Aapnu Gujarat
બ્લોગ

‘વાઘ’નું અસ્તિત્વ જ આજે જોખમમાં

છવીસમી જાન્યઆરી, ૧૯૯૬નો દિવસ દેશભરમાં જ્યારે પ્રજાસત્તાક દિવસ ઊજવાઈ રહ્યો હતો ત્યારે દેશની મધ્યમાં આવેલા ચિખલદરા (મહારાષ્ટ્ર) અને પંચમંઢી (મધ્યપ્રદેશ)મા વન્ય વિસ્તારોમાં એક જુદી ઘટના આકાર લઈ રહી હતી. મહારાષ્ટ્રમાં પ્રાકૃતિક સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ, પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક કોરકૂ જાતિના આદિવાસીઓ ‘સાતપૂડા બચાઓ’ અભિયાનમાં ભાગ લેવા એકઠા થયા હતા.આ અભિયાન ‘નિસર્ગ સંરક્ષણ સંસ્થા-અમરાવતીના નેજા હેઠળ યોજવામાં આવ્યું હતું. બંને સ્થળે આંદોલનમાં ભાગ લેનારાઓ ‘જંગલ બચાવો’, ‘વાઘ બચાઓ’ના પાટિયા લઈ ચાર દિવસ વન્ય વિસ્તારો પગપાળા ખૂંદી બેતુલમાં એકઠા થવાના હતા. આ પદયાત્રા દરમ્યાન તેઓ સાતપૂડા ગિરિમાળાની આસપાસ પથરાયેલ જંગલ ક્ષેત્રને સ્પર્શતા વિવિધ પ્રશ્નોનો અભ્યાસ કરવાની સાથોસાથ દેશના સામાન્ય નાગરિકો, પ્રશાસન અને પ્રાચર માધ્યમોનું ધ્યાન દેશની ઘટતી જતી પ્રાકૃતિક સંપત્તિ તરફ દોરવા માગતા હતા. આ કંઈ એકલદોકલ ઘટના નથી. દેશભરમાં ઠેરઠેર આજે આવા આંદોલનો ચાલી રહ્યાં છે પરંતુ અફસોસ કે પ્રસાર માધ્યમોમાં આવી ઘટનાની ખાસ નોંધ નથી લેવાતી.જે દિવસે સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં મુકાયું હતું તે દિવસે જ આંદોલનનો પ્રારંભ થયો તે કેટલું સૂચક છે ! બહુ ઓછા લોકો જાણતા હશે કે આપણું બંધારણ દેશની પ્રાકૃતિક સંપદાનં રક્ષણ કરવાની પૂરી બાંયધરી આપે છે. છતાં ટૂંકા ગાળાના આર્થિક લાભ માટે બંધારણની જોગવાઈઓનો છડેચોક ભંગ કરીને મુઠ્ઠીભર લોકો દેશના અણમોલ ખજાનાને લૂંટી રહ્યા છે. વિધિની કેવી વક્રતા કે હજારો વર્ષોથી જંગલના સામ્રાજ્યમાં જેની આણ વરતાતી હતી તે ‘વાઘ’નું અસ્તિત્વ જ આજે જોખમમાં છે ! વાઘ ! માંજર કુળનું એક ભવ્ય અને ઉમદા પ્રાણી વાઘ. જંગલનો રાજા ! શક્તિ, શૌર્ય, ચતુરાઈ અને જવાંમર્દીનું પ્રતીક ! એક અજેય યોદ્ધો ! ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જેનું આગમન થતાં જ બધે નીરવ સ્તબ્ધતા છવાઈ જાય ! ભલભલા થરથરી ઊઠે ! પરંતુ આજે તે સામ્રાજ્ય અને સમ્રાટ બંનેની હાલત કફોડી છે. પ્રાચીન કાળની એશિયાઈ પ્રજાના ધાર્મિક ગ્રંથોમાં જે આદ્યશક્તિના વાહન તરીકે પૂજનીય અને આદરણીય છે, અશુભ તત્વો પર શુભ તત્વના વિજયના પ્રતીક તરીકે, જે લોકકળાઓ અને લોકકથાઓમાં છવાયેલો રહ્યો છે તે વાઘની વર્તમાન દયનીય સ્થિતિ જોઈ ભલભલાનું મન દ્રવી ઊઠે છે.