Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લા રમત સંકુલના કેમ્પસમાં રમતવીર વિદ્યાર્થીઓ માટે ૨૦૦ રૂમ્સની હોસ્ટેલ બાંધવામાં આવશે : ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્રભાઇ

શહેરના મહદાંશે વાઘોડિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વીમિંગ પુલ સિવાય રમતગમતની સુવિધાઓનો સદંતર અભાવ છે. ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ ખોટને પુરવા દસ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (એસએજી) દ્વારા જિલ્લા રમતગમત સંકુલના ભાગરૂપે બાંધવામાં આવેલા વિવિધ ઇનડોર રમતો માટે સાનુકૂળ મલ્ટીપર્પઝ હોલ અને ટેનિસ કોર્ટનું સોમવારની સાંજે લોકાર્પણ કર્યુ હતું.

તેમણે આ પ્રસંગે જિલ્લા રમત સંકુલના કેમ્પસમાં જ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ સ્કુલની યોજના હેઠળ રમત પ્રશિક્ષણ સાથે શિક્ષણ માટે પસંદ થયેલા પ્રતિભાશાળી રમતવીર વિદ્યાર્થીઓ માટે ૨૦૦ રૂમ્સ ધરાવતી સ્પોર્ટસ સ્ટુડન્ટસ હોસ્ટેલ બનાવવાના એસએજીના આયોજનની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અનિયમિત રીતે સંચાલિત રાજીવ ગાંધી સ્વીમિંગ પુલનું સંચાલન કોર્પોરેશન દ્વારા એસએજીને સોંપવાની ઘોષણા કરવામાં આવી હતી. કેનેડામાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સની ટેકવોન્ડો સ્પર્ધાઓમાં મેડલ જીતનારા ગુજરાતના વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

૨૦૨૦ અને ૨૦૨૪ રોડમેપ હેઠળ ગુજરાત અને ભારત સરકારે ઓલિમ્પિક મેડલ્સ જીતવા સક્ષમ ખેલાડીઓના ઘડતરનું આયોજન કર્યુ તેની રૂપરેખા આપતા ખેલ રાજ્યમંત્રીએ જણાવ્યુ કે રાજ્યના રમતગમત વિભાગે પ્રતિભાશાળી યુવાનોને શ્રેષ્ઠ તાલીમ મળે તે માટે ૧૨૦ કોચીસની ભરતી કરી છે અને પ્રત્યેક કોચને રૂા. ૪૫૦૦૦/- જેટલો માસિક પગાર આપવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રી મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ રમત સુવિધાઓમાં વૃધ્ધિ અને ખેલ મહાકુંભ જેવા આયોજનોને કારણે દેશમાં રમતગમતમાં ૨૮મા સ્થાને રહેલું ગુજરાત તાજેતરના ખેલો ઇન્ડિયા આયોજનમાં સહુથી વધુ મેડલ્સ જીતનારૂ નંબર વન રાજ્ય બન્યુ એવી જાણકારી આપતાં ખેલ રાજ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાત જેવી રમતગમતની અભૂતપૂર્વ માળખાકીય સુવિધાઓના સર્જનનું કામ અન્ય કોઇ રાજ્યમાં થયુ નથી.

જિલ્લા રમત સંકુલથી શહેરના પૂર્વ વિસ્તારમાં વિકાસ અને સુવિધાઓમાં એક નવા આયામનો ઉમેરો થયો છે એવી લાગણી વ્યક્ત કરતા નગરસેવક શૈલેષ મહેતા (સૌટ્ટા) એ જણાવ્યુ કે, આ રમત સંકુલથી આ વિસ્તારના યુવાનોને વિવિધ ઇનડોર અને મેદાની રમતો રમવાની સુવિધા મળશે. તેમણે આ સુવિધા આપવા માટે મુખ્યમંત્રીશ્રી, ખેલ રાજ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવાની સાથે, આ કામ માટેની દરખાસ્તને એસએજીના પૂર્વ નિયામક શ્રી સંદીપ પ્રધાન અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જતીન સોનીના પીઠબળને બિરદાવ્યુ હતું. રાજીવ ગાંધી સ્વીમિંગ પુલ એસએજીને સોંપવાથી સંચાલન સુધરશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

એસએજીના નિયામક શ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યુ હતું કે, રમતગમત વિભાગે દરેક જિલ્લામાં અને પ્રગતિશીલ તાલુકાઓમાં આવા રમત સંકુલો બાંધવાનું આયોજન કર્યુ છે. સહુને આવકારતા જિલ્લા રમત પ્રશિક્ષણ  કેન્દ્રના સિનિયર કોચ શ્રી જયેશ ભાલાવાળાએ જણાવ્યુ હતું કે, નવેમ્બર મહિનાથી રમતપ્રેમીઓને આ સંકુલમાં વિવિધ રમતો રમવાની સુવિધા મળતી થઇ જશે. આ પ્રસંગે નાયબ મેયરશ્રી યોગેશ પટેલ, દીપક શ્રીવાસ્તવ સહિત નગરસેવકો, સ્થાયી અધ્યક્ષા ડૉ. જિગીષા શેઠ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જતીન સોની સહિત પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.           

Related posts

शहर में जल्दी में बने रास्तों की बारिश में होगी परीक्षा

aapnugujarat

શંકરસિંહે કોંગ્રેસ છોડી તેથી કોંગ્રેસમાં શાંતિ ફેલાઇ : અશોક ગહેલોત

aapnugujarat

વર્ષ ૨૦૧પ-૧૬ ના બાકી કામો દિવાળી પહેલા પુર્ણ કરવા પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પટેલની તાકીદ : નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1