Aapnu Gujarat
બ્લોગ

ક્રાંતિકારી નિર્ણય : નોટંબંધીને બે વર્ષ પૂર્ણ થયાં

વડાપ્રધાન મોદીએ બે વર્ષ પહેલાં નોટબંધી જાહેર કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.વડાપ્રધાને રાત્રે આઠ વાગ્યે આપેલા ભાષણમાં કહ્યું હતું કે રાત્રે બાર વાગ્યાથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં.આ પગલાનો વિરોધ થયો ત્યારે વડાપ્રધાન મોદીએ કહેલું, ભાઈઓ અને બહેનો, મેં દેશ પાસે માત્ર ૫૦ દિવસ માગ્યા છે. ૫૦ દિવસ. મને ૩૦ ડિસેમ્બર સુધી તક આપો મારા ભાઈઓ બહેનો.
જો ૩૦ ડિસેમ્બર બાદ કોઈ સમસ્યા થાય, મારો બદઇરાદો નીકળે તો મને ચાર રસ્તે ઊભો રાખીને જે સજા આપશો તે ભોગવી લઈશ.દેશને આંચકો આપનારા આ પગલાને વડા પ્રધાને કાળા ધન વિરુદ્ધની લડત ગણાવી હતી.પીએમ મોદીએ આ પગલાને ઉગ્રવાદ અને આતંકવાદના ફન્ડિંગ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી.કૅશલૅસ અર્થવ્યવસ્થા અને ડિજિટલ સમાજની દિશામાં નોટબંધીને મોદીએ એક મોટું પગલું ગણાવ્યું હતું.બે વર્ષ બાદ મોદી સરકારના દાવા મુજબ, નોટબંધી લાદવાના તેમના તમામ હેતુ પરિપૂર્ણ થયા છે.નાણા મંત્રી જેટલીએ ગત વર્ષે કહ્યું હતું, અર્થતંત્રમાંથી રૂપિયા ૫૦૦/૧૦૦૦ ની નોટ રદ થવાથી ટૅક્સ નેટમાં વધારો થયો છે અને વિકાસ દરમાં પ્રગતિ થઈ છે.ગત વર્ષે જ આરબીઆઈએ જાહેરાત કરી હતી કે ૯૯.૩ ટકા નોટ સિસ્ટમમાં પરત આવી ગઈ છે.રિઝર્વ બૅન્ક મુજબ, નોટબંધી વખતે રૂપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની ૧૫ લાખ ૪૧ હજાર કરોડ રૂપિયાની નોટ દેશના ચલણમાં હતી.
આ નોટમાંથી ૧૫ લાખ ૩૧ હજાર કરોડનું ચલણ સિસ્ટમમાં પરત પહોંચ્યું છે. એટલે કે ૧૦ હજાર કરોડ રૂપિયા જેટલી નોટ સિસ્ટમમાં પરત આવી શકી નથી.હજુ તો ભુતાન અને નેપાળથી આવેલા ચલણની ગણતરી બાકી છે.એનો અર્થ એવો થયો કે લોકો પાસે રોકડ સ્વરૂપે કાળુંનાણું નહિવત્‌ હતું.આર્થિક બાબતોના નિષ્ણાત પ્રિય રંજન ડૅશે જણાવ્યું હતું કે લોકો કાળુંનાણું ઘરમાં રોકડ સ્વરૂપે રાખે છે આવું વિચારવું મૂર્ખામી ભર્યું છે.ડૅશના મતે કાળાનાણાથી કમાયેલી રકમ જમીન મિલકતમાં રોકવામાં આવે છે. તેઓ ભારપૂર્વક કહે છે નોટબંધી નિષ્ફળ ગઈ.ડૅશ કહે છે, નોટબંધી સરકારનું કાળુંકારનામું હતું જેના પગલે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે.નોટબંધીના પગલે સ્થાનિક ઉત્પાદનમાં ૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો ૩.૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે.ઇકૉનૉમિક્સ ટાઇમ્સના સંપાદક ટી. કે અરુણના મતે નોટબંધી આર્થિક અસફળતા અને રાજકીય સફળતા હતી.તેમણે કહ્યું,નોટબંધીનો ખરો ઉદ્દેશ પ્રજાને એવો સંદેશ આપવાનો હતો કે ભાજપ ખાલી વેપારીઓનો પક્ષ નથી.ભાજપ સામાન્ય પ્રજાનો પક્ષ છે અને સરકાર કાળાનાણાને સમાપ્ત કરવા માગે છે.પ્રજાએ આ સંદેશ સ્વીકાર્યો હતો એટલે જ લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહીને લોકોએ સરકારને સહયોગ આપ્યો હતો.ટી.કે.અરુણ માને છે કે અનેક નિષ્ણાતો નોટબંધીને મોદીની મૂર્ખામી ગણાવે છે પરંતુ તેમના મતે આ રાજકીય માસ્ટર સ્ટ્રોક હતો.તેમણે કહ્યું,મોદી નહીં સામાન્ય પ્રજા મૂર્ખ છે. સરકારે પ્રજાની મૂર્ખામીનો ફાયદો લીધો.સરકારને રાજકીય નફો થયો પરંતુ આર્થિક રીતે નુકસાની થઈ.
