Aapnu Gujarat
બ્લોગ

ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને ગણવા

બળાત્કારના આરોપીને ઝડપી પાડવા માટે આપણેં ઇન્ડિયા ગેટ પર ફ્લેગ માર્ચ કાઢીએ છે અને બીજી તરફ બળાત્કારના આરોપીને જ્યારે કોર્ટ ગુનેગાર ઠેરવે ત્યારે દેશ સળગાવીએ છે. કારણ કે જે આરોપીને કોર્ટે સાંયોગીક પુરાવાઓના આધારે કસુરવાર ઠેરવ્યો છે એ એક પંથ કે સંપ્રદાયનો વડો છે. તેના લાખો અનુયાઇઓ છે અને તેની પાસે મની તેમજ મસલ્સ પાવર છે. આ છે આપણું ભારત…આ છે આપણો ધર્મનો વારસો… આ છે બાબાઓની આંધળી ભક્તિ… ડેરા સચ્ચા સૌદાના અનુયાઇઓએ ભૂતકાળમાં પણ પંજાબ હરિયાણામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા હતા.ધર્મ… જો કે અહીં મુદ્દો ધર્મ કરતા વધુ અધર્મ નો છે શ્રદ્ધા કરતા વધુ અંધશ્રદ્ધાનો છે. હા મારે વાત કરવી છે રામ-રહીમના નામને અભડાવતા એ શખ્સ વિશે.પોતાની જાતને સમાજ સુધારક ,ઇશ્વર ના દરબાર સુધી પહોંચાડી એના દર્શન કરાવનાર, સાક્ષાત્કાર કરાવનાર એ પોતે ઇશ્વર નો અવતાર જ છે એવું માને છે આ વ્યક્તિ ધર્મ અને ઇશ્વરના નામેં માત્ર પ્રસિદ્ધિ પામવાનો ચાહક છે. જો કે આટલા વર્ષોથી પ્રજાને છેતરતો, ફિલ્મો અને સંગીતમાં હાથ અજમાવી છેલ્લે બળાત્કાર જેવો જઘન્ય અપરાધ કરવાની ’કળા’ કરીને સાધુના સ્વાંગ માં છુપાયેલા શેતાન ના કોઈ પણ પરાક્રમ આજે છાના નથી. સત્ય ભોં માં ભંડારો તો પણ સામે આવે જ છે કદાચ મોડું આવે એ બને પણ છૂપું ન રહે. અફસોસની વાત એ છે કે આટલી મોટી છેતરપિંડી, આટલો ઢોંગ અને સમાજને છેતરવા ધર્મના નામે લડાવી મારનાર આવી વ્યક્તિના મલિન ઇરાદાને પોષનાર આપણા સમાજમાં અગણિત લોકો છે.આપણે વિદેશથી ખતરાની વાતો કરીએ છીએ પણ દેશના ખતરાઓને પોષીએ છીએ.અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉકરડે હોય તો પણ ચમકે છે અને આવા રામ-રહીમ જેવાઓ જાતને ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને ઉદ્ધારકના ઢોળ વડે ઢાંકે છે પણ જ્યારે ઢોળ ઉતરે છે ત્યારે એ રહી સહી સારપ પણ ખોઈ નાખે છે.લોકો ને ધર્મના નામે છેતરવા, પ્રચાર કરવા અને સાધુ બનવા તરફ વાળવા…અને પછી એનો ભરપૂર લાભ લઇ દેશમાં તમામ પ્રકારના દુષણો ફેલાવવા આવી નીતિના માણસો ની ઓળખ થાય ત્યારે કેટલું મોડું થઈ ગયું હોય છે એ આપણે અવારનવાર જોઈએ છીએ.આપણે અંગ્રેજી ભણતર, ઉચ્ચ જીવનધોરણ કે આધુનિક સવલતોની જરૂર નથી.. જરૂર છે એવા જ્ઞાનની જે આવા સાધુના રૂપે સંતાયેલા શેતાન અને ધર્મના નામે ઘતીંગ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરનારા કીડાને પારખે અને એનો સત્વરે નાશ કરે.