યુરોપના કાસ્પિયન સમુદ્રની આસપાસના દેશોથી લઈને એશિયાના ભારત, નેપાળ, ભુતાન, મ્યાનમાર, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સુમાત્રા, ચીન અને સાઈબીરિયાનાં જંગલો હજારો વર્ષોથી વાઘની ગર્જનાથી ગાજી ઊઠતાં હતા પરંતુ આજે પૂર્વ યુરોપીય દેશોમાંથી વાઘનું અસ્તિત્વ સંપૂર્ણપણે ભુંસાઈ ગયું છે તો એશિયન દેશોમાં પણ તેની હાલત કફોડી છે. વિશ્વમાં વાઘની કુલ આઠ પ્રજાતિઓ પણ લુપ્ત થવાને આરે છે. ગઈ સદીના અંતમાં ભારતનાં જંગલોમાં વાઘની કુલ વસ્તી દુનિયાની વાઘની વસ્તીના ૬૦ ટકા જેટલી એટલે કે લગભગ ૪૦,૦૦૦ જેટલી હતી પરંતુ ઘટતા જતા વન વિસ્તારોમાં બંદૂક જેવા આધુનિક શસ્ત્રની મદદથી રાજા-મહારાજાઓ તેમ જ બ્રિટિશરોમાં વાઘનો શિકાર કરવાની જાણે કે ફેશન પડી ગઈ !મરદાનગીના પ્રતીક તરીકે તેના ચામડાથી પોતાનાં દીવાનખાનાં શોભાવવાનો એક શિરસ્તો જ બની ગયો. એ જ અરસામાં આધુનિક પશ્ચિમ જીવનશૈલીનો વાયરો એશિયામાં ફૂંકાતાં ઠેરઠેર કારખાનાં ને ઉદ્યોગ ધમધમવા માંડ્યા. વનસંપદા તેમ જ અન્ય કુદરતી તત્વોને પૂજનારી પૌર્વાત્ય સંસ્કૃતિનાં પારંપરીક મૂલ્યોનું સ્થાન આધુનિક વિચારસરણીએ લીધું. આને લીધે વનોનો સંહાર કરતી નગર સંસ્કૃતિનો ઉદય થયો. વધતી જતી વસ્તીના રહેઠાણ, ખોરાક તેમ જ અન્ય જરૂરિયાતો પૂરી પાડવા વધુ ને વધુ જંગલો કપાવા માંડ્યા. આથી વાઘ જેવા પ્રાણીઓની જીવનશૈલીમાં ખલેલ પડવા માંડી.
જંગલમાં અન્ય વન્યજીવોની સંખ્યા ઘટવાથી વાઘને તેનો ખોરાક મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ. આ બધા કારણોને લીધે પરિસ્થિતિ એટલી બધી કથળી ગઈ કે ઈ.સ. ૧૯૭૦માં ભારતમાં ફક્ત ૧૮૦૦ જેટલા વાઘ બચ્યા હતા. આ હકીકતથી પ્રકૃતિપ્રેમીઓ, જીવવૈજ્ઞાનિકો વગેરે ખૂબ આઘાત પામ્યા. તેમણે ભારતમાં નિસર્ગ સંવર્ધન ક્ષેત્રે જાગૃતિ લાવવા વિવિધ સ્તરે જોરદાર પ્રયાસ કર્યા. આમાં કૈસાલ સાંખલા જેવા સમર્પિત પ્રકૃતિપ્રેમી પણ હતા. વળી, ભારતીય ‘વિશ્વ પ્રકૃતિ નિધિ’ જેવી સ્વૈચ્છિક સંસ્થાએ પણ તેમાં મહત્વનું યોગદાન આપ્યું. આવા સંનિષ્ઠ પ્રયાસને કારણે ઈ.સ. ૧૯૭૨માં ‘ભારતીય વન્યજીવન સંરક્ષ કાયદો’ અસ્તિત્વમાં આવ્યો. જેના, અન્વયે ભારતમાં વન્યજીવોનાં શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો.