Aapnu Gujarat
Uncategorized

સરકાર ખાનગી ટ્રસ્ટ-સંસ્થાના ફાયદાઓ માટે વર્તી શકે નહીં : હાઈકોર્ટ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોયેજ ગામની ગૌચર સહિતની જાહેરહેતુ માટેની જમીન પાણીના ભાવે ખાનગી ટ્રસ્ટને ફાળવી દેવાના જૂનાગઢ જિલ્લા કલેકટરના હુકમ ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ સુપ્રીમકોર્ટના કસ્તુરીલાલ અને રમના શેટ્ટી કેસમાં સુપ્રીમકોર્ટના મહત્વપૂર્ણ ઓર્બ્ઝર્વેશન્સને ટાંકતાં ઠરાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટે તેના ચુકાદાઓ મારફતે સ્પષ્ટ કરી નાંખ્યું છે કે, રાજય સરકાર ખાનગી ટ્રસ્ટ કે સંસ્થાના લાભો માટે રાજયના ખર્ચે વર્તી શકે નહી, સરકારનું આવુું પગલું ગેરકાયદેસર અને જાહેરહિતની વિરૂધ્ધનું કહેવાય. રાજય સરકારનું કોઇપણ પગલું જાહેરહિત માટે હોવું જોઇએ અને તેથી સરકારે જાહેરહિતમાં જ વર્તવું જોઇએ. જો સરકાર જાહેરહિતથી વિપરીત વર્તી હોય તો તેવા સંજોગોમાં સરકારનું પગલું ગેરકાયેદસર ઠરે. હાઇકોર્ટે સ્થાનિક ગ્રામવાસીઓની રિટ અરજી મંજૂર રાખતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સરકાર દ્વારા ખાનગી ટ્રસ્ટને જમીન ફાળવણી સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત ચુકાદાઓથી વિપરીત અને ગેરકાયદેસર હોઇ જૂનાગઢ કલેકટરનો જમીન ફાળવણી કરતો હુકમ રદ કરવામાં આવે છે અને મેટર બંધારણની કલમ-૧૪ સાથે સુસંગત થાય તે પ્રકારે નવેસરથી નિર્ણય લેવા માટે જિલ્લા કલેકટરને ફરી રિમાન્ડ કરવામાં આવે છે. કલેકટરે સમગ્ર મામલામાં રાજય સરકાર સાથે સલાહ મસલત કર્યા બાદ કાયદાનુસાર ત્રણ મહિનામાં યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. માંગરોળ તાલુકાના લોયેજ ગામના સ્થાનિક ગ્રામવાસીઓ તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર અને પંથીલ પી.મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરે તેમના ગામની સર્વે નંબર-૬૯૧ પૈકીની ૧૫,૦૪૦ ચો.મી જેટલી વિશાળ અને કિંમતી જમીન સ્વ.એમ.એ.ચંદેરા શૈક્ષણિક ટ્રસ્ટને તેની શાળા અને અન્ય હેતુ માટે પાણીના ભાવે ફાળવી દીધી હતી, જે નિર્ણય બિલકુલ ગેરકાયદેસર, અયોગ્ય અને બંધારણની કલમ-૧૪ના ભંગ સમાન છે. રાજય સરકારની પૂર્વ પરવાનગી લીધા વિના કલેકટર આ પ્રકારે ખાનગી ટ્રસ્ટને જમીન ફાળવી શકે નહી. એટલું જ નહી, આ જમીનમાં ગામના ઢોર-પશુઓ માટેની ગૌચરની જમીનનો પણ સમાવેશ થાય છે અને ગામ પાસે બીજી કોઇ ગૌચરની જમીન પણ નથી ત્યારે કલેકટરનો જમીન ફાળવણીનો નિર્ણય ગેરકાયદેસર, સુપ્રીમકોર્ટના કસ્તુરી લાલ સહિતના સંબંધિત ચુકાદાઓથી વિપરીત અને અયોગ્ય હોઇ રદબાતલ થવાપાત્ર ઠરે છે. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ઉપરમુજબ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

Related posts

રાજકોટમાં રૂ.૫૦૪ કરોડના વિકાસ કામોને મુખ્યમંત્રી રૂપાણીએ લીલી ઝંડી આપી

aapnugujarat

સાવલીમાં માતા સાથે આડા સંબંધો હોવાની શંકા જતા પુત્રએ યુવાનને પતાવી દીધો

editor

પાકિસ્તાનના ઈશારે કાલુપુર રેવડી બજારમાં દુકાનોમાં આગ લગાવાઈ હતી

editor

Leave a Comment

UA-96247877-1