Aapnu Gujarat
બ્લોગ

મલાલા : સામાન્ય છોકરી,અસામાન્ય વ્યક્તિત્વ

મલાલા. આ નામ સાંભળતાં જ આપણું મોં મલકાઈ જાય. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. મલાલાની અધિકૃત વેબસાઇટ પર મલાલા’ઝ સ્ટોરી પાન ખોલતાં જ તેનું એક સચોટ વાક્ય વાંચવા મળે છે, હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.) મલાલા આ વાક્ય તેને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું, એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં બોલી હતી. આ વક્તવ્યમાં જ તેણે કહેલું, ‘હું પણ એ ૬ કરોડ ૬૦ લાખ બાળાઓમાંની એક છું, જે શિક્ષણથી વંચિત છે.’ જોકે, મલાલાનું સદ્ભાગ્ય (કરોડો બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે ત્યારે સદ્ભાગ્ય જ ગણાય) છે કે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મળ્યું અને તાજા સમાચાર મુજબ તેને વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ચૂક્યો છે. અહેવાલો મુજબ મલાલાએ એ લેવલની પરીક્ષા પાસ કરી છે. હવે તે ઓક્સફર્ડની સૌથી વધારે જાણીતા પીપીઈ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ) વિભાગમાં અધ્યયન કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશે.મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા હવે વિશ્વવિખ્યાત છે. આ એ જ મલાલા છે, જે શિક્ષણ માટે બંદૂકની ગોળીનો પણ સામનો કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ શિક્ષક પિતાના ઘરે જન્મેલી મલાલાને પહેલેથી જ ભણવું ખૂબ જ ગમતું હતું. તે ભણીગણીને ડૉક્ટર થવા માગતી હતી! પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી મલાલાની નિયતિમાં કંઈક જુદું જ લખ્યું હતું.
વર્ષ ૨૦૦૭માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો કરી લીધો અને ખીણમાં જાતજાતના પ્રતિબંધો લાદી દીધા, જેમાંનો એક પ્રતિબંધ કન્યાઓને ભણાવવાનો હતો. આ પ્રતિબંધ મલાલા માટે અન્યાયી જ નહીં, અસહ્ય હતો. બાર વર્ષની બાળા બીજું તો શું કરે, પણ પોતાના પપ્પાના પ્રોત્સાહનથી તેણે બીબીસીમાં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલ મકઈ’ના નામે સ્વાત ખીણમાં તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. મલાલાએ પોતાના શિક્ષણના અધિકાર માટે પણ પ્રતિકાર કર્યો. તેનો બ્લોગ ચર્ચિત બન્યો અને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ મલાલાના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પાકિસ્તાને સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવ્યા. સ્વાતમાં શાળાઓ ફરી ખૂલી અને બાળાઓનું શિક્ષણ શરૂ થયું. ૨૦૧૧માં મલાલાને પાકિસ્તાનનું પહેલું યૂથ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. આ પછી મલાલા તાલિબાનોના હિટ લિસ્ટમાં આવી ગઈ. ૯ ઑક્ટોબર, ૨૦૧૨ના રોજ શાળાએ જઈ રહેલી મલાલા પર ઘાતક હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારવામાં આવી. મલાલા બચી ગઈ અને શિક્ષણ માટે ગોળી ખાનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ.
