Aapnu Gujarat
બ્લોગ

મારા કામની પ્રશંસા થાય તે મને બહુ ગમે છે : રાજકુમાર રાવ

ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા ન હોય એવા કલાકારોને બોલીવૂડમાં પગ મૂકવાની જગ્યા મેળવતા થોડી વાર લાગે, તેમના ભાગે થોડો વધુ સંઘર્ષ કરવાનો આવે,પરંતુ જો તેમનામાં અભિનય ક્ષમતા હોય, પોતાના કામ પ્રત્યે કટિબધ્ધતા હોય તો તેમને સતત કામ મળતું રહે છે એ વાત રાજકુમાર રાવને જોઇને સહેજે સમજાઇ જાય. વર્ષ ૨૦૧૦માં ’લવ સેક્સ ધોખા’ દ્વારા બોલીવૂડમાં કદમ માંડનાર રાજકુમાર રાવ હજી માત્ર ૨૮ વર્ષનો છે.પણ તેણે પોતાની પ્રથમ ફિલ્મ પછી પાછું વળીને નથી જોયું. તેને વર્ષ ૨૦૧૩માં ’શહિદ’ સિનેમા માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. અને ફિલ્મોદ્યોગમાં આવ્યાના ત્રણ જ વર્ષમાં નેશનલ એવર્ડના હકદાર બનવું એ નાનીસુની સિધ્ધિ ન ગણાય. જોકે અભિનેતાને એ વાતનો વસવસો છે કે જો ફિલ્મોદ્યોગમાં આવ્યા પછી તેને કોઇએ વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું હોત તો તે હમણાં કરતાં પણ વધુ સફળ હોત. તે કહે છે કે મારી પહેલી ફિલ્મમાં હંડ મુખ્ય કલાકારોમાંનો એક હતો. ત્યાર પછીની મારી ફિલ્મ ’રાગિણી એમએમએસ’માં મેં મુખ્ય ભૂમિકા ભજવી હતી.પરંતુ તે વખતે જો મને કોઇ સારી રીતે માર્ગદર્શન આપત તો હું હમણાં કરતાં વધુ આગળ વધી ગયો હોત. તે વધુમાં એમ પણ કહે છે કે જો તે વખતે મારી પાસે થોડાં વધુ પૈસા હોત તો હું મારા માટે એક પીઆર એજન્સી રોકી લેત. અને તેઓ પોતે જ મને લાઇમલાઇટમાં રાખત. આ ઈન્ડસ્ટ્રીમાં તમે સતત ક્યાંક દેખાતા રહો, મિડિયામાં ચમકતા રહો તે બહુ જરુરી છે.રાજકુમારનો અભિનય એટલો સહજ હોય છે કે દર્શકોને એવું લાગે જાણે તેને કોઇપણ રોલ ભજવવા માટે જરાય પ્રયાસ જ નથી કરવો પડતો. તે દરેક ભૂમિકા બહુ સરળતાથી ભજવી લે છે. પરંતુ અભિનેતા કહે છે કે આવું બતાવવા માટે પણ પુષ્કળ પ્રયાસ કરવો પડે છે. અભિનય ખરેખર અભિનય જેવો નહીં, બલ્કે સહજ જ લાગવો જોઇએ.તે પોતાના શ્રેષ્ઠ અભિનયનો યશ તેની પુણે ખાતે લીધેલી એફટીઅઆઇઆઇની તાલીમ, થિયેટર તેમ જ દિલ્હીના શ્રીરામ સેંટરને આપે છે. તે કહે છે કે તેને કારણે મને અભિનય સહજ સાધ્ય કરવામાં ઘણી મદદ મળી છે. વળી કામ કામને શીખવેના નાતે તમે તમારા દરેક રોલમાંથી કાંઇને કાંઇ શીખી શકો. હું પણ અનુભવે ઘણું શીખ્યો.