પ્રિયંરજન ડૅશે સહમતિ દર્શાવતા કહ્યું, અર્થવ્યવસ્થા પરની સર્જિકલ સ્ટ્રાઇક ખૂબ જ મોટા રાજ્ય (ઉત્તર પ્રદેશ)ની ચૂંટણી પહેલાં થઈ હતી.નોટબંધીનો આ મુખ્ય ઉદ્દેશ્ય હતો.કૉંગ્રેસ પાર્ટીના જણાવ્યા મુજબ, નોટબંધી ’મોદી-નિર્મિત આફત’ હતી.કૉંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારને કાળુંનાણું ન મળ્યું કારણ કે ૯૯ ટકા નોટ રિઝર્વ બૅન્કમાં પરત પહોંચી ગઈ.કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું,જે લોકો નોટ જમા કરાવવા માટે સક્ષમ નહોતા તેમની પાસેથી ૪ લાખ કરોડનો લાભ મેળવવાની વડા પ્રધાનની અપેક્ષા હતી.પરંતુ નોટબંધીની નુકસાની એ થઈ કે નવી નોટ છાપવા માટે પ્રજાના ટૅક્સના પૈસામાંથી ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો વ્યય થયો.પ્રિય રંજન ડૅશ કહે છે કે વિતેલા દિવસોમાં મોદી સરકારે આરબીઆઈ પાસે રૂપિયા ૩.૬૧ લાખ કરોડની માગણી કરી તે નોટબંધીની નિષ્ફળતાનું ઉદાહરણ છે.તેમણે કહ્યુ,નોટબંધી લાદીને સરાકર ૩ અથવા ૩.૫ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડવા માગતી હતી.આ આયોજન નિષ્ફળ રહેતા સરકાર બૅન્કોને મદદ કરવાના નામે આરબીઆઈ પાસે ૩.૫ લાખ કરોડની માગણી કરી રહી છે.ટી.કે. અરુણ કહે છે નોટબંધીને આરબીઆઈની સ્વાયત્તતા સાથે કોઈ સંબંધ નથી.
