Aapnu Gujarat
ગુજરાત

વર્લ્ડ સ્કીલ્સ કોમ્પીટીશન – ૨૦૧૯ માટે સ્પર્ધકો તૈયાર કરવા ડિસેમ્બરથી જિલ્લાકક્ષાની સ્પર્ધા શરૂ કરાશે

ક્રિકેટનો મહાકુંભ જેવી રીતે વર્લ્ડ કપ હોય છે, તમામ રમતોનો મહાકુંભ જેવી રીતે ઓલમ્પિક હોય છે તે જ પ્રકારે વિવિધ કૌશલ્ય(સ્કીલ્સ)ની સ્પર્ધાનો મહાકુંભ વર્લ્ડ સ્કીલ્સ કોમ્પીટીશન કહેવાય છે, જે દર બે વર્ષે યોજાય છે. ૨૦૧૯ની વર્લ્ડ સ્કીલ્સ કોમ્પીટીશન આ વખતે રશિયામાં યોજાવાની છે, જેમાં ભારત દેશ તરફથી સ્પર્ધકો આપણા દેશનું પ્રતિનિધિત્વ કરશે. વિશ્વ સ્તરની આ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે સ્પર્ધકો તૈયાર કરવા માટે સરકાર દ્વારા આગામી ડિસેમ્બર મહિનાથી ગુજરાતમાં જિલ્લા કક્ષાની સ્પર્ધા શરૂ થશે. જયારે દેશની ફાઇનલ કોમ્પીટીશન તા.૧૫ જૂલાઇ,૨૦૧૮એ યોજાશે. એનએસડીસી(નેશનલ સ્કીલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા નિયુકત એક્ષ્પર્ટ વૈશાલી શાહ બ્યુટી સ્કીલ્સ માટે સ્પર્ધકો તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે, વૈશાલી શાહે વર્લ્ડ સ્કીલ્સ કોમ્પીટીશનમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી પ્રતિભાઓને ઓળખી તેમને તાલીમ આપવાની અસરકારક અને નોંધનીય કામગીરી કરી છે. બ્યુટી સ્કીલ્સની ભારતની આ નિપુણતા અને સફળતાની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઇ હતી. જેમાં તાજેતરમાં અબુધાબી ખાતે યોજાયેલી વર્લ્ડ સ્કીલ્સ કોમ્પીટીશન-૨૦૧૭માં ૨૧ વર્ષીય ભારતની કરિશ્મા ગુપ્તાએ એવોર્ડ મેળવ્યો છે. જયારે ૨૦૧૫માં બ્રાઝિલના સાઓ પાઉલો ખાતે યોજાયેલી કોમ્પીટીશનમાં નેહા ચંડેએ ૫૦ દેશોના સ્પર્ધકોને પાછળ રાખીને પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું હતું. આ બંને વિજેતાઓએ મુંબઇમાં વડુમથક ધરાવતી દેશની શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ બ્યુટી એકેડમી એલટીએમાં બ્યુટી તાલીમ અને લાયકાત હાંસલ કરી હતી. એલટીએ વર્ષ-૨૦૧૩થી બ્યુટી થેરાપી સ્કીલ્સ ચેમ્પિયન તૈયાર કરવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના કવોલિફાઇડ બ્યુટી પ્રોફેશનલ્સ પણ તૈયાર કરી રહ્યું છે. આ અંગે નેશનલ સ્કીલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નિયુકત એક્ષ્પર્ટ વૈશાલી શાહે જણાવ્યું હતું કે, વર્લ્ડ સ્કીલ્સ કોમ્પીટીશનમાં હવે ભારત તેનું મજબૂત સ્થાન જમાવી રહ્યું છે અને આપણા દેશના સ્પર્ધકો પણ અન્ય દેશોના સ્પર્ધકોને કાંટાની ટક્કર આપી રહ્યા છે. વિશ્વ કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઇપણ સ્પર્ધકની ૨૨ વર્ષથી ઓછી વય હોવી ફરજિયાત છે. વિજયી બનવા માટે સખત મહેનત, ડેડીકેશન અને જોશ-જુસ્સો સ્પર્ધકમાં હોવો જોઇએ તો જ તે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું નામ રોશન કરી શકે. આપણા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવી વિજય મેળવવો એ ક્ષણ જ બહુ ગૌરવશાળી હોય છે, જેનાથી દેશના પ્રત્યેક નાગરિકનું માથું ગર્વથી ઉંચું થઇ જાય. તેમણે વધુમાં ઉમેર્યું કે, હવે આ વર્લ્ડ સ્કીલ્સ કોમ્પીટીશનમાં સ્પર્ધકોને તૈયાર કરવા સરકાર પણ આગળ આવી છે અને ઘણી મદદ કરી રહી છે. સરકાર દ્વારા આ માટે આગામી ડિસેમ્બર મહિનાથી જિલ્લા કક્ષાની સ્પર્ધા, ત્યારબાદ સ્ટેટ લેવલની, એ પછી રિજિયોનલ અને છેલ્લે ફાઇનલ સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું છે. અન્ય દેશોની સરખામણીમાં આપણા સ્પર્ધકો પાછળ ના રહે તે માટે સરકારે આ સ્પર્ધા અને વિશેષ તાલીમનું આયોજન હાથ ધર્યું છે. ૨૦૧૯માં રશિયામાં યોજાનારી વર્લ્ડકલાસ કોમ્પીટીશનમાં ભારતીય સ્પર્ધકોના કોચીંગ માટે જવાબદાર વૈશાલી શાહે ભારત માટે આ સ્પર્ધા શા માટે જરૂરી છે તે અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમને ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડયા હતા. આ પ્રસંગે એલટીએના ફાઉન્ડર બિરજુ નાયર પણ હાજર રહ્યા હતા.

Related posts

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા દિયોદર પી.એસ.આઈ. આહીરનું કરાયું સન્માન

editor

ભાવનગર – બાન્દ્રા સ્પેશલ ટ્રેનનું બુકિંગ મંગળવાર અને ભાવનગર-આસનસોલ સ્પેશલ ટ્રેનનું બુકિંગ ગુરૂવારથી શરૂ થશે

editor

એહમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડે તેવી વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1