ભારતની નૈસર્ગિક સંપદાની ટોચ પર બિરાજતા ‘વાઘ’ને કેન્દ્રમાં રાખી ‘પ્રોજેક્ટ ટાયગર’ નામનો નિસર્ગ સંરક્ષણ અને સંવર્ધનનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ અમલમાં મૂક્યો. તેમના અંગત રસ અને પ્રોત્સાહનને કારણે દેશના જુદા જુદા ભૌગોલિક પ્રદેશોમાં પથરાયેલ વિવિધ પ્રકારના પ્રાકૃતિક પરિવેશોમાંથી નવ વિસ્તારોને ‘પ્રોજેક્ટ ટાયગર’ હેઠળ આવરી લેવાયા. ખાસ પ્રકારના કાયદા ઘડી આ રક્ષિત વિસિતારોમાં ફક્ત વાઘ જ નહિ પરંતુ અન્ય જીવસષ્ટિનું પણ સંવર્ધન થાય તેવું વ્યવસ્થા તંત્ર રચવામાં આવ્યું. આ કાર્યક્રમને કારણે દેશની ઘટતી જતી અમૂલ્ય જૈવિક વિવિધતાને નવજીવન સાંપડ્યું. આ કાર્યક્રમ પ્રથમ દસકામાં તો ખૂબ સફળાતપૂર્વક ચાલી રહ્યો હતો. પ્રકૃતિપ્રેમીઓને એવી આશા બંધાઈ કે ભારતમાંથી હંમેશને માટે લુપ્ત થઈ ગયેલ ચિત્તા જેવી અવદશા વાઘની નહીં થાય પરંતુ પરિસ્થિતિએ અચાનક અણધાર્યો વળાંક લીધો.ઈન્દિરા ગાંધીના અકાળ અવસાનથી દેશની પ્રાકૃતિક સંપદાનં રક્ષણ કરવામાં અગત્યનો ભાગ ભજવનાર સમક્ષ સમર્થક દેશે ગુમાવ્યો. દેશના ડામાડોળ રાજકીય વાતાવરણમાં રક્ષિત વનવિસ્તારોમાં કંઈક રહસ્યમય પ્રાણઘાતક ઘટનાઓ આકાર લેવા માંડી. વાઘની વસ્તી વધવાને બદલે અચાનક ઘટતી જતી હોવાનું વિશેષજ્ઞોએ અનુભવ્યું.
થોડા વર્ષોનાં ધીરજભર્યા સંશોધનો પછી તેમના ધ્યાનમાં આવ્યું કે, ઈ.સ. ૧૯૮૦માં ચીનનાં જંગલોમાંથી વાઘ હંમેશને માટે લુપ્ત થયા બાદ ચીન, થાલેન્ડ, કોરિયા, યુ.એસ.એ. જેવા દેશોમાં વાઘનાં હાડકામાંથી બનતી પારંપરિક ચીની ઔષધિની માગ અને તેમાંથી મળતા નફાનું પ્રમાણ એટલું વધુ હતું કે તેને સંતોષવા માફિયા ટોળીઓ સક્રિય બની. તેમણે ભારતના જંગલોમાંથી ગેરકાયદેસર વાઘનો શિકાર કરી તેનાં અવયવોને દાણચોરીથી વિદેશ મોકલવાનું ષડ્યંત્ર રચ્યું. ધીરે ધીરે તેમની આ પ્રવૃત્તિ એટલી વધી ગઈ કે ઈ.સ.૧૯૯૪માં ૯૪ અને ૧૯૯૫માં ૧૧૬ વાઘો માનવીની અમર્યાદ લાલસાનો ભોગ બન્યા.
અપૂરતી સુરક્ષાવ્યવસ્થા ધરાવતાં વિશાળ વનોમાં અપૂરતા શસ્ત્રોથી વનરક્ષકો આધુનિક હથિયારોથી સજ્જ માફિયા શિકારીઓનો સામનો કેવી રીતે કરી શકે ? આવી વિષમ પરિસ્થિતિમાં પ્રકૃતિપ્રેમીઓ અને વનરક્ષકો, વનઅધિકારીઓ સામે નવા પડકારો આવીને ઊભા રહ્યા. આ પડકારોનો સામનો કરવા ફેબ્રુઆરી ૧૯૯૪માં નવી દિલ્હીમાં ‘આંતરરાષ્ટ્રીય વાઘ પરિષદ’ ભરવામાં આવી, જેમાં વિશ્વમાં વાધનું અસ્તિત્વ ધરાવતા કુલ ૧૪ દેશોમાંથી ૧૧ દેશોએ દેશોએ ભાગ લઈ ‘વિશ્વ વાઘ સંગઠન’ની રચના કરી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ચીને પણ પારંપરિક ઔષધિ પર પ્રતિબંધ મૂક્યો. છતાં આજે પણ ભારતનાં જંગલોમાં સરેરાશ એક વાઘનો ગેરકાનૂની રીતે શિકાર થઈ રહ્યો છે. આજ ક્રમ જો ચાલુ રહ્યો તો આ સદીના અંત સુધીમાં ભારતની ભૂમિ પરથી વાઘનું અસ્તિત્વ હંમેશને માટે ભંસાઈ જશે. આ કંઈ ટાઢા પહોરના ગપ્પાં નહિ પરંતુ એક નગ્ન સત્ય છે.