Aapnu Gujarat
બ્લોગ

ઉત્તર કોરિયા અને ચીનની દોસ્તી : અમેરિકાનું ખુન્નસ

ઉત્તર કોરિયામાં ત્રીજી પેઢીનો શાસક યુવાન છે અને નાદાન પણ. અહીં નાદાની નિર્દોષ નથી, પણ દુનિયાને મોટી હાનિ કરે તેવી છે. કિમ જોંગ-ઉન પિતાના અવસાન પછી ઉત્તર કોરિયાનો શાસક બન્યો. તેના પિતા હતા કિમ જોંગ-ઇલ અને દાદા હતા કિમ ઇલ-સંગ. દાદાના પ્રતાપે બે પેઢી સરખુખત્યાર તરીકે રહી. કિમ પરિવારની અટક છે. કિમ પરિવારના વડવા ઇલ-સંગ ૧૯૪૮માં દેશના વડા બન્યા હતા. જાપાનની ઘૂંસરીમાંથી દેશને મુક્ત કરાવવા લડત ચાલેલી તેમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેના કારણે સત્તા હાથમાં આવ્યા પછી તેમણે છોડી નહીં અને ૪૫ વર્ષ શાસન કર્યું. ૧૯૯૪ સુધી તેમનું શાસન ચાલ્યું અને તેમના મૃત્યુ પછી તેમના દીકરાએ સત્તા સંભાળી લીધી.આમ તો ૧૯૮૦થી જ જોંગ-ઇલે સત્તા સંભાળવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પિતા ૧૯૯૪ સુધી જીવ્યા. ૧૯૯૪ પછી સંપૂર્ણ સત્તા મળી અને ૨૦૧૧ સુધી તેમણે શાસન કર્યું. તેમના મોત પછી પૌત્ર જોંગ-ઉન સત્તા આવ્યો અને ત્યારથી અત્યાર સુધી ધમાલ કરતો આવ્યો છે. આ વાછરડું જેના જોરે કૂદતું હતું તે ખીલો ચીનનો હતો. ચીન પડોશી દેશ છે અને એક જ એવો પડોશી દેશ જેની સાથે ઉત્તર કોરિયાના સારા સંબંધો હોય. જાપાન સાથે અને દક્ષિણ કોરિયા સાથે તો દુશ્મની છે. રશિયા સાથે પણ ખાસ સંબંધો નહિ અને અમેરિકા સામે લડવાના હોંશ.
ઉત્તર કોરિયાની સૌથી લાંબી સરહદ ચીન સાથે છે અને સૌથી સારા સંબંધો તેની સાથે રહ્યા છે. દક્ષિણ કોરિયા સાથે યુદ્ધ થયું ત્યારે ૧૯૨૦-૫૩ દરમિયાન ચીન તેની પડખે રહ્યું હતું. બંને દેશો વચ્ચે સંરક્ષણના મુદ્દે કરાર પણ થયેલા છે. પરંતુ અણુ ધડાકા અને છેલ્લે શંકા છે તે પ્રમાણે હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ ઉત્તર કોરિયાએ કર્યું. આ ઉપરાંત મિસાઇલો છોડી જે જાપાન ઉપરથી ઊડીને ભય ફેલાવતી ગઈ હતી. તે પછી અમેરિકાએ પોતાના વિમાનો ઉત્તર કોરિયાની સીમામાં ઉડાડ્યા. મામલો તંગ થતો જોયા પછી ચીને વલણ ફેરવ્યું છે. ચીન હવે કહી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે વાતચીત કરવી જોઈએ.
ચીનના આ બદલાયેલા વલણ પાછળ સ્ટ્રેટેજીક કારણ પણ હોઈ શકે છે. જો ખરેખર આવી યુદ્ધ પડે તો કઈ દીશામાં જવું તે વધુ મોકળાશથી નક્કી કરી શકાય તે માટે ચીન ઉત્તર કોરિયા સાથે વચને બંધાઈ જવા માગતું નથી. ચીન આડકતરી રીતે બેફામ બનેલા કિમ જોંગ-ઉનને કાબૂમાં પણ રાખવા માગે છે. હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ પણ ઉત્તર કોરિયાએ કર્યું છે તેમ મનાય છે. પોતાના પડખામાં બેઠેલો દેશ આવા ખતરનાક શસ્ત્રો સાથે અખતરા કરે તે પણ ચિંતાનું કારણ છે. મિસાઇલ આડેધડ ઊડાડીને જોંગ-ઉને સૌને ચિંતામાં મૂકી દીધા છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયા ટકી ગયું, કેમ કે ચીનનો સાથે તેને હતો. પણ ચીન નથી ઇચ્છતું કે આ સાથ તેને પોતાને જ મોંઘો પડે. ચીનના કહ્યામાં પણ જોંગ-ઉન ના હોય તેવી છાપ પડી છે તે પણ ચીનના ધ્યાન બહાર નથી. બીજો સૌથી મોટો ખતરો દક્ષિણ કોરિયાને છે. દક્ષિણ કોરિયાએ પણ સીધી ચીન સાથે વાત કરવાની કોશિશ કરી છે. અમેરિકા પણ ઇચ્છે છે કે આ મુદ્દે ચીન સાથે વાતચીત થાય. ચીને અત્યાર સુધી આ બંને દેશો સાથે સંયુક્ત રીતે વાત કરવાનું ટાળ્યું છે. ઉત્તર કોરિયા સાથેના સંબંધોને કારણે ચીન વાત ટાળતું હતું. હવે ચીન પોતે જ કહેવા લાગ્યું છે કે ઉત્તર કોરિયાએ વાતચીતના ટેબલ પર બેસવું જોઈએ.