તેમણે કહ્યું,મુખ્ય આર્થિક સલાહકાર અરુણ સુબ્રમણ્યમે નોટબંધી પહેલાં જ પોતાના સંશોધનમાં લખ્યું હતું કે વિશ્વની અન્ય રિઝર્વ બૅન્કોની સરખામણીમાં આરબીઆઈ પાસે જરૂરિયાત કરતાં વધુ રકમ છે.આ રકમ સરકારને ટ્રાન્સફર થઈ શકે છે, જેના વડે સરકાર સારું કામ કરે.આરબીઆઈએ સરકારને પૈસા આપવા જોઈએ કે નહીં તે અંગે જાણકારો સંપૂર્ણપણે સહમત નથી.જોકે, જાણકારોના મતે આ યુદ્ધમાં વહેલીતકે આરબીઆઈ ઝૂકી જશે.ડૅશના મતે અંતે આરબીઆઈએ નાણાં ધીરવા પડશે.તેમના મતે આરબીઆઈ જેવી સંસ્થાની સ્વાયત્તતા જળવાવી જોઈએ.જોકે, સરકારે નોટબંધી વખતે આરબીઆઈની સલાહ લીધી નહોતી જે સાબીત કરે છે કે સરકારે આરબીઆઈની સ્વાયત્તતાને ખોખલી કરી નાખી છે.ટી.કે અરુણના મતે આરબીઆઈ નાણામંત્રાલયનું અંગ છે. તેમના મતે આરબીઆઈ પાસે સરકારને પૈસા આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.નોટબંધીથી શું ફાયદો થયો એવો સવાલ સામાન્ય લોકોથી માંડીને સત્તાની પરસાળોમાં પૂછાઈ રહ્યો છે.સત્તાધારી પક્ષ તરફથી નોટબંધીની સફળતા સંબંધે કોઈ દમદાર દલીલ હજુ સુધી સાંભળવા મળી નથી.નોટબંધીની જાહેરાત કરતી વખતે નરેન્દ્ર મોદીએ નોટબંધીથી થનારા ફાયદાઓમાં કાળાનાણાંથી માંડીને ઉગ્રવાદ અને આતંકવાદ પર અંકુશ લગાવવા સુધીની બાબતોને સામેલ કરી હતી.નોટબંધી દરમ્યાન બૅંકિંગ સિસ્ટમમાં પાછી આવેલી નોટો વિશેની સંપૂર્ણ માહિતી રિઝર્વ બૅન્કે હવે જાહેર કરી છે.તેમાં જણાવ્યા મુજબ, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૯૯.૩ ટકા નોટો બૅંકોમાં પાછી આવી ગઈ હતી.રિઝર્વ બૅન્કે આપેલી માહિતી અનુસાર નોટબંધીના સમયે દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની કુલ ૧૫.૪૧ હજાર કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.એ પૈકીની ૧૫.૩૧ હજાર કરોડ રૂપિયાની નોટો સિસ્ટમમાં પરત આવી ગઈ છે.તેનો અર્થ એ થયો કે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની નોટો સિસ્ટમમાં પાછી આવી નથી.તેમાં કાળા નાણાં પર અંકુશ લાદવાની વાત સાચી સાબિત થઈ નથી.નોટબંધી અમલી બન્યાના બે સપ્તાહ બાદ તત્કાલીન ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ નોટબંધીનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કરતાં કહ્યું હતું, સરકારે આ પગલું ઉત્તર-પૂર્વ તથા કાશ્મીરમાં ભારત વિરુદ્ધ આતંકવાદને વેગ આપવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલા ચાર લાખથી પાંચ કરોડ રૂપિયાના ચલણને બહાર કાઢવા માટે લીધું છે.
રોહતગી સરકારનો પક્ષ જ રજૂ કરી રહ્યા હતા પણ એ ચાર લાખથી પાંચ કરોડ રૂપિયા પણ બૅંકિંગ સિસ્ટમમાં પાછા આવી ગયા છે.૨૦૧૭ની ૧૫ ઑગસ્ટે આપેલા ભાષણમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે ત્રણ લાખ કરોડ રૂપિયા ક્યારેય બૅંકિંગ સિસ્ટમમાં આવતા ન હતા, તે આવ્યા છે.વડા પ્રધાનના એ નિવેદનને યાદ કરાવતાં ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે સવાલ કર્યો છે કે ખોટું કોણ બોલ્યું હતું?બનાવટી નોટો પર અંકુશ લગાવવામાં પણ સરકાર સફળ થઈ નથી.રિઝર્વ બૅન્કના જણાવ્યા મુજબ, બનાવટી ચલણી નોટો જપ્ત કરવાનો સિલસિલો ૨૦૧૭-૧૮ દરમ્યાન પણ ચાલુ રહ્યો છે.૨૦૧૭-૧૮ દરમ્યાન ૫૦૦ની ૯,૮૯૨ અને ૨,૦૦૦ની ૧૭,૯૨૯ બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. તેનો અર્થ એ કે સિસ્ટમમાં બનાવટી નોટો આવવાનું ચાલુ છે.નોટબંધીની જાહેરાત પહેલાં ૨૦૧૬ની ૨૭ નવેમ્બરના પોતાના ’મનકી બાત’ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ નોટબંધીને ’કૅશલેસ ઇકૉનૉમી’ માટે જરૂરી પગલું ગણાવી હતી.