વસુંધરા દિવસ નિમિત્તે બોલતા દેશના જાણીતા પ્રકૃતિવિદ્‌ વાલ્મિક થાપરે વાઘને બચાવવા પ્રબળ લોકમત કેળવવાની હાકલ કરી તેઓ છેલ્લાં ૨૫ વરસોથી રણથંભોરના જંગલોમાં ફરી, વાઘની નૈસર્ગિક જીવન શૈલીનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ‘રણથંભોર ફાઉન્ડેશન’ દ્વારા વાઘનું સંવર્ધન કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. દેશની વર્તમાન આર્થિક નીતિની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું, ‘આ વિનાશાત્મક નીતિને કારણે ઈ.સ. ૧૯૯૩થી ૧૯૯૬નાં ટૂંકા ગાળામાં દેશે ૮,૦૦૦ ચો. કિ.મી. જેટલો વનવિસ્તાર ગુમાવી દીધો છે. તેને પરિણામે થયેલ દૈવિક વિવિધતા તથા પર્યાવરણીય નુકસાનનો તો કોઈ હિસાબ જ નથી.’
નજીકના ભવિષ્યમાં ભારતના સામાન્ય પ્રજાજનોને અમલદારશાહીની ઝાટકણી કાઢતાં તેમણે જણાવ્યું કે ‘તેઓ દેશમાં પ્રકૃતિ સંવર્ધન માટે અલગ મુકાયેલ નિધિને બિનઉપયોગી બનાવી દેવા સિવાય કશું કામ કરતા નથી.’ વર્તમાન પ્રક્રિયાને સુધારવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો. તેમણે એ પણ જણાવ્યું કે ‘દેશની નૈસર્ગિક સંપદાને બચાવવા સંનિષ્ઠ પહલાં નહિ લેવાય તો દેશ વિનાશની ગર્તમાં ધકેલાઈ જશે. વનો આપણી જળ, જમીન અને શુદ્ધ હવાની જરૂરિયાત પૂરી પાડતા કુદરતી સ્ત્રોતો છે. દેશની નૈસર્ગિકતાને સમજ્યા વગર તેનું મૂલ્ય જાણ્યા વગર ક્યાં સુધી આપણે આયાતી વિચારધારાને વળગી રહીશું ?’ ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. થાપર જેવા પ્રકૃતિપ્રેમીઓ વાઘને બચાવી લેવા શક્ય તેટલું કરી રહ્યા છે. નવી સરકારે નૈસર્ગિક સંપદાને બચાવી લેવા વિશે કોઈ સ્પષ્ટ નીતિ હજી જાહેર કરી નથી. આવા સંજોગોમાં ભારતના સુજ્ઞ નાગરિકો એક વિધાયક કામ જરૂર કરી શકે. દેશના વડા પ્રધાનને ઉદ્દેશીને એક સાદા પોસ્ટકાર્ડમાં દેશના કુદરતી સ્ત્રોતોને બચાવી લેવાની વિનંતી જરૂર કરી શકે. આ નાનકડું કામ દેશના પ્રજાજનોના લાંબા ગાળાના કલ્યાણ માટે જરૂર સકારાત્મક પરિણામ લાવી શકશે એટલું જ નહિ, પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓને તેનાથી મોટું પીઠબળ મળશે.

Related posts

Imran Khan का बेतुका बयान

editor

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપવાનાં મહત્વનાં કારણો

aapnugujarat

नए ISI चीफ हमीद के आतंकी ग्रुपों के प्रति दृष्टिकोण पर रहेगी भारत की नजर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1