Aapnu Gujarat
ગુજરાત

નેતન્યાહુએ કલાકારીગરીની છત્રી ફેરવીને લ્હાવો માણ્યો

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને તેમના પત્ની આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે બંને મહાનુભાવોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભવ્યાતિભવ્ય અને જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અને તેમના પત્ની સારાના આગમન સમયે એરપોર્ટ પર જ ૯૦ જેટલા કલાવૃંદો દ્વારા ગુજરાતની અદ્‌ભુત કલા અને સંસ્કૃતિની ઝાંખીઓ, કલાત્મકતા, ગરબા, સૌરાષ્ટ્રનો રજવાડી મણિયારો રાસ, રાઠવા નૃત્ય, હોળી નૃત્ય, શરણાઇ અને ભૂંગળવાદન સહિતની કૃતિઓનું નિદર્શન કરાયું હતું, જેને જોઇ નેતન્યાહુ અને તેમના પત્ની સારા ભારે પ્રભાવિત થયા હતા. કલાકારીગરી અને સાંસ્કૃતિક ભરતકામ ભરેલી છત્રી ફેરવતા કલાકારો સહિતના કલાકારોને જોઇ નેતન્યાહુ પોતાની જાતને રોકી શકયા ન હતા અને તેઓ તેમની પાસે ધસી ગયા હતા અને આ કલાકારના હાથમાંથી છત્રી લઇ પોતે ફેરવવા માંડયા હતા, આ દ્રશ્ય જોઇ મોદી પણ તરત તેમની સાથે જોડાયા હતા. ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને તેમના પત્ની સારાનું અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતન્યાહુને હૃદયપૂર્વક ભેટીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ પણ પુષ્પગુચ્છ અર્પણ કરી વિદેશી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર પણ ભારત અને ઇઝરાયલની મિત્રતા કાયમ જીવંત રહે તેવા ભવ્ય હોર્ડિંગ્સ અને કટઆઉટ લગાવવામાં આવ્યા હતા અને તેના દ્વારા પણ ઇઝરાયલના વડાપ્રધાન અને તેમના પત્નીને આવકાર અપાયો હતો. હોર્ડિંગ્સમાં વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુની મોટી તસ્વીરો ખાસ ધ્યાન ખેંચતી હતી. આ પહેલાં વડાપ્રધાન મોદી જયારે અમદાવાદ એરપોર્ટ આવ્યા ત્યારે રાજયપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રોટેકોલ મંત્રી પ્રદીપસિંહ જાડેજાય, મેયર ગૌતમ શાહ, મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Related posts

સુરત ગયેલા હાર્દિક પટેલ પર લોકોનો હુમલાનો પ્રયાસ થયો

aapnugujarat

સુરેન્દ્રનગરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

editor

પ્રેમીયુગલે સાબરમતી નદીમાં ઝંપલાવયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1