જોકે, નોટબંધીનાં લગભગ બે વર્ષ પછીના રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, લોકો પાસે હાલ સૌથી વધારે રોકડ છે.રિઝર્વ બૅન્કના જણાવ્યા મુજબ, ૨૦૧૬ની નવમી ડિસેમ્બરે સામાન્ય લોકો પાસે ૭.૮ લાખ કરોડ રૂપિયા હતા, એ પ્રમાણે ૨૦૧૮ના જૂન સુધીમાં વધીને ૧૮.૫ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.તેનો અર્થ એ થયો કે સામાન્ય લોકો પાસેની રોકડનું પ્રમાણ નોટબંધીના સમય કરતાં બમણું થઈ ગયું છે.એટલું જ નહીં, રિઝર્વ બૅન્કના આંકડા મુજબ, સામાન્ય લોકો પાસેના નાણાંમાં રાષ્ટ્રીય આવકના ૨.૮ ટકા સુધીનો વધારો થયો છે, જે ગત છ વર્ષમાં સૌથી વધારે છે.નોટબંધીની અસર દેશના આર્થિક વિકાસ દરની ગતિ પર થઈ છે.૨૦૧૫-૧૬ દરમ્યાન જીડીપીનો વૃદ્ધિદર ૮.૦૧ ટકાની આસપાસનો હતો, જે ૨૦૧૬-૧૭માં ૭.૧૧ ટકા થઈ ગયો હતો અને હવે તે ૬.૧ ટકાના સ્તરે આવી ગયો છે.આ સંબંધે મોદી સરકાર પર નિશાન તાકતાં પી. ચિદમ્બરમે એવી ટ્‌વીટ કર્યું હતું, ભારતીય અર્થતંત્રને વૃદ્ધિના સંદર્ભમાં દોઢ ટકા નુકસાન થયું છે. તેનાથી એક વર્ષમાં અઢી લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.૧૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એટલું જ નહીં, ૧૫ કરોડ રોજમદાર મજૂરોના કામધંધા બંધ થયા છે. હજ્જારો ઉદ્યોગો બંધ થઈ ગયા છે. લાખો લોકોની નોકરી ચાલી ગઈ છે.જોકે, નોટબંધીને કારણે ૧૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાનું ખાતરીપૂર્વક કહી ન શકાય પણ એ લોકો નોટબંધી વખતે બૅંકો સામે લાગેલી લાઇનોમાં વિવિધ કારણોસર મૃત્યુ પામ્યાં હતાં.એ કારણસર વિરોધ પક્ષ એ લોકોનાં મૃત્યુ માટે નોટબંધીને જવાબદાર ઠરાવતો રહ્યો છે.રિઝર્વ બૅન્કના આંકડા જાહેર થતાં પહેલાં નાણાકીય બાબતોની સંસદની સ્થાયી સમિતિના રિપોર્ટને પણ, ભારતીય જનતા પક્ષે (ભાજપ) તે સમિતિમાંની પોતાની બહુમતિનો ઉપયોગ કરીને જાહેર થવા દીધો ન હતો.
૩૧ ઑગસ્ટ સમિતિના કાર્યકાળનો છેલ્લો દિવસ છે અને મીડિયાના અહેવાલો મુજબ, નોટબંધીને કારણે દેશના અર્થતંત્રની વૃદ્ધિ એક ટકા ઓછી થઈ હોવાનું સમિતિએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.સેન્ટર ફઑર મૉનિટરિંગ ઇંડિયન ઇકૉનૉમી(સીએમઈઆઈ)ની કન્ઝ્યૂમર પિરામિડ્‌ઝ હાઉસહોલ્ડ સર્વિસ(સીપીએચએસ)ના આંકડા મુજબ, ૨૦૧૬-૧૭ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૧૫ લાખ નોકરીઓ ગઈ હતી.ભાજપના સહયોગી સંગઠન ભારતીય મજદૂર સંઘે પણ નોટબંધી વિશે કહ્યું હતું,અસંગઠીત ક્ષેત્રનાં અઢી લાખ એકમો બંધ થઈ ગયાં છે અને રિઅલ એસ્ટેટ પર પણ માઠી અસર થઈ છે. લોકોએ મોટા પ્રમાણમાં નોકરી ગુમાવી છે.નોટબંધીની જાહેરાત કરતી વખતે નરેન્દ્ર મોદીએ દેશમાં ફંડ મેળવતા નક્સલવાદીઓના અને દેશ બહારથી ભંડોળ મેળવતા આતંકવાદીના કૃત્યો પર નોટબંધીને કારણે અંકુશ લાગવાની વાત કરી હતી.જોકે, ગયા મંગળવારે જે રીતે પાંચ માનવાધિકાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર નક્સલવાદીઓ સાથે સંબંધના આરોપ મૂકવામાં આવ્યા છે.શહેરી નક્સલીઓને વાતોનો જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાનમાં લેતાં સવાલ થાય છે કે નોટબંધી પછી પણ નક્સલવાદીઓના ટેકેદારો આટલા મજબૂત થયા છે?