ધર્મ એટલે માનવતા… આ સિવાય કંઈ નહીં.. સમાજ માં રહીને સર્વે જવાબદારીઓ નિભાવતા નિભાવતા જે સચવાય , જે ત્યાગી શકાય એજ ધર્મ… ે કામચોરી,નાની ઉંમરમાં ખ્યાતિ પામવું, કાઈ કર્યા વગર માત્ર વિલાસી જીવન જીવવું…આવા વિચારે નાની ઉંમરમાં ધર્મ તરફ વળી અનુયાયીઓ સાથે મંદિર કે મઠમાં બેસી જનારા નું આખરી ધ્યેય આ જ હોય. દારૂ, જુગાર, ચરસ, ગાંજા અને બળાત્કાર… આ બધું જ કરીને છેલ્લી પાટલીએ બેઠેલા આવા લોકો માટે આજે એમના અનુયાયીઓ ખૂન ખરાબા પાર ઉતરી આવ્યા છે. કોઈ સમજાવશે કે આ કેવો ધર્મ?સમાજને ધર્મના પ્રચારની જરૂર જ નથી .સમાજના કહેવાતા સાધુઓ ભગવો લજવે છે એ દેશનું સૌથી મોટું પતન છે. જે ભગવા માટે કેટલાય યુવાનો એ શહીદી વહોરી એ ભગવો આમ સરેઆમ તારતાર થઈ રહ્યો છે.આજે નહિ જાગીએ તો પતન નક્કી છે.. આ પતન માનવ જાતનું છે, ધર્મનું છે, નીતિમત્તા અને સંસ્કારનું છે. જીવનમાં અપનાવવા લાયક કોઈ ધર્મ હોય તો એ માનવતા છે.આંધળા અનુયાયીઓ અને આજના યુવાનો ને એક જ અપીલ કે જેટલી ખુમારીરામ-રહીમ જેવા વ્યભિચારીને બચાવવા માટે બતાવો છો એટલી જ જો દેશની રક્ષા માટે સરહદ પર જઈને કે શહિદ થનાર ના પરિવારને મદદ કરીને બતાવશો તો એ સૌથી મોટો ધર્મ છે. અંતે…’’રામ-રહીમ એક છે’’ એ સમજાવવાના નામે ઉઘાડો પડેલો આ ઢોંગી આપણા ઇશ્વરના નામ ને ય લાયક નથી.એક સાધ્વી પર બળાત્કારના કિસ્સામાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષિત જાહેર કરાયા છે. આ કેસ ૧૫ વર્ષ જૂનો છે. પીડિતાએ તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને મોકલેલા પત્રમાં લખ્યું હતું કે રામ રહીમે તેને રાત્રે પોતાની ગુફામાં બોલાવી હતી. ૧૦૦ એકરમાં ફેલાયેલા ગુરમીત રામ રહીમ સિંહના આશ્રમની વચ્ચે કાચનું એક ભવન છે, જેને રામ રહીમની ગુફા કહે છે. ગુફામાં જવા માટે બે-ત્રણ દરવાજા છે. જ્યાં સુધી બાબાની કાર સીધી જ પહોંચે છે.
ગુફા સુધીના રસ્તામાં દરેક જગ્યાએ સાદા વસ્ત્રોમાં કે કમાન્ડોની જેમ બંદૂક સાથે લોકો તૈનાત હોય છે. રામ રહીમની ગુફામાં શાનદાર સોફા અને ચમકીલા પડદાવાળો હોલ છે. અહીં તૈનાત કરવા માટે ૨૦૯ શિષ્યાઓની ખાસ પસંદગી થાય છે. અનેક દેશોમાં સીધી વાત કરવા માટે હોટલાઈન પણ છે. ગુફામાં એશઆરામની તમામ ચીજો હાજર છે. આશ્રમમાં જ બે પેટ્રોલ પંપ છે તો શાકભાજીથી લઈને અનાજ પણ આશ્રમમાં જ ઉગાડાય છે. એક કૂવા જેવડું વિશાળ વોશિંગ મશીન છે.આ એક્શન પેક ફિલ્મના હીરો જેવા બાબા રામ રહીમે ટ્‌વીટર પ્રોફાઈલમાં ખુદને આધ્યાત્મિક સંત, દાનવીર, ઉત્તમ ગાયક, ઓલરાઉન્ડર ખેલાડી, ફિલ્મ ડિરેક્ટર, એક્ટર, આર્ટ ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, રાઈટર, ગીતકાર, ઓટોબાયોગ્રાફર જેવી ઉપાધિ આપી છે.