મલાલાને યુએનની રાજદૂત બનાવવામાં આવી અને વર્ષ ૨૦૧૩માં તેના ૧૬મા જન્મદિવસ નિમિત્તે યુએનમાં તેનું વક્તવ્ય ગોઠવાયું. યુએનમાં ‘ધ રાઇટ ઑફ એજ્યુકેશન ઑફ એવરી ચાઇલ્ડ’ વિષય પરના તેના ભાષણે સમગ્ર વિશ્વમાં ખાસ્સો પ્રભાવ ઊભો કર્યો હતો. વર્ષ ૨૦૧૪માં મલાલાને માત્ર ૧૭ વર્ષની વયે શાંતિનું નોબેલ પારિતોષિત મળ્યું હતું. મલાલાએ સૌથી નાની વયે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો. વર્ષ ૨૦૧૪માં તે ‘પર્સન ઑફ ધ યર’ બની અને ટાઇમના કવર પર ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિની યાદીમાં પણ મલાલાને ટૉપ ફાઇવમાં સ્થાન મળ્યું હતું. ઑગસ્ટ-૨૦૧૪માં તેનાં સંસ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ આવ્યું અને રાતોરાત બેસ્ટસેલર બની ગયું હતું. મલાલા પર એક ડઝનથી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યાં છે.મલાલા દૃઢપણે માને છે કે, ‘દુનિયામાં અનેક સમસ્યાઓ છે, પરંતુ મારા મતે આ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, અને એ છે શિક્ષણ. તમારે તમામ કન્યાઓ અને કુમારોને ભણાવવા પડે. તમારે તેમને શીખવાની તક પૂરી પાડવી પડે.’ એટલું જ નહીં, મલાલા એક એવા દેશનું સપનું જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. મલાલાનું બીજું એક જાણીતું વાક્ય છે, ‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે.’આતંકવાદનો ભોગ બનેલી મલાલા એક સુંદર વાત કરે છે, ‘બંદૂકથી તમે આતંકવાદીઓને જ ઠાર કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો.’ મલાલા એક સુંદર વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’
મલાલાને આટઆટલી પ્રસિદ્ધિ મળવા છતાં તેણે પોતાના શિક્ષણ પરથી ધ્યાન હટાવ્યું નથી. મલાલા ધારે તો હવે તેણે એટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાઈ લીધા છે કે તેણે ભણવાની કોઈ જરૂર નથી, છતાં તે ગંભીરતાથી ભણી રહી છે અને પોતાના પ્રભાવને વધારે પ્રભાવી બનાવી રહી છે.મલાલા અધિકાર માટે અને અન્યાય સામે પ્રતિકારનું પણ પ્રતીક છે ત્યારે તેના એક વાક્ય સાથે જ લેખ પૂરો કરીએ, ‘જ્યારે આખું વિશ્વ મૌન પાળતું હોય ત્યારે એક અવાજ પણ શક્તિશાળી પુરવાર થાય છે.’મલાલા, નામ પડતાં જ એક માસૂમ ચહેરો આંખ આગળ છવાઈ જાય છે. બાળાઓના શિક્ષણ માટે તાલિબાનો સામે બાથ ભીડનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત સમગ્ર વિશ્વની લાડલી બની ગઈ છે. તાલિબાનોની ગોળીથી ઘાયલ થયેલી મલાલા હવે એકદમ સ્વસ્થ છે અને ફરી પોતાની પ્રિય પ્રવૃત્તિ – અભ્યાસમાં લાગી ગઈ છે. મલાલા હવે એક વૈશ્વિક હસ્તી બની ગઈ છે. વિશ્વભરમાં બાળકીઓના શિક્ષણનું પ્રતીક અને પ્રેરણાસ્રોત બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તો મલાલાના જન્મ દિવસને ’મલાલા દિન’ તરીકે ઊજવવાનો નવો સિરસ્તો શરૂ થયો છે. ગત ૧૨ જુલાઈના રોજ ન્યૂ યોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે મલાલાના ૧૬મા જન્મ દિવસની અને પહેલા મલાલા દિનની ઉજવણી કરવામાં આવી. મલાલા દિનની ઉજવણી નિમિત્તે શિક્ષણના માટે યુવા સાહસિક એવોર્ડ, જેને મલાલા એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પણ એનાયત થયો. મલાલા એવોર્ડ એવી સાત બાળાઓને એનાયત કરાયો, જેણે બાળાઓના શિક્ષણ માટે સંઘર્ષ કરેલો છે ને કરી રહી છે. આમ, ૧૨મી જુલાઈએ એક મલાલાની સામે બીજી સાત ’મલાલા’ પેદા થયેલી જોવા મળી!
આપણા દેશ માટે ગૌરવની વાત એ છે કે મલાલા એવોર્ડ મેળવનારી સાત યુવતીઓમાંથી બે તો ભારતીય છે; એક છે, કર્ણાટકની ૨૪ વર્ષીય અશ્વિની આંગડી અને બીજી છે, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાની માત્ર ૧૫ વર્ષની રઝિયા સુલતાન. આ બન્ને યુવતીઓનો શિક્ષણ મેળવવા અને અન્ય બાળાઓને શિક્ષણ અપાવવા માટેનો સંઘર્ષ તો મલાલા કરતાં જૂનો છે, પણ મલાલા એવોર્ડ નિમિત્તે આખા દેશમાં તેમનું નામ જાણીતું થયું છે. આપણે તેમનાં કામથી પણ પરિચિત થવું રહ્યું.