કાશ્મીરમાં ઉગ્રવાદીઓના હુમલામાં નોટબંધીને કારણે કોઈ ઘટાડો થયો નથી.રાજ્ય સભાના સભ્ય નરેશ અગ્રવાલના એક સવાલના જવાબમાં કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ ગંગારામ આહિરે ગૃહમાં જણાવ્યું હતું કે ૨૦૧૭ના જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં કાશ્મીરમાં ૧૮૪ આતંકવાદી હુમલા થયા હતા. એ પ્રમાણ ૨૦૧૬માં થયેલા ૧૫૫ આતંકવાદી હુમલા કરતાં ઘણું વધારે હતું.ગૃહ મંત્રાલયના ૨૦૧૭ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીરમાં ૩૪૨ ઉગ્રવાદી હુમલા થયા હતા, જે ૨૦૧૬માં થયેલા ૩૨૨ હુમલા કરતાં વધારે હતા.એટલું જ નહીં, ૨૦૧૬માં થયેલા હુમલાઓમાં ૧૫ લોકો મૃત્યુ પામ્યાં હતાં પણ ૨૦૧૭માં ૪૦ સામાન્ય લોકો ઉગ્રવાદી હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં.કાશ્મીરમાં ૨૦૧૮ની શરૂઆતથી પણ ઉગ્રવાદી હુમલાઓ ચાલુ છે.નોટબંધીના ફાયદાની વાત બાજુ પર રહી પણ નોટબંધીના અમલમાં રિઝર્વ બૅન્કને હજ્જારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.નવી નોટો છાપવા માટે રિઝર્વ બૅન્કે ૭,૯૬૫ કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.રોકડની અછત ન સર્જાય એ માટે વધુ નોટ બજારમાં ઉપલબ્ધ કરાવવા રિઝર્વ બૅન્કે વ્યાજ પેટે ૧૭,૪૨૬ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.એ ઉપરાંત નવી નોટો માટે એટીએમમાં ટેક્નિકલ ફેરફાર કરવામાં સિસ્ટમે કરોડો રૂપિયા ખર્ચવા પડ્યા હતા.આ પરિસ્થિતિમાં નોટબંધી સંબંધે સરકાર માત્ર એક ફાયદો ગણાવી શકે તેમ છે.૨૦૧૭-૧૮ના આર્થિક સર્વેક્ષણ મુજબ નોટબંધી પછી દેશમાં કર ચૂકવતા લોકોની સંખ્યામાં ૧૮ લાખનો ઉમેરો થયો હતો.ભૂતપૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે ૨૦૧૭ની સાતમી નવેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે નોટબંધી તો ઑર્ગેનાઇઝ્‌ડ લૂંટ(સંગઠીત લૂંટ) છે, લીગલાઈઝ્‌ડ પ્લન્ડર (કાયદેસરની ઉચાપત) છે.મનમોહન સિંહના આ આક્ષેપનો જવાબ આપવાથી નરેન્દ્ર મોદી સરકાર હાલ બચી રહી છે.

Related posts

अफसरों की धुलाई: गडकरीजी, क्या ये मोब लिंचिंग का कोई नया अवतार है क्या..?

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

પહેલા કામ ક્રોધ લોભ મોહ રૂપી રાવણનું દહન કર પછી હું તને ભરપુર પ્રેમ કરીશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1