ટીલાંટપકાં-માળા-કામળી-ભગવાં વસ્ત્રો, આ બધી ફેન્સી ડ્રેસની આઇટેમ ભારતીય જનમાનસની દુઃખતી નસ છે. તેમાંથી કોઇ એક કે વઘુ ચીજ ધારણને જોઇને સરેરાશ ભારતીયના હાથ આપોઆપ જોડાઇ જાય છે અને માથું સહેજ ઝૂકી જાય છે. સામેની વ્યક્તિનો દેખાવ જેટલો પ્રભાવશાળી, એટલાં શ્રદ્ધાળુનાં શારીરિક-માનસિક ઉચ્ચાલનો લપટાં અને પગમાં પડી જવાની વૃત્તિ પ્રબળ.સ્વામી આનંદના ગજથી માપતાં, આજના કેટલા બાવા-બાપુ-ગુરૂઓને ‘સાઘુ’ કહી શકાય?જૂના વખત સન્યાસીઓ જ્યારે માથું મુંડાવી નાખતા હતા, અને મુંડાઓ સન્યાસી તરીકે ચરી ખાતા હતા ત્યારે એક કહેવત પ્રચલિત હતીઃ ‘સિર મુંડનમેં તીન ગુન, સરકી જાવે ખાજ (ખંજવાળ)/ ખાને કો લડ્ડુ મિલે, લોગ કહેં મહારાજ’. હવેના જમાનામાં દાઢી માટે આવી કોઇ કહેવત કરવાની જરૂર હોય એવું લાગે છે. લાંબી દાઢી પવિત્રતાના મેક-અપનો આવશ્યક હિસ્સો ગણાય છે. અનુયાયીઓની વિવેકબુદ્ધિ પર જાણે લાંબી દાઢી પથરાઇ જાય છે.આમ પણ કેટલા અનુયાયીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે કે આઘ્યાત્મિક કારણોસર બાવાબાપુઓ પાસે જાય છે? મોટા ભાગના લોકો ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અને એ સુખો મળી ચૂક્યાં હોય તો એ ટકી રહે એના માટે અને એ ટક્યાં હોય તો તેમાંથી ઊભા થયેલા બીજા પ્રશ્નોથી દુઃખી થઇને કહેવાતા આઘ્યાત્મિક ગુરૂઓના શરણે જાય છે. સેક્સોલોજિસ્ટની જેમ આઘ્યાત્મિક ગુરૂ બનવા માટે કોઇ ડીગ્રીની, અભ્યાસની કે જ્ઞાનની જરૂર નથી. ઝુકતી દુનિયાને ઝુકાવવાનો નફ્ફટ જુસ્સો હોવો આવશ્યક છે. બન્ને વચ્ચે મોટો ફરક એ છે કે સેક્સોલોજિસ્ટને ‘બોગસ’ વિશેષણનો અને પોલીસની તપાસનો હંમેશાં ડર રહે છે, જ્યારે બોગસ બાવાઓને આવી કોઇ ચિંતા હોતી નથી.એક વ્યક્તિના જોરે, તેની આવડત-નફ્ફટાઇ-ગુંડાગીરી-પ્રભાવ અને વિશ્વાસુ સાગરીતોની મદદથી એક પંથ, સંપ્રદાય, ગુરૂ કે ફિરકાનું સામ્રાજ્ય ઊભું થઇ શકે છે. પણ તેને ધમધમતું રાખવા માટે અનેક પાયાની જરૂર પડે છે. વગદાર અનુયાયીઓ એ ભૂમિકા ભજવે છે. બહારથી જોતાં બન્ને વચ્ચે ગુરૂ-અનુયાયીનો સંબંધ હોય એવું લાગે, પણ હકીકતમાં બન્ને પક્ષ પોતપોતાનાં સ્થાપિત હિતો આગળ ધપાવે છે. સામાજિક પ્રભાવ ધરાવતા ગુરૂ વગદાર-પૈસાપાત્ર અનુયાયીઓને હાથમાં રાખે છે અને એ અનુયાયીઓ ગુરૂને હાથમાં રાખે છે. બન્ને પોતાના સ્વાર્થ માટે બીજાને રમાડે છે, પણ સરવાળે બન્નેનો સ્વાર્થ સધાતો હોવાથી કોઇ પક્ષે ફરિયાદ નથી.