રાજકુમારે અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે તેમાં બધામાં તેના કામની પુષ્કળ પ્રશંસા થઇ છે. પરંતુ તે કહે છે કે હું મારા વખાણને મારા શિરે ચડીને બોલવા નથી દેતો. અલબત્ત, મારા કામની પ્રશંસા થાય તે મને બહુ ગમે છે. તેનાથી વધુ સારું કામ કરવાનો પાનો ચડે ત્યાં સુધી ઠીક છે.પરંતુ તેને કારણે મારા વર્તનમાં ફરક ન પડે, હું મારા ચાહકો સાથે ઉધ્ધત ન બની બેસું એ બાબતે હું અત્યંત સભાન રહું છું. ખરૃં કહું તો અભિનય મારા શ્વાસપ્રાણ છે. હું તેના વિના ન જીવી શકું. જો કોઇ મને અભિનયથી દૂર કર ે તો હું હિમાલયની ગોદમાં ચાલ્યો જાઉં. તેથી જ હું મારા દિલોદિમાગ પર અન્ય કોઇ બોજો નથી રાખતો. હું નથી ઇચ્છતો કે બીજું કોઇ દબાણ મારા અભિનયને અસર કરે.રાજકુમારને બોલીવૂડમાં આવ્યે સાત વર્ષના વહાણાં વાઇ ગયા પણ તેણે અત્યાર સુધી કમર્શિયલ ફિલ્મોમાં કામ નથી કર્યું. તે કહે છે કે મને ઘણી કમર્શિયલ ફિલ્મોની ઓફર આવે છે. પરંતુ આવી ફિલ્મો કરવા મારું મન ક્યારેય નથી માન્યું. મને એમ લાગે છે કે આવા સિનેમા મારી વિચારસરણી સાથે મેળ નથી ખાતા. મને તે મોટાભાગે અતાર્કિક અને મૂર્ખ જેવી લાગે છે.હા, મને ડાન્સ કરવાનું ગમે છે. અને મને ’બરેલી કી બરફી’ તેમ જ ’બહન હોગી તેરી’માં ડાન્સ કરવાની તક પણ મળી છે. અલબત્ત, મને બધી ફિલ્મોમાં ડાન્સ કરવાની અબળખા નથી. મને માત્ર અભિનય કરવામાં જ રસ છે. હું એક અભિનેતા છું. અને અભિનય સિવાય કાંઇ કરવા નથી માગતો.રાજકુમાર વર્ષ ૨૦૧૦માં ફિલ્મોમાં આવ્યો તે અરસામાં જ વરૃણ ધવન, સુશાંત સિંહ રાજપૂત અને સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારોનું પણ ફિલ્મોદ્યોગમાં આગમન થયું હતું. આવી સ્થિતિમાં બધા વચ્ચે હરિફાઇ કે હુંસાતુંસી થાય એ સ્વાભાવિક છે. પરંતુ રાજકુમાર ક્યારેય આ બદીનો ભાગ નથી બન્યો. તે કહે છે કે આવી બાબતો તમને ડિપ્રેશનમાં ધકેલી દે છે.જેની અસર છેવટે તમારા કામ પર પડે છે. અને હું નથી ઇચ્છતો કે મારા કામ પર અન્ય કોઇ બાબતની અસર પડે. બાકી હું કિસ્મતમાં માનું છું. અને મારા નસીબમાં જે હશે તે મને મળીને જ રહેશે. બાકી કલાકાર બનવાના શમણાં લઇને દરરોજ કંઇકેટલાય યુવાનો મુંબઇની ધરતી પર ઉતરી પડે છે.પરંતુ બધાના સપના સાકાર નથી થતાં. હું મને ભાગ્યશાળી માનું છું કે મને એક વર્ષની અવધિમાં જ કામ મળતું થઇ ગયું હતું. અલબત્ત, તેમાં મારી મહેનત, લગન અને આવડતના ે ફાળો પણ છે. પરંતુ જો ભાગ્યમાં ન હોય તો તમારું હુન્નર દાખવવાની પહેલી તક જ ન મળે. સામાન્ય રીતે સફળ કલાકારો ઝટપટ સ્ટાર બની જવાના શમણાં જોતાં હોય છે. પરંતુ રાજકુમારને એવી કોઇ અબળખા નથી. તે કહે છે કે સ્ટારડમ મેળવવું અને સંભાળવું બંને અઘરું છે. તમારી એક સફળ ફિલ્મ તમને રાતોરાત સ્ટાર બનાવી દે.