Aapnu Gujarat
ગુજરાત

નેતન્યાહુએ ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો, પતંગ ચગાવ્યો

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ તેમના પત્ની સારા સાથે આજે વડાપ્રધાન મોદી સાથે રોડ-શો કરતાં ગાંધીઆશ્રમ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું આશ્રમના સંચાલકો અને નાની કિશોરીઓ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નેતન્યાહુ અને તેમના પત્નીએ ગાંધીજીની પ્રતિમા અને તસવીરને સૂતરની આંટી પહેરાવી નમન કર્યા હતા તો, બીજીબાજુ, વડાપ્રધાન મોદીના આગતાસ્વાગતા અને ગુજરાતની પરંપરાગત પતંગની લોકસંસ્કૃતિની લુત્ફ ઉઠાવવાના આશયથી નેતન્યાહુએ મોદીની સાથે ગાંધીઆશ્રમ ખાતેથી પંતગ પણ ચગાવ્યો હતો. આ દ્રશ્યો જોઇ સૌકોઇ આશ્ચર્યચકિત અને ખુશ થઇ ગયા હતા. નેતન્યાહુએ ગાંધી આશ્રમની વીઝીટર બુકમાં પણ ગાંધીજીના જીવનને પ્રેરણાદાયી ગણાવી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. એરપોર્ટથી રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન તેમની પત્ની સારા સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા ત્યારે તેમનું ભારે ઉમળકાભેર અને ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ પર્સનલી ગાંધીઆશ્રમની એક એક ઓરડી અને તેમાં સુરક્ષિત જાળવી રખાયેલી મહાત્મા ગાંધીજીની ચીજવસ્તુઓ અને ઐતિહાસિક બાબતોનો પરિચય કરાવી તેની ઉંડી સમજ અને જાણકારી આપ્યા હતા. દરમ્યાન મોદી અને નેતન્યાહુએ હૃદયકુંજની મુલાકાત લઇ ત્યાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. નેતન્યાહુ અને તેમની પત્નીએ ગાંધીજીની તસવીરને પણ સૂતરની આંટી પહેરાવી હતી. બાદમાં મોદીના ભાવને ધ્યાનમાં રાખી ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ તેમની સાથે ગાંધીઆશ્રમ ખાતે પતંગ ચગાવી સૌકોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નેતન્યાહુ સાથે તેમના પત્ની સારાએ પણ પતંગ ચગાવવાની મોજ માણી હતી. બંને દેશોના મહાનુભાવોની ગાંધી આશ્રમની મુલાકાતને લઇ અહીં પણ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી હતી. જેમાં એકલા ગાંધી આશ્રમમાં જ ૧૧૭ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામિાં આવ્યા હતા. જેનું મોનીટરીંગ આશ્રમની જ એક રૂમમાંથી કરવામાં આવતું હતું. ગાંધી આશ્રમ ખાતે ૩૬ પીઆઇ અને ૧૩૮ પીએસઆઇ સહિતના સુરક્ષા જવાનોને સ્ટેન્ડ ટુ રખાયા હતા. આ સિવાય ઇઝરાયલના સ્નાઇપર્સને પણ ગાંધીઆશ્રમની ફરતે એક કિલોમીટરના પટ્ટામાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તૈનાત કરાયા હતા. ગાંધી આશ્રમ ખાતે ત્રણ ડીસીપી, ૧૪ પીઆઇ, સાત એસીપી, ૫૧ પીએસઆઇ, ૭૮૭ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ, ૧૨૨ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓ સુરક્ષામાં ખડેપગે તૈનાત રખાયા હતા. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ ઇઝરાયલના વડાપ્રધાન અને મોદી બાવળા ખાતે આઇક્રિએટ સેન્ટરની મુલાકાત માટે પહોંચ્યા હતા, ત્યાં બપોરનું ભોજન સાથે લીધા બાદ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે હોર્ટિકલ્ચર સેન્ટરની મુલાકાત લીધી હતી.

Related posts

રાજ્યમાં ૭૧ આઈએએસ, ૫૦ આઈપીએસની જગ્યાઓ ખાલી

editor

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિનની અનોખી ઉજવણી

editor

કેવડીયા કોલોની ખાતે નર્મદા “શ્રમ અને સેવા શિબિર-૨૦૧૭-૧૮” યોજાશે : તા. ૧૫ મી ઓગષ્ટ સુધીમાં અરજીઓ મોકલવા સૂચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1