કેટલાક ધનિક ભક્તો સ્થાપિત હિતને બદલે ‘સંસ્કાર’ની કે સ્ટેટસની કમી પૂરી કરવા માટે આઘ્યાત્મિક ક્લબોમાં જોડાય છે. આ સમીકરણમાં સામાન્ય, ગરીબ કે મઘ્યમ વર્ગના અનુયાયીનું સ્થાન ક્યાં? સીધી વાત છેઃ બાવાજીઓના બિઝનેસમાં સામાન્ય અનુયાયીનું મહત્ત્વ ફક્ત સંખ્યાત્મક છે. એ ન હોય ત્યાં સુધી બાવાજીનો ધંધો ન ચાલે, પણ એ આવી જાય એટલે તેનું સ્થાન ટોળામાં જ રહે છે. તેણે દૂરથી બાવાજીનાં દર્શન કરીને ધન્ય થવાનું. મહેનત વગરની, અણહકની અઢળક સંપત્તિ મળે, રૂપિયા, જમીનો, મકાનો, નેતાઓ સાથે નિકટતા, અફસરો સાથે સંબંધ- આ બધાને કારણે ગુરૂના મનમાં એવી રાઇ ભરાય છે કે તે કાયદાથી પર છે. તેમનું કોઇ કશું બગાડી શકે એમ નથી. સામાન્ય અનુયાયીઓમાં એટલી હિંમત કે શક્તિ નથી અને ખાસ અનુયાયીઓ પોતાનાં સ્થાપિત હિત જાળવવા બગાવત કરે એમ નથી. તેમ છતાં, કોઇ આધુંપાછું થાય તો પોલીસ-વહીવટી તંત્ર અને સરકાર આપણાં જ છે. આવી માન્યતા તે ધરાવતા થાય છે. અફસોસની વાત એ છે કે દુષ્ટ ગુરૂઓ સામે સોપો પડી જાય એવી કાર્યવાહી થવાને બદલે, તેમની માન્યતાઓ સાચી ઠરે એવી ઘટનાઓ વધારે બને છે.સ્વાઘ્યાય પરિવારનો કિસ્સો બહુ જૂનો નથી. એક પક્ષમાં ‘સૈદ્ધાંતિક મતભેદ’ની ઓથે સત્તાની સાઠમારીમાંથી બે તડાં પડે, અસંતુષ્ટોનું એક જૂથ જુદું પડે, અસંતુષ્ટોના બોલકા આગેવાનની ધોળે દહાડે હત્યા થઇ જાય અને છતાં સરકારની શીળી છાયા તળે આરોપીઓ પોતાના અનુયાયીબળના જોરે, ‘આઘ્યાત્મિક’ દબદબા સાથે બહાર ફરતા રહે- રાજકારણ સહિત બીજા કોઇ પણ ખરાબ ગણાતા ક્ષેત્રમાં આનાથી વઘુ ખરાબ બીજું શું થઇ શકે? આઘ્યાત્મિકતાનો છૂટક અને જથ્થાબંધ ધંધો કરતા સ્ત્રી અને પુરૂષ ગુરૂઓ રાજકારણમાં આવે, તો તેમને આશ્રય આપનારા નેતાઓ જ તેમનાં કરતૂત ઉઘાડાં પાડી બતાવે. પણ ગુરૂઓમાં એટલી સ્વાર્થબુદ્ધિ સાબૂત હોય છે. તે પોતે કદી રાજકારણમાં જતા નથી. એટલે રાજકારણીઓ તેમની સાથે સ્પર્ધાભાવ અનુભવતા નથી અને વોટબેન્કનો ફાયદો મેળવવા માટે, બઘું જાણીને પણ કહેવાતા ગુરૂઓને છાવર્યા કરે છે.