પરંતુ ત્યાર પછી તે જાળવી રાખવા માટે તમારે જે તાણ ભોગવવી પડે તે જોતાં સ્ટારડમ ન મળે તોય કાંઇ નહીં. જો તમારી ત્યાર પછીની ફિલ્મો નિષ્ફળ જાય અને તમારું સ્ટારડમ છિનવાઇ જાય તો તે સહન કરવાનું બહુ આકરું થઇ પડે. અને આ ઇન્ડસ્ટ્રીમાં તો દર શુક્રવારે કિસ્મત બદલાય. મારા મતે સ્ટારડમ એક પરપોટો છે જે ગમે ત્યારે ફૂટી શકે છે.અભિનેતાએ સાત વર્ષના ગાળામાં પણ બોલીવૂડમાં ઝાઝા મિત્રો નથી બનાવ્યાં. તે કહે છે કે અહીં મારા મિત્રો છે જ નહીં એવું નથી.પરંતુ બધા પોતપોતાના કામમાં ગળાડૂબ હોય ત્યારે કોઇને ખલેલ પહોંચાડવાનું કેટલું ઊચિત ગણાય? આમ છતાં મને અમિત સાધ અને અનુરાગ કશ્યપ જેવા કેટલાંક મિત્રો છે. અમે ભલે છાશવારે મળતાં નથી. આમ છતાં એકબીજાને સારી રીતે પિછાણીએ છીએ. મહત્વની વાત એ છે કે વિક્રમ મોટવાણે ખાસ્સા સંકુચિત હોવા છતાં મને તેમની સાથે સારી મૈત્રી છે.
રાજકુમારને આધુનિક સમયના ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ ગણવામાં આવે છે. અને અભિનેતા આ બાબતે ગર્વ પણ અનુભવે છે. તે કહે છે કે મને આ બધા કલાકારો પ્રત્યે ખૂબ માન છે. તેમના જેવા ગણાવું એ નાનીસુની સિધ્ધિ ન ગણાય. તેઓ મારા પ્રેરણાસ્રોત છે. અલબત્ત, મારા અભિનય પર તેમનામાંથી કોઇની છાપ નથી. વળી બોલીવૂડનો એવો ક્યો કલાકાર હશે જેને તેમના પ્રત્યે માન નહીંં હોય.અભિનેતાને અભિનેત્રી પત્રલેખા સાથે ગાઢ સંબંધ છે. અને આ વાત તે છૂપાવતો પણ નથી. તે કહે છે કે જ્યારે તમારી પાસે એક જ ક્ષેત્રમાં કામ કરતો પાર્ટનર હોય ત્યારે તમને એકમેક સાથે બહુ જલદી ફાવી જાય. તમારા રસના વિષયો એક જ હોવાથી તમે તેના વિશે ઘણી ચર્ચા કરી શકો, વિચારોની આપ-લે કરી શકો. તે વધુમાં જણાવે છે કે હું અને પત્રલેખા દરરોજ અભિનય વિશે વાતો કરીએ છીએ.અમે પુષ્કળ નેટફિક્સ અને એમેઝોન જોઇએ છીએ અને તેના વિશે પણ વાતો કરીએ છીએ. આ સિવાય અમને બંનેને ફરવાનો પણ બહુ શોખ છે. અને મઝાની વાત એ છે કે અમે બંને સાથે મળીને અડધી દુનિયા ખુંદી વળ્યા છીએ.

Related posts

બકાના ગતકડા

editor

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ખતરાજનક બની રહેશે

aapnugujarat

વિશ્વને હાલમાં ૭ કરોડ શિક્ષકોની જરૂર : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1