Aapnu Gujarat
ગુજરાત

૨૩ નવેમ્બરના રોજ પ્રથમ મુહૂર્ત બાદ લગ્નોની ઝાકમઝોળ શરૂ થશે

હિન્દુ ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ શુભ કાર્યો, મુહૂર્તના દિવસો શરૂ થઇ ગયા છે, પરંતુ પાંખા મુહૂર્તને કારણે લગ્નસરાની સિઝન પર માઠી અસર પડી રહી છે. ૩૧ ઓકટોબરના રોજ દેવ ઊઠી એકાદશી બાદ લગ્નસરાની શરૂઆત તો થઇ ગઇ છે, પરંતુ તેના ૨૩ દિવસ બાદ છેક ૨૩ નવેમ્બરના રોજ પ્રથમ મુહૂર્ત બાદ લગ્નોની ઝાકમઝોળ શરૂ થશે. તેમાં પણ ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના ત્રણ માસમાં માત્ર ૮ જ મુહૂર્ત હોય વર અને કન્યા પક્ષની ચિંતામાં વધારો થઇ ગયો છે. નવેમ્બર માસમાં ૨૩, ૨૮ અને ૨૯મીએ માત્ર ત્રણ જ દિવસ મુહૂર્ત મળશે. જયારે ડિસેમ્બરમાં પાંચ મુહૂર્ત બાદ છેક ફેબ્રુઆરીમાં સારા મુહૂર્તની શરૂઆત થશે.જયોતિષશાસ્ત્ર પ્રમાણે સારા લગ્ન મુહૂર્ત માટે અમુક નક્ષત્રો (૧૫ નક્ષત્રો), તિથિ, વાર, ઘટી-પલ, લગ્ન નવમાંશ, યોગનો સંયોગ થાય અને ગુરુ, શુક્ર ઉદિત હોવા, વૃદ્ઘિ કે ક્ષય તિથિ ના હોય, છ માસ દરમિયાન જે નક્ષત્રોમાં ગ્રહણ થયેલ હોય, શનિ, રાહુ, કેતુ મંગળ જેવા ક્રૂર ગ્રહો જે નક્ષત્રોમાં હોય તે પણ લેવામાં આવતા નથી. આવા વિચિત્ર સંયોગને કારણે જ ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનમાં મુહૂર્તનો દુકાળ જોવા મળશે. દર વર્ષે દેવ ઉઠી એકાદશીની ઉજવણી બાદ મુહૂર્તની શરૂઆત સાથે જ શહેરમાં લગ્નોની શહેનાઇ ગૂંજી ઉઠે છે, પરંતુ ચાલુ વર્ષે દેવ ઊઠી એકાદશીના ૨૩ દિવસ બાદ લગ્નના સારા મુહૂર્તની શરૂઆત થવાની હોય હજુ સુધી લગ્નોની ઝાકમઝોળ દેખાઇ નથી. જયોતિષાચાર્યના જણાવ્યા મુજબ, ૩૧ ઓકટોબરથી ૧૦ નવેમ્બર સુધીમાં ગુરુ અસ્ત હતો. એટલે લગ્ન મુહૂર્ત લેવાયા નથી.નક્ષત્ર, તિથિ, સંયોગને કારણે નવેમ્બરમાં ૨૩મીએ પ્રથમ મુહૂર્ત છે. નવેમ્બરમાં ૨૩, ૨૮, ૨૯, ડિસેમ્બરમાં ૩, ૪, ૧૦, ૧૧, ૧૨, ૧૩મીના રોજ સારા મુહૂર્ત છે. ત્યાર બાદ ૧૬ ડિસેમ્બરથી ૫ ફેબ્રુઆરી સુધી શુક્ર અસ્ત હોવાથી એકેય લગ્ન મુહૂર્ત નથી. એટલે કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં માત્ર લગ્નના ૮ જ મુહૂર્ત છે.
ફેબ્રુઆરીમાં સાત, માર્ચમાં છ, એપ્રિલમાં આઠ લગ્ન મુહૂર્ત છે. આ સિવાય ધનાર્ક, મીનાર્ક (સૂર્ય ધન કે મીન રાશીમાં) હોય કે ફાગણ સુદ આઠમથી હોળી સુધી (હોળાષ્ટક) હોવાથી લગ્ન મુહૂર્ત લેવાશે નહીં. વળી, ચાલુ વર્ષે નવ માસ દરમિયાન માત્ર ૪૫ જ મુહૂર્ત હોવાને કારણે વર અને કન્યા પક્ષની ચિંતા વધશે. ઘણા પાર્ટીપ્લોટ, વાડી, હોલના તો હમણાં જ એડવાન્સ બુકિંગ કરી દેવાયા છે.

Related posts

કેશવાનથી ૯૮ લાખની ચોરી કેસમાં બેની કરાયેલ ધરપકડ

aapnugujarat

ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિજ્યા રાહતકર મહાસંપર્ક અભિયાનમાં જોડાયા

aapnugujarat

ખોડિયાર ગૃપના કાંતિભાઈ પટેલની FIA ના પ્રમુખ તરીકે વરણી

editor

Leave a Comment

UA-96247877-1