ઉત્તર કોરિયા જો આ સલાહનું પાલન ના કરે તો ચીન પોતે વિશ્વના દેશો સાથે વાતચીત કરવા માટે પોતાને મુક્ત અનુભવી શકે છે. પોતાની સરહદ નજીક યુદ્ધ જેવી સ્થિતિમાં ચીન નિષ્ક્રિય થઈને બેસી રહી શકે નહિ. મહાસત્તા બનવા માટેના આ લક્ષણો નથી. તેથી ઉત્તર કોરિયાને પણ મેસેજ આપવો જરૂરી છે કે બંને વચ્ચેના સંબંધો દ્વિપક્ષી ખરા, પણ ચીને તો દુનિયા સાથેના બહુપક્ષી સંબંધોનો વિચાર કરવાનો છે.
ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તન આવે ત્યારે તેના અણુશસ્ત્રોનું શું કરવું તે સવાલ અગત્યનો છે. ચીન નથી ઈચ્છતું કે દક્ષિણ કોરિયાને આગળ કરીને અમેરિકન દળો ઉત્તર કોરિયામાં ઘૂસી જાય. યુદ્ધના સંજોગોમાં અમેરિકન દળો ઉત્તર કોરિયામાં હોય તો શસ્ત્રોનો કબજો તેના હાથમાં પણ જઈ શકે છે. ચીન આ વાત મંજૂર રાખી શકે નહિ.બીજી તકલીફ ઊભી થાય ઉત્તર કોરિયામાંથી હજારો લોકો નિરાશ્રિત તરીકે ચીનમાં આવી ચડે. દક્ષિણ કોરિયાની સરહદથી આક્રમણ થવાનું એટલે તે તરફ નિરાશ્રિતો જઈ શકે નહિ. એક માત્ર રસ્તો ચીનનો છે. ચીનમાં હજારો નાગરિકો આવી ચડે તો એક નવી માનવીય સમસ્યા પણ ચીન માટે ઊભી થાય. આ દરમિયાન ચીનમાં જ કેટલાક પ્રકાશનોમાં એવી ચર્ચા થઈ છે કે ચીન પોતાની સેના ઉત્તર કોરિયામાં મોકલીને એક સેફ્ટી ઝોન પણ ઊભો કરી શકે છે. નાગરિકો પોતાના વિસ્તારમાં ના આવે, પણ ઉત્તર કોરિયામાં જ રહે. આ સેફ્ટી ઝોનમાં નાગરિકોના રાખવામાં આવ્યો હોય એટલે અમેરિકા અને સાથી દેશો તે દિશામાં હુમલો પણ ના કરી શકે. યુદ્ધ વકરે અને તે સંજોગોમાં ઉત્તર કોરિયાની હાર પછી કબજો કરવાની વાત આવે તો પણ ચીનનો હાથ ઉપર રહી શકે. આ બધી ગણતરીને ધ્યાનમાં લઈને જ ચીને અત્યારથી જ ઉત્તર કોરિયાને સાથ આપવાનું બંધ કરી દીધું હોય તેમ લાગે છે. અમેરિકાની અનેક ધમકીઓને ઘોળીને પી જનાર ઉત્તર કોરિયા વારંવાર પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. અને દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપી રહ્યું છે. નાનકડા એવો દેશ અમેરિકાને નચાવી રહ્યો છે. આવો નાનો દેશ ઉત્તર કોરિયા અને અમેરિકાના વણસેલા સંબંધો વિશ્વને કેવી રીતે યુદ્ધ તરફ દોરી રહ્યાં છે તે જાણતાં પહેલાં કોરિયાના ઈતિહાસ વિશે થોડી માહિતી મેળવી લઈએ. કોરિયાઈ સભ્યતા અને ભૂતકાળનું સંયુક્ત કોરિયા વર્તમાન સમયમાં બે સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. બીજા વિશ્વયુદ્ધ પછી તત્કાલીન મહાસત્તા સોવિયેત સંઘની સાથે અમેરિકા પણ નવી શક્તિ બનીને ઉભરી આવ્યું. જેમાં કોરિયાના ઉત્તર ભાગ પર રશિયાએ જ્યારે દક્ષિણ ભાગ પર અમેરિકાએ પોતાનો દાવો રજૂ કર્યો. ત્યારબાદ ૧૯૪૮માં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યાં.