વેલેન્ટાઇન ડેની ઉજવણીથી માંડીને દેવીદેવતાઓનાં ચિત્ર બાબતે ઘણા લોકોની લાગણી દુભાય છે અને એ લોકો તોડફોડ પર ઉતરી આવે છે. હિંદુત્વના આ સગવડીયા રખેવાળોની લાગણીનું બાવા-બાપુઓ-બહેનોનાં કૌભાંડો બહાર આવે ત્યારે શું થાય છે, એ જાણવા મળતું નથી. હિંદુ ધર્મની ખરી બદનામી કોઇ વિદ્યાર્થીએ દોરેલા એકાદ ચિત્રથી વધારે થાય કે હિંદુ ધર્મની ઓથે ગોરખધંધા કરનારા બાવાઓથી?પરંતુ લાગણી દુભાવવાની બૂમો પાડનારાઓનાં પણ સ્થાપિત હિત હોય છે. હિંદુ અને બીજા ધર્મીઓ વચ્ચેની ખાઇ વધવાની હોય તો જ તેમને લાગણી દુભાવવાની મઝા આવે છે. પણ ગુરૂકુળોમાં ખૂનખરાબા થાય, આશ્રમોમાં લોકોને ગોંધી રખાય કે તેમની હત્યા થાય, બાવાઓ હરીફોનાં અપહરણો કરાવે, બાવાઓનાં બે જૂથ વચ્ચેની અથડામણને કારણે ગામમાં કરફ્યુ નખાય…આવા અસંખ્યા બનાવ બન્યા પછી પણ લાગણીશૂરાઓની લાગણી કેમ દુભાતી નથી? હિંદુ ધર્મને આગળ ધરીને, લોકોની માનસિક નબળાઇને ગેરફાયદો ઉઠાવીને પોતાની શારીરિક-માનસિક-આર્થિક વાસનાઓ સંતોષતા ધર્મગુરુઓ જે કરે છે, તે હિંદુ ધર્મનું હળહળતું અપમાન નથી?
બાવાઓનો પાપાચાર હદ વટાવી જાય ત્યારે થોડા અનુયાયીઓનો હૃદયભંગ થાય છે. બનાવટી બાવાઓ અને તેમના ધંધા પ્રત્યે થોડા અનુયાયીઓના મનમાં વૈરાગ્ય જાગે છે, જે ઘણુંખરૂં સ્મશાનવૈરાગ્ય સાબીત થાય છે. બાકીના અનુયાયીઓની આંખ પોતાનાં હિત ન જોખમાય ત્યાં સુધી ઉઘડતી નથી- અને આંખ ઉઘડે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.
અભેદ્ય ગઢમાં ફેરવાઇ ગયેલા અનિષ્ટોના અડ્ડા જેવા આશ્રમોને સરકારી કાર્યવાહી દ્વારા કંપનીમાં ફેરવી નાખવામાં આવે, તેના હિસાબકિતાબ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે, તેના દરવાજા બહારની તટસ્થ તપાસ માટે ખુલ્લા રહે અને અનુયાયીઓને સવાલો પૂછવાની સત્તા મળે તો સ્થિતિમાં સુધારો થવાની આશા રાખી શકાય. બાકી, બાબા રામરહીમ આશ્રમના વિવાદથી આઘ્યાત્મિક ક્ષેત્રનાં કૌભાંડોની લાંબી યાદીમાં વઘુ એક કૌભાંડના ઉમેરા સિવાય બીજો કશો ફરક પડવાનો નથી.

Related posts

સ્કૂલોમાં હાલ રિવેંજ પોર્નનો શિકાર બાળકો થઇ રહ્યા છે : રિપોર્ટમાં ધડાકો

aapnugujarat

લોકજીવનનું રંગોત્સવ પર્વ : હોળી-ધુળેટી

aapnugujarat

गांधीजी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1