કર્ણાટકના નાનકડા શેષાદ્રીપુરમ્‌ ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી અશ્વિની જન્મથી જ આંખે જોઈ શકતી નહોતી. પરિવાર માટે બોજ સમાન આ બાળાએ પોતે ભણવા માટે પણ ઘરના લોકો સાથે સંઘર્ષ કરવો પડયો અને પછી શાળામાં શિક્ષકો દ્વારા રખાતા ભેદભાવ સામે લડત આપવી પડી. ધોરણ દસ સુધી તો તેણે પ્રજ્ઞાચક્ષુઓ માટેની વિશેષ શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ પછી તે સામાન્ય શાળામાં જ દાખલ થઈ. ભણવામાં ખંતને પ્રતાપે તેણે ધોરણ-૧૨ અને કોલેજમાં સમગ્ર વર્ગખંડમાં સારા ગુણો સાથે ટોચનો ક્રમાંક મેળવ્યો હતો. હાલ તો તે એક આઈટી કંપનીમાં નોકરી કરે છે, પણ નોકરીમાં ઠરીઠામ થવાને બદલે તેણે પોતાના જેવાં વિકલાંગ બાળકોના શિક્ષણ માટે સંઘર્ષ આદર્યો છે. બેંગલુરુમાં કાર્યરત લિયોનાર્ડ ચેસાયર ડિસેબિલિટી નામની એનજીઓ સાથે સંકળાઈને વિકલાંગ બાળકોના શિક્ષણના અધિકાર માટે ઝુંબેશ ચલાવી રહી છે. અશ્વિનીને દર મહિને એક હજાર રૂપિયા વિકલાંગ સહાય સ્વરૂપે મળે છે, જેને તે પોતાના જેવાં વિકલાંગ બાળકોના અભ્યાસ માટે ખર્ચી નાખે છે. અશ્વિની પોતાના જેવાં બાળકોના શિક્ષણ માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દેવા પ્રતિબદ્ધ છે.
મલાલા એવોર્ડ મેળવનાર બીજી તરુણી છે રઝિયા સુલતાન. મેરઠ જિલ્લાના નાંગ્લાખુંબા ગામની આ દીકરીને નામ તો સામ્રાજ્ઞીનું મળ્યું છે, પણ નસીબમાં બાળમજૂરી લખી હતી. જો કે, નસીબ સામે ઝૂકી જાય તે રઝિયા શાની! માત્ર ચાર વર્ષની વયથી પોતાના ગામની અન્ય બાળાઓની સાથે તે ફૂટબોલ સીવવાની મજૂરી કરવા લાગી હતી.
જો કે, એક એનજીઓના પ્રતાપે તેને બાળમજૂરીમાંથી છૂટીને ભણવાની તક મળી. પોતે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેને શિક્ષણનું ખરું મહત્ત્વ સમજાયું અને તેણે પોતાના જેવા બાળમજૂરોને કામેથી છોડાવીને શાળામાં ભણવા બેસાડવાનો યજ્ઞા આદર્યો. રઝિયા ૧૧ ધોરણ સુધી ભણી છે, પણ શિક્ષણ પ્રત્યેની લગનીને કારણે પોતાના જેવી ૪૮ બાળકીઓને બાળમજૂરીમાંથી છોડાવીને શાળાએ ભણતી કરી છે. હાલ તે પોતાના વિસ્તારમાં તેમ જ અન્ય રાજ્યોમાં પણ જઈને ઘરે ઘરે ફરીને પોતાનાં બાળકોને મજૂરીએ નહીં મોકલવા, પણ ભણવા બેસાડવા માટે સમજાવી રહી છે.
એવોર્ડ મેળવનાર અન્ય પાંચ વિદેશી તરુણીઓમાં એક પાકિસ્તાનની ૧૫ વર્ષીય બાળા સાઝિયા છે, જે મલાલાની બહેનપણી છે. બીજી મોરક્કોની માત્ર ૧૨ વર્ષની રાઓઇઆ છે, જેણે પોતાને ભણવાનું છોડીને લગ્ન કરવા માટે છોકરાઓ જોવાની સલાહ આપનાર શિક્ષણ મંત્રીને ’માઇન્ડ યોર બિઝનેસ’ કહી દેવાની હિંમત દાખવી હતી. ત્રીજી બાંગ્લાદેશની ૧૮ વર્ષીય કેશોબ છે, જેણે બાળલગ્ન સામે સંઘર્ષ આદર્યો છે. ચોથી સિએરા લિયોનની ૨૦ વર્ષીય યુવતી અમિનતા છે, જે દેશની ડામાડોળ સ્થિતિમાં પણ બાળકોના શિક્ષણ માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. પાંચમું નામ નેપાળની ૨૨ વર્ષીય ઊર્મિલા છે, જેની સ્ટોરી સૌથી સાહસિક છે. માત્ર છ વર્ષની વયે માતા-પિતા દ્વારા ઘર-નોકરાણી (કમલારી) તરીકે વેચી દેવાયેલી ઊર્મિલા બાર બાર વર્ષ સુધી નોકરડી તરીકે સબડયા પછી તેણે ’કમલારી ગર્લ્સ ફોરમ’ની સ્થાપના કરી તેની સામે અવાજ ઉઠાવ્યો છે. મલાલા જેવી દીવા સમી દીકરીઓ છે ત્યાં સુધી અંધારું છવાવાનું નથી!

Related posts

મોદીનો કરિશ્મા હજી ઝંખવાયો નથી…..

aapnugujarat

ક્રાંતિકારી નિર્ણય : નોટંબંધીને બે વર્ષ પૂર્ણ થયાં

aapnugujarat

ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને ગણવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1