હતો. તો, મોદી અને નેતન્યાહુ તેમ જ તેમના પત્નીએ પણ હાથ હલાવી તેઓનું અભિવાદન ઝીલ્યું હતું. ભવ્ય જાજરમાન સ્વાગત અને ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિના વારસાને નિહાળતા નિહાળતા તેઓ આખરે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. બંને મહાનુભાવોની સુરક્ષાને લઇ રિવરફ્રન્ટ ખાતે પણ એક ડીસીપી, બે એસીપી, ૨૦ પીઆઇ, ૪૭ પીએસઆઇ, ૬૯૫ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ અને ૬૪ મહિલા કોન્સ્ટેબલનો કાફલો તૈનાત કરાયો હતો.

Related posts

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા મોદી તૈયાર

aapnugujarat

पांचोट तालाब में कार पलटी, 3 शिक्षकों की मौत

editor

નર્મદા જિલ્લામાં ૭૯.૧૫ ટકા મતદાન નોંધાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1