દક્ષિણ કોરિયા, રીપબ્લિક ઓફ કોરિયા તરીકે ઓળખાય છે. આ દેશની રાજધાની સિઓલ વિશ્વનું બીજા નંબરનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહેર છે. જ્યારે ઉત્તર કોરિયા, કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ઓળખાય છે. દેશની રાજધાની અને સૌથી મોટું શહેર પ્યોંગયાંગ છે.દક્ષિણ કોરિયા પર અમેરિકાનું પ્રભુત્વ હોવાથી અમેરિકાએ તેનો વિકાસ કર્યો અને તેને બિઝનેસ હબ તરીકે વિકસાવ્યું. તેથી સ્વાભાવિક રીતે જ દક્ષિણ કોરિયા રાજકીય અને વ્યાપારિક રીતે અમેરિકાનું સમર્થક બન્યું. જ્યારે ઉત્તર કોરિયાએ પોતાની ઓળખ આત્મનિર્ભર સમાજવાદી દેશ તરીકે બનાવી. ઉત્તર કોરિયા પર પરંપરાગત રીતે કિમ ઈલ સુંગ અને તેના પરિવારનું શાસન રહ્યું છે.કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાનો સર્વોચ્ચ નેતા છે. તે કિમ જોંગ ઈલનો (૧૯૪૧-૨૦૧૧) પુત્ર છે અને કિમ ઈલ સુંગનો (૧૯૧૨-૧૯૯૪) પ્રપૌત્ર છે. કિમ જોંગે ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ પોતાને ઉત્તર કોરિયાનો સર્વોચ્ચ નેતા બનાવ્યો અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી. ઉત્તર કોરિયા એક ગરીબ દેશ છે છતાં તેઓ હથિયારોની હોડમાં સૌથી આગળ છે અને પરમાણું હથિયારોનું સતત પરીક્ષણ કરી રહ્યું છે. જેને લઈને અમેરિકા સાથેના તેના સંબંધો એટલી હદ સુધી વણસી ગયાં છે કે, શાબ્દિક યુદ્ધની ચરમસીમા વટાવી બંને દેશ યુદ્ધનું કાઉન્ટ ડાઉન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન લાંબા અંતરની મિસાઇલ પરીક્ષણ અને પરમાણુ કાર્યક્રમને લઈને આગળ વધી રહ્યાં છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે, ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ બંધ કરે. જોકે આ મામલે કિમ જોંગે ડોનાલ્ડ ટ્રમ્પને પાગલ કહી તેમની મજાક પણ ઉડાવી છે.બીજી તરફ ઉત્તર કોરિયાએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા તેના વિરુદ્ઘ સૈન્ય કાર્યવાહી કરશે તો તે અમેરિકા ઉપર અત્યંત શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનો હુમલો કરતાં પણ અચકાશે નહીં. હવે સવાલ એ છે કે, દુનિયાથી અલગ અને એક ગરીબ દેશે પરમાણું હથિયાર કેવી રીતે મેળવ્યા? ઉત્તર કોરિયાએ આ વર્ષે બે મોટા સૈન્ય પ્રદર્શન, અનેક મિસાઇલ પરીક્ષણ અને છ પરમાણુ પરીક્ષણનો દાવો કરી દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ઉત્તર કોરિયાએ આ જ વર્ષે કહ્યું હતું કે તે કોઇ પણ પડકારનો સામનો કરવા તૈયાર છે.ઉત્તર કોરિયા દ્વારા અમેરિકાને આપવામાં આવેલી પરમાણુ હુમલાની ધમકી બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયાં છે. તેમણે કહ્યું કે હવે અમેરિકાની ધીરજ ખૂટી રહી છે. તો દક્ષિણ કોરિયાએ પણ અમેરિકાનો સહયોગ કરતાં કહ્યું છે કે, ઉત્તર કરિયા દ્વારા ઉશ્કેરણી કરવા પર તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. વ્હાઈટ હાઉસમાં અમેરિકાન પ્રેસિડેન્ટ સાથેની મુલાકાતમાં દક્ષિણ કોરિયાના વડા મૂન જાએ ઈને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઉત્તર કોરિયાની સમસ્યાનું કાયમી સમાધાન કરવું અનિવાર્ય છે. આ મુદ્દે જલદી અને યોગ્ય સમાધાન લાવવા તેમણે ઉત્તર કોરિયાને ચર્ચા કરવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાએ અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, અમેરિકા ઉત્તર કોરિયાને સીરિયા સમજવાની ભૂલ ન કરે.

Related posts

વિરમગામના પુંજાભાઈ મારવાડી રામદેવપીરના નોરતામાં ખાય છે લીલા મરચાની ફરાળ

aapnugujarat

काजू-बादाम अखरोट खायेंगे सरकारीबाबू..कुपोषित बच्चे भले दम तोड़ दे, वाह रे हेल्थ मंत्रीजी..वाह..!

aapnugujarat

માઓવાદી અને નકસલવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1