Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ,
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હૉલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે યોગસેવક શીશપાલજીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય, નાગરિકો યોગમય બને અને યોગમાં ભારત દેશ વિશ્વગુરુ બને તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું નિર્માણ કરાયું છે અને તે જ નિર્ધારિત દિશામાં આજે યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. ‘બધા જ રોગનો ઈલાજ યોગ’ કહી તેમણે ઉમેર્યું હતું કે, યોગ કરવાથી માનવ શરીરના રોગનું નિદાન થાય, જીવનશૈલી ઉત્તમ બને, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય, ભૌતિક સુખ સાથે આધ્યાત્મિક સુખ પણ મળે તેમજ સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ભારતની જ્ઞાન પરંપરામાં યોગનું અદભૂત યોગદાન રહેલું છે.

તેમણે કોરોના મહામારી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વ આજે જ્યારે કોરોના મહામારીના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે માનસિક શાંતિ માટે સમગ્ર વિશ્વ યોગ તરફ આકર્ષાયું છે અને યોગને અપનાવી રહ્યું છે.

વધુમાં તેમણે ઉપસ્થિત લોકોને નિયમિત યોગ કરવા આહવાહન કર્યું હતું તેમજ સામાન્ય માણસ પણ પોતાના શરીરને યોગ થકી સ્વસ્થ રાખી શકે તે માટે વિવિધ યોગાસનો દ્વારા યોગથી થતાં લાભોથી ઉપસ્થિતસર્વેને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધનમાં હવે તો બસ એક જ વાત, યોગમય બનશે ગુજરાતના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ રોગ, ક્રોધ અને વ્યસનથી મુક્ત બને તે દિશામાં આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. જેના પરિણામે આજે ગુજરાત રાજ્યમાં અંદાજિત ૫૦ હજાર જેટલા યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર – દૂધરેજ – વઢવાણ નગરપાલિકા પ્રમુખશ્રી વીરેન્દ્ર આચાર્ય તેમજ અગ્રણીશ્રી જગદીશભાઇ મકવાણાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી યોગનું મહત્વ સમજાવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લાની પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા વિવિધ યોગાસનો રજૂ કરાયા હતા. તદુપરાંત જિલ્લાના વિવિધ યોગ કોચ દ્વારા તૈયાર કરવામાં આવેલ યોગકૃતિઓનું પ્રદર્શન જિલ્લાના યોગી-યોગિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના નવા ૨૦૦ યોગ ટ્રેનરોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વઢવાણ પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.આર.સૂર્યવંશી, અગ્રણી સર્વશ્રી રીનાબેન ગઢવી, મનહરસિંહ, ડૉ. જયશ્રીબેન, પન્નાબેન શુક્લ, નિતાબેન દેસાઇ અને જયદીપભાઈ મહેતા સહિતના યોગ બોર્ડના યોગ કોચ, યોગ ટ્રેનરો તથા યોગ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Crocodile rescued from pond by Forest Department in Vadodara’s village

aapnugujarat

અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રભારી મંત્રી તરીકે સી.ડી.પટેલની વરણી

aapnugujarat

૨ વર્ષમાં પોલીસ પર ૧૪૨ હુમલા

editor

Leave a Comment

UA-96247877-1